Tuesday, March 17, 2009

મૃત્યુનો પ્રેમ એટલે શું?




ત્યાગ એટલે મૃત્યુ પ્રત્યેનો પ્રેમ। સંસારી લોકો જીવનને ચાહે છે. સંન્યાસીએ મૃત્યુને ચાહવાનું છે. એટલે શું સંન્યાસીઓએ આપઘાત કરવો? બિલકુલ નહીં. આત્મઘાતીઓ મૃત્યુના ચાહક નથી હોતા. એવું ઘણી વાર જોવામાં આવે છે કે જ્યારે કોઈ આત્મહત્યા કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે એ ફરી વાર કદી તેનો પ્રયત્ન કરતો નથી. તો પછી મૃત્યુનો પ્રેમ એટલે શું?

જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે। તે પછી સંસારી હોય કે સંન્યાસી. તો આપણે કોઈ સારા હેતુ માટે મરીએ. આપણાં બધાં કામો ખાવું, પીવું અને બીજું સર્વ કાંઈ આપણી જાતના બલિદાન અર્થે થાઓ. શરીરનું પોષણ અન્નથી કરો છો, તેને બીજાઓના ભલા સારું યજ્ઞ રૂપે જો ન ગણો તો તેમાં સારું શું?
તમે પુસ્તકો વાંચીને મનનું પોષણ કરો છો, તેને પણ જો તમે આખા જગતના ભલાને માટે બલિદાનરૂપ ન ગણો તો એમાં શું વળ્યું? આ એક ક્ષુદ્ર જાતને પુષ્ટ કરવી તેના કરતાં લાખો માનવ ભાઈઓની સેવા કરવી તે વધારે યોગ્ય છે। આ રીતે તમારે સેવાપરાયણ રહીને ક્રમે ક્રમે મૃત્યુને સત્કારવાનું છે. આમ મૃત્યુમાં સ્વર્ગ છે, તેમાં બધું શુભ સમાયેલું છે અને તેથી વિરૂદ્ધમાં જે કાંઈ છે તે પિશાચી અને અનિષ્ટ છે.

સેન્ટર પોઇન્ટઃ ખરો મર્દ એ છે જે શરીરે સશક્ત હોવા છતાં તેનું હ્રદય નારી જેવું કોમળ હોય. તમારી આસપાસના લાખો જીવોને માટે તમારા અંતરમાં લાગણી હોવી જોઇએ.

No comments: