Friday, March 20, 2009

હું ચૂંટણી જીતવા માંગુ છું, પણ દુર્યોધન કે શકુનિની જેમ નહીં: મલ્લિકા


દેશના પ્રસિદ્ધ વિજ્ઞાની વિક્રમ સારાભાઈની બહુમુખી પ્રતિભા ધરાવતી પુત્રી મલ્લિકા સારાભાઈ હવે ચૂંટણીના રંગમંચ પર પદાર્પણ કરી રહ્યાં છે। તેઓ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના મજબૂત ઉમેદવાર અને વડાપ્રધાન પદના દાવેદાર લાલકૃષ્ણ અડવાણીને અપક્ષ ઉમેદવાર તરીકે ટક્કર આપવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. તેમની સાથે દર્પણ નાટ્ય અકાદમીમાં થયેલી વાતચીતઃ

ડાન્સર, એક્ટ્રેસ, સામાજિક કાર્યકર્તા અને હવે રાજકારણ. મલ્લિકાજી રાજકારણમાં પ્રવેશવા પાછળનું મૂળ કારણ?
સામાજિક કાર્યકર્તાનું મુખ્ય કાર્ય લોકોની સેવા કરવાનું છે। રાજકારણીઓનું પણ મુખ્ય કામ જનતા જનાર્દનની સેવા કરવાનું જ છે. પણ અત્યારે પ્રજા નિઃસહાય છે. રાજકારણીઓ જનતા જનાર્દનની સેવા કરવાને બદલે મેવા ખાવામાં મસ્ત છે. તેમનું કામ લોકોની સેવા કરવાને બદલે સત્તામાં રહેવાનું છે. એક નાગરિક હોવાના નાતે મને લાગ્યું કે આ પરિસ્થિતમાં સુધારો થવો જોઇએ અને તે માટે મેં રાજકારણમાં ઝંપલાવ્યું છે.

તમારા માતા મૃણાલિની સારાભાઈ અને ભાઈ કાર્તિકેય સારાભાઈની પહેલી પ્રતિક્રિયા શું હતી?
કાર્તિકેયનું માનવું હતું કે, મારે થોડો સમય વધુ વાટ જોવાની જરૂર હતી। મારે લોકોના પ્રશ્નોને વધુ સમજવાની જરૂર હતી. પણ મારો સ્વભાવ આક્રમક છે. મને જે ખોટું લાગતું હોય તેની સામે મેં હંમેશા અવાજ ઉઠાવ્યો છે. અમ્મા (મૃણાલિની સારાભાઈ) મારા વિશે ચિંતિત છે. મને કોઈ મારશે, મને કાંઈ થશે તેવી થોડી ચિંતા તેને સતાવે છે.

તમે ક્યા મુદ્દાના આધારે ચૂંટણી લડવા માગો છો?
હકીકતમાં અત્યારે દેશમાં ક્યા મુદ્દાને આધારે ચૂંટણી ન લડવી તે પ્રશ્ન છે। અત્યારે લોકોની સલામતી શું છે? શું તમે જે પાણી પીઓ છે તે સ્વચ્છ છે? ડોક્ટર જે ઇન્જેક્શન આપે છે તેનાથી સામાન્ય જનતાને એચઆઇવી વાઇરસનું જોખમ નથી? શું ગરીબોને તેમના મૂળભૂત અધિકારો મળે છે? શું સ્ત્રીઓની કોઈ સલામતી છે?યુવાનોનો રોજગારી મળે તે માટે દેશની કોઈ પણ સરકારે શું કર્યુ છે? હું સમાજના દરેક ક્ષેત્રમાં પ્રજાને સહન કરવા પડતાં અન્યાય માટે ચૂંટણી લડી રહી છું. હું સમાજમાં શાંતિ અને સદભાવ જળવાય તે માટે લડી રહું છું, મારી લડત સામાન્ય જનતા સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે છે.

અખબારી અહેવાલો કહે છે કે, કોંગ્રેસ તમને ટિકિટ આપવા માગતી હતી?
બિલકુલ ખોટી વાત છે. કોંગ્રેસે મારો સંપર્ક કર્યો નથી. અને જો કોંગ્રેસે મને ટિકિટ ઓફર કરી હોત તો પણ મેં તેનો અસ્વીકાર કર્યો હોત.

તેની પાછળનું કારણ?
આજે કોંગ્રેસ અને અન્ય તમામ રાજકીય પક્ષોની નીતિ વચ્ચે કોઈ ફરક નથી। કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો રાજકારણના અપરાધીકરણની વાત કરી રહ્યાં છે અને સૌથી હાસ્યાસ્પદ બાબત એ છે કે તેઓ અપરાધીઓને જ ટિકિટ આપવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે. તેઓ ભ્રષ્ટાચારને દૂર કરવાની વાતો કરી રહ્યાં છે અને સાથેસાથે સરકાર બનાવવા અને તેને ટકાવવા હોર્સ ટ્રેડિંગ કરી રહ્યાં છે. દરેક પક્ષનો મુખ્ય હેતુ સત્તા મેળવવાનો છે જ્યારે હું જનતા માટે કામ કરવા માંગુ છું. એટલે મારે કોંગ્રેસ નહીં દેશના એક પણ રાજકીય પક્ષ સાથે મેળ ન બેસે.

લાલકૃષ્ણ અડવાણી છેલ્લાં દોઢેક દાયકાથી ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની સામે ટી એન શેષાન જેવા દિગ્ગજ અને પ્રામાણિક ચૂંટણી અધિકારી ચૂંટણી હારી ગયા છે. તમે કઈ ગણતરી સાથે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું?
(હસતાં-હસતાં) જુઓ, હું ક્યારેય કોઈ નિર્ણય ગણતરી કરીને લેતી નથી। મને જે બાબત સમાજના હિત માટે યોગ્ય લાગે છે કે તેમાં હું કૂદી પડું છું.

ગાંધીનગર બેઠકના એક નાગરિક તરીકે તમને લાલકૃષ્ણ અડવાણીની કઈકઈ બાબતોથી અસંતોષ છે?
લોકો સમાજની સમસ્યાઓના સમાધાન માટે સંસદસભ્ય અને ધારાસભ્યને લોકસભા અને વિધાનસભામાં મોકલે છે। મારો પ્રશ્ન એ છે કે, અડવાણીજીએ તેમની બેઠકમાં આવતાં વિસ્તારોમાં રહેતાં નાગરિકોની સમસ્યા જાણવાનો કેટલી વખત પ્રયાસ કર્યો છે? તેમણે લોકોની મૂળભૂત સુવિધા વિકસાવવા ખરેખર શું કર્યું છે? હું અડવાણીજીને આ બાબતે સીધી ચર્ચા કરવા આમંત્રણ આપું છું.

તમે મતદાતાઓ સુધી પહોંચવા માટે કયા-કયા માધ્યમોનો ઉપયોગ કરશો?
શેરીનાટકો જેવા પરંપરાગત માધ્યમથી લઇને ઇન્ટરનેટ જેવા તમામ આધુનિક તમામ માધ્યમોનો ઉપયોગ કરીશું। હું રોડ શો કરીશ. યુવાન મતદારોમાં મારો એજન્ડા સમજાવવા માટે બેથી ત્રણ દિવસમાં 'Vote for Mallika' વેબસાઇટ શરૂ થઈ જશે.

ભાજપનું કહેવું છે કે, તમારા કારણે કોંગ્રેસની મતબેન્કમાં ગાબડું પડશે અને લાલકૃષ્ણ અડવાણીનો વિજય અત્યંત સરળ થઈ જશે?
જુઓ, આ મતબેન્ક શબ્દ સામે મને સખત વિરોધ છે। મતબેન્ક એટલે શું? ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા રાજકીય પક્ષો પ્રજાને ચૂંટણી જીતવાનું સાધન માની રહ્યાં છે, માણસ નહીં. આ કારણે જ તેમને પ્રજાની સમસ્યાઓ કરતાં પોતાની અને પોતાના પરિવારની સમસ્યા ઉકેલવામાં વધારે રસ છે. મારા માટે મતદાર માણસ છે, ચૂંટણી જીતવાનું સાધન નહીં. હવે રહી વાત કોંગ્રેસની મતબેન્કમાં ગાબડું પાડવાની, તો ચૂંટણીનું પરિણામ જ દેખાડશે કે મારી ઉમેદવારીથી કયા પક્ષને વધારે નુકસાન થયું છે...

ભાજપ મોંઘવારી અને આતંકવાદના નામે મત માગશે તો કોંગ્રેસ યુપીએના શાસનમાં દેશનો વિકાસ થયો હોવાના નામે મત માગે છે. મતદાર તમને મત કેમ આપશે?
જે મતદાતાને દેશના વર્તમાન રાજકીય વ્યવસ્થાથી અસંતોષ છે તે મને મત આપશે। જેઓ સત્ય અને અહિંસાના માર્ગે દેશનો વિકાસ ઝંખે છે તેઓ મને મત આપશે. જેઓ દેશમાં બંધારણીય શાસન વ્યવસ્થા ઇચ્છે છે તેઓ મને મત આપશે. જે લોકો વહીવટીતંત્રમાં પારદર્શકતા ઇચ્છે છે તેઓ મને મત આપશે.

ભાજપ અને કોંગ્રેસને ચૂંટણીભંડોળની કોઈ ચિંતા નથી. તમે ચૂંટણી લડવા ભંડોળ ક્યાંથી મેળવશો?
જનતા। જનતા જ મને ભંડોળ આપશે. હું મને મળતાં ભંડોળની માહિતી દરરોજ વેબસાઈટ પર મૂકીશ અને પારદર્શકતા સાથે ચૂંટણી જીતી શકાય છે તે સાબિત કરી દઈશ.

રાજકીય પંડિતોનું માનવું છે કે, મલ્લિકા સારાભાઈએ અડવાણી સામે ચૂંટણી નહીં જીતી શકે?
હકીકતમાં તે કહેવાતા રાજકીય પંડિતો છે। તેમની ધારણા ક્યારેય સાચી સાબિત થઈ નથી.

એટલે તમે અડવાણી અને કોંગ્રેસના ઉમેદવારનો હરાવી દેશો?
જુઓ, હું દાવા કરવામાં માનતી નથી। પણ હું તેમને હરાવવા પૂરેપૂરો પ્રયાસ કરીશ. હું પણ ચૂંટણી જીતવા માંગુ છું. પણ દુર્યોધન કે શકુનિ બનીને નહીં. લોકસભામાં પહોંચવા હું ખોટા કાવાદાવા કરવામાં માનતી નથી. હું સચ્ચાઈપૂર્વક ચૂંટણી લડી શકાય છે અને જીતી શકાય છે તેવું સાબિત કરવા માંગુ છું.

તમે લોકસભામાં પ્રવેશશો તો સંસદમાં મહિલા અનામત બિલને સમર્થન આપશો?
ચોક્કસ. પણ દસ વર્ષ માટે. અનામત વ્યવસ્થા એક નિશ્ચિત સમયગાળા પૂરતી મર્યાદિત હોય તો જ તેનો ફાયદો થાય. નહીં તો રાજકીય પક્ષો તેનો દૂરપયોગ કરે અને તે સત્તા મેળવવાનું સાધન બની જાય.

No comments: