Tuesday, March 17, 2009

શબ્દ જેટલો ઊંડેથી નીકળે એટલો ઊંડે સુધી જાય


શબ્દ જેટલો ઊંડેથી નીકળે એટલો ઊંડે સુધી જાય। ધનુષ્ય ઉપર તમે બાણ ચઢાવો પછી જેટલું તીરને વધારે ખેંચો એટલું તીર વધારે ગતિ કરે. તે રીતે જેટલી સમજણમાંથી શબ્દો નીકળે, જેટલા વિવેકમાંથી શબ્દ નીકળે, જેટલી જ્ઞાનની ભૂમિકામાંથી શબ્દો નીકળે એટલા ઊંડે સુધી શબ્દો સામાના હ્રદયમાં અસર કરે. માણસ પાસે ભાષા ખૂબ હોય પણ જો જ્ઞાન ન હોય તો ભાષા શું કામની? આપણે બોલીએ ઘણું પણ જો ભીતરથી જ્ઞાન ન હોય તો શું કામનું?

કોઈએ કવિતા લખી છે કે,

નથી દીઠી ભૂખને છતાંયે ભૂખ પર બોલે
અને અનીતિમય જીવન સભામાં નીતિ પર બોલે.

જિંદગીમાં એક ટંક ભૂખ્યો ન રહ્યો અને એ ભૂખ ઉપર ભાષણ આપતો હોય તો એના એ ભાષણની સમાજ પર શું અસર પડે? જો પોતાનો નિજ અનુભવ ન હોય ભૂખનો તો એના ઉપર આંકડા આપીને અને ગરીબાઈ ઉપર બોલવાનો કયો અધિકાર એ માણસને? છતાં પણ સમાજમાં આવું ચાલે છે।

જીવન આખું અનીતિમાં ડૂબેલું હોય અને ભાષણ કરતો હોય ત્યારે એ નીતિ ઉપર નિવેદન કરતો હોય। સમાજમાં મોટે ભાગે આવું જીવન જિવાય છેઃ

પરાઈ નારીને દેખી નયન જેનાં આમતેમ ડોલે
અને સભા મધ્યે ઊભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે.

આવા માણસના બ્રહ્મચર્ય પરના ભાષણની સમાજ પર શી અસર થાય?
અમારા વક્તાઓ માટે લખ્યું કેઃ

ઇર્ષ્યા, મદ, મમતા અને લોભમાં પાંગળો થઈને,
પાછો વ્યાસની ગાદી પર જઇને એ ભક્તિ પર બોલે.

યે સબ કાગઝ કે ફૂલ હૈં ભાઈ ઉસમેં ખુશ્બૂ નહીં. તુલસી કહે છે, ભાષા આવી જાય, પણ જો વિવેક નહીં હોય તો શબ્દો લૂખા હશે-ખાલી હશે. શું અસર એ શબ્દની?

No comments: