Tuesday, March 10, 2009

સાત હજાર વીરાંગનાઓનો રંગોત્સવ...!


ઇ. સ. પૂર્વે 226માં પૂર્વ પંજાબમાં અશ્વક જાતિઓનું શાસન હતું. આ જાતિની મહારાણી કૃપી એક વીરાંગના હોવાની સાથેસાથે મહાન યોદ્ધા હતી. રાજ્યમાં સુખ-શાંતિ હતી. અનેક રંગબેરંગી ઉત્સવોની ઉજવણી થતી હતી.

ફાગણ મહિનો આવી ગયો હતો। કોયલ કલરવ કરતી હતી. ચારે તરફ વાસંતી મહેંક ઊઠી હતી. બરોબર તે જ સમયે અફઘાનિસ્તાનને કચડીને વિશ્વવિજેતા બનવાના સ્વપ્ન સાથે સિકંદરની સેનાએ પંજાબ પર આક્રમણ કર્યું. કૃપી, એક સ્ત્રી! એક અબળા! અનેક મોટા મોટા સામ્રાજ્યનો પોતાના પગતળે કચડીને આવેલો સિકંદર કૃપી પર કૃપા કરવાનું વિચારતો હતો. તેણે પોતાના રાજ્યની જનતાના હિત માટે શરણે આવવા કૃપીને કહેણ મોકલ્યું, પણ રાણીએ જગદંબાનું સ્વરૂપ ધારણ કર્યું અને ઘોષણા કરી- સિંધુના સપૂતો, આ હુમલાખોરોને તમારી તાકાતના અહેસાસ કરાવો. આજે ધરતી માતાને દુશ્મનોના રક્તથી તૃપ્ત કરો.

રાણીની આજ્ઞા મળતાં જ સાત હજાર ભારતીય સૈનિક સિકંદરની વિશાળ સેના પર ભૂખ્યાં સિંહની જેમ તૂટી પડ્યાં। યુદ્ધમાં તે બધા શહીદ થઈ ગયા। પરાજયથી દુઃખી થયેલી રાણીએ બધા શહીદ સૈનિકોની પ્યારી પત્નિઓને રાજમહેલમાં બોલાવી. રાણીએ કહ્યું, ''હજુ યુદ્ધનો નિર્ણાયક તબક્કો બાકી છે। હવે બલિદાનના રંગે રંગાઈ જવાનો વારો આપણો છે. આપણે રણભૂમિમાં જ ધૂળેટી રમીશું.''

પોતાના પતિની શહીદીનો બદલો લેવા થનગનતી તે બધી માતાઓએ પંજાબમાંથી વિદેશી સૈનિકોને હાંકી કાઢવાની ગર્જના કરી। તેમણે તેમના પતિના શસ્ત્રોની પૂજા કરી, ફૂલ ચડાવ્યાં. પૂર્વ દિશામાંથી લાલિમા ફૂટી. જાણે તે પણ ધૂળેટી રમવા તૈયાર હોય. યુદ્ધના વાજાં વાગવા લાગ્યા. રાણી કૃપી ઘોડા પર તલવાર ધારણ કરીને સેનાની કમાન સંભાળતી હતી. કિલ્લાની ચારે તરફ સિંકદરના સૈનિકો રાહ જોઇને બેઠા હતા.

રાણીએ આહવાન કર્યું, ''સહેલીઓ, ચલો। આ વખતે ધૂળેટીની ઉજવણી રણભૂમિમાં કરીએ. રંગોથી બહુ ધુળેટી રમ્યાં, આજે વિદેશી હુમલાખોરોના લોહીથી રમીએ. આપણી વીરતાની કસોટી કરવા આવેલા આ હુમલાખોરો આજે એક નવો રંગ જોઇને આ દુનિયા છોડશે.''

સાત હજાર વીરાંગના...પોતાના શહીદ પતિના શસ્ત્રો સાથે સજ્જ...આંખોમાં માતૃભૂમિની રક્ષા કાજે લડી લેવાની ચાહના...રણભૂમિ...અને સામે દુશ્મન! જોતજોતામાં તે બધી સિંકદરના સૈનિકો પર તૂટી પડી. આ યુદ્ધ નહોતું, પણ એક અનુષ્ઠાન હતું. કાલે જેઓ જીતનો જશન મનાવતા હતા તેઓ આજે આ વીરાંગનાઓની લડાયકતા સામે નતમસ્તક થઈ ગયા. મોત જાણે ચારે દિશામાં દોડતું હતું. યુદ્ધવિરામ થયો ત્યારે સિકંદરના મોટાભાગના સૈનિકો માર્યા ગયા હતા. પોતાના સૈનિકોની હાલત જોઇને સિકંદર પંજાબ છોડીને ભાગી ગયો.
તે હોળી એક સંકલ્પ સાથે પૂર્ણ થઈ હતી. આ હોળી અનેક સંકલ્પોની માંગ કરી રહી છે. રાણી કૃપી, આજે તું ક્યાં છે?

No comments: