Thursday, March 12, 2009

મનુભાઈ, મનુ અને મનિયો......!



''તું ચિંતા ન કર. આપણી ગુજરાતી છોકરીઓ શરૂઆતમાં કોઈ પણ છોકરાને પહેલાં ભાઈ જ કહે છે. ગુજરાતણો પહેલાં ભઈલો બનાવે છે. જામે એવું છે કે નહીં તેની તપાસ કરી લે છે. પછી ઠીક લાગે તો ફ્રેન્ડશિપ ડેને દિવસે ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી દે છે અને પછી તમે કેટલા આગળ વધો છો તેના પર બધું ડીપેન્ડ છે. તું તેની પાછળ લાગ્યો રહે. કામ થઈ જશે.''
થોડા દિવસ પહેલાં હું ઓફિસના કામમાંથી નવરાશની પળો માણવા બહાર ગયો ત્યારે બે મિત્રો વચ્ચે ચાલતી વાત અજાણતા કાને પડી ગઈ. એક મિત્ર લવગુરુની ભૂમિકામાં હતો અને બીજા મિત્રની હાલત પ્રેમીપારેવા જેવી હતી. બીજો યુવાન જેના પ્રેમમાં હતો તે યુવતી તેને ભાઈ કહીને બોલાવતી હતી તેવું વાત પરથી જણાયું. પણ લવગુરુની વાતમાં દમ હતો. ગુજરાતણો (મોટા ભાગની) શાણી, સમજુ અને વ્યવહારદક્ષ હોય છે. છેલ્લાં ચારથી પાંચ વર્ષ દરમિયાન મેં પણ જમાના સામે પહેલાં ભાઈ-બહેન હોવાના ઢોલ પીટતાં અને પછી મિયા-બીબી બનીને 'ખટિયા ભી ધીમે ધીમે ખટ ખટ' કરતાં કિસ્સા જોયા છે. ચલો, આવાં જ એક કિસ્સા વિશે વાત કરીએ....

હમણાં જ મિત્ર મનુએ શ્યામા (નામ બદલવામાં આવ્યાં છે) સાથે પ્રેમલગ્ન કર્યા। શ્યામા અને મનુ બંને એકસાથે નોકરી કરતાં હતા. (અત્યારે શ્યામા હાઉસવાઇફ છે) શ્યામાને જોતાં જ મનિયો ગાંડો થઈ ગયો હતો. પણ શ્યામા પાક્કી ગુજરાતણ. તેણે ઓફિસમાં પગ મૂકતાં જ 'મનુભાઈ, ઓ મનુભાઈ' કહી બોલાવતા 'માય ડીઅર મનુ'નાં ઋજુ હ્રદય પર જાણે કોઇએ રામપુરી ચોકુ ચલાવી દીધું હોય તેવી તેની હાલત થઈ ગઈ. અમને બધાને તેના દિલમાંથી ઉઠેલા નિસાસાના ફુવારાનો અહેસાસ હતો. પણ અમે મનુનાં તાલીમિત્રો નહોતા. શ્યામાનું કહ્યું મન પર અને ખાસ તો દિલ પર નહીં લેવા તેને સમજાવ્યો અને પ્રેમની ગંગા સતત વહેતી રાખવાની પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યાં. ચક દે...મનુ!

પછી તો મનિયો લસણ ખાઈને લાગી ગયો। તેણે યેન-કેન પ્રકારે શ્યામાને એવો સંકેત આપી દીધો કે તે મનુભાઈ કહીને બોલાવે છે તે તેને પસંદ નથી. થોડા દિવસ તો શ્યામાએ મનુને બોલાવાનું બંધ જ કરી દીધું. વાત દિવા જેવી સ્પષ્ટ થઈ ગઈ હતી. મનુ લવ્સ શ્યામા! જોકે શ્યામા પણ મનુને મોટાભાગની ગુજરાતણોની જેમ સ્વાભાવિક રીતે મનુભાઈ કહેતી હતી. તેમાં કાંઈ માની જણી બહેન જેવી કોઈ લાગણી નહોતી.

એકાદ મહિના પછી ચમત્કાર થઈ ગયો। ઓફિસમાં અમે બધા સાથે જમતાં હતા. ત્યાં શ્યામા આવી. તેણે જમતાં-જમતાં પૂછ્યું કે, 'મનુ ક્યાં ગયો છે?' બધા સ્ટેચ્યુ. મનુભાઈમાંથી મનુ? મેં ધીમેથી કોળિયો નીચા ઉતાર્યો અને કહ્યું, ''શ્યામાબેન, તમે શું કહ્યું?'' શ્યામા સમજી ગઈ. તેણે જોરથી જવાબ આપ્યો, ''હું મનુ વિશે પૂછી રહી છું?'' મારી પાસે બેઠેલા મિ. દવેએ તરત જ એક બાજુ જઇને મનિયાને ફોન લગાવ્યો અને ખુશખબર આપ્યાં. મનિયો હડી કાઢીને ગાંડાઘેલો થતો કેન્ટીનમાં આવી ગયો અને મિ. દવેને હરખનો માર્યો પપ્પી કરવાં જતો ત્યાં તેની નજર શ્યામા પર પડી. તેના અને મિ. દવે વચ્ચેના સંબંધો વિશે શ્યામા કંઈ ઊંધુચત્તુ ન વિચારે એટલે તે અટકી ગયો.

પછી અમે બધા મનિયામાં હોય એવા અને ન હોય તેવા સારાં સારાં લખ્ખણોની કેફિયત શ્યામા સમક્ષ રજૂ કરતાં રહ્યાં। મનુ સૌથી વધુ આભારી મિ. દવેનો છે. મિ. દવે અને મનુ આમ તો શરૂઆતમાં એકબીજાના હરિફ હતા, પણ દવેજીના મન પર 'જ્યુબિલી કુમાર' તરીકે જાણીતા રાજેન્દ્ર કુમારે 'સંગમ' ફિલ્મમાં કરેલા ત્યાગનો નશો સવાર છે. એટલે પોતાનો ગજ તો વાગશે જ નહીં એમ લાગતા તેમણે મનુને પરાણે ટેકો આપ્યો. શ્યામાને પણ દવેજીનો સાથ ગમતો. તે બેસીને મોસંબી ખાતા ખાતા વાતો કરે અને દવેજી હરખાતા હરખાતા તેનું કામ કરે. રબને બના દી જોડી!

દવેજીએ દિલ પર પથ્થર મૂકીને કરેલી મહેનત રંગ લાવી। પાકા પાયે બેકગ્રાઉન્ડ તૈયાર થયા પછી એક દિવસ મનુએ શ્યામાને સીધેસીધું પૂછી જ લીધું. શ્યામાએ પાછું મોટાભાગની પાક્કી ગુજરાતણની જેમ બે દિવસમાં જવાબ આપવાનું કહ્યું. મનિયાને વધુ બે દિવસ લબડાવું પડ્યું. બે દિવસ ભારે ચહેરા સાથે ફર્યો. છેવટે શ્યામાએ તેને હા પાડી, પણ પાક્કી ગુજરાતણની અદાથી. 'મનુ, હું તને હા પાડું છું, પણ લગ્ન સુધી મારાથી દૂર રહેજે.' અને કનિયો કહે, 'હું તો અત્યારે જ પરણવા તૈયાર છું...'

બેથી ત્રણ મહિનામાં મનુનો કેસ ફાઇલ થઈ ગયો. થોડા દિવસ પહેલાં મનુ મળ્યો હતો. અમે બંને તે વાતો યાદ કરીને ખૂબ હસ્યાં હતા. મેં તેને હસતાં-હસતાં પૂછ્યું કે, 'શ્યામા, તને મનુભાઈ કહેતી નથી ને?' તો તેણે જવાબ આપ્યો, 'વડીલોની હાજરીમાં તમે કહે છે, મારી બહેનની હાજરીમાં મનુ કહે છે અને રાત્રે ધુબાકા મારતી વખતે મનિયો કહે છે...'

No comments: