Monday, March 23, 2009

જે ધર્મ માણસને માણસથી જુદો કરે તે ધર્મ મારો ન હોઈ શકેઃ ભગતસિંહ


આજે 23 માર્ચ. શહીદ દિવસ. 23 માર્ચ, 1931ના રોજ ધોળા અંગ્રેજોએ (કાળા અંગ્રેજો અત્યારે આપણી પર રાજ કરી રહ્યાં છે) ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીના માંચડે લટકાવી દીધા હતા. આ ત્રણેય શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો આજે દિવસ છે. હકીકતમાં અત્યારે ભારતમાં સૌથી વધુ જરૂર ભગતસિંહે રજૂ કરેલા ધર્મને અપનાવવાની છે. મંદિરે મહાદેવને બે લોટા પાણી ચડાવવાથી પાર્વતી મૈયા ખુશ થઈ જતાં નથી, પણ મંદિરે ગયા વિના પણ જો તમે તમારી આસપાસના લોકો સાથે પ્રેમ અને નિષ્કપટતાથી વર્તો તો શંકર-પાવર્તી ખુશ જ રહે છે. અહીં ભગતસિંહ અને તેમના સાથી ક્રાંતિકારી ફણીન્દ્રનાથ વચ્ચે ધર્મ અને ઇશ્વર સંબંધિત વાતચીત રજૂ કરી છે, જે સાચો ધર્મ શું છે તેનો માર્ગ ચીંધે છેઃ

ફણીન્દ્રઃ આ મિથ્ય જગતની માયાજાળથી દૂર રહીને આપણે ક્રાંતિકારીઓએ નિષ્કામ ભાવ સાથે આપણું કર્તવ્ય કરવાનું છે। સફળતા અને નિષ્ફળતા તો સર્વશક્તિમાન પરમપિતાના હાથમાં છે. જો તે ભારતને હજુ થોડા વધારે દિવસ ગુલામ રાખવા માગતો હશે તો દુનિયાની કોઈ તાકાત આપણા દેશને આઝાદ નહીં કરાવી શકે. ઇશ્વરની ઇચ્છા વિના પાંદડું પણ હલતું નથી. બધું તેની ઇચ્છાથી જ થાય છે અને આપણે બધા રાખમાંથી બનેલા તેના રમકડાં છીએ.

ભગતસિંહઃ તમારો માર્ગ કર્મયોગથી વિપરીત છે। તમને કર્મ કરતાં ભાગ્ય પર ભરોસો વધારે છે. તમે નિષ્કામ કર્મની આડમાં ભાગ્યવાદના નામે દેશના નવયુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. તેમને કર્મથી વિચલિત કરી રહ્યાં છો. આ માર્ગ કયારેય મારો ન હોઈ શકે. તેના પર હું ક્યારેય ન ચાલી શકું. જે લોકો આ જગતને મિથ્યા સમજે છે, આ દેશ અને તેમાં રહેતાં ભાઈ-બહેનોને માયાજાળ ગણે છે, તેઓ ક્યારેય આ દુનિયાની ભલાઈ કે દેશની આઝાદી માટે પ્રામાણિકતાથી લડી શકતાં નથી. જે મિથ્યા છે તેના માટે સંઘર્ષ કેવો?

હું આ જગતને મિથ્યા માનતો નથી। મારો દેશ માયાજાળ નથી, તે એક જીવંત વાસ્તવિકતા છે અને તેને હું પ્રેમ કરું છું. મારા માટે આ ધરતી સિવાય બીજી કોઈ દુનિયા નથી અને બીજું કોઈ સ્વર્ગ નથી. તે સાચું છે કે, અત્યારે કેટલાંક વ્યક્તિઓએ પોતાના અંગત સ્વાર્થને સંતોષવા આ ધરતીને નર્ક બનાવી દીધી છે. પણ તેના કારણે આ જગતને મિથ્યા જાહેર કરી મૂળ સમસ્યાનું સમાધાન કરવાના બદલે તેની સામેથી મોં ફેરવી લેવાથી કોઈ સારું કામ નહીં થાય. શોષકો અને પોતાના જ ભાઈ-બહેનોને ગુલામ બનાવતાં નરાધમોને ખતમ કરી આપણે આ પવિત્ર ભૂમિ પર ફરીથી સ્વર્ગની સ્થાપના કરવી પડશે.

તમે સર્વશક્તિમાન ઇશ્વરની વાત કરો છો। તમારો ભગવાન સર્વશક્તિમાન છે તો પછી અન્યાય, અત્યાચાર, ભૂખ, ગરીબી, શોષણ, અસમાનતા, ગુલામી, હિંસા અને યુદ્ધ વગેરે સમસ્યાનો અંત કેમ લાવી દેતો નથી? આ બધી સમસ્યાનો અંત કરવાની શક્તિ ધરાવતો હોવા છતાં જો તે માનવતાને આ અભિશાપોમાંથી મુક્ત ન કરે તો ચોક્કસ તેને સારો ભગવાન ન કહી શકાય અને જો તેનામાં આ બધી સમસ્યા દૂર કરવાની શક્તિ ન હોય તો તેને સર્વશક્તિમાન ન કહી શકાય. જો તે આ બધું પોતાની લીલા દેખાડવા કરતો હોય તો પછી કહેવું પડશે કે તે નિઃસહાય, લાચાર વ્યક્તિઓને તડફાવી-તડફાવીને મજા લેતી ક્રૂર સત્તા છે અને લોકોના હિત માટે ઝડપથી તેનો અંત આવી જાય તે જ ઉત્તમ છે. કેટલાંક સત્તાધારી શોષકો સામાન્ય માણસોને ભ્રમમાં નાંખવા માટે ભાગ્યવાદ, ઇશ્વરવાદ વગેરેનો ઉપયોગ કરે છે અને આ બધા વાદ એક પ્રકારનું વિષ છે.

ફણીન્દ્રઃ તો શું તમે ધર્મ અને અધર્મમાં કોઈ ફરક નથી કરતાં?
ભગતસિંહઃ તમે ધર્મની વાત કરો છો, પણ ધર્મ એટલે શું તે બાબત સ્પષ્ટ કેમ કરતાં નથી? મારું માનવું છે કે, અત્યાર સુધી મોટા ભાગના ધર્મોએ મનુષ્યોને જોડાવાને બદલે તોડવાનું કામ કર્યું છે, મનુષ્યોને માંહેમાંહે લડાવ્યાં છે। કદાચ ધર્મ સિવાય અન્ય કોઈ બાબતે મનુષ્યોની વચ્ચે આટલું બધું વિષ ઘોળ્યું નથી. સાચી વાત તો એ છે કે આ ધરતી ધર્મના કારણે જ નરક બની ગઈ છે. જે ધર્મ માણસને માણસથી જુદો કરે, પ્રેમને બદલે એકબીજા પ્રત્યે ધૃણા કરવાનું શીખવાડે, અંધવિશ્વાસોને પ્રોત્સાહન આપી લોકોના બૌદ્ધિક વિકાસમાં બાધક બને, મનુષ્યની વિચારવાની શક્તિ જ શોષી લે, તે ક્યારેય મારો ધર્મ ન બની શકે. જે મનુષ્યને સુખી બનાવી શકે, સમાનતા, સમૃદ્ધિ અને ભાઈચારાના માર્ગ પર એક પગલું આગળ લઈ જઈ શકે, તે જ સાચો ધર્મ છે.

સાવ સીધી વાત કહું તો આ ધરતી અને આ ધરતી પર ભારતની પવિત્ર ભૂમિ મારું સ્વર્ગ છે, તેમાં રહેતી દરેક વ્યક્તિ, દરેક મનુષ્ય મારો ભગવાન છે। અને ભગવાનને ભગવાન સાથે લડાવી મારા સ્વર્ગને નર્ક બનાવતી શક્તિઓને ખતમ કરી મનુષ્યને વર્ગ વિનાના સમાજ તરફ આગળ વધારતો દરેક પ્રયાસ, દરેક પગલું મારો ધર્મ છે.

ફણીન્દ્રઃ આ ધરતીને સ્વર્ગ બનાવવા અનેક દેવદૂતો આવ્યાં અને હારીને, થાકીને ચાલ્યાં ગયા। હવે તું આવ્યો છે, એટલે બે-ચાર દિવસમાં તારાં જુસ્સાની પણ ખબર પડી જશે. અંતે તો હોઈ હૈ સોઈ, જો રામ રચિ રાખો.

ભગતસિંહઃ ફણીદા, મારી જિંદગી કદાચ બે-ચાર દિવસની હોઈ શકે, પણ મારો જુસ્સો છેલ્લા શ્વાસ સુધી મારો સાથ નહીં છોડે, તેનો મને વિશ્વાસ છે। આવતીકાલે કદાચ હું ન હોઉં તો પણ મારો જુસ્સો દેશનો જુસ્સો બનીને સામ્રાજ્યવાદી શોષકોનો પીછો અંત સુધી કરતો રહેશે. મને મારા દેશના ભવિષ્ય પર વિશ્વાસ છે. મને મનુષ્યના પરાક્રમ અને સામર્થ્ય વિશ્વાસ છે, એટલે હું આશાવાદી છું. તમે દરેક બાબત માટે ભગવાન સામે નજર કરો છો, એટલે તમે ભાગ્યવાદી છો, નિરાશાવાદી છો. ભાગ્યવાદ કર્મ નહીં કરવાનો એક માર્ગ છે, નિર્બળ, કાયર અને પલાયનવાદી વ્યક્તિઓનું અંતિમ શરણ છે.

રહી વાત દેવદૂતોની, તો તેમણે જો ધરતીને સ્વર્ગ બનાવવાનો પ્રયાસ કર્યો હોત તો દુનિયા આજે જેવી છે તેવી કદાચ ન હોત। દેવદૂતોએ ધરતીને બદલે આકાશમાં સ્વર્ગમાં બનાવ્યું. આજનો મનુષ્ય હવામાં મહેલ બનાવવા માગતો નથી. તેણે પોતાના સ્વર્ગનો પાયો આ જ ધરતી પર નાંખવાની શરૂઆત કરી દીધી છે.

(હવેથી નિયમિતપણે ભગતસિંહના વિચારો, લખાણ અને પત્રો ગુજરાતી અને હિંદી બંને ભાષામાં પ્રગટ કરવામાં આવશે)

No comments: