અતિ ઉચ્ચ આદર્શ પ્રજાને નબળી પાડે છે અને નીચી ઉતારે છે। બીજી બાજુ અતિશય વ્યાવહારિકપણું પણ ખોટું છે. જો તમારામાં સહેજ પણ કલ્પનાશક્તિ ન હોય, જો તમને દોરવા કોઈ આદર્શ ન હોય તો તમે કેવળ પશુ જ છો. એટલે જેમ આપણે આપણા આદર્શને નીચો ન ઉતારીએ તેમ જ વ્યાવહારિકતાને પણ નજર બહાર ન રાખીએ. બન્નેમાં અતિશયતાને છોડી દેવી જોઇએ.
આપણા દેશમાં જૂનો વિચાર ગુફામાં બેસીને ધ્યાન કરતાં કરતાં મરી જવું એ છે। મુક્તિની બાબતમાં બીજાઓને મૂકીને એકલા આગળ જવું ખોટું છે. વહેલેમોડે માણસે સમજવું જોઇએ કે પોતાના ભાઈઓની મુક્તિ માટે પ્રયાસ ન કરનારને મુક્તિ ન મળી શકે.
તમારે જીવનમાં પ્રખર આદર્શવાદ અને પ્રખર વ્યાવહારિકતા એ બન્નેનો સમન્વય સાધવો જોઇએ. એક ક્ષણે ઊંડા ધ્યાનમાં મગ્ન થવા છતાં બીજી ક્ષણે આ સામેનું મઠનું ખેતર ખેડવા જવા પણ તૈયાર થવું જોઇએ. એક ક્ષણે અત્યંત કઠિન શાસ્ત્રગ્રંથને સમજાવવા તૈયાર રહેવું જોઇએ અને બીજી જ ક્ષણે જઇને ખેતરની પેદાશ બજારમાં વેચવાને તૈયાર રહેવું જોઇએ.
No comments:
Post a Comment