Wednesday, August 12, 2009

આપણે ધાર્મિક છીએ?

ભારતના લોકો ધાર્મિક છે આવું વિધાન તમને ઠેરઠેર સાંભળવા મળશે. પણ ખરેખર આ વાત સાચી છે? મોટા ભાગના લોકો આંખો મીંચીને કહેશે જગતમાં સૌથી વધુ ધાર્મિક દેશ હિંદુસ્તાન છે. એમ? મને તો આ વાતમાં બહુ તથ્ય હોય તેવું લાગતું નથી. મારું માનવું છું કે ધર્મ એટલે બીજું કાંઈ નહીં, પણ પ્રામાણિકતા અને સદાચારયુક્ત કરુણામય જીવન. પડતાને પાટું મારે તે અધર્મ અને હાથ ઝાલીને બેઠો કરે તેનું નામ ધર્મ. આ હિસાબે ખરેખર આપણે ધાર્મિક છીએ? ક્યાંક આપણે ધાર્મિક હોવાનો ડોળ કરવાને તો ધર્મ નથી સમજી બેઠાને? દરરોજ શિવાલય જઇને શિવલિંગને દૂધ-પાણીનો અભિષેક કરવો અને બિલિપત્ર ચડાવવા એનું નામ જ ધર્મ? ઇસ્કોનના મંદિરમાં જઇને ટોળામાં હરે રામા હરે કૃષ્ણાની ધૂન પર બે હાથ ઊંચા કરીને મસ્તરામ થઈને એકબીજા પર પડતું મૂકવું એટલે ધર્મ? સત્યનારાયણ ભગવાનની કથા કરીને સોજીના લોટનો શીરાનો પ્રસાદ વહેંચવો એ જ ધર્મધુરંધર?

ધર્મ એટલે પ્રામાણિકતા અને નૈતિકતા. ધર્મ સમાજને ઉપયોગી થવાનું શીખવે છે અને સહકારની ભાવના ખીલવે છે. પણ સ્વાઇન ફ્લુએ એક વખત ફરી દેખાડી દીધું છે કે, આપણો દેશ ધાર્મિક કર્મકાંડો કરવામાં નંબર વન છે, પણ ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવામાં કે જીવદયા પ્રત્યે કરુણા દાખવવામાં આપણને છેલ્લું સ્થાન મળે તો પણ કોઈ શેહશરમ નથી. સ્વાઇન ફુલ માટે જવાબદાર એચ1એન1 વાઇરસ નો ચેપ ન ફેલાય એટલે ડૉક્ટરોએ નાગરિકોને એન-95 માસ્ક પહેરવાની સલાહ આપી. આ માસ્ક હજારો-લાખોની સંખ્યામાં ઉપલબ્ધ ન હોય તે સ્વાભાવિક છે. આ સમયે કેમિસ્ટોની ફરજ એ હતી કે તેમની પાસે જેટલા એન-95 માસ્ક ઉપલબ્ધ હોય તો તેમનો સ્વાભાવિક નફો લઇને વેંચવો. પણ થયું શું?

વૈદિક, જૈન, બૌદ્ધ, ઇસ્લામ વગેરે તમામ ધર્મો અને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બાવાઓના સંપ્રદાય હારી ગયા અને લોભ જીતી ગયો. મુંબઈ, અમદાવાદ, પૂણે, નાશિક, બેંગ્લોર જેવા દેશના વિવિધ શહેરોમાં પોતપોતાના ભગવાનને દીવાબત્તી કરીને કેમિસ્ટોએ માસ્કના કાળા બજાર કર્યા. સામાન્ય રીતે એન-95 માસ્ક 300 રૂપિયામાં મળે છે, પણ પ્રજામાં ફફડાટ અને ગભરાટ જોઇને કેમિસ્ટોએ 500 રૂપિયા કરતાં વધારે કિંમતે આ માસ્કનું વેચાણ કર્યું. આટલું પૂરતું નથી. જે કેમિસ્ટ પાસે એન-95 માસ્ક નહોતા તેમણે સામાન્ય માસ્કના પણ કાળા બજાર કર્યા. પ્રજાને એન-95 માસ્ક ન મળ્યાં તો સામાન્ય માસ્ક પર તૂટી પડી. આ માસ્કની કિંમત સામાન્ય સંજોગોમાં પાંચથી દસ રૂપિયા હોય છે, પણ કેમિસ્ટોએ તેને પણ 30થી 50 રૂપિયામાં વેંચ્યા. જેવો ગ્રાહક તેવો ભાવ...આપણા ધાર્મિક દેશના આ કેમિસ્ટોએ એકથી વધુ વખત વપરાયેલા માસ્કને ભેગા કરીને તેને ધોઇને તેના પણ કાળા બજાર કર્યા. એક વખત વપરાયેલા માસ્કનો બીજી વખત ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ ખિસ્સા માટે તો લાભદાયક છે ને...

હકીકતમાં કેમિસ્ટોની ફરજ શું હતી? ગુજરાતના આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે કેમિસ્ટોને માનવતા દાખવવાની અને પ્રજાને ગેરમાર્ગે ન દોરી જરૂર હોય તેને જ સામાન્ય કિંમતે માસ્ક વેંચવાની અપીલ કરી. માનવતાના નામે કરેલી અપીલને આપણા ધાર્મિક દેશની જનતા ઘોળીને પી ગઈ. ધર્મ કહે છે કે તક મળે ત્યારે જનતાની સેવા કરી લો અને સ્વાર્થી અને ભ્રષ્ટ વેપારનો સિદ્ધાંત તક મળે ત્યારે વધુમાં વધુ ફાયદો ઉઠાવી લેવાનો છે. આપણે ધાર્મિક છીએ કે સ્વાર્થમાં અંધ ધાર્મિકતાનો ડોળ કરતાં લોભી માનસિકતા ધરાવતા અમીચંદો ?

બીજું એક ઉદાહરણ આપું. આખા દેશમાં અત્યારે મોંઘવારીની હાયતોબા મચી ગઈ છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે અને ગરીબોને ખીચડી ખાવી પણ પોષાય તેમ નથી. આ મામલે સરકાર બેવડી રમત રમી રહી છે. એક તરફ તેણે દુષ્કાળના નામે ઓછું ઉત્પાદન થશે તેવું કહી હાથ ઊંચા કરી દીધા છે તો બીજી તરફ કૃષિ પ્રધાન શરદ પવારને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પણ સટ્ટો કરવાની છૂટ આપીને જનતાની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ સંજોગોમાં દેશની જનતાએ એકબીજાને ટેકો આપવાની જરૂર છે. પણ નાના-મોટા વેપારીઓ પણ વહેતી ગંગામાં હાથ ધોવામાં કંઈ પાપ સમજતા નથી. ખાંડનું જ ઉદાહરણ લઇએ.

જે વેપારીઓ 24થી 25 રૂપિયાની પડતર કિંમતે ખાંડ લાવ્યાં હતા તેઓ ગઇકાલ સુધી 30 રૂપિયે કિલો ખાંડ વેચતા હતા. આજે તેમણે ખાંડના ભાવ 34 રૂપિયા કરી નાંખ્યા છે. આ વિશે મારે એક વેપારી સાથે વાતચીત થઈ તો તેણે કહ્યું કે ખાંડના ભાવ વધવાના જ છે. એટલે જેટલો થાય તેટલો નફો ઘરે કરી લેવામાં જ માલ છે. આવા અનેક વેપારીઓ છે જેમણે ખાંડ અને તેના જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી રાખ્યો છે અને ભગવાનનું નામ લઇને તેને કૂદકે-ભૂસકે વધતા ભાવે વેચી રહ્યાં છે. આપણે પોતે જ કાળા બજાર કરતાં હોય ત્યારે સરકારને દોષ દેવો કેટલો યોગ્ય છે? આપણે પોતે નૈતિકતા જાળવતા નથી અને સરકાર ભ્રષ્ટ હોવાનું કહીને સત્યનારાયણ બનીને ફરવાનો ડોળ કરીએ તે કેટલું યોગ્ય છે?

ધર્મ અન્યાય સામે લડતાં શીખવાડે છે. રામાયણમાં રામ અન્યાયી રાવણનો નાશ કરવા શસ્ત્ર ઉઠાવે છે અને ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ આતતાયી કૌરવોને હણીને પૃથ્વીનો ભાર હળવો કરવા અર્જુનને ગાંડીવ ધારણ કરવાની પ્રેરણા આપે છે. પણ આપણે ગીતાનો પાઠ કરવામાં અને રામાનંદ સાગરના દિકરાની રામાયણ જોવાને જ ધર્મ માનીએ છીએ. ખરેખર આપણે ધર્મને સમજવા માગતા જ નથી. આપણે પોતાને ધર્મગુરુ જ ગણીએ છીએ. આ સ્થિતિમાં સ્વાભાવિક રીતે આપણા ધર્મગુરુઓ આપણા કરતાં વધારે ચડિયાતા અને વિશિષ્ટ જ હોવાના.

મોંઘાવારીએ માઝા મૂકી છે તેમ છતાં એક પણ બાવાએ સરકારને કહ્યું નથી કે, બાપ, આ શું થવા બેઠું છે? ગરીબ માણસ ચા ને રોટલો પણ ખાઈ શકે તેમ નથી ત્યારે તમે હાથ શાને ઊંચા કરો? એકપણ બાવાઓએ નઘરોળ વેપારીઓને કાળા બજારથી દૂર રહેવાની સલાહ આપી નથી. તેમને કદાચ ડર છે કે જો વેપારીઓને સાચું કહેશે તો તેમના મહેલો જેવા આલીશાન મઠ અને મંદિરો કોણ બનાવી આપશે? સ્વાઇન ફ્લુનો સામનો કેવી રીતે કરવો કે સમલૈંગિકતા યોગ્ય છે કે અયોગ્ય કે અંબાણી બંધુઓએ ઝઘડો ન કરવાની વણમાગી સલાહ આપવાનો સમય આ બાવાઓ પાસે છે, પણ પ્રજાનું લોહી ચૂસતી આ સરકારને શોષણખોર વૃત્તિ અટકાવવાની સલાહ આપવાની હિમ્મત એક પણ ધર્મગુરુઓ પાસે નથી.

હકીકતમાં નથી આપણે ધાર્મિક, નથી આપણા ધર્મગુરુઓ ધાર્મિક. આપણે બધા સ્વાર્થી, શોષણખોર, તકવાદી અને ભ્રષ્ટ છીએ. ધર્મને નામ ધતિંગ કરતાં અમીચંદો છીએ...

Tuesday, August 11, 2009

અફઘાન સ્ત્રીઓની વેદનાનો નગ્ન ચિતારઃ मुझे उस बिस्तर में घुसना हैं, जिससे मुझे नफऱत है

જોડકણા એ કવિતા નથી અને કવિતા એ જોડકણા નથી. મોટા ભાગના જોડકણા કવિતાનું વિકૃત સ્વરૂપ છે અને તેને મારી મચડીને કવિતાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. પણ આપણને કવિતા અને જોડકણામાં બહુ સમજણ પડતી નથી અને (અદ્)ભૂત કવિતાપ્રેમીઓ જોડકણા બનાવીને યુગકવિઓ બનવા થનગની રહ્યાં છે. કવિતા શું છે? સમાજ અને તેમાં જીવતા નાગરિકોની વેદના-સંવેદનાનો નગ્ન ચિતાર. વેદના-સંવેદના ચરમ સીમાએ પહોંચે ત્યારે કવિતાનો ઘાટ બંધાય છે.

કવિતા સાહિત્યનો એક પ્રકાર છે અને સાહિત્ય? સાહિત્ય જે તે યુગમાં જીવતા સમાજનો આયનો. થોડા દિવસ પહેલાં નોર્વેની યુવાન મહિલા પત્રકાર ઓસ્ને સેયેરસ્તાડનું બેસ્ટસેલર પુસ્તક 'The Bookseller of Kabul'નો હિંદી અનુવાદ 'કાબુલ કા કિતાબવાલા' ખરીદ્યું. આ પુસ્તક આજના અફઘાનિસ્તાનના સમાજની કડવી વાસ્તવિકતા રજૂ કરે છે. કોઈ પણ સમાજ કેટલો પ્રગતિશીલ છે તેની જાણકારી તે સમાજની સ્ત્રીઓની સ્થિતિ પરથી મળી જાય છે. આ પુસ્તકના કેટલાંક પ્રકરણમાં અફઘાન સ્ત્રીઓની ઇચ્છા-આકાંક્ષા, આશા-નિરાશા, પ્રેમ-નફરતનો કાવ્યાત્મક ચિતાર રજૂ કરવામાં આવ્યો છે.

અફઘાન સમાજમાં આજે પણ પ્રેમને સૌથી મોટો અપરાધ ગણવામાં આવે છે અને તેની સજા સ્ત્રીઓને જ ભોગવવી પડે છે. કટ્ટર મુલ્લા અને મૌલવીઓ માટે સૌથી બેકાર અને નાપાક ચીજ છે પ્રેમ. પુરુષોના હ્રદયમાં પ્રેમરૂપી પુષ્પ અંકુરિત થાય તો તે માટે તેઓ કોને ગુનેહગાર ગણે છે? સ્ત્રી અને તેની સુંદરતાને. અહીં પ્રેમની સજા 'સજા-એ-મૌત' છે. યુવાન છોકરીઓનો વિક્રય થાય છે, વિનિયમ થાય છે. માલસામાનની જેમ અબ્બા-અમ્મી તેમની દિકરીઓની હરાજી કરે છે. વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરતાં પહેલાં એક વખત ફરી જવાનીનો જોશ અનુભવવા માગતા. અડધા દાંત પડી ગયેલા હવસખોર વૃદ્ધો ઊંચી મેહર (છોકરાવાળા છોકરીવાળાના પરિવારને ભેટસૌગાદગદ આપે છે તેને મેહર કહેવાય છે. યુવતીની સુંદરતાના આધારે તેના પરિવારને મેહર મળે છે) આપી સુંદરતાનો સોદો કરે છે. તેમાંથી જન્મે છે પીડા, ચીસ, ચિત્કાર!

અફઘાન શાયર સૈયદ બહાઉદ્દીન મજરુહે તેમની ભાભીની મદદથી અફઘાન સ્ત્રીઓની કવિતાઓ ભેગી કરી હતી. તેના બદલામાં તેમને શું મળ્યું? કટ્ટરપંથીઓએ 1988માં પેશાવરમાં તેમની હત્યા કરી નાંખી. આ કવિતાઓમાં અફઘાનની મોટા ભાગની સ્ત્રીઓનો પ્રેમી અને શૌહર (પતિ) અલગ જ હોય છે. આ સ્ત્રીઓ પોતાના શૌહર પ્રત્યને ગુસ્સો કાઢતા કહે છેઃ

बर्बर लोगों,
तुम बुढे आदमी को देख रहे हो
वो मेरे बिस्तर की तरफ बढ रहा है
और तुम,
तुम मुझसे पूछ रहे हो कि
मैं रोते हुए अपने बाल क्यों नोंच रही हूं
ओह, मेरे खुदा,
फिर से तुने मुझे
काली रात में धकेल दिया

और फिर मैं
सर से पैर तक
कांप रही हूं
मुझे उस बिस्तर में घुसना हैं,
जिससे मुझे नफऱत है
-------------------
मैं गुलाब जैसी खूबसुरत थी,
तुम्हारे नीचे दबकर मैं संतरे जैसी पीली पड गई हूं.
मुझे कभी गम का अहसास भी नहीं था,
इसलिए मैं सीधी बडी हुई, फर के पेड की तरह.

અફઘાનમાં આ કવિતાઓને 'લાંડે' કહેવાય છે, જેને અર્થ થાય છે 'લઘુ'. તેની થોડી પંક્તિઓ નાની અને લયબદ્ધ હોય છે જેને કવિ મજરુહ 'કોઈ ચીસ' કે 'ખંજરના ઘા' જેવી કહે છે. કવિતાઓમાં સ્ત્રીઓ વિદ્રોહ કરે છે. તે પોતાના પ્રેમ માટે જીવ જોખમમાં મૂકે છે અને તે પણ એવા સમાજમાં જ્યાં પ્રેમની સજા રુંવાડા ઊભા કરી દે તેવી હોય છે.

मुझे अपना हाथ दो
ए मेरे महबूब,
और हम
घास के मैदान में छुप जाएंगे.

प्यार करेंगे
या फिर
खंजर के वार से
घायल हो जाएंगे.

मैं नदी में कूदी,
लेकिन बहाव मुझे
बहा कर दूर नहीं
ले जा रहा.

मेरे शौहर की तकदीर अच्छी हैं,
मैं हंमेशा वापिस किनारे पर पटक दी जाती हूं.

कल सुबह तुम्हारे कारण
मेरी हत्या कर दी जाएगी.
फिर ये मत कहना,
तुमने मुझसे प्यार नहीं किया था.

આ કવિતાઓમાં ભરપૂર મીઠાશ છે. વ્યવહારિકતાના ત્રાજવામાં તોલ્યા વિના અફઘાન સ્ત્રીઓએ પોતાની લાગણી કવિતામાં રજૂ કરી છે. તે પુરુષોની પુરુષોની મર્દાનગીને પડકાર ફેંકતી હોય તેવું પણ લાગે છે.

बंद कर दे मेरा मुंह अपने मुंह से,
लेकिन मेरी जीभ को खुला रहने दो, ताकि यह प्यार की बात कर सके.

पहले मुझे अपनी बाहों में भर लो!
फिर अपने-आपको, मेरी मखमली जांघो में पैबस्त कर लेना.

मेरा मुंह तुम्हारा हैं, इसे खा जाओ, डरो मत!
यह कोई चीनी का नहीं बना, जो धुल जाएगा.

मेरा मुंह, इसे चूम लो,
लेकिन सुलगाओ न मुझे - मैं तो पहेली ही भीग चुकी हूं.

मैं तुम्हें जला करी खाक कर दूंगी.
बस एक पल के लिए मैं अपनी नजर तुम पर गडा दूं.

ચલતે-ચલતેઃ કવિતા આત્માને નગ્ન કરવાની પ્રક્રિયા છે. તેમાં લજ્જાને કોઈ સ્થાન નથી-ચંદ્રકાંત બક્ષી

Thursday, August 6, 2009

ગુજરાતી સાહિત્ય, ચોરીચપાટી અને બિચારા દક્ષાબહેન....


વિદ્યાર્થી એક જ પુસ્તકમાંથી ઉપાડે તો તેને ચોરી કહેવાય અને દસ, વીસ કે પચીસ પુસ્તકોમાંથી ઉપાડતા પ્રોફેસર પ્યારેલાલને સંશોધક કહેવાય! વિદ્યાર્થી ચોરી કરતાં પકડાય તો તેને ઘરે બેસવું પડે અને પ્રોફેસર પ્યારેલાલ દસ, વીસ કે પચીસ જગ્યાએથી તફડંચી કરે તો તેનો સન્માન સમારંભ યોજાય અને ઘંટપ્રસાદો ભેગા થઇને ગુરુઘંટાલને વિદ્વાન ઠેરવે! તેના કરતાં પણ વધારે રસપ્રદ ચોરીઓની વાત સાહિત્યિક ચોરચપાટીની છે. થોડા દિવસ પહેલાં સુરતના જાણીતા અખબાર 'ગુજરાતમિત્ર'એ જાહેરાત કરી કે, અખબારે યોજેલી નવલિકા સ્પર્ધામાં બિલીમોરાનાં દક્ષાબહેન પટેલને એનાયત થયેલું રૂ. 5,0000નું બીજું ઇનામ પાછું ખેંચી લેવામાં આવે છે. કેમ?

બન્યું એવું કે, ગુજરાતમિત્રએ દક્ષાબહેનને 'ગુડનાઇટ' નામની નવલિકા માટે નવલિકાસ્પર્ધાનું બીજું ઇનામ આપ્યું હતું. પણ પાછળથી ખબર પડી કે દક્ષાબહેને તો ધીરુબહેન પટેલની નવલકથા 'શીમળાનાં ફૂલ'ના પંદરમા પ્રકરણની બેઠી ઉઠાંતરી કરવાની કમાલ કરી હતી. રાકેશ રોશન બાળકોને ગમે તેવી ક્રિશ જેવી ફિલ્મો બનાવવા વિદેશી વાર્તાની ઉઠાંતરી કરી પાત્રોના નામ બદલે તેમ દક્ષાબહેને પણ કારીગીરી કરીને પાત્રોના નામ બદલી નાંખ્યા. પણ વાચકો _દૂ નથી. ધીરુબહેન પટેલના સાહિત્યના જાગૃત અભ્યાસુ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એઇડ્સ વિભાગમાં કાર્યરત સ્નેહલતા ભાટિયા નામના બહેનને દક્ષાબહેનની નવલિકા વાંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. તેમણે દક્ષાબહેનની તફડંચી ઝડપી લીધી. બિચારા દક્ષાબહેન...છીંડે ચડે તે ચોર...

હકીકતમાં ગુજરાતી સાહિત્યમાં તફડંચી, ઉઠાંતરી અને ચોરચપાટી કરવાનો અધિકાર કહેવાતા તત્વચિંતકો, સિદ્ધહસ્ત લેખકો અને યુગકવિઓને જ છે. નાના માણસોને ખુલ્લા કરવા સૌ મેદાને પડે છે, પણ સાહિત્યના મોટા ભા થઇને ફરતાં બેસ્ટ સેલર તત્વચિંતકો કે યુગકવિઓ કે અખબારમાં ન સમજાય તેવું લખતાં હાંસીપાત્ર હાસ્યલેખકોના ચરણોમાં અચ્છા-અચ્છા સાહિત્યરસિકો ગૌરવપૂર્વક આળોટે છે અને કોઈ અખબારમાં કોલમ ચાલુ કરવાની રહેમ મેળવી લે છે. દક્ષાબહેનને ચોરીચપાટી કરતાં ઉગતાં જ ડામી દેવાયા છે, પણ ચોરચપાટી કરીને જ 'વીર ઉઠાંતરિયા' થઈ ગયેલા વિચારકો અને કવિઓનો બોજ તો આપણે વેઠવાનો જ છે. વીર ઉઠાંતરીના આવા એક-બે કિસ્સા જણાવું.

કવિ અનિલ જોષી ગુજરાતી સાહિત્યના પવિત્ર ભવાઈમંચ પર નવા નવા પ્રવેશ કરી રહ્યાં હતા અને કવિ દલાલ સુરેશ જૂનાં થઈ રહ્યાં હતા. તે દિવસોમાં કલકત્તામાં એક ખાનગી સમારંભ યોજાયો હતો. તેમાં અનિલ જોષીએ તેમની અપ્રકટ કવિતા 'બરફની આંગળીએ સૂરજ ચીતરવો' સંભળાવી. આ રચના દલાલસાહેબને એટલી બધી ગમી ગઈ કે તેમણે તેમાંથી પોણો હિસ્સો પોતાના નામે પોતાની કોલમમાં ચડાવી દીધો. આ વાત છાપે ચડી. વાત કલકત્તાવાસીઓના દરબારમાં પહોંચી અને ચુકાદો આવ્યો કે તે કાવ્યરૂપી સંતાનની માતા અનિલ જોષી છે. પછી શું થયું? જનસંપર્ક અભિયાન જીતી ગયું અને સમાધાન થઈ ગયું....

આપણા મહાન કવિ નર્મદ અને દલપતરામનો જ આવો એક કિસ્સો નર્મદની આત્મકથા 'મારી હકીકત'માંથી જાણવા મળે છે. બન્યું એવું હતું કે કવિ દલપતરામે એક છપ્પો લખ્યો 'ગંગા ગિરિજા દ્વૈષ કલેશ નિત તેનો થાએ.' આ છપો નર્મદના પિતાજી લાલશંકરને ગમી ગયો. તેમણે નર્મદને વાત કરી. કવિ તો બહુ અભ્યાસુ. તેમણે તરત જ તેમના પિતાજીને કહ્યું, તે મૂળ વિચાર દલાજીનો નહીં હોય. નર્મદે તે જ અર્થનો એક સંસ્કૃત શ્લોક સાંભળ્યો હતો. પછી નર્મદ અને દલપતરામ વચ્ચે જે વાત થઈ તે અક્ષરસઃ રજૂ કરું છું.

નર્મદઃ એ વિચાર તમારા પોતાના છે કે સંસ્કૃત શ્લોક પરથી લીધેલા છે? એક સંસ્કૃત શ્લોકમાં પણ તમારા જેવો જ વિચાર આપેલો છે.
દલપતરામઃ (થોડી વાર તો ચૂપ રહે છે) હા, મેં તે (વિચાર) શ્લોક ઉપરથી કર્યો છે (આ પ્રકારની ઉઠાંતરીના વિશેષ પ્રસંગો જાણવા હોય તો ચંદ્રકાન્ત બક્ષીના લેખસંગ્રહ 'શબ્દ અને સાહિત્ય'માં 'ગુજરાતી સાહિત્યમાં સાઇકલ અને એરોપ્લેનની ટક્કર' પ્રકરણ વાંચો)

તો દક્ષાબહેન ડોન્ટ વરી....સારા સારા યુગકવિઓને તેમની તફડંચી પર પહેલાં ગૌરવ હતું અને પછી....નફ્ફટ બેશરમી....ગુજરાતી સાહિત્યમાં સર્જન કરતાં પણ જનસંપર્ક અને નાગો જૂથવાદ મહત્વપૂર્ણ છે. તમારે ચોરી કરતાં પહેલાં ચોરમંડળીઓ સાથે જનસંપર્ક કેળવી લેવાની જરૂર હતી. આ મંડળીઓના આગેવાનના ચાર હાથ તમારા પર આવી જાય પછી તમે તમારી ઉઠાંતરી કરવાની લાયકાતનો ભરપૂર ફાયદો ઉઠાવી શક્યા હોત. અત્યારે તમારી પાસે ચમચામંડળી જમાવવાની અને બધાને ટુકડો-ટુકડો નાંખવાની ત્રેવડ હોય તો તમારા દરવાજે એક નહીં સો શ્વાન રખેવાળી કરશે...એકબીજાની વફાદારીની પ્રશંસા કરતાં ટપકાં પાડશે..

ચલતે-ચલતેઃ માહિતી પર કોઇના બાપનો અધિકાર નથી, પણ વિચારો પર માત્ર વિચારકોનો જ અધિકાર છે

Wednesday, August 5, 2009

બેસ્ટ સેલર ગુજરાતી પુસ્તકો....

ગુજરાતીઓ અત્યારે શું વાંચે છે? અત્યારે બેસ્ટ સેલર લેખક કોણ? તેનો જવાબ આપવો લેખકો કે પત્રકારો માટે મુશ્કેલ છે. તેનો સાચો ઉત્તર માત્ર પ્રકાશકો જ આપી શકે. ગુજરાતમાં અડધી સદી કરતાં પણ વધારે અનુભવ ધરાવતા ચાર પ્રકાશકો છે. તેમાંથી ત્રણ અમદાવાદમાં અને એક રાજકોટમાં કેન્દ્રીત છે. નવભારત, ગુર્જર અને આર આર શેઠની કંપની અમદાવાદ અને મુંબઈમાં પોતાના શો-રૂમ ધરાવે છે અને પ્રવીણ પ્રકાશન રાજકોટમાં બસ-સ્ટેન્ડની સામે જ બે માળનું વેચાણકેન્દ્ર ધરાવે છે. મેં આ ચાર મુખ્ય પ્રકાશનગૃહોને બે પ્રશ્નો પૂછ્યાઃ (1) 2008માં તમારે ત્યાં સૌથી વધુ વેચાયેલા પાંચ પુસ્તકો ક્યાં હતાં? (2) 2008માં સર્જનાત્મક દ્રષ્ટિએ પાંચ શ્રેષ્ઠ પુસ્તકો ક્યાં હતાં?

પ્રથમ 2008માં સૌથી વધારે વેચાયેલાં પુસ્તકો, લેખકો અને પ્રકાશનનોનાં નામ સાથે નીચે આપ્યાં છે.

નવભારત સાહિત્ય મંદિરઃ (1) સફળતાનો મંત્ર..કિશોર મકવાણા (2) ધ બિલીયન ડોલર બુક...સંકલનઃ યોગેશ ચાલેરા(3) બિલિપત્ર....સુરેશ ભટ્ટ (4) વહાલી આસ્થા......કાજલ ઓઝા વૈદ્ય (5) ચતુરનો ચોતરો....ભરત ગરીવાલ

ગુર્જર પ્રકાશનઃ (1) દિકરી મારી દોસ્ત....નીલમબહેન દોશી (2) કથા કોર્નર...વિકાસ ઘનશ્યામ (3) હેલ્થ હાઇવે....ડૉ. મુકુંદ મહેતા (4) આંસૂ ભીના અક્ષર....ડૉ. શરદ ઠાકર (5) ઇંતઝાર હુસૈનની વાર્તાઓ....અનુવાદઃશરીફા વીજળીવાળા

આર આર શેઠની કંપનીઃ (1) સફળતાના સાત આધ્યાત્મિક નિયમો...દીપક ચોપરા (2) સંપૂર્ણ ચાણક્ય નીતિ (3) વિચારો અને ધનવાન બનો....નેપોલિયન હિલ (4) થ્રી મિસ્ટેક ઓફ માય લાઇફ...ચેતન ભગત (5) આલ્કેમિસ્ટ...પોલો કોએલો

પ્રવીણ પ્રકાશનઃ (1) જ્યોતિર્પુંજ....નરેન્દ્ર મોદી (2) પ્રેમતીર્થ...નરેન્દ્ર મોદી (3) ચક્રથી ચરખા સુધી...દિનકર જોશી (4) માનદ્ ગાથા....પુરુષોત્તમ રૂપાલા....મોદી અને રૂપાલા રાજકારણી હોવાની સાથેસાથે સારા લેખકો પણ છે, છતાં કહેવાતા મોટા સાહિત્યકારો, લેખકો અને તેમના થર્ડ ક્લાસ ચેલાઓના સ્ત્રૈણ રાજકારણથી દૂર...

(પ્રવીણ પ્રકાશન વતી પાંચમું બેસ્ટ સેલર પુસ્તક પ્રભાતના પુષ્પો છે તેમ જણાવવામાં આવ્યું હતું.)

આ ચાર પ્રકાશન સંસ્થાઓની દ્રષ્ટિએ એમનાં શ્રેષ્ઠ પાંચ પ્રકાશનો આ પ્રમાણે છેઃ

નવભારત સાહિત્ય મંદિરઃ (1) એક સાંજના સરનામે....કાજલ ઓઝા વૈદ્ય (2) દરિયો એક તરસનો....કાજલ ઓઝા વૈદ્ય (3) તારા વિનાના શહેરમાં....કાજલ ઓઝા વૈદ્ય (4) લીલું સગપણ લોહીનું....કાજલ ઓઝા વૈદ્ય (5) પાણીમાં પડછાયાં...વર્ષા પાઠક

આર આર શેઠની કંપનીઃ (1) મને ખબર નથી, નીરુ...વીનેશ અંતાણી (2) જીવતી જણસ...અશોકપુરી ગોસ્વામી (3) ભીની હવા ભીના શ્વાસ.....ચંદ્રકાંત શેઠ (4) વૃક્ષમંદિરની છાયામાં...ગુણવંત શાહ (5) આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? રઇશ મણિયાર

ગુર્જર પ્રકાશનના અમરભાઈનું કહેવું છે કે, સાહિત્યની દ્રષ્ટિએ અને સમાજને ઉપયોગી પુરવાર થાય તેવા પુસ્તકોનું પ્રકાશન જ ગુર્જર કરે છે. એટલે તેમના સૌથી વધુ વેચાયેલા પુસ્તકોના પ્રકાશનથી સંતુષ્ટ છે. મજાની વાત એ છે કે, આજની પેઢીને આજના સારામાં સારામાં 'બેસ્ટ સેલર' ગણાતાં પ્લમ્બરો, ફિટરો અને તત્વચિંતકો કરતાં મુનશી, દુલા કાગ અને મેઘાણીમાં વધુ રસ છે. ગુર્જર પ્રકાશને તેમના પાંચ સર્વકાલીન શ્રેષ્ઠ પાંચ પુસ્તકોના નામ આપ્યા જે આ પ્રમાણે છેઃ (1) પાટણની પ્રભુતા...કનૈયાલાલ મુનશી (2) કાગવાણી...દુલા કાગ (3) સૌરાષ્ટ્રની રસધાર....ઝવેરચંદ મેઘાણી (4) દરિયાલાલ...ગુણવંતરાય આચાર્ય (5) મારા અનુભવો...સ્વામી સચ્ચિદાનંદ..આ પુસ્તકોની માંગ આજે પણ યથાવત્ છે.

પ્રવીણ પ્રકાશન અને ગુર્જર પ્રકાશનનો અભિગમ સમાન હોય તેવું જણાય છે. તેના મેનેજિંગ ડિરેક્ટર ગોપાલભાઈ પટેલ કહે છે કે, તેઓ સાહિત્યની દ્રષ્ટિએ સારા લાગે તેવા પુસ્તકોનું જ પ્રકાશન કરે છે. એટલે તેઓ ઓછા, પણ ઉત્તમ પુસ્તકોનું જ પ્રકાશન કરે છે. તેમની પાસે હરકિશન મહેતા, દિનકર જોશી અને ભાણદેવ જેવા લગડી લેખકો છે. તેમના પુસ્તકોની માંગ આજના નવા લેખકોના પુસ્તકો કરતાં વધારે છે. તેમના કહેવા મુજબ, સાહિત્યિક દ્રષ્ટિએ પ્રવીણ પ્રકાશનના શ્રેષ્ઠ પાંચ પુસ્તકોઃ (1) પ્રતિનાયક....દિનકર જોશી (2) મારો વહાલો હિંદુ ધર્મ....ભાણદેવ (3) પ્રભાતના પુષ્પો....વજુ કોટક (4) ચક્રથી ચરખા સુધી...દિનકર જોશી (5) પ્રકાશનો પડછાયો...દિનકર જોશી

ભગવદ્વોમંડલ ગુજરાતી મહાન જ્ઞાનકોશ છે. તેનો ઓનલાઇન કરવાનું શ્રેય પણ પ્રવીણ પ્રકાશનને જાય છે.

ગુજરાતી ભાષામાં સૌથી વધારે વેચાતા પુસ્તકો સૌથી શ્રેષ્ઠ હોવાં જરૂરી નથી. આ પ્રકાશકોનાં પુસ્તકો સિવાય પણ પુસ્તકો પ્રકટ થયાં છે જેનું પુષ્કળ વેચાણ થયું છે અને તે ઉત્તમ છે. આ માત્ર યાદી છે, જે ગુજરાતી પ્રજાના વાંચનની તાસીર રજૂ કરે છે. ગુજરાતી સામાયિકો 'નવનીત સમર્પણ', 'અખંડ આનંદ', 'પરબ', 'શબ્દસૃષ્ટિ', 'કુમાર' વગેરેએ દર વર્ષે બેસ્ટ સેલર ગુજરાતી પુસ્તકોની યાદી બહાર પાડવી જોઇએ. પુસ્તક સાહિત્યિક દ્રષ્ટિએ સારું છે કે ખરાબ તે કામ તો બુદ્ધિધન વિવેચકોનું અને આજે વિવેચનના બદલે માત્ર ને માત્ર ભાઈબંધી જ ચાલે છે. આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાતી સાહિત્યકારોને જે નગ્ન ભાઈબંધીનો નશો ચડ્યો હતો તેવી જ બદમાશી હવે પત્રકારો પણ શીખી ગયા છે....