Showing posts with label મુલાકાત. Show all posts
Showing posts with label મુલાકાત. Show all posts

Wednesday, May 27, 2009

મીડિયામાં સ્પેસસેલિંગઃ ખતરનાક અને ચિંતાજનક સ્થિતિ


તાજેતરમાં વૉલસ્ટ્રીટ જર્નલમાં ભારતીય મીડિયાના કથળતાં જતાં મૂલ્યો વિશે એક રીપોર્ટ પ્રકાશિત થયો છે. તેમાં આપણા દેશના વિવિધ મીડિયા ગ્રૂપ રૂપિયાની લહાયમાં સમચારો સાથે કેવી ક્રૂર મજાક કરી રહ્યાં છે તે વિશે જણાવવામાં આવ્યું છે. દેશમાં થોડા દિવસ પહેલાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો પાસેથી લાખો-કરોડો રૂપિયા લઈને વર્તમાનપત્રો તેમના સમાચાર પ્રકાશિત કરી રહ્યાં છે તેવો દાવો આ રીપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ વિશે હિન્દી મેગેઝિન 'द संडे इंडियन'માં દેશના જાણીતા બિનસરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સના નેશનલ કોઑર્ડિનેટર અનિલ બેરવાલની વિકાસ કુમાર સાથેની વાતચીત એક લેખ સ્વરૂપે રજૂ કરવામાં આવી છે। મીડિયાકર્મીઓ માટે આ વાતચીત અત્યંત ઉપયોગી પુરવાર થશે.

શરમજનક બાબત...
આ વાત સાચી હોય ખરેખર શરમજનક બાબત છે। લોકશાહીના વ્યવસ્થિત સંચાલનમાં સ્વતંત્ર અને તટસ્થ મીડિયા મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. હું વિચારું છું કે, કોઈ પણ ભારતીય મીડિયા ગ્રૂપે આ બાબતે રીપોર્ટ પ્રકાશિત કરવાની હિમ્મત કેમ ન દેખાડી?

..તો વર્તમાનપત્રો પર વિશ્વાસ કોણ કરશે?
ચૂંટણીનો મુખ્ય હેતુ લોકપ્રતિનિધિઓની પસંદગી કરવાનો છે। પણ ચૂંટણીમાં રૂપિયાના વધતા જતાં વર્ચસ્વને જોઇને લોકશાહીનું ભવિષ્ય અંધકારમય લાગે છે. નેતા નોટ દઇને વોટ ખરીદે છે. હવે તેઓ રૂપિયા આપી સમાચાર પણ ખરીદવા લાગશે તો વર્તમાનપત્રો પર વિશ્વાસ કોણ કરશે?

બધા વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યાં છે...
દેશમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે, પણ રીપોર્ટર, એડિટર, ફોટોગ્રાફર અને મીડિયા મેનેજમેન્ટ ભ્રષ્ટ થઈ જશે તો સ્વસ્થ લોકશાહી માટે તે ખતરનાક સંકેત છે। બધા વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યાં છે તેવું લાગે છે.

મીડિયા એક ખાસ વર્ગની પિપૂડી વગાડે છે...
મીડિયા સમાજનું દર્પણ છે। તે શાસકપક્ષ અને સરકારની ખામીઓને જનતા જનાર્દન સમક્ષ રજૂ કરી તેમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. વિશ્વસનિયતા જ મીડિયાની સૌથી મોટી મૂડી છે, પણ હકીકત એ છે કે મીડિયા લોકોની આકાંક્ષાઓ અને આશાઓને પ્રતિબિંબિત કરવાને બદલે એક ખાસ વર્ગની પિપૂડી વગાડે છે. વૈશ્વિકરણના કારણે તેના પર નફો રળવાનું દબાણ વધી રહ્યું છે અને ચૂંટણીમાં વર્તમાનપત્રો દ્વારા 'સ્પેસ સેલિંગ' તેના કથળતાં જતાં મૂલ્યોનો સંકેત છે.

મીડિયામાં સ્પેસનું ત્રણ રીતે વેચાણ થાય છે...
આ વર્ષે 30 જાન્યુઆરીના રોજ અમે લોકોએ એક પરિષદનું આયોજન કર્યું હતું। તેનો વિષય હતો-National Conference On Electoral and Political Issues. તેમાં તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર ગોપાલસ્વામી પણ આવ્યાં હતા. તેમણે એક ઘટસ્ફોટ કર્યો હતો કે મીડિયામાં સ્પેસનું વેંચાણ ત્રણ રીતે થાય છે. પહેલી રીત-રૂપિયા ફેંકો અને મન ફાવે તેવા સમાચારો પ્રકાશિત કરાવો. બીજી રીત-ખાસ ઉમેદવારો કે વ્યક્તિ વિશે સારું લખાશે અને તેના હરિફોની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે તેવા જ સમાચારો પ્રકાશિત થશે. ત્રીજી રીત સૌથી વધુ આંચકાજનક છે. તેમાં વર્તમાનપત્ર લુખ્ખીગીરી પર ઉતરી આવે છે અને ચોખ્ખું કહી દે છે કે, અમે તમારા વિશે કાં તો કંઈ નહીં લખીએ કાં પછી ખરાબ જ લખીશું. ત્રીજી રીતે તો ખરેખર ગભરાવી દે તેવી છે. પત્રકારત્વની ભાષામાં તેને 'પીળું પત્રકારત્વ' (Yellow Journalism) કહેવાય છે, કારણ કે તે એક પ્રકારનું બ્લેકમેલિંગ જ છે. તેનું સ્ટિંગ ઓપરેશન થવું જોઇએ. પણ મીડિયાનું જ સ્ટિંગ ઓપરેશન કોણ કરશે?

કોઈ વાંચક કોઈ ખાસ વર્તમાનપત્ર કે મેગેઝિન શા માટે ખરીદે છે?
પ્રેસને આત્મમંથન કરવાની જરૂર છે। મીડિયાકર્મીઓએ પોતાને જ પ્રશ્ન પૂછવો જોઇએ કે, શું તેઓ યોગ્ય કરી રહ્યાં છે? શું આગામી સમયમાં તેની ખરાબ તેમના પોતાના હિતો પર નહીં પડે? કોઈ વાંચક કોઈ ખાસ વર્તમાનપત્ર કે મેગેઝિન શા માટે ખરીદે છે? કારણ કે, તે કોઈ ખાસ વર્તમાનપત્ર કે મેગેઝિનને અન્ય પ્રકાશનોની સરખામણીમાં વધારે વિશ્વસનિય ગણે છે.

અંગ્રેજી વર્તમાનપત્રોમાં પણ સ્પેસ સેલિંગ થઈ રહ્યું છે...
પ્રેસ કાઉન્સિલ પાસે બહુ અધિકાર નથી। ઇલેક્ટ્રોનિક મીડિયાનું એસોસિએશન તો છે, પણ તે નિયમન કરવામાં અસમર્થ છે. તો પછી શું કરી શકાય? એક સ્વતંત્ર એજન્સીની રચના કરી શકાય, જે આ પ્રકારના બાબતોની તપાસ કરી શકે. સમસ્યા ગંભીર છે અને તેનો ઉકેલ નજીકના ભવિષ્યમાં આવે તેવું લાગતું નથી. અંગ્રેજી વર્તમાનપત્રોમાં પણ સ્પેસ સેલિંગ થઈ રહ્યું છે, પણ હિંદી અખબારો જેટલું નહીં.

રૂપિયા ફેંકી કોઈના પણ ચારિત્ર્ય પર કાદવ ઉછાળી શકાશે...
દેશમાં ચૂંટણી ખર્ચાળ થતી જાય છે। નેતાઓ માટે ચૂંટણીનો ખર્ચ રોકાણ સમાન છે. કોઈ પણ ઉમેદવાર ચૂંટણીના ખર્ચની રૂ. 25 લાખની મર્યાદાને ગંભીરતાથી લેતો નથી. દરેક વહેતી ગંગામાં ડૂબકી મારી લે છે. તો પછી મીડિયા કેમ પાછળ રહે? પણ તેનું એક નુકસાનકારક પરિણામ એ આવશે કે કોઈ પ્રામાણિક અને યોગ્ય ઉમેદવારને પ્રેસનું કવરેજ મળશે જ નહીં અને રૂપિયા ફેંકી કોઈના પણ ચારિત્ર્ય પર કાદવ ઉછાળી શકાશે. આ કુરિવાજ એક વખત જોર પકડશે પછી સ્વસ્થ લોકશાહીની થોડીઘણી આશા પર પણ પાણી ફરી વળશે. ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારોની સંખ્યા વધી રહી છે.

ઝાંખી થતી આશા...
મીડિયા અત્યારે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ માટે ચર્ચા-વિચારણાનું પ્લેટફોર્મ બનતું નથી। લોકશાહીમાં ન્યાયતંત્ર પછી સામાન્ય લોકોના હાથમાં મીડિયા જ એક એવું શસ્ત્ર છે, જે લોકપ્રતિનિધિઓના ખોટા આચરણ પર અંકુશ લગાવી શકે છે. પણ હવે તો તે આશા પણ ઝાંખી થતી જાય છે.

ખતરનાક અને ચિંતાજનક સ્થિતિ...
વૈશ્વિકરણ પછી મીડિયામાં કોર્પોરેટ જગતનું રોકાણ આવ્યું છે. એક પછી એક નવા અખબારો અને ચેનલ શરૂ થઈ છે, પણ વર્તમાનપત્રના ફ્રન્ટ પેજ અને ન્યૂઝ ચેનલના પ્રાઇમ ટાઇમમાંથી સામાન્ય લોકો અને તેમના પ્રશ્નો ગાયબ થઈ ગયા છે. આ ખતરનાક અને ચિંતાજનક સ્થિતિ છે. આ પ્રકારની સ્થિતિમાં રાજકીય વર્ગને જ ફાયદો થાય છે.

Friday, May 1, 2009

'ગુજરાતમાં ભૌતિક પ્રગતિ થઈ છે, પણ નૈતિક મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે'




કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસ કે પતનનો આધાર તેના સામાજિક અને આર્થિક માળખા પર હોય છે. સામાન્ય રીતે અર્થતંત્રમાં જે પરિવર્તનો થાય છે તેના આધારે જ સામાજિક માળખું આકાર લે છે. ક્યારેક એવી સામાજિક ઘટનાઓ બને છે જે આ પ્રક્રિયાને કામચલાઉ રીતે સ્થગિત કરી દે છે, પણ થોડા સમયમાં આર્થિક ફેરફારોને અનુરૂપ સામાજિક ફેરફારોની ગાડી ફરી પાટે ચઢી જાય છે. 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી અને ત્યારથી લઇને અત્યાર સુધી ગુજરાતના આર્થિક પરિવર્તનોને આધારે તેના સામાજિક અને રાજકીય માળખામાં કેવા પરિવર્તન થયા તે અંગે રાજ્યના જાણીતા સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી સાથે થયેલી વાતચીતઃ

રાજ્યની સ્થાપના સમયે....
ગુજરાતની સ્થાપના થઈ ત્યારે રાજ્યના અર્થકારણમાં લોહાણા, જૈન, ભાટિયા, પારસી, ખોજા, મેમણ જેવી વેપારી પ્રજાનું વર્ચસ્વ હતું જ્યારે શૈક્ષણિક તંત્ર પર બ્રાહ્મણોનો દબદબો હતો. આ કારણે સ્વાભાવિક રીતે સમાજ પર ઉજળિયાત વર્ણનું પ્રભુત્વ હતું. રાજકારણમાં તમે જુઓ તમને મહેતા, મહેતા, મહેતા.. જ દેખાશે. રાજકીય ક્ષેત્રે બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. આપણા રાજ્યના પહેલાં મુખ્યમંત્રી જીવરાજ મહેતા અને બીજા મુખ્યમંત્રી બલવંતરાય મહેતા હતા. આ સ્થિતિ 1974 સુધી લગભગ જળવાઈ રહી. પણ તે પછી રાજ્યના સામાજિક-આર્થિક-રાજકીય પરિવર્તનનો પવન ફૂંકાયો તેના મૂળિયાં 1970ના દાયકાના અંતમાં હરિત ક્રાંતિએ નાંખી દીધા હતા.
હરિત ક્રાંતિ અને સામાજિક-આર્થિક પરિવર્તન...
દેશમાં 1970ના દાયકાના અંતે કૃષિ વિજ્ઞાની એમ સુબ્રમન્યમની આગેવાનીમાં હરિત ક્રાંતિ શરૂ થઈ. તેનો સૌથી વધારે ફાયદો પંજાબ અને ગુજરાતના ખેડૂતોને થયો. ખેતીવાડીની આવક વધી, પટેલ કોમની આવકમાં વધારો થયો એટલે તેમણે ઉદ્યોગો સ્થાપવાની શરૂઆત કરી. તેની સાથે જ રાજ્યના ઔદ્યોગિક- રાજકીય ફલક પર એક નવા યુગની શરૂઆત થઈ હતી. 70ના દાયકાથી લઇને 1995 સુધી રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં પટેલ કોમનો ફાળો સૌથી વધારે છે એમ કહી શકાય. ખેતીવાડીમાં સમૃદ્ધ થયેલા ખેડૂતોએ દરેક ઔદ્યોગિક ક્ષેત્રમાં ઝંપલાવ્યું. કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, શૈક્ષણિક, હીરા ઉદ્યોગ વગેરે ક્ષેત્રોમાં પટેલ કોમનો દબદબો વધ્યો.

પી ફોર પટેલ, પી ફોર પાવર....
અર્થકારણ અને રાજકારણને સીધો સંબંધ છે. સામાન્ય રીતે સંપત્તિ આવે એટલે સત્તા મેળવવાની આકાંક્ષા જન્મે. આર્થિક રીતે સમૃદ્ધ થયેલા પટેલોએ રાજકારણમાં ઝંપલાવ્યું. હરિત ક્રાંતિ પછી સમૃદ્ધ થયેલા ખેડૂતોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું હતું. તેમાં 1976માં ઇન્દિરા ગાંધીએ સમગ્ર દેશમાં કટોકટી લાદતાં નાગરિકોમાં રાજકીય જાગૃતિમાં વધારો થયો હતો. તે પછી પટેલ જ્ઞાતિના લોકોએ વધારેને વધારે રાજકારણમાં ઝંપલાવ્યું. તેમાંના મોટાભાગના લોકોનો ઝુકાવ જૂનાં જનસંઘ અને વર્તમાન ભારતીય જનતા પક્ષ (ભાજપ) તરફ હતો, કારણ કે ભાજપ પા પા પગલી માંડતું હતું અને તેમાં વર્ચસ્વ સરળતાથી સ્થાપી શકાય તેમ હતું. 1974 પછી રાજ્યમાં બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ એમ પટેલ ત્રણ મુખ્યમંત્રી મળ્યાં. તે પછી ધારાસભ્યોના નામ પર નજર કરો તો પણ તમને પટેલ, પટેલ, પટેલ....નામ વધારે જોવા મળશે. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી પટેલોનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો ગાળો હતો. પટેલોએ વર્ચસ્વ સ્થાપિત કર્યું પણ તે અપેક્ષાથી વિપરીત લાંબો સમય ટકી શક્યું નહીં.

પટેલ પાવરનો વિલય....
1991માં આર્થિક ઉદારીકરણનો પવન ફૂંકાયો અને રાજ્યના દરિયાકિનારે ઔદ્યોગિકરણ શરૂ થયું. તેમાં સ્વાધ્યાય પરિવારે સામાજિક વિકાસનું જબરદસ્ત કામ કર્યું. છેવાડાના લોકો સુધી તેમના અધિકારો સુધીની માહિતી પહોંચી. શિક્ષણનો વ્યાપ વધ્યો અને 90ના દાયકાના અંતે જે અનામત આંદોલન થયું તેની અસર એક દાયકા પછી વીસમી સદીના અંતિમ દાયકામાં જોવા મળી. ગુજરાતની વસતીમાં 13 ટકા પટેલ છે અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) 40 ટકા છે. આ વાત રાજકીય પક્ષો સમજ્યાં અને ધીમેધીમે પટેલ પાવરનો વિલય થયો. ઉપરાંત પટેલ જ્ઞાતિની યુવા પેઢી રાજકારણ કરતાં વ્યાવસાયિક ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાનું વધારે પસંદ કરી રહી છે.

નરેન્દ્ર મોદીનું આગમન નિર્દોષ ઘટના નહોતી...
કેશુભાઈ પટેલનું મુખ્યમંત્રી પદેથી નિર્ગમન અને નરેન્દ્ર મોદીનું આગમન નિર્દોષ ઘટના નહોતી। સામાન્ય રીતે એવી માન્યતા છે કે, વર્ષ 2002માં આયોજિત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને બચાવવા કેશુભાઈ પટેલના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં હતા. પણ હકીકતમાં કેશુભાઈનું જવું પટેલ પાવરના વિલયનો સંકેત છે જ્યારે નરેન્દ્ર મોદીનું આગમન ઓબીસી પાવરનો ઉદય છે. તમે જુઓ કે, મોદીના આગમન પહેલાં ભારતીય જનતા પક્ષ બ્રાહ્મણ, જૈન અને પટેલોના પક્ષ તરીકે ઓળખતો હતો જ્યારે અત્યારે ભાજપમાં આ ત્રણેય કોમ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને તેમાં અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસીઓનું વર્ચસ્વ વધી ગયું છે.

1960થી 2009: સામાજિક-રાજકીય અધઃપતન...
ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે સાબરમતી આશ્રમમાં રવિશંકર મહારાજે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને જાળવી રાખવાની અપેક્ષા રાખી હતી। પણ તે પછી ગુજરાતના લોકો નૈતિક અધઃપતન તરફ ક્રમશઃ અગ્રેસર થઈ રહ્યાં છે. ગુજરાતમાં શિક્ષણ વધ્યું છે, રોજગારી વધી છે, વેપાર-વાણિજ્યની પ્રગતિ થઈ છે, વિવિધ સંપ્રદાયોનો ફેલાવો વધ્યો છે. સામાન્ય રીતે આ સંજોગોમાં પ્રજાનું નૈતિક સ્તર ઊંચું આવવું જોઇએ. પણ સત્ય, અહિંસા અને પ્રામાણિકતાનું સ્થાન અત્યારે ભ્રષ્ટાચાર અને હિંસાએ લીધું છે. આપણા રાજ્યમાં ભૌતિક પ્રગતિ થઈ છે, પણ નૈતિક મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે. અત્યારે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. રાજ્યની સ્થાપના થઈ ત્યારે રાજકારણમાં વેપારીઓ અને બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. તેઓ અહિંસક અને શાંતિપ્રિય હતા. તેમના માટે સાધનશુદ્ધિ મહત્વની હતી. જ્યારે પટેલ અને ઓબીસી વર્ગ માટે સાધનશુદ્ધિ કરતાં આધિપત્ય વધારે મહત્વપૂર્ણ છે. સમાજ પહેલાં સંગઠિત હતો પણ છેલ્લાં બે દાયકામાં તેના જાતિ અને સંપ્રદાયને આધારે ટુકડે-ટુકડા થઈ ગયા છે.

રથયાત્રા પહેલાનું અને તે પછીનું ગુજરાત...
ભાજપે લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં રથયાત્રા કાઢી તે પહેલાં ગુજરાતમાં ભાજપનું કમાન બ્રાહ્મણ, જૈન જેવી શાંતિપ્રિય જ્ઞાતિઓના હાથમાં હતું એટલે ત્યારે નરમ હિંદુત્વ જોવા મળતું હતું। પણ તે પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપે પછાત વર્ગના લોકોને પોતાની સાથે જોડ્યાં. રથયાત્રા આંદોલનમાં આ વર્ગના લોકોએ જ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એટલે રથયાત્રા અને બાબરી વિધ્વંસ પછી ગુજરાતમાં અન્ય પછાત વર્ગનું મહત્વ ક્રમશઃ વધતા ઉગ્ર હિંદુત્વ જોવા મળે છે. આ ઉગ્ર હિંદુત્વ વિચારસરણીમાં વિશ્વાસ ધરાવતા લોકો અત્યારે નરેન્દ્ર મોદીના ટેકેદારો છે.

ગોધરા-અનુગોધરાકાંડ પહેલાંનું અને તે પછીનું ગુજરાત...
ગોધરા-અનુગોધરાકાંડ પહેલાંના ગુજરાતની ઓળખ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે મહાત્મા ગાંધીના વેપારી અને શાંતિપ્રિય રાજ્ય તરીકે હતી, પણ 2002ના કોમી રમખાણો પછી ગુજરાતને દુનિયાના લોકો કેવી રીતે જુએ છે તેની આપણને બધાને જાણ છે। ગોધરા-અનુગોધરા કાંડ પછી ગુજરાતમાં હિંદુ અને મુસ્લિમ સમાજ વચ્ચે સ્પષ્ટ તિરાડ પડી ગઈ છે. તે પહેલાં પણ રાજ્યમાં કોમી રમખાણો થયા હતા, પણ તે ઉપરછલ્લાં અને સ્થાનિક હતા, જ્યારે 2002માં થયેલા કોમી તોફાનો એક એક્શન-રીએક્શનની સ્વાભાવિક ઘટના નહોતી. તે ગુજરાતના સમાજને હિંદુ અને નોન-હિંદુ લાઇનમાં વિભાજીત કરવાનો એક પ્રયોગ હતો અને તેમાં જબરદસ્ત સફળતા મળી હતી. હકીકતમાં ગોધરા-અનુગોધરા કાંડ સમગ્ર ભારતીય સમાજને હિંદુ વિરૂદ્ધ નોન-હિંદુ લાઇનમાં વિભાજીત કરવાનું પ્રથમ પગથિયું છે કે પ્રયોગ હતો.

ગુજરાત અને આતંકવાદ..
આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, પણ તમે એક બાબત ખાસ ધ્યાનમાં લેજો કે જે જે વિસ્તારમાં આતંકવાદ પગપેસરો કરવામાં સફળ રહ્યો છે તેમાં તેમને સ્થાનિક લોકોની સહાય મળી છે। સ્થાનિક લોકો પોતાના જ રાજ્ય કે દેશ વિરૂદ્ધ આતંકવાદીઓને ક્યારે સહાય કરે? જ્યારે તેને પોતાના રાજ્ય કે દેશની નીતિથી અસંતોષ હોય. મોટે ભાગે અસંતુષ્ટ કે પીડિત લોકો આતંકવાદના સહાય કરતાં જોવા મળે છે. ગુજરાતમાં આતંકવાદના મૂળિયા રથયાત્રાએ નાંખ્યા અને તેમાં ગોધરા-અનુગોધરાકાંડે ખાતર પૂરું પાડ્યું છે. તમે જુઓ કે તે પછી ગુજરાતમાં આતંકવાદી હુમલાઓની શરૂઆત થઈ છે.

સંપ્રદાયોમાં વધારો, નૈતિકતામાં ઘટાડો...
રાજ્યની સ્થાપના પછી દેશના અન્ય કોઈ પણ રાજ્ય કરતાં ગુજરાતમાં સૌથી વધારે સંપ્રદાયોનો ફેલાવો થયો હશે। હકીકતમાં સંપ્રદાયોનો વધારો થવાનો અર્થ એ નથી કે તેનાથી પ્રજામાં ધાર્મિકતા અને નૈતિકતા વધે છે. ગુજરાતમાં સંપ્રદાયોના વિકાસ થવા પાછળ એકમાત્ર કારણ લોકોની પોતાની આગવી ઓળખ ઊભી કરવાની મનોવૃત્તિ છે. તમે જોશો કે છેલ્લાં બે દાયકામાં રાજ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વાધ્યાય પ્રવૃત્તિ, આશારામ બાપુ વગેરે અનેક લોકોએ પોતાના પંથ કે સંપ્રદાય ઊભા કરી દીધા છે. તેમાં જે લોકો ભળે છે તેમના મોટા ભાગના લોકોને ધર્મ કરતાં પોતાની સાંપ્રદાયિક ઓળખ ઊભી કરવામાં વધારે રસ છે. આ સંપ્રદાયો અને તેમના અનુયાયીઓને ઇશ્વરની શોધ અને નૈતિક ગુણો પ્રસ્થાપિત કરવામાં ઓછો રસ છે.

મહિલાઓની સ્થિતિ યથાવત્..
મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. રોજગારીના વિવિધ ક્ષેત્રોમાં પણ મહિલાઓની હાજરી વધી છે. પણ સામાજિક સ્થિતિમાં બહુ મોટો ફરક પડ્યો નથી. ગુજરાતી સમાજ આજે પણ મહદ્ અંશે પુરુષપ્રધાન જ છે.

શ્રેષ્ઠ મુખ્યમંત્રી....
જીવરાજ મહેતા. તેઓ ગુજરાત ઔદ્યોગિક રાજ્ય બને તેના સ્વપ્નદ્રષ્ટા હતા. તેમણે વેપારી ગુજરાતમાંથી ઔદ્યોગિક ગુજરાત બનાવવાનો પાયો નાંખ્યો હતો. રાજ્યમાં ઔદ્યોગિક વસાહતો નાંખવાની શરૂઆત તેમણે કરી હતી. તેમણે ગુજરાતને જે દિશા આપી તેને અત્યાર સુધી કોઈ મુખ્યમંત્રીએ બદલી નથી. તેમણે નાંખેલા પાયા પર જ બધા મુખ્યમંત્રી ચણતર કરી રહ્યાં છે. ચીમનભાઈ પટેલ પણ ખરા. નર્મદા યોજનાનું સૌથી વધારે અમલીકરણ તેમના શાસનકાળમાં થયું. તેમણે કલ્પસર યોજના બનાવી. તેઓ કુશળ આયોજક હતા.

નબળા મુખ્યમંત્રી...
જૂની પેઢીમાં ઘનશ્યામ ઓઝા અને નવી પેઢીમાં દિલીપ પરીખ. અત્યારે દિલીપ પરીખ ધંધુકાની બજારમાંથી પસાર થાય તો કોઈ ઓળખે પણ નહીં કે, એક દિવસ આ ભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા.

રાજ્યમાં સૌથી વધુ શાસન કરવાનો વિક્રમ ધરાવતા નરેન્દ્ર મોદી...
જીવરાજ મહેતાએ પાયો નાંખ્યો, ચીમનભાઈ પટેલે અમલીકરણ કર્યું અને નરેન્દ્ર મોદી તેનો સારામાં સારો પ્રચાર કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી સરેરાશ મુખ્યમંત્રી છે. તેમને તમે કુશળ પ્રચારક કે 'પ્રચારપુરુષ' કહી શકો. તેમણે સમગ્ર દુનિયાનું ધ્યાન ગુજરાત તરફ ખેંચ્યું છે. સ્વ. વી પી સિંહ એવું કહેતા કે, 'Politics is management of contradiction.' જ્યારે નરેન્દ્ર મોદીનું રાજકારણ contradiction ઊભા કરવાનું છે.

Sunday, April 19, 2009

'આઝાદી પછી આદર્શ પત્રકારત્વનો છેલ્લો ટમટમતો દીવડો હસમુખ ગાંધી હતા'


'આઝાદી પછી આદર્શ પત્રકારત્વનો છેલ્લો ટમટમતો દીવડો હસમુખ ગાંધી હતા।' આ શબ્દો છે સુરતથી ચાલતાં ડેઇલી ટેબ્લોઇડ 'ડીબી-ગોલ્ડ'ના તંત્રી દિલીપ ગોહિલના. હસમુખ ગાંધી જેવા નિર્ભીક, તેજાબી અને સ્પષ્ટ વિચારો ધરાવતા સંપાદકના હાથ નીચે તૈયાર થયેલા દિલીપ ગોહિલ 'ઇન્ડિયા ટુડે-ગુજરાતી' અને રેડિફની ગુજરાતી વેબસાઈટમાં આસિસ્ટન્ટ એડિટર હતા. 'ઇન્ડિયા ટુડે-ગુજરાતી' કયા કારણસર બંધ થયું, રેડિફની વેબસાઇટને શી મુશ્કેલી નડી, અત્યારે ડીબી ગોલ્ડને પડતી મુશ્કેલી વગેરે વિષય પર તેમની સાથે શનિવારે સવારે વાતો થઈ, જે પ્રશ્નોતરી સ્વરૂપે રજૂ કરું છું:

પત્રકારત્વમાં પ્રવેશ કરવાની ઇચ્છા કેવી રીતે થઈ?
મારું મૂળ ગામ રાજુલા. પહેલેથી જ વાંચનનો શોખ હતો. વિવિધ મેગેઝીન અને પુસ્તકો વાંચતો રહેતો. તે સમયે લખવાની ઇચ્છા જાગી હતી. પછી ભાવનગર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. (B.A. With English) તે સમયે લેખક બનવાનો થનગનાટ હતો, પણ ગુજરાતમાં સામાન્ય રીતે પ્રોફેસર-લેખકોની સંખ્યા વધારે છે. અહીં માત્ર લેખક તરીકે ગુજરાન ચલાવવું અત્યંત કઠિન છે, જ્યારે પ્રોફેસરો મફતમાં કે મફતના ભાવે ગમે તેવું સર્જન કરે તો પણ તેમને ઘર ચલાવવામાં વાંધો ન આવે.
તે સમયે મારી સમક્ષ શિક્ષક અને પ્રોફેસર બનવાની સારી તક હતી। અંગ્રેજી ભાષાની જાણકારી હોવી જોઈએ તેવી માનસિકતા લોકોમાં ઘડાઈ રહી હતી અને અન્ય વિષયના પ્રોફેસર કે શિક્ષક બનવા કરતાં અંગ્રેજીના વિષયમાં પ્રોફેસર કે શિક્ષક બનવું પ્રમાણમાં સરળ હતું, પણ શિક્ષકો વેદિયા હોય તેવી ભાવના પહેલેથી જ મારા મનમાં ઘૂસી ગયેલી. એટલે શૈક્ષણિક ક્ષેત્રમાં તો પ્રવેશ ન જ કરવો એવી ગાંઠ વાળી લીધેલી. તે પછી લેખક થવા માટે સૌથી નજીકનું ક્ષેત્ર પત્રકારત્વ છે તેવી જાણકારી મળી અને રાજકોટની સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં પ્રવેશ મેળવ્યો.

કારકિર્દીની શરૂઆત જનસત્તાથી થઈ હતી...
હા। જનસત્તામાં 1986-87માં ટ્રેઇની પત્રકાર તરીકે જોડાયો હતો. તે સમયે ગુજરાતી પત્રકારત્વનું કેન્દ્ર મુંબઈ હતું. બધા મોટા પત્રકારો અને લેખકો-સાહિત્યકારો મુંબઈમાં સ્થાયી થયેલા. મુંબઈના પત્રકારત્વનો અનુભવ લેવાની અને શક્ય હોય તો ત્યાં સ્થાયી થવાની ઇચ્છા મોટા ભાગના યુવાન પત્રકારોમાં જોવા મળતી હતી. જનસત્તામાં બે-પાંચ મહિના કામ કર્યું તે દરમિયાન મુંબઈથી પ્રસિદ્ધ થતાં 'યુવદર્શન'માં કામ કરવાની તક મળી. ત્યાં થોડો સમય કામ કર્યુ. પણ પત્રકાર તરીકે પહેલી વ્યવસ્થિત શરૂઆત 'સમકાલીન'થી થઈ.

હસમુખ ગાંધીના હાથ નીચે?
હા। મારું સૌભાગ્ય છે કે, ગુજરાતી પત્રકારત્વના ઉત્તમ તંત્રીની નજર હેઠળ મને કારકિર્દીની વ્યવસ્થિત શરૂઆત કરવાનો મોકો મળ્યો.

તે સમયે યુવાન પત્રકારોમાં હસમુખ ગાંધી આદર્શ સમાન હતા..
ચોક્કસ। તેમના હાથ નીચે તૈયાર થવું એક લહાવો હતો. યુવાન પત્રકારો તેમની સાથે કામ કરવાનું સ્વપ્ન સેવતા હતા. પણ તેમની સાથે કામ કરવું બહુ મુશ્કેલ હતું. તેમને સ્વભાવ બહુ આકરો હતો. તેઓ પત્રકારત્વના સિદ્ધાંતો તથા ગુણવત્તાયુક્ત ભાષાના આગ્રહી હતા. આઝાદી પછી પત્રકારત્વનો જે આદર્શ હતો તેની તે છેલ્લી મશાલ સમાન હતા, સ્વતંત્રતા પછી આદર્શ પત્રકારત્વનો છેલ્લો ટમટમતો દીવડો હતો.

હસમુખ ગાંધીને ગુજરાતી પત્રકારત્વના ઉત્તમ તંત્રી ગણવામાં આવે છે.....
તેઓ પત્રકારત્વના સિદ્ધાંતો અને ભાષા સાથે બાંધછોડ કરતાં નહીં। યુવાન પત્રકારોને પ્રોત્સાહન આપતા। ભૂલ હોય તો ટકોર કરતા। તેઓ માનતા હતા કે, તંત્રી કોઈ પત્રકારનો દોસ્ત ન હોઈ શકે, જ્યારે અત્યારે તંત્રીઓ આખી દુનિયાના દોસ્ત હોય છે। તેમનામાં સાચું કહેવાની તાકાત હતી, કારણ કે તેમને તેમની આવડત પર વિશ્વાસ હતો। તેમના હાથ નીચે પત્રકારત્વની એક આખી પેઢી તૈયાર થઈ છે. તેમનો સૌથો મોટો ગુણ તટસ્થતા હતી। તેઓ પૂર્વગ્રહથી પર હતા. ન્યાયાધીશની જેમ તંત્રી પણ શંકાથી પર હોવો જોઈએ અને ગાંધીસાહેબની પત્રકારત્વ પ્રત્યેની નિષ્ઠા પર કોઈ આંગળી ચીંધી ન શકે. તેની સરખામણીમાં અત્યારે તંત્રીઓ દલાલની ભૂમિકા ભજવી રહ્યા છે. હાલ મોટા ભાગના તંત્રી દલાલ જ છે. અત્યારે વાતાવરણ જ એવું છે કે, સારો દલાલ હોય તે જ તંત્રી થઈ શકે.

સમકાલીન છોડ્યા પછી તમે 'ઇન્ડિયા ટુડે-ગુજરાતી' મેગેઝીનમાં જોડાયા હતા. તેની ગુણવત્તા સારી હોવા છતાં બંધ થવાનું કારણ?
'ઇન્ડિયા ટુડે'નું મેનેજમેન્ટ. તે 'ઇન્ડિયા ટુડે-અંગ્રેજી' જેવું સ્ટાન્ડર્ડ ગુજરાતીમાં જાળવી રાખવાનો આગ્રહ ધરાવતું હતું. આ માટે તેમણે 'ઇન્ડિયા ટુડે-અંગ્રેજી'ના મોટા ભાગના વિષયો ગુજરાતી મેગેઝીનમાં આપવાની શરૂઆત કરી. એટલે અનુદિત પત્રકારત્વ વધારે થઈ ગયું અને સામાન્ય ગુજરાતીઓ સ્પર્શી ન શક્યું. (આ જ ધંધો અત્યારે 'સન્ડે ઇન્ડિયન' નામનું એક ગુજરાતી મેગેઝીન કરી રહ્યું છે અને તેને સફળતા મળી નથી। આ જ રીતે ચાલતું રહેશે તો નિષ્ફળતા મળવાની પૂરેપૂરી ખાતરી છે- કેયૂર કોટક)

ખરેખર મેનેજમેન્ટે 'ઇન્ડિયા ટુડે-અંગ્રેજી'નાં પત્રકારત્વનું જે સ્ટાન્ડર્ડ હતું તેવી ગુણવત્તા ગુજરાતી પત્રકારત્વમાં વિકસાવવાની જરૂર હતી। 'ઇન્ડિયા ટુડે-ગુજરાતી'માં ગુજરાત અને ગુજરાતીઓને રસ પડે તેવી માહિતીઓ પીરસવાની જરૂર હતી. પણ મેનેજમેન્ટ આ વાત સમજ્યું નહીં એટલે મેગેઝીન 'ક્લાસ' માટે બની ગયું અને 'માસ'માં પકડ જમાવી શક્યું નહીં. તેનું સર્કયુલેશન વધ્યું નહીં. દરમિયાન હર્ષદ મહેતાનું કૌભાંડ બહાર આવ્યા પછી મંદીનો ગાળો હોવાથી જાહેરાતની આવક પણ ઘટી ગઈ. તેની સામે ખર્ચ બહુ વધારે હતો એટલે મેનેજમેન્ટે મેગેઝીન બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

'ઇન્ડિયા ટુડે-ગુજરાતી'ના સંપાદક શીલા ભટ્ટે મેનેજમેન્ટ સમક્ષ ગુજરાતીઓને પોતાનું લાગે તેવી માહિતી મેગેઝીને આપવી જોઈએ એ પ્રકારની રજૂઆત કરી નહોતી?
તેમણે રજૂઆત કરી હતી, પણ મેનેજમેન્ટ તેના નિર્ણય પર મક્કમ હતું। તેઓ અંગ્રેજી મેગેઝીન જેવો વાચકવર્ગ ગુજરાતમાં વિકસાવવા માંગતા હતા. આ માટે મેનેજમેન્ટે ધીરજ ધરવાની તૈયારી પણ દેખાડી હતી. પણ પાંચ-છ વર્ષમાં જ ધીરજ ખૂટી ગઈ હોય તેવું લાગ્યું.

ઇન્ડિયા ટુડેમાં કામ કરવાનો શો ફાયદો થયો?
પત્રકારત્વની સ્કિલનો પરિચય થયો, કમ્પાઇલેશન અને પ્રેઝન્ટેશન સારામાં સારું કેવી રીતે કરવું તેનો અનુભવ મળ્યો। મારી કારકિર્દીની વ્યવસ્થિત અને સારી શરૂઆત સમકાલીનમાં થઈ તો ઇન્ડિયા ટુડેમાં મારી કારકિર્દીને વેગ મળ્યો. હું તેમાં જુનિયર પત્રકાર તરીકે જોડાયો હતા અને ચાર વર્ષમાં ચાર પ્રમોશન સાથે આસિસ્ટન્ટ એડિટર થયો હતો. પત્રકારત્વનાં બે પાસાં-ડેસ્ક (તંત્રી) અને રિપોર્ટિંગ (રિપોર્ટર)માં તૈયાર થવાની તક મને બે કાબેલ માણસો પાસેથી મારી કારકિર્દીની શરૂઆતમાં જ મળી. સમકાલીનમાં હસમુખ ગાંધી નીચે ડેસ્કનું કામકાજ શીખ્યો તો ઇન્ડિયા ટુડે-ગુજરાતીમાં શીલા ભટ્ટ સાથે રિપોર્ટિંગ સ્કિલ વિકસી. મને ગુજરાતી ભાષાના આ બંને ઉત્તમ પત્રકારો સાથે કામ કરવાનો લહાવો મળ્યો.

ગુજરાતી પત્રકારત્વમાં શીલા ભટ્ટ, વર્ષા પાઠક જેવી મહિલા પત્રકારો આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે. તેનું શું કારણ?
મુખ્ય પ્રવાહનાં અખબારો મહિલા પત્રકારોને બહુ તક આપતાં નથી અને તેમને જોઈએ તેવું વાતાવરણ મળતું નથી। શીલા ભટ્ટ અને વર્ષા પાઠક બંનેને ચિત્રલેખામાં મનપસંદ કામ કરવાની તક મળી અને સાથેસાથે તેમને અનુકૂળ વાતાવરણ મળ્યું હતું. ઉપરાંત તે બંને ક્ષેત્રમાં આગળ વધવા મહેનત કરવા તૈયાર હતાં.

અત્યારે ગુજરાતી પત્રકારત્વમાં મહિલા પત્રકારોની સંખ્યા વધી છે...
(હસતાં-હસતાં) સંખ્યા અને ગુણવત્તાને બહુ ઝાઝો સંબંધ નથી. સંખ્યા વધી છે અને અત્યારે ટીવીમાં મહિલા પત્રકારો માટે સારી તક છે, પણ તેમનામાં રૂટિનથી વિશેષ કંઈ કરવાનો બહુ ઉત્સાહ નથી તે હકીકત છે.

તમે પછી શીલા ભટ્ટ સાથે રેડિફની ગુજરાતી વેબસાઇટમાં પણ આસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કરેલું..
ઇન્ડિયા ટુડે-ગુજરાતી બંધ થયું પછી ઘરે બેઠો। આર્થિક સુમેળ સાધવા નાનાં-મોટાં અખબારોમાં કામ કર્યું. પછી રેડિફની ગુજરાતી વેબસાઇટમાં કામ કર્યું. તે એક નવા જ પ્રકારનું પત્રકારત્વ હતું. તેમાં મને શીલાબહેન સાથે ફરી એક વખત કામ કરવાની તક મળી હતી.

રેડિફની વેબસાઇટે પણ કામ ખરેખર સારું કર્યું હતું તેમ છતાં તેને પણ નિષ્ફળતા મળી. તેનું શું કારણ?
શીલા ભટ્ટ, વિક્રમ વકીલ અને અમારી ટીમે ખરેખર સારું કામ કર્યું હતું। ધરતીકંપ વખતે બિનનિવાસી ગુજરાતીઓમાં અમારી વેબસાઇટ સૌથી વધુ જોવાતી હતી. આ કામગીરી બદલ અમારી સાઇટને અમેરિકાની યુનિવર્સિટીનો એક ઇન્ટરનેશનલ જર્નાલિઝમ એવોર્ડ પણ મળ્યો હતો. અમે ધરતીકંપ વખતે ઝડપથી સચોટ માહિતી આપતા હતા. પણ ફરીથી આવકની સમસ્યા હતી. કોઈ પણ સાહસ આવક ન કરે તો તેને બંધ કરી દેવામાં જ ભલાઈ છે. હકીકતમાં તે ઇન્ટરનેટના પ્રસારનો પ્રારંભિક સમયગાળો હતો. તેમાં ગુજરાતી વેબસાઇટનો વિચાર સમય કરતાં આગળ હતો. વળી તે સમયે ઇન્ટરનેટનો તેજીનો ફુગ્ગો ફૂટી ગયો એટલે અમને બેવડો ફટકો પડ્યો. આવકના સ્રોત ઘટી ગયા એટલે સ્વાભાવિક રીતે તેને બંધ કરી દેવા સિવાય મેનેજમેન્ટ પાસે અન્ય કોઈ વિકલ્પ જ નહોતો.

એટલે એવું કહી શકાય કે તમે મંદીના સરળ શિકાર છો...
(હસતાં-હસતાં) 1990 પછી તમામ મંદીનો ભોગ બન્યો છું।

ઘણા પત્રકારો એવું કહે છે કે, તમે ક્યાંય બહુ ટકતા નથી..
તેમાં અર્ધસત્ય છે। જ્યાં મને કામ કરવાની મજા આવતી હતી તે બધાં માધ્યમો કે પ્રકાશનો જમાના કરતાં આગળ હોવાથી સ્પર્ધામાં ટકી શક્યાં નહીં એટલે બંધ થઈ ગયાં. ઇન્ડિયા ટુડે અને રેડિફ છોડવાનો કોઈ સવાલ જ નહોતો. બાકીની નોકરીઓમાં કામ કરવાની મજા નહોતી આવતી એટલે છોડી દીધી. હું માત્ર રૂપિયા માટે કામ કરવામાં માનતો નથી. રૂપિયા જીવનમાં જરૂરી છે, પણ સારું કામ કરવાથી જે સંતોષ મળે તેનાથી વિશેષ બીજી કોઈ બાબત નથી.

તમે રેડિફ પછી ઇ-ટીવીમાં જોડાયા હતા. તે અનુભવ તમારા માટે એકદમ નવો હતો...
સાચું કહું તો મેં કામ કર્યું તેના કરતાં ઘરે વધારે બેઠો છું। તે પછી થોડો સમય નાનું-મોટું કામ કર્યું. ઇ-ટીવી દ્વારા ટીવી ચેનલમાં કામ કરવાનો અનુભવ મળી ગયો. તે એક અલગ પ્રકારનો અનુભવ હતો. ઇન્ડિયા ટુડે-ગુજરાતી અને રેડિફની ગુજરાતી વેબસાઇટ એ 'હાઇ કોસ્ટ, હાઇ કલાસ ઓપરેશન' હતાં, જ્યારે ઇ-ટીવી 'લો-કોસ્ટ ઓપરેશન' હતું. ઇ-ટીવીમાં મેનપાવર અને ક્વોલિટીની મુશ્કેલી હતી. મારે પત્રકારત્વમાં પા પા પગલી માંડતા યુવાનોને વ્યાવહારિક તાલીમ આપવી પડી હતી. તેમાંથી હું પણ ઘણું બધું શીખ્યો હતો. અમે ઇ-ટીવીમાં જે ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ દાખલ કરી છે, તેનું આજે પણ પાલન કરવામાં આવે છે.

ઇ-ટીવીમાં પણ તમે બહુ સમય કામ નહોતું કર્યું....
ઇ-ટીવીમાં હું હૈદરાબાદ હતો। તે સમયે અમદાવાદમાં ડેઇલી ટેબ્લોઇડ 'મેટ્રો' શરૂ થયું હતું. એટલે પાછો ફર્યો અને તેમાં જોડાયો. પણ મેનેજમેન્ટમાં મેટ્રોને આગળ વધારવાની બહુ પ્રતિબદ્ધતા નહોતી. એટલે ધીમેધીમે તેમાંથી રસ ઊડતો ગયો. તેવામાં ભાસ્કર ગ્રૂપે સુરતમાંથી ડેઇલી ટેબ્લોઇટ 'ડીબી ગોલ્ડ' શરૂ કર્યું. તેમાં એડિટર તરીકે જોડાયો.

ડીબી ગોલ્ડ પણ મંદીનો શિકાર બન્યું છે....
મેં કહ્યુંને કે હું મંદીનો આસાન શિકાર છું। અમારું સર્કયુલેશન સારું એવું છે અને તેમાં એક કોપીનો ઘટાડો થયો નથી. પણ સમસ્યા ફરીથી આવકની છે. મંદી આવતાં જાહેરાતની આવક ઘટી ગઈ છે.

મેનેજમેન્ટ સુરતમાં શિફ્ટ કરવા વિચારે છે?
હા, મેનેજમેન્ટ એવું વિચારે છે, પણ અવઢવમાં છે। હજુ કાંઈ નક્કી થયું નથી. જોઈએ શું થાય છે.

તમે રેડિયો સિવાય સમાચાર સાથે જોડાયેલાં મોટા ભાગનાં માધ્યમમાં ખરેખર સારું કામ કર્યું છે. તેના ફાયદા અને ખાસ તો ગેરફાયદા શા છે?
(હસતાં-હસતાં) ફાયદો એ કે બેકાર થયા પછી કોઈ પણ માધ્યમમાં હું નોકરી કરી શકું। મારી પાસે તમામ માધ્યમનો સારો અનુભવ છે અને ગેરફાયદો એ કે મેં 'ઇન્ડિયા ટુડે-ગુજરાતી' અને રેડિફ સિવાય લાંબો સમય કામ કર્યું નહીં. જોકે લાંબો સમય એક જગ્યાએ કામ કરવાથી આ ક્ષેત્ર માટે કંઈ કરી શકાતું ન હોય તો તેનો કંઈ અર્થ નથી.

તમે બે દાયકા કરતાં વધારે સમયથી પત્રકારત્વમાં છો. આ સમયગાળામાં તમને શો ફરક દેખાય છે?
સૌથી મોટો ફરક તો તેની અસરકારકતાનો છે। તે સમયે લોકોને અખબારોમાં વિશ્વાસ હતો. તેમાં પ્રગટ થતાં સમાચારોમાં સરકારને ઉથલાવી દેવાની તાકાત હતી. પણ આર્થિક ઉદારીકરણ પછી ચિત્ર બિલકુલ બદલાઈ ગયું છે. પત્રકારત્વમાં મિશનનું સ્થાન કમિશને લીધું છે. અત્યારે સંપાદકે સમાચારોનું સંપાદન કરવાને બદલે બીજા ન કરવાનાં કામ વધુ કરવા પડે છે. મિડિયા મેનેજરોનો જમાનો છે. આજે આ ક્ષેત્રમાં ગ્લેમર વધી ગયું છે. લોકોમાં સમાચાર માધ્યમોની વિશ્વસનીયતા રહી જ નથી.

બીજો ફરક ભાષાનો છે। જેમ જેમ પેઢી બદલાય તેમ ભાષાનો ઘાટ બંધાતો જાય. તેને બદલે રિવર્સ ટ્રેન્ડ જોવા મળે છે. આજે કોઈ નવો પત્રકાર સળંગ પાંચ સાચાં વાક્ય લખી દે તો નવાઈ લાગે.

યુવાન પત્રકારો વિશે તમારું શું માનવું છે?
મોટા ભાગના યુવાન પત્રકારો પત્રકારત્વમાં કેમ આવ્યા છે તેની ખબર જ પડતી નથી. અમારી વખતે જે વાંચતા-લખતા હોય તેને જ પત્રકારત્વમાં પ્રવેશ મળતો. ભાષા અને વિષયની સમજ જરૂરી હતી. અમને ખબર જ હતી કે રૂપિયા ઓછા જ મળવાના છે તેમ છતાં પત્રકારત્વ પ્રત્યે પ્રતિબદ્ધ હતા. અત્યારે તો ટીવી અને સેટેલાઇટને કારણે આ ક્ષેત્રમાં ગ્લેમર વધી ગયું છે. લોકો પૈસો અને પ્રસિદ્ધ મેળવવા પત્રકારત્વમાં પ્રવેશ કરી રહ્યાં છે, પણ તે માટે મહેનત કરવા તૈયાર નથી.
-------------
દિલીપ ગોહિલ કવિજીવ પણ છે। તેમની એક કવિતા 'નિસ્સાસા'ની નકલ 'ઇકોનોમિક ટાઇમ્સ'માં મારી સાથે કામ કરતા અજિત મકવાણાએ આપી હતી.

નિસ્સાસા

નિસ્સાસા નિસ્સાસા, મણમણના નિસ્સાસા
શમણા કેરી સુંદરીઓના કિસ્સાસા કિસ્સાસા...મણમણના નિસ્સાસા..
બારીઓમાં ઉઘડે ને દ્વારમાંથી ખુલ્લે એ છોડિયુંની
શેરીના રસ્તા ભાઈ લિસ્સાસા લિસ્સાસા...મણમણના નિસ્સાસા..
લગરિક બોલે પણ લાટ લજવાય જવાનીના
બોલ બહુ લાગે મને મિઠ્ઠાસા મિઠ્ઠાસા....મણમણના નિસ્સાસા..
સ્તનો કેરા ખેલ માંડે ટી-શર્ટમાં જોગણિયું
ને દેહ કેવા કળાય જાની અચ્છાસા અચ્છાસા...મણમણના નિસ્સાસા..
ચાલ ચાલે મલપતી ચાલે તો છોકરાવની
સાયકલુંના ચક્ર ફરે ધીમ્માસા ધીમ્માસા...મણમણના નિસ્સાસા..

Sunday, April 12, 2009

'ખભે કોથળો ને દેશ મોકળો'ના વાંચનથી ગુજરાતી યુવાનોને લાભ થશેઃ સોનલ મોદી


ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)માંથી મોટે ભાગે કુશળ મેનેજરો મળે છે અને તમારે ઉદ્યોગપતિ બનવું હોય તો આઇઆઇએમમાં અભ્યાસ કરવો જરૂરી નથી। બેથી ત્રણ વર્ષ પહેલાં જાણીતા ઉદ્યોગપતિ કિશોર બિયાનીએ આઇઆઇએમના કેમ્પસમાં જ આ વાત કહી ત્યારે ત્યાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો હતો, કારણ કે બિયાની પરોક્ષ રીતે એવું કહેવા માગતા હતા કે આઇઆઇએમમાંથી કુશળ મેનેજરો જ તૈયાર થાય છે, નહીં કે ઉદ્યોગ સાહસિકો. તેઓ જાણતા નહોતા કે થોડા જ વર્ષોમાં તેમને તેમના રીટેલ સ્ટોર્સમાં એવા પુસ્તકનું વેચાણ કરવું પડશે જેમાં આઇઆઇએમમાંથી અભ્યાસ કરીને સફળ ઉદ્યોગપતિ બનેલા લોકોના સંઘર્ષની વાત રજૂ થઈ હશે.

આ પુસ્તકનું નામ છે 'STAY HUNGRY, STAY FOOLISH'. આઇઆઇએમ-અમદાવાદના વિદ્યાર્થી રહી ચૂકેલા રશ્મિ બંસલ લિખિત આ પુસ્તક અંગ્રેજીમાં બેસ્ટસેલર પુરવાર થયું છે. તેનો ગુજરાતી ભાવાનુવાદ જાણીતા અનુવાદક સોનલ મોદીએ કર્યો છે. ગુજરાતીમાં 'ખભે કોથળો ને દેશ મોકળો' નામે પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકનું વિમોચન શનિવારે સાંજે પાંચ કલાકે આઇઆઇએમના કેમ્પસમાં થયું હતું. આ પ્રસંગે મેં અને મિત્ર વિજય પરમારે અનુવાદક સોનલ મોદી સાથે કરેલી વાતચીતઃ

અંગ્રેજી બેસ્ટસેલર 'STAY HUNGRY, STAY FOOLISH'નો અનુવાદ કરવાની પ્રેરણા ક્યાંથી મળી?
હું અંગ્રેજી પુસ્તક 'STAY HUNGRY, STAY FOOLISH' વાંચતાની સાથે જ તેના પ્રેમમાં પડી ગઈ હતી। ગુજરાતના યુવાન-યુવતીઓ મૂળે ઉદ્યોગ સાહસિકતાની વૃત્તિ ધરાવતા હોય છે. નાના-મોટા ધંધા કરવાનું આપણે ગળથૂથીમાં જ મળે છે. વળી, મારા પતિના ધંધાની સંઘર્ષયાત્રાની છેલ્લાં છવ્વીસ વર્ષથી હું સાક્ષી છું. આવું પુસ્તક ગુજરાતીમાં પ્રકાશિત થાય તો નવી પેઢીને અને અનેક ધંધાર્થીઓને ફાયદો થાય તેવા શુભ આશયથી મેં અનુવાદ કર્યો છે.

તમે સુધા મૂર્તિના પુસ્તકોના અનુવાદ કર્યા છે. તેમના પુસ્તકો સામાન્ય રીતે જીવનલક્ષી હોય છે જ્યારે આ પુસ્તકમાં ઉદ્યોગ અને વ્યવસાયની વાતો હતી. શું તમને આ પુસ્તકના અનુવાદ કરવામાં કોઈ મુશ્કેલી પડી?
સુધાબહેનના પુસ્તકો જીવનલક્ષી અભિગમ કેળવવા પર કેન્દ્રીત હોય છે। તેમાં ટેકનિકલ શબ્દો ના હોય, પણ આ પુસ્તકમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ચાર્ટર્ડ એકાઉન્ટ જેવા વ્યાવસાયિક ક્ષેત્ર સાથે સંબંધિત ટેકનિકલ શબ્દો આવતા હતા. તેમાંથી કેટલાંક શબ્દોને સમજવામાં મને મુશ્કેલી પડતી હતી ત્યારે હું જે તે ક્ષેત્રમાં કાર્યરત સંબંધીઓને ફોન કરીને પૂછ લેતી હતી અને તેની સમજણ મેળવતી હતી.

આ પુસ્તક ભાષાની દ્રષ્ટિએ સરળ છે..
ચોક્કસ। આ પુસ્તકનો અનુવાદ ગુજરાતના યુવાનો અને વ્યવસાયિકોને ધ્યાનમાં રાખીને કર્યો છે. આ પુસ્તકનો આશય ગુજરાતમાં અંગ્રેજી વાંચનનો ઓછો મહાવરો ધરાવતા ગુજરાતી યુવાનો અને વ્યવાસાયિકોને 25 ઉદ્યોગ સાહસિકોના સંઘર્ષની વાત જણાવવાનો છે. ઉદ્યોગ સાહસિક બનવા માગતા લોકોને પ્રેરણા આપવાનો છે. જો પુસ્તકની ભાષા સરળ નહીં હોય તો વાચકને કંટાળો આવશે અને આ પુસ્તક પ્રકાશિત કરવાનો પ્રકાશકનો આશય સરશે નહીં. યુવાનો એક મલ્ટીપ્લેક્સમાં એક ફિલ્મ જોવા જેટલો ખર્ચ કરે છે કદાચ તેના કરતાં પણ ઓછી કિંમત આ પુસ્તકની રાખવામાં આવી છે જેથી વધુ ને વધુ યુવાનો તેનો લાભ લઈ શકે.

આઇઆઇએમએ અત્યાર સુધી કુશળ મેનેજરો જ આપ્યાં છે, પણ તેમાંથી અભ્યાસ કરીને કોઈ ઉદ્યોગપતિ થયા નથી તેવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે અને એક જાણીતા ઉદ્યોગપતિએ બેથી ત્રણ વર્ષ પહેલાં આ પ્રકારની ટીપ્પણી પણ કરી હતી...
આ પુસ્તકમાં રશ્મિ બંસલે આઇઆઇએમમાંથી સ્નાતક થયેલા અને પછી પોતાનો ઉદ્યોગ-ધંધો શરૂ કરનાર 25 યુવાનોની પ્રેરણાત્મક સંઘર્ષની વાત રજૂ કરી છે। આ લોકો અત્યારે સફળ ઉદ્યોગપતિ ગણાય છે.

ભાવાનુવાદ એટલે...
કોઈ એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવો એક કળા છે. પરફ્યુમને એક બોટલમાંથી બીજી બોટલમાં ભરવા જેવી બાબત છે. કોઈ પણ કૃતિની મૂળ ભાષામાં સર્જકનો જે ભાવ હોય છે, જે સુગંધ હોય છે તે અનુવાદ કરતી વખતે જળવાઈ રહેવો જોઇએ.

Friday, March 27, 2009

'જો કોંગ્રેસ ગાંધીનગરમાંથી ઉમેદવાર ઊભો રાખશે તો મલ્લિકા સારાભાઈને ડીપોઝિટ ગુમાવવી પડશે'


લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે। સત્તા જાળવવા કોંગ્રેસે 'જય હો'નો નારો બુલંદ કર્યો છે તો ભાજપે આઇપીએલને વિદેશમાં ખસેડવાની બાબતને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. માયાવતી દેશના વડાપ્રધાન બનવાનું શમણું સેવી રહ્યાં છે તો ચંદ્રાબાબુ નાયડુ સામે ચાલીને વડાપ્રધાનની રેસમાં નહીં હોવાનું કહી લોકોને હસાવી રહ્યાં છે. હજુ ગઈકાલ સુધી રામવિલાસ પાસવાનને ભોગવિલાસ પાસવાન કહેતાં લાલૂપ્રસાદ યાદવ હવે તેમને 'રામૂ ભૈયા, રામૂ ભૈયા' કહી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતના જાણીતા રાજકીય-આર્થિક વિશ્લેષક, કટારલેખક અને અમદાવાદની એચ. કે. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના અર્થશાસ્ત્ર વિષયના પ્રોફેસર હેમંત શાહ સાથે થયેલી વાતચીત અહીં રજૂ કરવામાં આવી છેઃ

લોકસભાની આગામી ચૂંટણીના પરિણામોને લઇને વિવિધ અનુમાનો થઈ રહ્યાં છે. તમારું શું માનવું છે?
જુઓ, ભાજપ અને તેના સાથીપક્ષોના બનેલા એનડીએને સ્પષ્ટ બહુમતી મળે તેવી કોઈ શક્યતા નથી। કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે, પણ તેને સ્પષ્ટ બહુમતી નહીં મળે તે લગભગ નક્કી વાત છે. ચૂંટણી પછી બે શક્યતા છે. એક શક્યતા એ છે કે, યુપીએ અને ત્રીજો મોરચો સાથે મળીને સરકાર બનાવી શકે છે. બીજી શક્યતા એ છે કે, ત્રીજો મોરચો અને યુપીએ-એનડીએમાંથી અત્યારે છૂટાં પડેલાં અને ચૂંટણી પછી તક જોઇને પલટી મારનારા પ્રાદેશિક પક્ષો ભેગા મળીને સરકાર બનાવી શકે છે.

એનડીએ સરકારને ઇન્ડિયા શાઇનિંગનું સૂત્ર વહેતું મૂક્યું હતું ત્યારે રાજકીય પંડિતો એનડીએની સરકાર જ બનશે તેવું છાતી ઠોકીને કહેતાં હતા. પણ તેમાં એનડીએની નૈયા ડૂબી ગઈ હતી. તે અનુભવને આધારે કોંગ્રેસના 'જય હો' સ્લોગનને અત્યારે શંકાની નજરે જોવાઈ રહ્યું છે અને ક્યાંક કોંગ્રેસને ડૂબાડી ન દે તેવી શંકા વ્યક્ત થઈ રહી છે.....
બંને સ્લોગનમાં ફરક છે. ઇન્ડિયા શાઇનિંગના સૂત્રમાં દેશમાં સુખ અને સમૃદ્ધિ આવી ગઈ છે તેવો પ્રચાર કરવામાં આવ્યો હતો જ્યારે વાસ્તવિકતા અલગ હતી. કોંગ્રેસનું 'જય હો' સ્લોગન ભારતની તાકાત દેખાડે છે. તેમાં ગરીબી દૂર કરવાનો કે જનતાને સુખી-સમૃદ્ધ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો નથી. તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની તાકાતનો પરિચય કરાવવામાં આવ્યો છે.

કોંગ્રેસે વડાપ્રધાન તરીકે મનમોહન સિંઘને આગળ કર્યા છે તો ભાજપે લાલકૃષ્ણ અડવાણીને પ્રોજેક્ટ કર્યા છે. તમે વડાપ્રધાન તરીકે કોને જુઓ છો?
અત્યારે તો વડાપ્રધાન બનવાનો દાવો કોણ નથી કરતું। પણ એક બાબત સ્પષ્ટ છે કે, દેશના આગામી વડાપ્રધાન કોણ બનશે તેનો આધાર કોંગ્રેસ કોને ટેકો આપશે અથવા કોંગ્રેસને કોણ ટેકો આપશે તેના પર રહેશે. એટલે આ મુદ્દો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોંગ્રેસ સામેલ રહેશે.

માયાવતી દેશના વડાપ્રધાન બનવા થનગની રહ્યાં છે. તેમની દાવેદારીમાં કેટલો દમ છે?
જો બહુજન સમાજ પક્ષ (બસપ)ને લોકસભાની 50 કરતાં વધારે બેઠક મળશે તો માયાવતીની દાવેદારી મજબૂત બની જશે। પણ પ્રશ્ન એ છે કે, શું લાલુપ્રસાદ યાદવ અને મુલાયમસિંહ તેમને ટેકો આપશે? માયાવતીને વડાપ્રધાન બનવું હોય તો આ બંને નેતાનો ટેકો મેળવવો જરૂરી છે અને તે મળવાની શક્યતા અત્યંત ઓછી છે, સિવાય કે કોઈ ચમત્કાર થાય અને તેઓ ટેકો જાહેર કરે. આ પરિસ્થિતિમાં દેશને ફરી એક વખત વર્ષ 1996ની જેમ દેવગૌડા જેવા વડાપ્રધાન મળી શકે. દેશની જનતાએ જેની કલ્પના પણ ન કરી હોય તેવી વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે.

લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવાથી ભાજપને ફાયદો થશે? સંસદમાં પક્ષની બેઠક વધશે?
લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવાથી ભાજપને કદાચ નુકસાન થશે। બેઠકો વધવાને બદલે ઘટશે. જો વધે તો ખરેખર વિચિત્ર કહેવાય. હકીકતમાં તેમના નેતૃત્વની તાકાત અને વિશ્વસનિયતા છેલ્લાં પાંચ વર્ષમાં ઘટી છે. તેમણે ઝીણાની મઝાર પર જે વિધાનો કર્યાં હતા તેને જો કોંગ્રેસ યાદ કરે અને અહીં મજબૂત ઉમેદવાર ઊભો રાખે તો અડવાણીને આ વખતે મુશ્કેલી પડે તેમ છે.

અડવાણી કોંગ્રેસના વડાપ્રધાન પદના દાવેદાર મનમોહન સિંઘને નબળા વડાપ્રધાન ગણાવે છે. તેનાથી શું અસર પડશે?
મનમોહન સિંઘને કોઈ ફરક નહીં પડે. તેમને ક્યાં ચૂંટણી લડવાની છે. તેઓ માસ લીડર છે જ નહીં. વાત રહી લાલકૃષ્ણ અડવાણીના દાવાની તો તેઓ કઈ રીતે મનમોહન સિંઘને નબળા વડાપ્રધાન માને છે તેની સ્પષ્ટતા કરતાં નથી અથવા તો તેમની વાત લોકોને ગળે ઉતરતી નથી. તેમના આ પ્રકારના વિધાનોથી ખરેખર અડવાણીને નુકસાન થવાની શક્યતા વધારે છે, કારણ કે મનમોહન સિંઘની છબી સામાન્ય નાગરિકોમાં તો અત્યંત સારી છે. એટલું જ નહીં કોંગ્રેસ દાવો પણ કરી શકે છે કે એનડીએના શાસન સમયે ભાજપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક સુદર્શનને પૂછીને પાણી પીતું હતું.

મનમોહન સિંઘ રાજ્યસભામાંથી ચૂંટાયા હોય તેવા દેશના પહેલાં વડાપ્રધાન છે. પંજાબ કેસરીના સંપાદક અને જાણીતા રાજકીય સમીક્ષક અશ્વિનીકુમાર તેમજ કેટલાંક રાજકીય સમીક્ષકોનું માનવું છે કે, દેશની જનતા લોકસભાની ચૂંટણી માટે મતદાન કરે છે અને લોકસભામાં પ્રવેશ મેળવનાર નેતા જ વડાપ્રધાન બનવાને લાયક છે. તો શું કોંગ્રેસ એક ખોટી પરંપરા પ્રસ્થાપિત કરતી નથી?
કાયદામાં છીંડા હોય તેનો ફાયદો તમામ રાજકીય પક્ષો ઉઠાવે છે। કોંગ્રેસ પાસે એક યા બીજા કારણસર વર્ષ 2004માં મનમોહન સિંઘને વડાપ્રધાન બનાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો અને હવે તેમને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવા સિવાય કોંગ્રેસ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. નૈતિકતાની દ્રષ્ટિએ રાજ્યસભાના ઉમેદવારને વડાપ્રધાન બનાવી કોંગ્રેસ એક ખોટો દાખલો બેસાડી રહી છે તેમાં કોઈ બેમત નથી, પણ ભારતીય બંધારણમાં જોગવાઈ છે કે, લોકસભા કે રાજ્યસભાનો સભ્ય વડાપ્રધાન બની શકે છે એટલે ટેકનિકલી કોંગ્રેસને તમે ખોટી ન કહી શકો. ચોક્કસ, કોંગ્રેસ નૈતિક બેઇમાની કરી રહી છે, પણ ચૂંટણીમાં નૈતિક ધોરણોને હવે કોઈ સ્થાન રહ્યું નથી.

રાહુલ ગાંધીને યુવા નેતા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યાં છે. શું તેમનો પ્રભાવ મતદાતા પર પડશે?
હું તો માનતો નથી. રાહુલ ગાંધી કોંગ્રેસ માટે મત ખેંચી લાવવામાં બહુ સફળ થાય તેવું મને લાગતું નથી.

શું યુવાપેઢીને આગળ વધારવાના બહાને તમામ રાજકીય પક્ષો વંશવાદને પ્રોત્સાહન આપતાં નથી?
તે વાત સાચી છે, પણ ભારતીય જનતાએ આ વાસ્તવિકતા સ્વીકારી લેવી પડશે। અને આ પરિસ્થિતિ એકલાં ભારતમાં નથી. દુનિયાના વિવિધ દેશોમાં રાજકારણીઓના સંતાનો રાજકારણમાં પ્રવેશે છે તેમાં કોઈ નવાઈ નથી. અમેરિકામાં જ્યોર્જ બુશ સીનિયરના પુત્ર જૂનિયર જ્યોર્જ બુશ રાષ્ટ્રપ્રમુખ બન્યાં હતા. બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટન અત્યારે અમેરિકાના વિદેશમંત્રી છે. પરિવારના સભ્યો રાજકારણમાં આવે છે તેમાં હવે બહુ ચોંકવા જેવું નથી.

ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો કેટલો અસરકારક રહેશે?
મોંઘવારીનો મુદ્દો આંશિક અસર કરશે, પણ તેનાથી લોકસભાના પરિણામો પર મોટા પાયે અસર જોવા નહીં મળે। એકંદરે મંદી છે. ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓના ભાવ ઊંચા છે. તેને નિયંત્રણમાં લાવવા પ્રયાસ કર્યા છે તેવો દાવો સરકાર જરૂર કરી શકે છે. સરકારે અર્થતંત્ર સુધારવા અને તેને વેગ આપવા રૂ. 60,000 કરોડનાં પેકેજ જાહેર કર્યાં છે.

યુપીએ સરકારનાં પ્લસ પોઇન્ટ ક્યાં?
મારી નજરે આ સરકારના ત્રણ પ્લસ પોઇન્ટ છે। એક, માહિતી અધિકારના કાયદાને મંજૂરી, જેણે વહીવટતંત્રમાં પારદર્શકતા માટેનો માર્ગ મોકળો કર્યો છે. બીજો પ્લસ પોઇન્ટ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી સુરક્ષા યોજના, જેનાથી ગ્રામીણ સ્તરે રોજગારીમાં વધારો થયો છે. ત્રીજો પ્લસ પોઇન્ટ, જંગલ-જમીનના અધિકારો આદિવાસીઓને આપ્યાં છે. જો કોંગ્રેસને આ મુદ્દા લોકો સમક્ષ રજૂ કરતાં આવડે તો તેનો તેને સારો ફાયદો મળી શકે છે.

ગુજરાત સંબંધિત પ્રશ્નો
ગુજરાતમાં લોકસભા બેઠકમાં કયા પક્ષને વધુ બેઠકો મળશે?
ભાજપની બેઠકો વધવાની શક્યતા છે, પણ કેટલી વધશે તે કહેવું મુશ્કેલ છે।

ભાજપે 15થી વધારે નવા ચહેરાને ટિકિટ આપી છે. નો-રિપીટ થીયરીથી તેને વિધાનસભાની ચૂંટણી જેવો ફાયદો થશે?
તે વિશે અનુમાન કરવું વધારે મુશ્કેલ છે। પણ એક વાત પાકી છે કે કોંગ્રેસ જો સારા ઉમેદવાર ઊભા રાખે તો ભાજપના નવા ચહેરાઓને મુશ્કેલી પડી શકે છે. ભાજપે વિશ્વાસુ કાર્યકરોને નારાજ કરી નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યાં છે એટલે આંતરિક જૂથબંધીનો પ્રશ્ન સતાવશે તે વાત નક્કી છે.

કોંગ્રેસનું ચિત્ર વધુ નબળું દેખાઈ રહ્યું છે તેની પાછળનું કારણ?
કોંગ્રેસ પાસે સારા નેતા છે, પણ હાઈ કમાન્ડને ગુજરાતમાં કોઈ નેતાને આગળ કરવામાં બહુ રસ હોય તેવું દેખાતું નથી। અર્જુન મોઢવાડિયામાં નેતૃત્વક્ષમતા છે, પણ આંતરિક જૂથબંધીના અભાવે કદાચ તેમને આગળ વધવામાં મુશ્કેલી પડતી હોય તેવું લાગે છે. અહીં ભાજપ મજબૂત છે તેના કરતાં કોંગ્રેસ નબળી છે તે કહેવું વધારે ઉચિત છે. કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા જૂથબંધી છે.

નરેન્દ્ર મોદીનો કરિશ્મા લોકસભાની ચૂંટણીમાં જળવાઈ રહેશે?
તેમના વ્યક્તિત્વની મતદારો પર હકારાત્મક અસર છે તેમાં કોઈ બેમત નથી। પણ તેઓ 26 બેઠક પર ભાજપને વિજય મળશે તેવો દાવો કરે છે તે વધારે પડતો છે.

ભાજપે સહકારી બેન્કોના કૌભાંડોમાં સંડાવાયેલા લોકોને ટિકિટ આપી તેનાથી પક્ષની ઇમેજને ફટકો નહીં પડે?
ચોક્કસ. હજારો થાપણદારોનાં કરોડો રૂપિયા ડૂબાડનાર લોકોને ટિકિટ આપવાથી જે તે વિસ્તારમાં ભાજપને ફટકો પડશે. પ્રજા બધું સમજે છે. તેની નજરમાં બધું છે.

કાશીરામ રાણા, વલ્લભ કથીરિયા અને રતિલાલ વર્મા જેવા નેતાઓને કાપી નાંખવાથી ભાજપને નુકસાન થશે?
આ લોકો પક્ષના પાયાના કાર્યકર્તા હોવાની સાથે માસ લીડર હતા। એટલે તેમને દૂર કરવાથી થોડુંઘણું નુકસાન તો થવાનું જ, પણ ચોક્કસ કેટલું નુકસાન થશે તેનો આધાર કોંગ્રેસના ઉમેદવારો પર છે.

રાહુલ ગાંધીએ છેલ્લાં થોડા સમયમાં ગુજરાતના પ્રવાસે ત્રણેક વખત આવ્યાં છે. તેનાથી કોઈ ફરક પડશે?
રાહુલ ગાંધી યુવાનાનો આકર્ષવામાં જરૂર સફળ રહ્યાં છે, પણ તેઓ રાહુલ ગાંધીથી પ્રભાવિત થઇને કોંગ્રેસને મત આપશે કે નહીં તે તો ચૂંટણી પછી જ ખબર પડે। મારું માનવું છે કે, થોડો ફરક પડી શકે છે.

ગુજરાતમાં ભાજપના વીક પોઇન્ટ અને પ્લસ પોઇન્ટ?
ભાજપનો વીક પોઇન્ટ તેના નબળાં ઉમેદવારો છે અને પ્લસ પોઇન્ટ નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ છે। તે પોતાની વાત સરળતાથી લોકોને ગળે ઉતારી શકે છે.

કોંગ્રેસના વીક પોઇન્ટ અને પ્લસ પોઇન્ટ?
કોંગ્રેસનો વીક પોઇન્ટ રાજ્ય કક્ષાએ મજબૂત નેતાનો અભાવ અને પ્લસ પોઇન્ટ ભાજપના નબળા અને કૌભાંડી ઉમેદવારોથી લોકોમાં જોવા મળતી નારાજગી। કોંગ્રેસને તેનો લાભ લેતાં આવડે તો લઈ શકે છે.

મલ્લિકા સારાભાઈએ લાલકૃષ્ણ અડવાણી સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમને વિજય મળવાનો આત્મવિશ્વાસ છે....
જો કોંગ્રેસ ઉમેદવાર ઊભો રાખશે તો મલ્લિકા સારાભાઈ ડીપોઝિટ પણ ગુમાવશે અને કોંગ્રેસ ટેકો આપશે તો પણ લાલકૃષ્ણ અડવાણીને બહુ વાંધો નહીં આવે। અહીં અડવાણીને મજબૂત રાજકીય ઉમેદવાર જ લડત આપી શકે.

Friday, March 20, 2009

હું ચૂંટણી જીતવા માંગુ છું, પણ દુર્યોધન કે શકુનિની જેમ નહીં: મલ્લિકા


દેશના પ્રસિદ્ધ વિજ્ઞાની વિક્રમ સારાભાઈની બહુમુખી પ્રતિભા ધરાવતી પુત્રી મલ્લિકા સારાભાઈ હવે ચૂંટણીના રંગમંચ પર પદાર્પણ કરી રહ્યાં છે। તેઓ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના મજબૂત ઉમેદવાર અને વડાપ્રધાન પદના દાવેદાર લાલકૃષ્ણ અડવાણીને અપક્ષ ઉમેદવાર તરીકે ટક્કર આપવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. તેમની સાથે દર્પણ નાટ્ય અકાદમીમાં થયેલી વાતચીતઃ

ડાન્સર, એક્ટ્રેસ, સામાજિક કાર્યકર્તા અને હવે રાજકારણ. મલ્લિકાજી રાજકારણમાં પ્રવેશવા પાછળનું મૂળ કારણ?
સામાજિક કાર્યકર્તાનું મુખ્ય કાર્ય લોકોની સેવા કરવાનું છે। રાજકારણીઓનું પણ મુખ્ય કામ જનતા જનાર્દનની સેવા કરવાનું જ છે. પણ અત્યારે પ્રજા નિઃસહાય છે. રાજકારણીઓ જનતા જનાર્દનની સેવા કરવાને બદલે મેવા ખાવામાં મસ્ત છે. તેમનું કામ લોકોની સેવા કરવાને બદલે સત્તામાં રહેવાનું છે. એક નાગરિક હોવાના નાતે મને લાગ્યું કે આ પરિસ્થિતમાં સુધારો થવો જોઇએ અને તે માટે મેં રાજકારણમાં ઝંપલાવ્યું છે.

તમારા માતા મૃણાલિની સારાભાઈ અને ભાઈ કાર્તિકેય સારાભાઈની પહેલી પ્રતિક્રિયા શું હતી?
કાર્તિકેયનું માનવું હતું કે, મારે થોડો સમય વધુ વાટ જોવાની જરૂર હતી। મારે લોકોના પ્રશ્નોને વધુ સમજવાની જરૂર હતી. પણ મારો સ્વભાવ આક્રમક છે. મને જે ખોટું લાગતું હોય તેની સામે મેં હંમેશા અવાજ ઉઠાવ્યો છે. અમ્મા (મૃણાલિની સારાભાઈ) મારા વિશે ચિંતિત છે. મને કોઈ મારશે, મને કાંઈ થશે તેવી થોડી ચિંતા તેને સતાવે છે.

તમે ક્યા મુદ્દાના આધારે ચૂંટણી લડવા માગો છો?
હકીકતમાં અત્યારે દેશમાં ક્યા મુદ્દાને આધારે ચૂંટણી ન લડવી તે પ્રશ્ન છે। અત્યારે લોકોની સલામતી શું છે? શું તમે જે પાણી પીઓ છે તે સ્વચ્છ છે? ડોક્ટર જે ઇન્જેક્શન આપે છે તેનાથી સામાન્ય જનતાને એચઆઇવી વાઇરસનું જોખમ નથી? શું ગરીબોને તેમના મૂળભૂત અધિકારો મળે છે? શું સ્ત્રીઓની કોઈ સલામતી છે?યુવાનોનો રોજગારી મળે તે માટે દેશની કોઈ પણ સરકારે શું કર્યુ છે? હું સમાજના દરેક ક્ષેત્રમાં પ્રજાને સહન કરવા પડતાં અન્યાય માટે ચૂંટણી લડી રહી છું. હું સમાજમાં શાંતિ અને સદભાવ જળવાય તે માટે લડી રહું છું, મારી લડત સામાન્ય જનતા સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે છે.

અખબારી અહેવાલો કહે છે કે, કોંગ્રેસ તમને ટિકિટ આપવા માગતી હતી?
બિલકુલ ખોટી વાત છે. કોંગ્રેસે મારો સંપર્ક કર્યો નથી. અને જો કોંગ્રેસે મને ટિકિટ ઓફર કરી હોત તો પણ મેં તેનો અસ્વીકાર કર્યો હોત.

તેની પાછળનું કારણ?
આજે કોંગ્રેસ અને અન્ય તમામ રાજકીય પક્ષોની નીતિ વચ્ચે કોઈ ફરક નથી। કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો રાજકારણના અપરાધીકરણની વાત કરી રહ્યાં છે અને સૌથી હાસ્યાસ્પદ બાબત એ છે કે તેઓ અપરાધીઓને જ ટિકિટ આપવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે. તેઓ ભ્રષ્ટાચારને દૂર કરવાની વાતો કરી રહ્યાં છે અને સાથેસાથે સરકાર બનાવવા અને તેને ટકાવવા હોર્સ ટ્રેડિંગ કરી રહ્યાં છે. દરેક પક્ષનો મુખ્ય હેતુ સત્તા મેળવવાનો છે જ્યારે હું જનતા માટે કામ કરવા માંગુ છું. એટલે મારે કોંગ્રેસ નહીં દેશના એક પણ રાજકીય પક્ષ સાથે મેળ ન બેસે.

લાલકૃષ્ણ અડવાણી છેલ્લાં દોઢેક દાયકાથી ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની સામે ટી એન શેષાન જેવા દિગ્ગજ અને પ્રામાણિક ચૂંટણી અધિકારી ચૂંટણી હારી ગયા છે. તમે કઈ ગણતરી સાથે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું?
(હસતાં-હસતાં) જુઓ, હું ક્યારેય કોઈ નિર્ણય ગણતરી કરીને લેતી નથી। મને જે બાબત સમાજના હિત માટે યોગ્ય લાગે છે કે તેમાં હું કૂદી પડું છું.

ગાંધીનગર બેઠકના એક નાગરિક તરીકે તમને લાલકૃષ્ણ અડવાણીની કઈકઈ બાબતોથી અસંતોષ છે?
લોકો સમાજની સમસ્યાઓના સમાધાન માટે સંસદસભ્ય અને ધારાસભ્યને લોકસભા અને વિધાનસભામાં મોકલે છે। મારો પ્રશ્ન એ છે કે, અડવાણીજીએ તેમની બેઠકમાં આવતાં વિસ્તારોમાં રહેતાં નાગરિકોની સમસ્યા જાણવાનો કેટલી વખત પ્રયાસ કર્યો છે? તેમણે લોકોની મૂળભૂત સુવિધા વિકસાવવા ખરેખર શું કર્યું છે? હું અડવાણીજીને આ બાબતે સીધી ચર્ચા કરવા આમંત્રણ આપું છું.

તમે મતદાતાઓ સુધી પહોંચવા માટે કયા-કયા માધ્યમોનો ઉપયોગ કરશો?
શેરીનાટકો જેવા પરંપરાગત માધ્યમથી લઇને ઇન્ટરનેટ જેવા તમામ આધુનિક તમામ માધ્યમોનો ઉપયોગ કરીશું। હું રોડ શો કરીશ. યુવાન મતદારોમાં મારો એજન્ડા સમજાવવા માટે બેથી ત્રણ દિવસમાં 'Vote for Mallika' વેબસાઇટ શરૂ થઈ જશે.

ભાજપનું કહેવું છે કે, તમારા કારણે કોંગ્રેસની મતબેન્કમાં ગાબડું પડશે અને લાલકૃષ્ણ અડવાણીનો વિજય અત્યંત સરળ થઈ જશે?
જુઓ, આ મતબેન્ક શબ્દ સામે મને સખત વિરોધ છે। મતબેન્ક એટલે શું? ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા રાજકીય પક્ષો પ્રજાને ચૂંટણી જીતવાનું સાધન માની રહ્યાં છે, માણસ નહીં. આ કારણે જ તેમને પ્રજાની સમસ્યાઓ કરતાં પોતાની અને પોતાના પરિવારની સમસ્યા ઉકેલવામાં વધારે રસ છે. મારા માટે મતદાર માણસ છે, ચૂંટણી જીતવાનું સાધન નહીં. હવે રહી વાત કોંગ્રેસની મતબેન્કમાં ગાબડું પાડવાની, તો ચૂંટણીનું પરિણામ જ દેખાડશે કે મારી ઉમેદવારીથી કયા પક્ષને વધારે નુકસાન થયું છે...

ભાજપ મોંઘવારી અને આતંકવાદના નામે મત માગશે તો કોંગ્રેસ યુપીએના શાસનમાં દેશનો વિકાસ થયો હોવાના નામે મત માગે છે. મતદાર તમને મત કેમ આપશે?
જે મતદાતાને દેશના વર્તમાન રાજકીય વ્યવસ્થાથી અસંતોષ છે તે મને મત આપશે। જેઓ સત્ય અને અહિંસાના માર્ગે દેશનો વિકાસ ઝંખે છે તેઓ મને મત આપશે. જેઓ દેશમાં બંધારણીય શાસન વ્યવસ્થા ઇચ્છે છે તેઓ મને મત આપશે. જે લોકો વહીવટીતંત્રમાં પારદર્શકતા ઇચ્છે છે તેઓ મને મત આપશે.

ભાજપ અને કોંગ્રેસને ચૂંટણીભંડોળની કોઈ ચિંતા નથી. તમે ચૂંટણી લડવા ભંડોળ ક્યાંથી મેળવશો?
જનતા। જનતા જ મને ભંડોળ આપશે. હું મને મળતાં ભંડોળની માહિતી દરરોજ વેબસાઈટ પર મૂકીશ અને પારદર્શકતા સાથે ચૂંટણી જીતી શકાય છે તે સાબિત કરી દઈશ.

રાજકીય પંડિતોનું માનવું છે કે, મલ્લિકા સારાભાઈએ અડવાણી સામે ચૂંટણી નહીં જીતી શકે?
હકીકતમાં તે કહેવાતા રાજકીય પંડિતો છે। તેમની ધારણા ક્યારેય સાચી સાબિત થઈ નથી.

એટલે તમે અડવાણી અને કોંગ્રેસના ઉમેદવારનો હરાવી દેશો?
જુઓ, હું દાવા કરવામાં માનતી નથી। પણ હું તેમને હરાવવા પૂરેપૂરો પ્રયાસ કરીશ. હું પણ ચૂંટણી જીતવા માંગુ છું. પણ દુર્યોધન કે શકુનિ બનીને નહીં. લોકસભામાં પહોંચવા હું ખોટા કાવાદાવા કરવામાં માનતી નથી. હું સચ્ચાઈપૂર્વક ચૂંટણી લડી શકાય છે અને જીતી શકાય છે તેવું સાબિત કરવા માંગુ છું.

તમે લોકસભામાં પ્રવેશશો તો સંસદમાં મહિલા અનામત બિલને સમર્થન આપશો?
ચોક્કસ. પણ દસ વર્ષ માટે. અનામત વ્યવસ્થા એક નિશ્ચિત સમયગાળા પૂરતી મર્યાદિત હોય તો જ તેનો ફાયદો થાય. નહીં તો રાજકીય પક્ષો તેનો દૂરપયોગ કરે અને તે સત્તા મેળવવાનું સાધન બની જાય.

Monday, March 16, 2009

'જીવન એક સંઘર્ષ છે, પણ મારા નસીબમાં થોડો વિશેષ અને વિચિત્ર સંઘર્ષ લખાયો છે'


'જીવન એક સંઘર્ષ છે, પણ ઇશ્વર તેની જ કસોટી કરે છે જેની અંદર સત્વ હોય.' આ પ્રેરણાત્મક શબ્દો છે દોઢ વર્ષની ઉંમરે જ અંધ થયેલા ડૉક્ટર લાભુભાઈ પૂંજાભાઈ લાવરિયા. લાભુભાઈ માણસ કે પશુની શારીરિક બિમારીનો રોગ કરતાં દાક્તર નથી. તેમણે આઝાદી પછી સર્જન પામેલાં ગુજરાતી હાસ્ય સાહિત્યનું પોસ્ટમોર્ટમ કરીને ડૉક્ટરની ડિગ્રી મેળવી છે. મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લાલકા ગામના અને પૂંજાભાઈના પરિવારના આ પ્રથમ ડૉક્ટર સાથે તેમના બીજા ઘર સમાન ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી વાતચીત રજૂ કરું છું:


લાભુભાઈ, પહેલી જ વખત તમને અંધ હોવાનો અહેસાસ ક્યારે અને કેવી રીતે થયો?
મેં દોઢેક વર્ષની આસપાસ દુનિયા જોવાની ક્ષમતા ગુમાવી દીધું હોવાનું મારા પિતાજીએ એક વખત કહ્યું હતું। પણ તેનો અહેસાસ પહેલી વખત મને ચારેક વર્ષની ઉંમરે થયો હતો. અમારી શેરીમાં હવાડો (ગાય-ભેંસની પાણી પીવાનું સ્થાન) હતો. તેની પાળી પર છોકરા દોડવાની રમત રમતાં હતા. મને પણ આ રમત રમવાનો શોખ થયો. હું વારંવાર પડી જતો ત્યારે બીજા છોકરાં સમજણના અભાવે મને અંધ હોવાનો અહેસાસ કરતાં હતા. ક્યારેક અપમાનજનક શબ્દ પણ વાપરતાં હતા. પછી ધીમેધીમે ઘરવાળાને મારા વિશે વાતો કરતા સાંભળતો ત્યારે હું અસામાન્ય હોવાનો અહેસાસ થતો ગયો.

ચારથી પાંચ વર્ષની ઉંમરે વાસ્તવિકતા સ્વીકારવાની સમજણ ઓછી હોય છે. તે વખતે તમને કેવો અહેસાસ થયો?
સ્વાભાવિક રીતે દુઃખ થતું હતું। મારું શું થશે તેની ચિંતા થતી હતી. એકલાં એકલાં ઘણી વખત બે-ચાર આંસૂ સારી લેતો હતો. પણ ઇશ્વર એક હાથે લે છે તો હજાર હાથે આપે છે. હું બાળઅવસ્થામાં જ સમજુ થઈ ગયો. જીવન સરળ નથી. તે વિવિધ પ્રકારના સંઘર્ષની હારમાળા છે. એક સંઘર્ષ પૂર્ણ કરો તો બીજી સમસ્યા સામે આવીને ઊભી જ રહી જાય છે. આપણે સતત તેની સામે લડતાં રહેવાનું છે તેનો અહેસાસ થઈ ગયો. કોઈ પણ પ્રકારની ખોડખાંપણ ન ધરાવતા લોકોને પણ પોતાના પ્રશ્નો અને પોતાનો સંઘર્ષ હોય છે. મારા નસીબમાં જુદા પ્રકારનો અને થોડો વિચિત્ર સંઘર્ષ લખાયો છે એમ માનીને જીવનને સ્વીકારી લીધું.

તમે 37 વર્ષનાં જીવનમાં 27 વર્ષ એક યા બીજી હોસ્ટેલમાં પસાર કર્યા છે....
સાચી વાત છે। પહેલાં તમારા ગામ સુરેન્દ્રનગરની એમ ટી દોશી અંધ વિદ્યાલયમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. પછી અહીં (અમદાવાદ) વસ્ત્રાપુરમાં અંધજન મંડળમાં હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીની કોલેજમાં જલસા કર્યા. આટલાં વર્ષો હોસ્ટેલમાં રહ્યો તે મિત્રોને આભારી છે. સારા, પ્રામાણિક, દ્વૈષમુક્ત મિત્રો નસીબવાળાને જ મળે છે અને હું નસીબદાર છું. હોસ્ટેલ લાઇફ એટલે મિત્રોનો મેળો. હરો, ફરો, જલસા કરો અને તેમાંથી સમય મળે તો અભ્યાસ કરો. (હસી પડે છે)

હોસ્ટેલ લાઇફનો કોઈ યાદગાર પ્રસંગ...
ગુજરાત યુનિવર્સટીમાં બી। એ કરતો ત્યારે અમારી સાથે હોસ્ટેલમાં ધવલનો નામનો છોકરો રહેતો હતો. એક વખત અમે મિત્રો સાથે ચા પીવા જતાં હતા ત્યારે તેણે કહ્યું કે, ''અંધ લોકો હિમાલય સર કરતાં હોય તેવા ઉત્સાહ સાથે ચા પીવા જાય છે. અંધ લોકો જેટલાં આનંદથી જીવતાં હોય છે તેટલી લહેરથી બે આંખે જોઈ શકતાં લોકો પણ રહી શકતા નથી.'' આવી વાત ચાલતી હતી ત્યાં તેણે મને પૂછ્યું કે, ભગવાને તમને અંધ કેમ બનાવ્યાં? એટલે મે હસતાં-હસતાં કહ્યું હતું કે, ''ગયા જન્મમાં મેં લાઇટબિલ ભરવામાં બહુ ચોરી કરી હતી એટલે આ જન્મમાં હું અંધ થયો.'' તે પછી તો તે મારો ભક્ત થઈ ગયો. આજે પણ પત્રો લખે છે. જીવનના સુખ-દુઃખના પ્રસંગો મારી સાથે વહેંચે છે. હોસ્ટેલમાં અનેક છોકરાં તેમના નિષ્ફળ પ્રેમનો ખરખરો પણ મારી પાસે જ કરવાં આવતાં. તેવાં તો અનેક પ્રસંગો યાદ આવે ત્યારે હસવું આવે છે.

તમારા પી. એચડીનો વિષય 'સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી હાસ્ય સાહિત્ય-એક અભ્યાસ' છે. હાસ્ય સાહિત્ય પસંદ કરવાનું કારણ શું?
મારા પિતાજી (પૂંજાભાઈ)નો સ્વભાવ બહુ રમૂજી છે। તેમાં લોકસાહિત્યનું જે હાસ્ય છે તે તરફ હું જાણે-અજાણ્યે દોરવાયો. મારા પિતાજીએ મને હસતો કર્યો છે. જ્યારે પીએચ. ડી કરવાનો નિર્ણય લીધો ત્યારે આ બાબતે મારા પિતાજી સાથે વાતચીત થઈ. તેઓ અભણ છે, પણ તેમની સેન્સ ઓફ હ્યુમર ગજબની છે. તેમણે મને કહ્યું કે, તું દુઃખી આત્મા છે પણ બીજાને દુઃખી કરતો નહીં. (હસી પડે છે) એટલે મેં હળવો વિષય જ પસંદ કર્યો.

વિષય હાસ્ય સાહિત્ય અને માર્ગદર્શક તરીકે કવિ ચિનુ મોદી?
મને ઘણા પૂછે છે કે, હાસ્ય સાહિત્યના વિષય પર માર્ગદર્શક તરીકે કોઈ હાસ્ય સાહિત્યકાર કેમ નહી। પણ મને માર્ગદર્શકની પસંદગી સમયે એવું લાગ્યું કે કોઈ કવિને પકડવા. કવિ બહુ ઝડપથી ઇનકાર કરી શકતાં નથી. તેમનું હ્રદય બહુ વિશાળ અને ઋજુ હોય છે (હસતાં હસતાં) એટલે મેં ચિનુ મોદીને આ વિશે વાત કરી અને આપણું પાસું સવળું પડ્યું. તે મારાં માર્ગદર્શક બનવા તૈયાર થઈ ગયા.

સામાન્ય વિદ્યાર્થી કરતાં તમને પી. એચડી કરવામાં વધારે મુશ્કેલી પડી હતી...
હું અંધ હોવાથી મારે સાથીદારો પર બહુ આધાર રાખવો પડ્યો। મારે લાઇબ્રેરીમાં પુસ્તકો શોધવા મિત્રોને સાથે લઇ જવા પડે. પછી તે પુસ્તકોનું રેકોર્ડિંગ કરાવવાનું. તેનું બ્રેઇલ લિપીમાં ટ્રાન્સક્રિપ્શન કરવાનું અને પછી માર્ગદર્શકને બતાવવાનું. જો સુધારો સૂચવે તો પાછાં ઠેરના ઠેર. પણ મને ચિનુ મોદીએ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું. ડો. સતિશ વ્યાસના જ્ઞાનનો લાભ સતત મળતો રહ્યો. ડો. પુનિતાબહેન મને સતત ટોકતાં રહ્યાં નહીં તો હું નોંધણી જ ન કરાવત.

મિત્રો અજિત મકવાણા, વિનોદ વણકર, ભરત ડામોર, જિતેન્દ્ર મેકવાન, ભાવેશ જેઠવા, પ્રવીણ રથવી, દશરથ જાદવ, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, નરેશ શુક્લ, તન્વી, મારા અંધ મિત્રો મારા મામાનો દીકરો રવિ, ઘનશ્યામ ઠક્કર, રમેશ અને અશોક પટેલબંધુ અને મારી સખી (પત્ની) હેમલત્તાના સાથસહકારના કારણે પી। એચડી થઈ શક્યો છું.

તમારી નજરે હાસ્ય એટલે શું?
વિદ્વાનોએ હાસ્યની વિવિધ વ્યાખ્યા આપી છે। પણ મારું એવું માનવું છે કે સામાન્ય રીતે ન બનતું હોય તેવું કશુંક વિચિત્ર બને તેમાંથી ઊભી થતી રમૂજ.

હાસ્ય સાહિત્યમાં તમારા મનપસંદ ગુજરાતી હાસ્ય સાહિત્યકાર કોણ છે?
જ્યોતિન્દ્ર દવે। તેમને તોલે ગુજરાતનો એક પણ હાસ્ય સાહિત્યકાર ન આવે. કોઈને ઠેસ પહોંચાડ્યા વિના રમૂજ કરવામાં તેમની માસ્ટરી હતી. એક ઉદાહરણ આપું. એક વખત તેમણે કહ્યું હતું કે, ''ગુજરાતી સાહિત્ય પરિષદમાં પરિષદ જ સર્વોપરી છે, સાહિત્ય ગૌણ છે.'' પશ્ચિમના દેશોમાં હોત તો તેમની ખરેખર બહુ માનપાન મળ્યાં હોત.

હાસ્ય સાહિત્યમાં નવા સાહિત્યકારોમાં તમને કોણ પસંદ છે?
રતિલાલ બોરીસાગર। તે હોલસેલમાં સર્જન કરતાં નથી એટલે ગુણવત્તાયુક્ત સર્જન કરી શકે છે.

પીએચ. ડી પૂર્ણ કર્યા પછી હવે શું કરવું છે?
હું ધ્રાંગધ્રામાં કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં સંગીત શિક્ષક છું। હવે મૌલિક સાહિત્યનું સર્જન કરવું છે. લેખો અને નિબંધ સ્વરૂપે તેની શરૂઆત કરવી છે.

થોડી અંગત વાત કરી લઇએ. હેમલત્તા બહેન સાથે એરેન્જ-કમ-લવ મેરેજ છે...
(હસતાં-હસતાં) લોકો લવ કર્યા પછી વાત જામે એવી હોય તો મેરેજ એરેન્જ કરે। અમારે પહેલાં મેરેજ એરેન્જ કરવાં પડે અને પછી પ્રીતડીના ખેલ ખેલવા પડે. હેમુનો પરિચય સુરેન્દ્રનગરમાં જ થયો હતો. મિત્રોએ બધું ગોઠવી દીધું અને આપણો બેડો પાર થઈ ગયો.

હેમલત્તા બહેનની કઈ ખૂબી તમને સૌથી વધુ ગમે?
તેની સક્રિયતા અને ઘરકામ પ્રત્યેનો પ્રેમ। તેનો વ્યવસ્થિતા અને શિસ્તનો આગ્રહ મને બહુ પસંદ છે. અમારા ઘેર આવો તો તમને કોઈ ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હોય તેવું ન દેખાય. બીજું, જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ. તે ક્યારેય હાર માનવાનું પસંદ કરતી નથી.

સમય પસાર કરવા સૌથી મનપસંદ પ્રવૃત્તિ કઈ?
શાસ્ત્રીય સંગીત સાંભળવાનું મને બહુ પસંદ છે। શાસ્ત્રીય સંગીત શાશ્વત છે. તેની લોકપ્રિયતામાં વધઘટ જરૂર થતી રહે છે, પણ તે આપણી સંસ્કૃતિની ઓળખસમાન છે.

મનપસંદ શાસ્ત્રીય ગાયક?
પંડિત ઓમકારનાથ.

Thursday, February 26, 2009

'ગોધરા-અનુગોધરાની સાતમી વરસીએ પણ મોટા ભાગના ગુજરાતીઓમાં કલિંગબોધ જોવા મળતો નથી'


સાત વર્ષ પહેલાં 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ સવારે સાડા નવની આસપાસ વિવિધ ન્યૂઝ ચેનલે ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના ભડકે બળતા ડબ્બા દેખાડયા હતા. ગોધરા અને તે પછી જે કંઈ બન્યું તે ગુજરાતના રાજકીય, સામાજિક અને કાયદાકીય ઇતિહાસમાં અભૂતપૂર્વ અને અકલ્પનીય હતું. ગુજરાત 2002 પહેલાં મહાત્મા ગાંધીના ગુજરાત તરીકે જાણીતું હતું પણ ગોધરા-અનુગોધરા પછી ગુજરાત પર હંમેશા માટે કાળો ડાઘ લાગી ગયો. ગાંધીજી અને સ્વામી વિવેકાનંદના શુદ્ધ હિંદુત્વને ઝાંખપ લાગી ગઈ છે અને દિશાહીન હિંદુવાદ આકાર લઈ રહ્યો છે. ગોધરા-અનુગોધરાની આવતીકાલે સાતમી વરસી છે. તેના ઉપક્રમે ગુજરાતના જાણીતા રાજકીય સમીક્ષક અને 'નિરીક્ષક' પખવાડિયકના સંપાદક પ્રકાશ ન. શાહ સાથે ગોધરા-અનુગોધરાને લઇને કરેલી વાતચીત રજૂ કરી છેઃ

ગોધરાકાંડ પછી તમારી પહેલી પ્રતિક્રિયા શું હતી?
તે દિવસે 'નિરીક્ષક'ની ડેડલાઇન હતી એટલે અંક પૂર્ણ કરવામાં વ્યસ્ત હતો। તેવામાં જાણકારી મળી કે ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કારસેવકોના કોચમાં ભડકો થયો છે. તે સમયે વિસ્તૃતપણે લખવાનો સમય નહોતો પણ મેં એટલું જરૂર લખ્યું હતું કે નવ લાઇસન્સ પ્રાપ્ત નરેન્દ્ર મોદીએ શુચિર્દક્ષ પણે કામ કરવાની જરૂર છે. ગોધરાકાંડના સમાચાર બ્રેક થયા તે પછી તરત જ તત્કાલીન વડાપ્રધાન વાજપેયીએ બીબીસીને કહ્યું હતું કે, સંયમ દાખવવાની જરૂર છે.

વાજપેયીએ વિશ્વ હિંદુ પરિષદને બંધનું એલાન પાછું ખેંચવાની અપીલ પણ કરી હતી...
ચોક્કસ। પણ વિશ્વ હિંદુ પરિષદે તો તરત જ તેની કામગીરીની રૂપરેખા બનાવી લીધી હતી. આ વાત સ્વ. કે. કા. શાસ્ત્રીએ રેડિફના પત્રકાર શીલા ભટ્ટ સાથેની મુલાકાતમાં કબૂલ કરી હતી. તેમણે શીલાબહેનને કહ્યું હતું કે, પરિષદે (વિશ્વ હિંદુ પરિષદ) ક્યા ક્યા વિસ્તારોને નિશાન બનાવવા તે માટે બેઠક કરી હતી. આ વાત 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં પ્રસિદ્ધ પણ થઈ હતી.

કે. કા. શાસ્ત્રીએ તે વાતનો રદિયો પણ આપ્યો હતો...
તેમણે રદિયો જરૂર આપ્યો હતો પણ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ છાપ્યો નહોતો। આ વાત તેમણે મને એક પત્ર લખીને કરી હતી. મેં તેમને લેખિતમાં કહ્યું હતું કે તમારો રદિયો આપવો હોય કે શીલા ભટ્ટ સાથેની મુલાકાત અંગે કોઈ ખુલાસો કરવો હોય તો 'નિરીક્ષક' તેને પ્રસિદ્ધ કરવા તૈયાર છે. પણ પછી તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.

ગોધરાકાંડ પછી રાજ્યના વિવિધ શહેરોમાં કોમી તોફાન ફાટી નીકળશે તેવી કલ્પના હતી?
ના। પણ મને ગોધરાકાંડ પહેલાં એવી ગંધ તો આવી જ ગઈ હતી કે કંઇક નવીન થશે. આવી કોઈ બાતમી મારી પાસે નહોતી. કોઈ ઇન્ફોર્મર સાથે મારા સંપર્ક પણ નહોતા અને આજે પણ નથી. પણ કોમી ભડકો થયો તેની મને નવાઈ નહોતી લાગી. આ વાત મેં ગોધરાકાંડ અને અનુગોધરાકાંડ પછી જસ્ટિસ કૃષ્ણા ઐયરના અધ્યક્ષપદે રચાયેલી પ્રજાકીય પંચ સમક્ષ કહી હતી. મેં પંચ સમક્ષ કહ્યું હતું કે: Godhara or no Godhara, this was going to happen.

કોમી તોફાનો બદલ એક વર્ગ સંપૂર્ણપણે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવે છે તો બીજો વર્ગ એવું કહે છે કે તે સમયે જે બન્યું તે લોકોનો સ્વયંભૂ આક્રોશ હતો. તમે શું માનો છો?
ગોધરાકાંડ પછી જે કાંઈ થયું તે રાજ્ય સરકારની મિલીભગતથી થયું હતું। તે આપણી નજર સામે છે. અત્યારે રાજ્ય સરકારના જ મંત્રી માયાબહેન કોડનાની અને વિશ્વ હિંદુ પરિષદના જયદીપ પટેલને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસઆઇટી)ને ભાગેડુ જાહેર કરવાની ફરજ પડી છે. અમદાવાદની કમિશનર ઓફિસનું સંચાલન તત્કાલીન ગૃહ મંત્રી ગોરધન ઝડફિયા કરતાં એવું દરેક અખબાર કહેતાં હતા. સરકારે કોમી હુલ્લડો રોકવા પ્રયાસ કર્યો જ નહોતા. સરકારની ભૂમિકા કેવી હતી તે વિશે એક ઉદાહરણ સાથે વાત કરું.

ભારત-પાકિસ્તાનનું સર્જન થવા ટાણે પૂર્વ બંગાળમાં નોઆખલીમાં બહુમતી મુસ્લિમો લઘુમતી હિંદુઓ પર હુમલા કરતા હતા અને બિહારમાં બહુમતી હિંદુઓએ લઘુમતી મુસ્લિમોને નિશાન બનાવ્યાં હતા। તે સમયે નોઆખલીમાં મુસ્લિમ લીગની સરકાર હતી. તેના એક મંત્રી શમ્મસુદ્દીને મુસ્લિમોના ટોળાને કહ્યું હતું કે, હું તમારી જેમ પાકિસ્તાનમાં માનું છું. અમે સરકાર ચલાવીએ છીએ અને સરકારની ફરજ છે કે ખૂન, બળાત્કાર જેવા અપરાધ રોકે. સરકાર માટે તેના નાગરિકની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. મુસ્લિમ લીગની સરકારનો એક મંત્રી જે વાત સમજતો હતો તે સમજણ તત્કાલીન ભાજપ સરકારના એક પણ મંત્રીએ દાખવી નહોતી.

ભાજપને વર્ષ 2002ની ચૂંટણીમાં જંગી બહુમતી મળશે તેવી ધારણા હતી?
સામાન્ય રીતે તોફાન થાય પછી પ્રજાને ટૂંક સમયમાં કલિંગબોધ (કલિંગબોધ એટલે પ્રાયશ્ચિતની ભાવના। મહારાજા અશોકને કલિંગના યુદ્ધ પછી પશ્ચાતાપ થયો હતો તેના પરથી આ શબ્દનું સર્જન કરવામાં આવ્યું છે) થાય છે. પણ ગુજરાતની પ્રજાને કલિંગબોધ થયો હોય તેવું ચૂંટણી વખતે લાગતું નહોતું એટલે પરિણામ બહુ ચોંકાવનારા નહોતા.

ગોધરા-અનુગોધરાની સાતમી વરસીએ ગુજરાતની જનતાને કલિંગબોધ થયો હોય તેવું તમને લાગે છો?
આ બાબતે થોડી વિસ્તૃત વાત કરું। ગોધરા-અનુગોધરા પછી મુખ્યમંત્રીના મુખ્ય સુરક્ષા સલાહકાર તરીકે કેટલોક સમય જાણીતા 'ઍન્કાઉન્ટર માર્તન્ડ' ગિલ હતા. રાજ્યમાં થોડા મહિના પછી પરિસ્થિતિ થાળે પડી પછી ગિલસાહેબ રવાના થયા તે પહેલાં નાગરિક સંગઠનની એક બેઠક યોજાઈ હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, ''સામાન્ય રીતે કોઈ જગ્યાએ કોમી હુલ્લડો કે તોફાન થાય તેના થોડા દિવસ પછી પ્રજાને કલિંગબોધ થાય છે. તેમને કંઇક ખોટું થયું હોવાની કે સ્વસ્થ સમાજને ન શોભે તેવું થયું હોવાનો અપરાધબોધ થાય છે. પણ ગુજરાતમાં આ ભાવના જોવા મળી નથી.'' તેમના શબ્દો આજે પણ સાચાં છે અને ગોધરા-અનુગોધરાની સાતમી વરસીએ પણ મોટા ભાગના ગુજરાતીઓમાં કલિંગબોધ જોવા મળતો નથી.

તાજેતરમાં જ નરેન્દ્ર મોદીએ ડીએનએ સાથેની મુલાકાતમાં ગોધરા-અનુગોધરાને રાજ્ય સરકારની 'Unintensional Mistake' હોવાની વાત કરી છે...
ગોધરા-અનુગોધરા mistake નહોતી એટલે તે unintenional હોવાનો સવાલ જ નથી। હા, ગોધરા-અનુગોધરા પછી રાજ્ય સરકારે mistake જરૂર કરી છે. ગોધરા-અનુગોધરા પર પર પશ્ચાત્તાપ કરવાને બદલે મોદી સમગ્ર રાજ્યમાં ગૌરવયાત્રા લઇને ફરતા હતા. તે સમયે રાજ્ય સરકારને જાસૂસી રીપોર્ટ પર ધ્યાન આપવાનીયે ફૂરસદ નહોતી. છેવટે થયું શું? નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન નજીક ગાંધીનગરમાં અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો. જે દિવસે હુમલો થયો તે દિવસે બપોરે બાર વાગતાં અમે તત્કાલીન રાષ્ટ્રપતિ કલામને મળવા ગયા હતા અને તેમને પણ રાજ્ય સરકારની બેફિકરાઈ વિશે માહિતગાર કર્યા હતા. તે દિવસે બપોરે દિલ્હીના પત્રકારો સાથે પણ આ અંગે વાત થઈ હતી અને તેવામાં અક્ષરધામ પર આતંકવાદી હુમલાના સમાચાર આવ્યાં. ગોધરા-અનુગોધરા પછી ગુજરાત અને દેશ પર આતંકવાદી હુમલાનું જોખમ વધી ગયું છે.

એટલે તમારો કહેવાનો અર્થ એ છે કે દેશમાં જે કાંઈ આતંકવાદી હુમલા થયા તે માટે ગોધરા-અનુગોધરા જવાબદાર છે?
આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે પણ ગુજરાતમાં થયેલા કોમી તોફાનોએ બળતામાં ઘી તો હોમ્યું જ છે। ગોધરા-અનુગોધરા પછી દેશના વિવિધ શહેરોમાં જે આતંકવાદી હુમલા થયા તેની તપાસનો સૂર એવું કહે છે કે આતંકવાદીઓના વિવિધ આશયમાંનો એક ગુજરાતના બનાવોનો બદલો લેવાનો છે. તે હુમલાઓને જસ્ટિફાય કરવાનો કોઈ ઇરાદો નથી પણ મુદ્દો એ છે કે, ગોધરા-અનુગોધરા પછી હિંદુ-મુસ્લિમ વચ્ચેનું ધ્રુવીકરણ વધારે મજબૂત થયું છે અને આતંકવાદી હુમલાનું પ્રમાણ વધ્યું છે તેને કોઈ નકારી શકે તેમ નથી. અડવાણીએ થોડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પ્રવચન પછી મુંબઈમાં જે આતંકવાદી હુમલા થયા તેમાં સ્થાનિક લોકોની ભૂમિકા વિના આટલું મોટું ષડયંત્ર પાર પાડવું અશક્ય છે તેમ કહ્યું હતું. પણ તપાસમાં સ્થાનિક લોકોને ભાગ લેવા પ્રોત્સાહન કોણે પૂરું પાડ્યું છે તે આપણે બધા જાણીએ છીએ.

ગોધરા-અનુગોધરા પછી સામાન્ય લોકોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થયો છે. ભાજપનો એક વર્ગ જે પહેલાં લાલકૃષ્ણ અડવાણીને 'છોટે સરદાર' કહેતો હતો તે હવે નરેન્દ્ર મોદીની સરખામણી સરદાર સાથે સરખાવે છે. જો ગોધરાકાંડ જેવી ઘટના બની હોત અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હોત તો તેમણે શું કર્યું હોત?
જેઓ નરેન્દ્ર મોદી કે બીજા કોઈ પણ રાજકારણીને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવે છે કે છોટે કે મોટે સરદાર કહે છે તેઓ સરદારને સૌથી વધારે અન્યાય કરી રહ્યાં છે। જો ગોધરાકાંડ સર્જાયો હોય અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સરદાર હોત તો તે પ્રશ્નનો ઉકેલ ગોધરા રેલવે સ્ટેશને જ આવી ગયો હોત. તેઓ કાયદાના શાસનના ચુસ્ત હિમાયતી હતા. તેઓ અપરાધીને સજા કરવામાં માનતા હતા, નહીં કે અપરાધીના ધર્મ કે તેની નાતજાતના નિર્દોષ લોકોને. કોઈ નેતાની લોકપ્રિયતા અને તેની કામગીરીનું ન્યાયી મૂલ્યાંકન થવું જોઇએ જેની અપેક્ષા કલિંગબોધ ન અનુભવતી ગુજરાતની પ્રજાથી પાસેથી રાખવી વધુ પડતું છે.

અહીં એક બીજી વાત પણ કરવી છે। ભાજપ ઘણી વખત સોમનાથ અને અયોધ્યાની મુદ્દાની ભેળસેળ કરી દે છે. હકકીતમાં તે બંનેની સરખામણી ન થઈ શકે. સરદારે સોમનાથનો પુનરોદ્ધાર કરાવ્યો હતો પણ સોમનાથનું મંદિર વિવાદાસ્પદ નહોતું. તેમાં મંદિર-મસ્જિદનો કોઈ વિવાદ નહોતો. સરદારે ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતને અયોધ્યા મુદ્દો ભૂલી જવા કહ્યું હતું. સરદાર અયોધ્યાના વિવાદની ગંભીરતા સમજતાં હતા અને એટલે તેને સ્પર્શ ન કરવામાં જ માનતા હતા. વલ્લભભાઈની કારસેવા કે રામમંદિર આંદોલનમાં કલ્પના પણ ના કરી શકાય.

ગોધરા-અનુગોધરાના દોષિતોને સજા થાય તેવું તમને લાગે છે?
ગોધરામાં કારસેવકોના ડબ્બાનો ભડકો કરનાર સજા થવી જ જોઇએ અને તે પછી જેમણે ગોધરામાં આગ ચાંપવામાં કોઈ ભૂમિકા ભજવી નહોતી તેવા નિર્દોષ માણસોને જીવતા સળગાવી દેનારા અને તેમની કત્લેઆમ કરનારાઓને પણ સજા થવી જોઇએ। છેલ્લાં સાત વર્ષથી કમિશન પર કમિશન બેસાડવામાં આવી રહ્યાં છે. જોઇએ શું થાય છે.

ગોધરા-અનુગોધરાની દેશ પર લાંબાગાળે શું અસર થશે?
સુશિક્ષિત ગુજરાતી વર્ગે નાગરિક સમાજની દ્રષ્ટિએ બે સવાલના જવાબ આપવા પડશેઃ એક, તમે કાયદાના શાસનમાં માનો છે કે કેમ? બીજું, જો કાયદાના શાસનનું ઉલાળિયું કરવામાં કોઈ રાજકીય વિચારધારાનું સમર્થન મળી રહેતું હોય તો તમને તેમાં વાંધો છે? કાયદાના શાસનનો સવાલ સૌથી મહત્વપૂર્ણ છે। સાંપ્રદાયિકતા કે બિનસાંપ્રદાયિકતાની વાત તો પછી આવે છે. સવાલ દેશના બંધારણ અને કાયદાના સમ્માનનો છે. સવાલ માનવતાના ધોરણોનો છે.

'નિરીક્ષક'માં સાંપ્રદાયિકતા કે બિનસાંપ્રદાયિકતા વિશે બહુ ચર્ચા ચાલી હતી...
ગુજરાતના મુખ્ય પ્રવાહનો વર્તમાનપત્રો જે ચૂક્યાં હતાં તે વાત નિરીક્ષક, નયા માર્ગ અને ભૂમિપુત્રએ રજૂ કરી। તેમાં પણ 'નિરીક્ષક'માં ગાંધીવિચાર અને હિંદુત્વની પાયાની ચર્ચા થઈ હતી.

પણ ગાડી આડે પાટે ચડી ગઈ હતી એવું નહોતું લાગ્યું?
ચર્ચા થોડી આડે પાટે ચડી ગઈ હતી। મુદ્દો કાયદાકીય શાસનનો હતો અને ચર્ચા સાંપ્રદાયિકતા-બિનસાંપ્રદાયિકતા પર વધારે થઈ હતી: જેમ ઝનૂની મુસ્લિમો કે ઝનૂની હિંદુઓ એકમેકને મારવા લેતા હોય તેમ જાણે કે બિનસાંપ્રદાયિકતાની વાત કરનારા 'મારો કે કાપો'ને રક્તખેલ ખેલી રહ્યાં હોય, એવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું.

'નિરીક્ષક' સાંપ્રદાયિકતા અને બિનસાંપ્રદાયિકતાના નામે ગુણવંત શાહની ટીકા કરવાનું અને તેમની સામે વિચારો અને અભિપ્રાયો વ્યક્ત કરવાનું માધ્યમ બની ગયું હતું. પ્રવીણ ન. શેઠને તો આ વિશે તમને પત્ર લખવો પડ્યો હતો. તેમનો સૂર એવો હતો કે ગુણવંત શાહના વિચારોની સમીક્ષા એક આધાર સાથે થાય તેની સામે વાંધો નથી પણ તેમના વિરોધમાં પાયા વિનાના અને દ્વૈષી ઇરાદાથી લખાયેલા પત્રો ન પ્રકાશિત કરો.
તે સમયે ગુણવંત શાહ 'સંદેશ'માં લખતા હતા, કહો કે જે બધું ન બનવાનું બનતું હતું તેને માટે તે અનાયાસ એર કવરેજ બની રહ્યું હતું. તેમના વિચારો સાથે સહમત હોય કે ન હોય તેવા વાચકો કે લેખકોના મત સંદેશમાં છપાય તેવો બહુ અવકાશ નહોતો. એટલે 'નિરીક્ષક' ગુણવંત શાહના લેખ રી-પ્રિન્ટ કરી તેની સાથે જે તે લેખકોના જવાબ પ્રકાશિત કરતું હતું. તેમાં ગુણવંત શાહને નિશાન બનાવવાનું ધાર્યું નહોતું. 'નિરીક્ષક' તે પ્રકારની વિચારસરણીમાં ક્યારેય માનતું નથી. પણ સુશિક્ષિત ગુજરાતી વર્ગે જે બે સવાલના જવાબ આપવા જોઇએ તે વાત ગુણવંતભાઈને પણ લાગૂ તો પડે જ છે, જેમ મને કે બીજાને પણ.

Thursday, January 8, 2009

''માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની?''



ગુજરાતી સાંભળીએ,
ગુજરાતી બોલીએ,
ગુજરાતી વાંચીએ,
ગુજરાતી લખીએ,
ગુજરાતી જીવીએ.
આ પંચશીલ સૂત્રોના પ્રણેતા વિપુલ કલ્યાણી એટલે ગુજરાતી માતૃભાષાના જતન માટે જીવતા અને જીવવાની પ્રેરણા આપતા વિદેશમાં વસતા સવાયા ગુજરાતી. વિલાયતની 'ગુજરાત સાહિત્ય અકાદમી'ના મહામંત્રી વિપુલ કલ્યાણી બ્રિટનમાં ગુજરાતી માસિક સામયિક 'ઓપિનિયન'ના તંત્રી છે. 'નિરીક્ષક' વિચારપત્રના તંત્રી પ્રકાશ ન શાહના ઘરે તેમની સાથે ગુજરાતી ભાષા અને સાહિત્ય પર થયેલી વાતચીતઃ

પંચશીલ સૂત્ર...
પાકિસ્તાનમાં 1980ના દાયકામાં મોહમ્મદ પીલાણી ગુજરાતી સામયિક 'મેમણ ન્યૂઝ' ચલાવતા હતા। તેઓ આર્થિક રીતે સદ્ધર હતા. સામયિકનું સંપાદકીય કામકાજ અન્ય કોઈ વ્યક્તિ સંભાળે પણ પીલાણને ગુજરાતી ભાષા પ્રત્યે ખૂબ પ્રેમ. તેઓ ક્યારેક-ક્યારેક સામયિકમાં લેખ પણ લખતા. એક વખત તેમણે તેમના લેખમાં 'ગુજરાતી વાંચીએ', 'ગુજરાતી સાંભળીએ' અને 'ગુજરાતી લખીએ' આ ત્રણ સૂત્રો આપ્યાં. મને તે ખૂબ પસંદ પડી ગયા. પણ તેમાં અમે થોડો સુધારો કર્યો. પીલાણી સાહેબના સૂત્રોમાં બીજા લોકોને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ રાખવાનું કહેવામાં આવતું પણ તેમાં વ્યક્તિએ પોતે ગુજરાતી ભાષા માટે કશું કરવાનું નહોતું. એટલે અમે તેમાં 'ગુજરાતી બોલીએ', 'ગુજરાતી જીવીએ'-એમ બે સૂત્ર જોડી દીધા. આ રીતે આ પંચશીલ સૂત્રનો જન્મ થયો.

મળી મળી મને માતૃભાષા ગુજરાતી...
ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે, આપણા વારસાની ભાષા છે। મારા બાપદાદાનું વતન જામનગર પણ મારો પ્રાથમિક અભ્યાસ જામખંભાળિયામાં. તે સમયે મારા શિક્ષક કાંતિભાઈ અને હેડમાસ્ટર એમ પી ભટ્ટે ગુજરાતી ભાષા પ્રત્યે મારી પ્રીત બાંધી. તમને કયા વિષયમાં રસ પડશે તેનો સૌથી મોટો આધાર તમારા પ્રાથમિક શિક્ષકો પર છે અને મને શિક્ષકો હંમેશા ઉત્તમ મળ્યાં છે. મેં ઉચ્ચ માધ્યમિક શિક્ષણનો અભ્યાસ પૂર્વ આફ્રિકાના ટાન્ઝાનિયામાં મેરુ પર્વતની તળેટીમાં અરુસામાં કર્યો. ત્યાં મને રણજીત દેસાઈ અને બાલકૃષ્ણ દેસાઈ જેવા શિક્ષકો મળ્યાં જેમણે ગુજરાતી ભાષા પ્રત્યેના મારા પ્રેમમાં વૃદ્ધિ કરી. અત્યારે હું ગુજરાતી ભાષા પ્રત્યે જે કાંઈ ફરજ અદા કરું છું તે આ શિક્ષકોની દેણગી છે.

માતૃભાષા એટલે આત્મવિશ્વાસ...
કહેવાય છે કે, જે વ્યક્તિ પાસે પોતાની માતૃભાષાની સારી જાણકારી હોય તે અન્ય ભાષા સારી રીતે અને ઝડપથી શીખી શકે. માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની? માતૃભાષા વ્યક્તિને આત્મવિશ્વાસ આપે છે. આ વાત અભ્યાસો પરથી સાબિત પણ થઈ છે.
ઇંગ્લેન્ડમાં વસતાં ગુજરાતીઓમાં 1970ના દાયકામાં પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનું પસંદ કરતાં હતા. પણ એક અભ્યાસ પરથી સાબિત થયું છે કે જે બાળકને પોતાના માતૃભાષામાં શિક્ષણ મળે છે તે આગળ જતાં વધુ સારો અભ્યાસ કરી શકે છે. યુરોપીયન યુનિયનના દેશોના લોકો પણ પોતાના બાળકોને જર્મન, ફ્રેન્ચ જેવી પોતાની મૂળ ભાષામાં શિક્ષણ આપી રહ્યાં છે.
વીસમી સદીમાં ગુજરાતના ત્રણ જાણીતા સાક્ષર મહામાનવ ગાંધી, મોહમ્મદ અલી ઝીણા અને ટોચના સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ પોતાનો અભ્યાસ ગુજરાતીમાં કર્યો. આ ત્રણેયનું ગુજરાતી આલા દરજ્જાનું. અલબત્તા ઝીણાને પાછળથી ગુજરાતીનો મહાવરો છૂટી ગયો હતો. પણ કહેવાનો અર્થ એ છે કે, આ ત્રણેયનો પાયો માતૃભાષા ગુજરાતી હતો તેમ છતાં તેઓ અંગ્રેજીનાં સારામાં સારા જાણકાર હતા.
મનોચિકિત્સકોનું માનવું છે કે, જે વ્યક્તિ પોતાની માતૃભાષા સારી રીતે સમજી શકે તે સરેરાશ ચારથી પાંચ ભાષા ઝડપથી શીખી શકે। માતૃભાષા આપણો વારસો છે અને તે આત્મવિશ્વાસ પ્રદાન કરે છે.

ગુજરાતી ભાષાનું ભવિષ્ય...
ગુજરાતી ભાષાના ભવિષ્ય વિશે કોઈ પણ ધારણા બાંધવી મુશ્કેલ છે, પણ તેનો આધાર ચોક્કસ વર્તમાન સ્થિતિ અને સંજોગો પર છે અને હાલની સ્થિતિ સારી નથી તે હકીકત છે। આપણે આપણી જ મા (માતૃભાષા)થી દૂર થઈ રહ્યાં છીએ. ગુજરાતમાં જ વસતા ગુજરાતીઓમાં અંગ્રેજી પ્રત્યેનો મોહ વધતો જાય છે. અહીં અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આપણા વેપારીઓ હવે હિસાબના ચોપડા પણ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં લખે છે. ગુજરાત સરકારનો વ્યવહાર સુદ્ધાં અંગ્રેજીમાં થાય છે. કહેવાનો અર્થ એ નથી કે તમારે અંગ્રેજી શીખવું ન જોઇએ. પણ મને નિરંજન ભગતનો એક વિચાર અત્યંત પસંદ છે જે દરેક ગુજરાતીએ પોતાના જીવનમાં ઉતારવો જોઇએઃ 'માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી'

ગુજરાત સરકારઃ ન દિશા, ન દૃષ્ટિ.....
ગુજરાત સરકારને તો અંગ્રેજીનું ઘેલું લાગ્યું હોય તેવું લાગે છે. આ સરકાર પાસે માતૃભાષાના સંવર્ધન માટે ન તો કોઈ દિશા છે ન કોઈ દૃષ્ટિ. હકીકતમાં રાજ્ય સરકારે વારસાની ભાષાના સંવર્ધન માટે યોગ્ય કદમ લેવા જોઇએ. તેના માટે ગુજરાતી સાક્ષરોને પ્રોત્સાહન આપવું જોઇએ.

વૈશ્વિકરણ અને પ્રાદેશિક ભાષાઓ.....
વૈશ્વિકરણે છેવાડાના માણસનો દાટ વાળ દીધો છે. તેમાં સામાન્ય માણસની કોઈ ચિંતા નથી. ચિંતા છે ધનિકો અને ઉદ્યોગપતિઓની. આપણે વાત ભાષાની કરીએ તો વૈશ્વિકરણે પ્રાદેશિક ભાષાના મૂળિયા હચમચાવી દીધા છે. કોઈ પણ ભાષાના મૂળમાં રોજગારી અને અર્થતંત્ર હોય છે. વૈશ્વિકરણમાં અંગ્રેજીનું પ્રભુત્વ વધતું જાય છે. રોજગારી અને અર્થતંત્ર અંગ્રેજી આધારિત છે. એટલે સ્વાભાવિક રીતે લોકોનો ઝુકાવ તેની તરફ વધી રહ્યો છે. પણ તેનો ભાગ માતૃભાષાઓ બની રહી છે. અધૂરામાં પૂરું આ માતૃભાષાઓને સરકાર અને અર્થતંત્રનું પીઠબળ રહ્યું નથી એટલે પડતાં પર પાટું. ગુજરાતની યુનિવર્સિટીઓ પણ અમેરિકન યુનિવર્સિટીઓનું આંધળું અનુકરણ કરી રહી છે અને ધનિકો તથા બિનનિવાસી ભારતીય (એનઆરઆઈ)ના સંતાનોની બની ગઈ છે.

બ્રિટનમાં ગુજરાતી ભાષા.....
કેન્દ્ર સબળ હશે તો પરિઘે કામ થશે। ગુજરાતમાં વસતા ગુજરાતીઓ પોતાની માતૃભાષાનું કેવું જતન કરે છે તેને આધારે વિદેશમાં ગુજરાતી ભાષાની દશા અને દિશા નક્કી થશે. બ્રિટનમાં પહેલી ગુજરાતી પ્રાથમિક શાળાની શરૂઆત વર્ષ 1964માં થઈ હતી. તે પછી 1990ના દાયકા સુધી ગુજરાતી શાળાઓની સંખ્યા વધતી જતી હતી. ત્યાં સુધી આ શાળાઓમાં એકાદ લાખ ગુજરાતીઓએ ગુજરાતી ભાષામાં જ શિક્ષણ લીધું હતું. પણ ધીમેધીમે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ત્યાં વસતા ગુજરાતીઓ પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું વધારે પસંદ કરી રહ્યાં છે.

બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય અકાદમી.....
બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય અકાદમીની શરૂઆત 12મી ફેબ્રુઆરી, 1977ના દિવસે થઈ હતી। તેને હવે ત્રણ દાયકા પૂરાં થઈ ગયા છે. અકાદમી અંતર્ગત ગુજરાતી ભાષાના સંવર્ધન માટે નિયમિતપણે કાર્યક્રમો યોજે છે. અમારી પાસે 60થી 70 કવિ-લેખકો છે જેમાં દીપક બારડોલીકર, અદમ ટંકારવી, યોગેશ પટેલ, બળવંત નાયક અત્યંત પ્રતિભાશાળી છે.

વર્તમાન ગુજરાતી સાહિત્ય.....
સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ બંનેમાં વાંચન ઘટ્યું હોય તેવું મને લાગે છે। સર્જકોમાં જોઇએ તેવી સજ્જતા વર્તાતી નથી। તેની પાછળ શિક્ષણનું કથળતું જતું સ્તર જવાબદાર છે. એક સમયે લોકશિક્ષકો અને મહાજનો ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપતાં હતા. લોકો સુધી ગુજરાતી સાહિત્યને પહોંચાડવાનું એક મિશન હતું, એક દૃષ્ટિ હતી, સમજણ હતી. આજે ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો પડકાર વધી રહ્યો છે. ગુજરાતી ભાષા માટે મિશનની ભાવના સાથે ગણ્યાં-ગાંઠ્યાં માણસો કામ કરે છે અને જે લોકો કમિશનથી કામ કરે છે તે પણ પોતાના કાર્ય પ્રત્યે વફાદાર નથી.

મહેન્દ્ર મેઘાણીઃ આશાનો દીપ.....
ગુજરાતી ભાષાના અંધકારમય ભવિષ્યમાં મહેન્દ્ર મેઘાણી આશાનો દીપ છે। તે ઠેરઠેર અત્યંત સફળ પુસ્તકમેળા યોજી ગુજરાતી ભાષાનો દીપ પ્રજ્જવલિત રાખવાનો ઉત્તમ પ્રયાસ કરી રહ્યાં છે. તેમના પુસ્તકમેળામાં ગુજરાતી ભાષામાં જ પ્રસિદ્ધ થયેલા પુસ્તકોનું વેચાણ થતું જોઇએ ત્યારે ગુજરાતી સાહિત્યની ચિંતા થોડી હળવી થઈ જાય છે.

મનપસંદ ગુજરાતી સાહિત્યકારો.....
ગાંધીજી, મનુભાઈ પંચોળી, ર। વ. દેસાઈ, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, ઉમાશંકર જોશી, ન્હાનાલાલ. મનુભાઈ પંચોળીની તમામ કૃતિઓ અને ઉમાશંકર જોશીની કવિતા બહુ ગમે. કવિતામાં ઊંડો રસ છે. દુઃખ છે કે અત્યારે કવિતા બનતી જ નથી.

સમકાલીન મનપસંદ ગુજરાતી સર્જકો.....
ગુજરાતી ડાયસ્પોરાના વલ્લભી નાઢા, દીપક બારડોલીકર, કૃષ્ણ આદિત્ય વગેરે। ઉપરાંત પન્ના નાયક અને રાજેન્દ્ર પટેલના સર્જનો પણ વાંચવા ગમે છે. મનોજ જોશીના સર્જનો મીઠા લાગે છે.

ઉમાશંકર જોશી અને ઝવેરચંદ મેઘાણીની કૃતિનો વિરોધ કરનારા.....
ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટીએ ઉમાશંકર જોશી અને ઝવેરચંદ મેઘાણીની કૃતિઓમાં દલિતવર્ગ માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ થયો હોવાથી તેને અભ્યાસક્રમમાંથી દૂર કરી છે તેવું સાંભળ્યું ત્યારે ખરેખર દુઃખ થાય છે। આ મહાન સાહિત્યકારોનું સાહિત્ય તત્કાલિન સમાજનું પ્રતિબિંબ રજૂ કરે છે. સાહિત્યકારો સમાજની સુંદરતા અને તેના બિભત્સ ચિત્રની સાચા સ્વરૂપે રજૂઆત કરી છે. મને તો આ વિવાદની ફિલસૂફી સમજાતી નથી. મને એવું લાગે છે કે આ વિરોધ નબળા કેળવણીકારોની ખોટી કૂદાકૂદ છે. હકીકતમાં આ કૃતિઓને અભ્યાસક્રમમાંથી દૂર કરવાને બદલે તેમાંથી સારું કે નરસું શું ગ્રહણ કરવું તેનો નિર્ણય યુવાન વિદ્યાર્થીઓ પર છોડી દેવો જોઇએ.

ગાંધીજીના લખાણોના કોપીરાઈટ અને તેની સાથે ચેડાં થવાની શક્યતા...
'ગાંધીકથા'નો દીપ પ્રજ્જવલિત કરતાં નારાયણ દેસાઈએ ગાંધીજીના લખાણોનો વ્યાવસાયિક ઉદ્દેશ માટે જ ઉપયોગ થવાના જોખમ પર એક-બે દિવસ પહેલાં જ ચિંતા વ્યક્ત કરી છે। થોડા દિવસ પહેલાં જાણીતા ઇતિહાસકાર રીઝવાન કાદરીએ ગાંધીજીની આત્મકથામાં નવજીવન પ્રકાશને ફેરફાર કર્યા હોવાની ફરિયાદ કરી છે। ગાંધીજીના કોપીરાઇટ હવે પૂર્ણ થઈ ગયા છે અને કોઈ પણ પ્રકાશક તેને પ્રકાશિત કરવા સ્વતંત્ર હોવાથી 'ગાંધીજીના અક્ષરદેહ' સાથે ચેડાં થવાની ચિંતા વધારે છે। થોડા વર્ષ પહેલાં તેની સાથે ચેડાં પણ થયા છે। કેન્દ્ર સરકારે ગાંધીજીના અક્ષરદેહનું હિંદી અને અંગ્રેજીમાં પુનર્મુદ્રણ કર્યું ત્યારે તેમાંથી અમુક ભાગ દૂર કરવાની ફરિયાદો થઈ હતી. તે સમયે સરકારે નારાયણ દેસાઈ સહિત અગ્રણી ગાંધીજનોની એક સમિતિ રચી હતી. પણ તે પછી કંઈ થયું નહોતું. ખરેખર સરકારે આ અક્ષરદેહને મૂળ સ્વરૂપે ફરી પ્રકાશિત કરી પોતાની ભૂલ સુધારી લેવી જોઇએ.

સાહિત્ય સમાજનું દર્પણ.....
સાહિત્ય સમાજનું દર્પણ છે. સાહિત્યકારો સમાજની વર્તમાન સ્થિતિનો ચિતાર આપે છે. સાહિત્ય અને સમાજ વચ્ચે બહુ મોટો અને ગાઢ સંબંધ છે. સમાજને સુસંગત રાખવાની જવાબદારી સાહિત્યકારોની છે અને તેમાંથી રામાયણ અને મહાભારત જેવા આદિગ્રંથોનું સર્જન થયું છે.


Sunday, January 4, 2009

''જનસત્તાને નરેન્દ્ર મોદી સામે વાંધો નહોતો, મોદી સરકારની નીતિ સામે હતો''


''પત્રકારત્વની લડાઈ સૈદ્ધાંતિક હોવી જોઇએ, વ્યક્તિગત નહીં, અખબારો અંગત હિસાબ સરભર કરવાનું માધ્યમ ન બનવા જોઇએ।'' પત્રકારત્વના આત્મા સમાન આ શબ્દો છે છેલ્લાં 30 કરતાં વધારે વર્ષનો અનુભવ ધરાવતા જાણીતા સંપાદક વિવેક દવેના. તેમણે જનસત્તામાં બહુ લાંબી ઇનિંગ્સ રમી છે અને અનુવાદકથી લઇને રેસિડેન્ટ એડિટર સુધીના તમામ હોદ્દા ભોગવી ચૂક્યાં છે. તેઓ 2006માં 'સંદેશ'ના સંપાદક બન્યાં હતા. એવું કહેવાય છે કે, 'સંદેશ'ની ઓફિસ વસ્ત્રાપુરમાં ખસેડાઈ પછી ત્યાં એડિટર તરીકે સૌથી વધારે કામ વિવક દવેએ કર્યું છે, બાકી કોઈ પણ એડિટર માટે ત્રણથી ચાર મહિના તો બહુ થઈ ગયા. વિવેકભાઈ સાથે તેમની પત્રકારત્વની કારકિર્દી, જનસત્તામાં થયેલી ઊથલપાથલો અને ગુજરાતી પત્રકારત્વમાં ભાસ્કરના આગમનના પગલે થયેલા પરિવર્તન વિશે બીજી જાન્યુઆરીને શનિવારે થયેલી વાતચીત રજૂ કરી છે.

પૃષ્ઠભૂમિ...
હું મૂળે વતની દાહોદનો. પિતા વિનયચંદ્ર ચંદ્ર ઉર્ફે વી જે દવે. તેમની ગણતરી દાહોદના ગણિતના ઉત્તમ શિક્ષક તરીકે થતી. તેમનું કામ આંકડાઓ સાથે પણ હ્રદય સાહિત્યમાં. અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યના ઉમદા જાણકાર. તે સમયે તેમના મિત્રો એવું કહેતા કે, અમદાવાદની એમ જે લાઇબ્રેરીના મોટાભાગના પુસ્તકો 'વીજે'ની આંખ નીચેથી પસાર થયા છે.

શિક્ષણ...
કોલેજ સુધીનું પ્રાથમિક શિક્ષણ દાહોદમાં લીધુ। સાયન્સ વિષય સાથે ઓલ્ડ એસએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત સાથે બી. એસસી કર્યું.

પિતાજીના સંસ્કારો જાગૃત થયા...
બી. એસસીમાં અભ્યાસ દરમિયાન બી.એ કરતાં વિદ્યાર્થીઓ મારા રૂમપાર્ટનર હતા. જેવો સંગ તેવો રંગ અને પિતાજીના સંસ્કારો કદાચ જાગૃત થયા હશે. સાહિત્યમાં રસ જાગ્યો. અંગ્રેજી સાથે બી. એ કરતાં વિદ્યાર્થીઓને અંગ્રેજીનું ગુજરાતી કરી આપતો. સરવાળે બંનેને ફાયદો થતો. તેને તેના વિષયની જાણકારી ઝડપથી અને સહેલાઈથી મળી જતી ને મારો રસ સંતોષાતો. અખબારમાં ડેસ્ક પર કામ કરવાનો પાયો આ રીતે કોલેજકાળ દરમિયાન જ નંખાયો હતો.

પત્રકારત્વમાં પા પા પગલી...
ગ્રેજ્યુએટ થયાં પછી પોસ્ટલ અભ્યાસક્રમોની તપાસ કરવા અને નોકરીની શોધમાં મુંબઈ ગયો। ત્યારે 1976માં સૌપ્રથમ 'યુવદર્શન' સામાયિકમાં (વર્તમાન પ્રવાહોને વાચા આપતું આ સામાયિકનું અત્યારે પ્રકાશન થતું નથી) સબ એડિટર તરીકે જોડાયો. તે સમયે તેના તંત્રી સુરેશ સોમપુરા હતા. તેમના હાથ નીચે મેં એકથી દોઢ વર્ષ કામ કર્યું. તેમની પાસેથી મને પત્રકારત્વને લગતું ઉત્તમ માર્ગદર્શન મળ્યું. મને જો કોઈ ગુજરાતના ટોચના ચાર પત્રકારોના નામ લેવાના કોઈ કહે તો હું તેમાં સુરેશ સોમપુરાનું નામ લઉં.

યુવદર્શન પછી...
તે સમયે જનસત્તામાં કામ કરવું મોટાભાગના ગુજરાતી પત્રકારોનું સ્વપ્ન હતું. જનસત્તા ઉપર તે વખતે ગોએન્કા ગ્રૂપ એટલે 'ઇન્ડિયન એક્સપ્રેસ'ની માલિકી હતી. તેનું સંચાલન પત્રકારોની સ્વતંત્ર્તાના પ્રખર હિમાયતી રામનાથ ગોએન્કા કરતાં. જનસત્તા તે સમયે ખરા દિલથી પત્રકારત્વને ચાહતાં હોય તેવા ગુજરાતી પત્રકારોનો અડ્ડો ગણાતું. યુવદર્શનમાં કામ કરતો તે દરમિયાન મારે તેના તત્કાલિન તંત્રી વાસુદેવ મહેતા સાથે વાતચીત થઈ અને તેમણે મને જોઇન્ટ થવાનું કહી દીધું. પણ નસીબ એવા વાંકા કે હું જોઇન્ટ થવા આવ્યો તે જ દિવસે વાસુદેવ મહેતાએ રાજીનામું આપી દીધું. ઓ તારી! હું તો લબડી પડ્યો.
તે સમયે કિર્તી ખત્રીએ મદદ કરી। (કિર્તી ખત્રી અત્યારે જન્મભૂમિ ગ્રૂપના અખબાર 'કચ્છમિત્ર'માં સંપાદક છે) તેમણે મારી ઓળખાણ શિવ પંડયા સાથે કરાવી. શિવ પંડ્યા એટલે ગુજરાતના ઉત્તમ કાર્ટૂનિસ્ટોમાંના એક. વાસુદેવ મહેતા, શ્રીકાંત ત્રિવેદી (બંગાળી નવલકથાઓના ઉત્તમ અનુવાદક) અને શિવ પંડ્યાએ સાથે મળીને 'ઇમેજ' નામનું સામાયિક ચાલું કર્યું હતું. પછી તેમાં જોડાયો. તેમાં વાસુદેવ મહેતાના હાથ નીચે કામ કરવાનો લાભ મળ્યો. તે ઉત્તમ રાજકીય વિશ્લેષક હતા.

છેવટે જનસત્તામાં...
આ રીતે ગાડી આગળ વધતી હતી। તે દરમિયાન 1979માં જનસત્તામાંથી ઓફર થતાં હું જોડાઈ ગયો. ત્યાંથી લઇને ડીસેમ્બર, 2006 સુધી એડિટોરિયલ ડીપાર્ટમેન્ટના તમામ હોદ્દા મેળવ્યો. છૂટો થયો ત્યારે રેસિડેન્ટ એડિટર હતો.

જનસત્તા એટલે...
જનસત્તા ખરેખર ઉત્તમ માહિતી અને વૈચારિક દ્રષ્ટિકોણ રજૂ કરતું સારામાં સારું ગુજરાતી અખબાર હતું। કોઈ પણ અખબારની ગુણવત્તા શું લખવું અને શું ન લખવું, ક્યારે લખવું અને ક્યારે ન લખવું તેની વિવેકબુદ્ધિ પરથી નક્કી થાય છે. જનસત્તામાં આ વિવેકબુદ્ધિ હતી. કઈ બાબતને ક્યારે કેટલું મહત્વ આપવું તેની સમજણ પત્રકારમાં હોવી જોઇએ અને જનસત્તામાં કામ કરતાં પત્રકારને તેમાં કહેવું જ ન પડે.

જનસત્તાના વળતા પાણી...
જનસત્તા નેવુંના દાયકાના અંતિમ વર્ષો સુધી ગુજરાતમાં અત્યંત લોકપ્રિય અને સૌથી વધુ વંચાતું અખબાર હતું. પણ અનામત આંદોલન પછી ગુજરાતના શહેરોમાં 'ગુજરાત સમાચાર'ની પકડ વધતી ગઈ. આ પડકારને પહોંચી વળવા જરૂરી ફેરફાર એક્સપ્રેસનું મેનેજમેન્ટ કરી શક્યું નહીં. મને એવું લાગે છે કે, ગોએન્કા ગ્રૂપને કદાચ પ્રાદેશિક અખબારોમાં બહુ રસ રહ્યો નહોતો. તેણે કદાચ પ્રાદેશિક અખબારોમાંથી નીકળી જવાનો નિર્ણય લઈ લીધો હતો. આ કારણે મેનેજમેન્ટે નકલો ઘટાડી વધુમાં વધુ નફો રળવાનો નિર્ણય લીધો હતો. લોકો કહે છે કે જનસત્તાના સર્કયુલેશનમાં ઘટાડો થયો હતો તે વાત બહુ સાચી નથી. હકીકતમાં તેની નકલો ઘટાડવામાં આવી હતી.
શરૂઆતમાં નકલ ઓછી કરી એટલે ઉત્પાદન ખર્ચમાં બચત થઈ અને જાહેરાતમાંથી થતી આવકનો પ્રવાહ જળવાઈ રહેતા નફો વધ્યો। તેને તમે ઓછા વેચાણે વધુ નફો રળવાની વ્યૂહરચના કહી શકો. નકલો ધીમેધીમે ઘટાડવામાં આવી પણ નફો વધતો ગયો. પણ પછી જેમ જેમ બજારમાંથી જનસત્તાનો હિસ્સો ઓછો થતો ગયો તેમ તેમ જાહેરાતમાંથી આવકનો પ્રવાહ પણ ઘટતો ગયો. છેવટે ઇન્ડિયન એક્સપ્રેસે 1999-2000માં જનસત્તા સમભાવ ગ્રૂપને સોંપી દીધું.

જનસત્તાને બેઠું કરવાના પ્રયાસ...
સમભાવ ગ્રૂપે તેને બેઠું કરવાના પ્રયાસ કર્યા। રૂ. 45માં એક મહિનામાં લવાજમવાળી યોજના શરૂ કરી હતી. મને યાદ છે ત્યાં સુધી 2002-03માં. પણ ત્યાં તો ભાસ્કર ('દિવ્ય ભાસ્કર')ની સવારી આવી ગઈ. અબજો રૂપિયાની માર્કેટિંગ વ્યૂહરચના સાથે ભાસ્કર આવ્યું એટલે જનસત્તાને બેઠું કરવાના પ્રયાસને મરણતોલ ફટકો પડ્યો.

ભાસ્કરના આગમનનો ફાયદો...
સૌથી મોટો ફાયદો ગુજરાતને થયો છે। ભાસ્કરે માર્કેટિંગ પાછળ જે ખર્ચ કર્યો તેના કારણે લોકોમાં અખબાર પ્રત્યે જાગૃતિ વધી છે. લોકોને અખબારોમાં રસ વધ્યો છે અને વાચકોની સંખ્યા (રીડરશિપ)માં વધારો થયો છે. સાથેસાથે પત્રકારત્વમાં રોજગારી વધી છે અને પત્રકારોના પગારધોરણ સારા થયાં છે.

અખબાર નહીં વાચક નંબર વન...
દરેક ક્ષેત્રમાં અત્યારે નંબર વનનાં દાવેદારો વધી રહ્યાં છે। આજકાલ નંબર વન હોવાનો દાવો કોણ નથી કરતું? ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કર વચ્ચે સ્પર્ધા વધી છે પણ હકીકત એ છે કે આ ત્રણેય અખબારોનું સર્કયુલેશન વધી રહ્યું છે. છાપાની રીડરશિપ વધી રહી છે તેનો ફાયદો સરવાળે ત્રણેયને મળી રહ્યો છે. એટલે નંબર વન તો વાચક જ છે.

દરેક ક્ષેત્રમાં જગ્યા હોય છે, તમને તેમાં સ્થાન મેળવતાં આવડવું જોઇએ...
ભાસ્કરના આગમનને પાંચથી વધારે વર્ષ થઈ ગયા છે। તેના આગમન પછી પત્રકારો દરરોજ કોઈ ને કોઈ અંગ્રેજી કે હિન્દી અખબારમાં ગુજરાતીમાં શરૂ થઈ રહ્યું છે તેવી વાતો જોરશોરથી કરતાં હતા. તે વાતો હવામાં જ રહી ગઈ પણ તેનો મતલબ એ નથી કે હવે કોઈ નવું અખબાર ગુજરાતમાં શરૂ નહીં થાય. દરેક ક્ષેત્રમાં જગ્યા હોય છે, તમને તેમાં સ્થાન મેળવતાં આવડવું જોઇએ. ભાસ્કર આવ્યું તે પહેલાં આપણે બે મોટા અખબાર સિવાય ત્રીજા કોઈ અખબારની કલ્પના જ કરી શકતાં નહોતા. પણ ભાસ્કરે બતાવી દીધું છે કે હકીકતમાં આપણે ત્યાં લોકોને એક નવા અખબારની જરૂર હતી. તેણે કોઇનો વાચકવર્ગ તોડ્યાં વિના પોતાનો નવો વાચકવર્ગ ઊભો કર્યો છે તે સૌથી સારામાં સારી બાબત છે.

મનપસંદ એડિટર...
પત્રકારત્વ ક્ષેત્રમાં આટલી લાંબી કારકિર્દી દરમિયાન મને એડિટર તરીકે સૌથી વધુ ઇશ્વરભાઈ પંચોલી ગમે। જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપે 1971-72માં રમણલાલ શેઠ પાસેથી જનસત્તા ખરીદી લીધું ત્યારે ઇશ્વરભાઈ પંચોલી તેના એડિટર હતા. એક્સપ્રેસ ગ્રૂપે તેમને એડિટર તરીકે ચાલુ રાખ્યાં હતા. પંચોલીસાહેબની સૌથી મોટી ખાસિયત હતી લીડરશિપ ક્વોલિટી. ગજબની નેતૃત્વક્ષમતા. સ્ટાફને સાથે લઇને ચાલવાની જબરદસ્ત ક્ષમતા. સમાચાર ક્યારે, કેવી રીતે લખાય અને ક્યારે, કેમ ન લખાય તેની ગજબની સેન્સ.

દિલોદિમાગ પર છવાઈ જાય તેવા બનાવો...
અનેક બનાવો એવા છે જેમાં તમારું લોહી ઉકળી ઉઠે. પણ દિલોદિમાગ પર સવાર થઈ લાંબો સમય સુધી સવાર થઈ જાય તેવી ઘટનાઓમાં બે-પાંચ છે. જેમ કે, 1985માં ગુજરાતમાં અનામત આંદોલન થયું હતું. તે સમયે અમારા એડિટર જયંતિ શુક્લ હતા અને અમારું હેડક્વાર્ટર મુંબઈ હતું. આંદોલનમાંથી તોફાન ફાટી નીકળ્યું અને તોફાનના પહેલાં જ બનાવમાં ડબગરવાડમાં પાંચ લોકોને જીવતાં સળગાવી દીધા. જનસત્તાએ આ સમાચાર નામ સાથે છાપ્યાં. તેનો આશય તોફાનો વધુ ભડકાવવાનો બિલકુલ નહોતો. પણ માધવસિંહ સોલંકી સરકારે જનસત્તાની નકલો જપ્ત કરી. આ બાબતની જાણ રામનાથ ગોએન્કાને થઈ. તેમણે તો કટોકટી વખતે ઇન્દિરા ગાંધી સામે પણ મોરચો માંડ્યો હતો. રામનાથજીએ બીજા દિવસે જનસત્તામાં તંત્રીલેખ લખ્યો અને તેમાં મૃતકોના નામ ફરીથી પ્રકાશિત કર્યા. સાથેસાથે પત્રકારત્વ પર થયેલા હુમલા વિશે લખ્યું.
તે પછી સોમનાથથી બાબરી મસ્જિદના પતન અને ત્યાંથી મુંબઇના શેરબજારમાં થયેલા બોમ્બવિસ્ફોટો સુધી જનસત્તાએ સંપૂર્ણ કવરેજ આપ્યું હતું। તેણે તમામ પ્રકારની માહિતી આપી હતી પણ તેમાં સમાજનું પોત નબળું પડ્યું નહોતું. સમાજનું હિત સચવાય તે રીતે સાચી વાત કહેવી એ અખબારની સૌથી મોટી કળા છે. ત્યારબાદ સુરતમાં પ્લેગ અને ગોધરાકાંડ અને તે પછી ફાટી નીકળેલા તોફાનો જેવી ઘટનાઓ લાંબો સમય સુધી મનમસ્તિષ્ક પર છવાયેલી રહી.

પત્રકારત્વની લડાઈ...
પત્રકાત્વની લડાઈ સૈદ્ધાંતિક હોવી જોઇએ, વ્યક્તિગત નહીં. આપણે ત્યાં તો મોટેભાગે તંત્રીને જે તે વ્યક્તિ સાથે કેવા સંબંધ છે તેના આધારે તે વ્યક્તિ વિશે કેવું લખાશે તે નક્કી થાય છે. જનસત્તામાં અમને સૈદ્ધાંતિક લડાઈ લડવાની તાલીમ મળી હતી, વ્યક્તિગત દ્વૈષને કોઈ સ્થાન જ નહોતું. ગોધરાકાંડ અને તે પછી ફાટી નીકળેલા તોફાનમાં જનસત્તાનો વિરોધ ગુજરાત સરકારની નીતિ સામે હતો નહીં કે નરેન્દ્ર મોદી સામે. તે જ રીતે અનામત આંદોલન દરમિયાન પણ જનસત્તા સરકારની નીતિ સામે લડતું હતું, નહીં કે માધવસિંહ સોલંકી સામે. વ્યક્તિગત લડાઈથી પત્રકારત્વને ક્યારેય કોઈ ફાયદો થતો નથી. અખબાર અંગત હિસાબ સરભર કરવાનું માધ્યમ ન બનવું જોઇએ.



''જનસત્તાને નરેન્દ્ર મોદી સામે વાંધો નહોતો, મોદી સરકારની નીતિ સામે હતો''