Tuesday, March 31, 2009

વરુણ ગાંધી એટલે...


વાહ વાહ! મેનકા ગાંધીનો રાજકુમાર વરુણ છેવટે જેલમાં જઇને ચર્ચાના ચકડોળે ચડીને જ રહ્યો। છેલ્લાં પાંચેક વર્ષથી રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની નોંધ લેવાય તેવું વરુણબાબા ઇચ્છતાં હતાં. પણ નકારાત્મક અભિગમોની જ નોંધ લેવા ટેવાયેલા મીડિયાએ પાંચ વર્ષ વરુણબાબુની કવિતાઓ પર પણ ધ્યાન આપ્યું નહોતું એટલે કવિહ્રદયે પોતાનો બધી નિરાશા પીલીભીતમાં ઠાલવી દીધી હતી. પીલીભીતની ભીંતોમાં ભડાકા કરતાં વરુણ અંકલનો ભૂત થઈ ગયેલો થોડો કાળ જાણીએ.

ભાજપના સંજય ગાંધી બનવા થનગની રહેલાં વરુણ બાબાનો જન્મ વર્ષ 1980માં થયો છે। તેમણે ત્રણ મહિનાની ઉંમરે જ આક્રમક અને નસબંધી સ્પેશ્યાલિસ્ટ પિતા સંજય ગાંધીને એક વિમાન અકસ્માતમાં ગુમાવ્યાં હતા. તે પછી તેમની જીવદયાપ્રેમી માતા મેનેકા ગાંધીના સંવદેનશીલ હ્રદયને તે સમયના શક્તિશાળી મહિલા ઇન્દિરા બા સમજી શક્યાં નહીં કે પછી બાની વેદના મેનેકાજીને સ્પર્શી શકી નહીં. એ જે થયું હોય તે પણ ઇન્દુ બાના મગજનો પારો એટલો બધો ઊંચો ચડ્યો કે મેનેકાજીને ગાંધી પરિવારમાંથી સંન્યાસ લેવો પડ્યો. તે સમયે બાળવરુણની ઉંમર માત્ર ત્રણ વર્ષની હતી.

તે પછી વરુણ મેનેકા મૈયાની છત્રછાયામાં ઉછેર્યા. ઇંગ્લેન્ડમાં હેરો ઉપરાંત વરુણે થોડો સમય ઋષિ વેલીમાં અને દિલ્હીની બ્રિટિશ સ્કૂલમાં પણ અભ્યાસ કર્યો. તેમની મોટાભાગની જવાની દિવાની દેશની બહાર જ પસાર થઈ છે. તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસમાં અભ્યાસ કરવા ગયા હતા, જ્યાં તેમણે અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન અને પબ્લિક પોલિસીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. પણ તેમના મૂળ વેદના-સંવેદનામાં રહ્યાં છે.
માતાની પશુ-પંખીઓ અને પ્રાણીઓ પ્રત્યેની સંવેદનાના સંસ્કાર પુત્રહ્રદયમાં પણ ઉતર્યા। વરુણ કવિવર અટલબિહારી વાજપેયીની જેમ કવિતા કરવા લાગ્યાં. તે પરથી જ તેઓ ભાજપમાં પ્રવેશશે તેવા સંકેત મળ્યાં હતા.

રાજકારણમાં પ્રવેશ કરતાં પહેલાં વરુણે એક પોર્ટોફોલિયો મેનેજમેન્ટ કંપની શરૂ કરી હતી। આ કંપની લોકોને રોકાણ કરવાની સલાહ આપતી હતી. પાછળથી વરુણે આ કંપની વેચી દીધી હતી. તેના મિત્રોનું કહેવું છે કે, વરુણનો જીવ મૂળે કવિનો છે એટલે જે લોકો રોકાણની સલાહ લેવા આવતાં તેમને વરુણની કવિતાનો મારો વધારે સહન કરવો પડતો હતો. આ વાત ધીમેધીમે ફેલાઈ ગઈ અને વરુણની મેનેજમેન્ટ કંપનીનું નામ સાંભળતા લોકો સમક્ષ કવિ અને કવિતાનું દ્રશ્ય ખડું થઈ જતું હતું. તે પછી તેમણે રાજકારણના મેદાનમાં ઝંપલાવ્યું હતું. તેમને કાદવની વચ્ચે ખીલેલા કમળમાં ખેંચી લાવ્યાં આનંદ-પ્રમોદ મહાજન.

ભાજપમાં પ્રવેશ કર્યો ત્યારે વરુણે જેન્ટલમેનેની જેમ સોનિયા ગાંધી અને પિતરાઈ ભાઈ-બહેન રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીની ટીકા નહીં કરવાનું વચન આપ્યું હતું. પણ કહેવાતા હિંદુવાદી પક્ષ ભાજપમાં પ્રવેશની જાહેરાત કરવા યોજાયેલી પત્રકાર પરિષદમાં જ વરુણબાબાએ વચનભંગ કરી રાજકારણી બનવાની યોગ્યતાનો પરિચય કરાવી દીધો હતો. તેમણે સોનું આન્ટી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ''મારી પાસે લેખિત ભાષણ તૈયાર છે, પણ હું તેને વાચીશ નહીં. નહીં તો તમે વિચારશો કે હું રીડર છું, લીડર નહીં.''
લોકસભાની ચૂંટણીમાં ભાજપનું સૂરસુરિયું થયું પછી વરુણનું કવિહ્રદયમાં વેદનાના વમણ સર્જાયા હતા અને તેમાંથી એક પુસ્તક પ્રકાશિત થયું હતું। હવે તેમણે કવિતાઓનું બીજું પુસ્તક પૂરું કરવા માટે સમય કાઢ્યો છે અને જેલમાં આ પુસ્તક પૂર્ણ કરવા સમય મળી જશે. આ સારું. જેલમાં જાવાનું, કવિતાઓ કરવાની અને પાછું ચૂંટણી પણ જીતી જવાની. (અત્યારે તેમની ચૂંટણી જીતવાની શક્યતા વધી ગઈ છે) ખરેખર પાક્કો ગાંધી!

વરુણબાબાને ચર્ચાના ચકડોળે ચડવા ઉપરાંત ચર્ચા-વિચારણા કરવાનો શોખ પણ છે। તે જાપાની લેખક હારુકી મુરાકામીની કૃતિઓ પર ચર્ચા કરવાનું પસંદ છે અને પોતાના મિત્રોને ચિમામંદા ન્ગોજી આદિશીના નવા પુસ્તક હોફ ઓફ યેલો સન વાંચવાની સલાહ આપે છે.

તમને થશે કે આટલું ભણેલો યુવાન અને કવિનું હ્રદય ધરાવતાં વરુણે તેના ભાષણમાં તેઝાબી શબ્દોનો ઉપયોગ કેમ કર્યો? શું તેને હિંદુઓ અને હિંદુત્વ પર ખરેખર પ્રેમ છે? આ વરુણબાબાના રાજકારણના પ્રયોગોની શરૂઆત છે। તેમને ન તો હિંદુઓ પર પ્રેમ છે ન હિંદુત્વ પર. તેઓ તો સંસદમાં પ્રવેશવા મારગ મોકળો કરી રહ્યાં છે.

પીલીભીત લોકસભા બેઠકનાં વિસ્તારમાં વિધાનસભાની પાંચ બેઠક આવે છે જેમાંથી ત્રણ બેઠક પર મુસ્લિમ ધારાસભ્યો છે. આ સંસદીય વિસ્તારમાં કુલ 15 લાખ મતદાતા છે જેમાં લગભગ 33 ટકા મુસ્લિમ મતદાતા છે. વરુણ સારી રીતે જાણે છે કે લોકસભાની છેલ્લી ચૂંટણીમાં વાજપેયી અને અડવાણી સહિત અનેક નેતાઓએ લીલી પાઘડી બાંધીને ફોટા પડાવ્યાં હતા તો પણ પક્ષને મુસ્લિમોને મત મળ્યાં નહોતા. એટલે તેણે પીલીભીતનાં મતદારોમાં કોમી ભાગલા જ પાડી દીધા. તેમાં પણ મુસ્લિમ મતદારોના મત બીએસપી, સમાજવાદી પક્ષ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે વહેંચાઈ જશે. આ પ્રકારની ગણતરી વરુણબાબા અને ભાજપના આંકડાશાસ્ત્રીઓની છે.

1 comment:

Vijay Parmar said...

Wah,

Varun is a poet? Really, it is more shocking than his jehadi speech.

GooD dear