Monday, March 16, 2009

'જીવન એક સંઘર્ષ છે, પણ મારા નસીબમાં થોડો વિશેષ અને વિચિત્ર સંઘર્ષ લખાયો છે'


'જીવન એક સંઘર્ષ છે, પણ ઇશ્વર તેની જ કસોટી કરે છે જેની અંદર સત્વ હોય.' આ પ્રેરણાત્મક શબ્દો છે દોઢ વર્ષની ઉંમરે જ અંધ થયેલા ડૉક્ટર લાભુભાઈ પૂંજાભાઈ લાવરિયા. લાભુભાઈ માણસ કે પશુની શારીરિક બિમારીનો રોગ કરતાં દાક્તર નથી. તેમણે આઝાદી પછી સર્જન પામેલાં ગુજરાતી હાસ્ય સાહિત્યનું પોસ્ટમોર્ટમ કરીને ડૉક્ટરની ડિગ્રી મેળવી છે. મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લાલકા ગામના અને પૂંજાભાઈના પરિવારના આ પ્રથમ ડૉક્ટર સાથે તેમના બીજા ઘર સમાન ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી વાતચીત રજૂ કરું છું:


લાભુભાઈ, પહેલી જ વખત તમને અંધ હોવાનો અહેસાસ ક્યારે અને કેવી રીતે થયો?
મેં દોઢેક વર્ષની આસપાસ દુનિયા જોવાની ક્ષમતા ગુમાવી દીધું હોવાનું મારા પિતાજીએ એક વખત કહ્યું હતું। પણ તેનો અહેસાસ પહેલી વખત મને ચારેક વર્ષની ઉંમરે થયો હતો. અમારી શેરીમાં હવાડો (ગાય-ભેંસની પાણી પીવાનું સ્થાન) હતો. તેની પાળી પર છોકરા દોડવાની રમત રમતાં હતા. મને પણ આ રમત રમવાનો શોખ થયો. હું વારંવાર પડી જતો ત્યારે બીજા છોકરાં સમજણના અભાવે મને અંધ હોવાનો અહેસાસ કરતાં હતા. ક્યારેક અપમાનજનક શબ્દ પણ વાપરતાં હતા. પછી ધીમેધીમે ઘરવાળાને મારા વિશે વાતો કરતા સાંભળતો ત્યારે હું અસામાન્ય હોવાનો અહેસાસ થતો ગયો.

ચારથી પાંચ વર્ષની ઉંમરે વાસ્તવિકતા સ્વીકારવાની સમજણ ઓછી હોય છે. તે વખતે તમને કેવો અહેસાસ થયો?
સ્વાભાવિક રીતે દુઃખ થતું હતું। મારું શું થશે તેની ચિંતા થતી હતી. એકલાં એકલાં ઘણી વખત બે-ચાર આંસૂ સારી લેતો હતો. પણ ઇશ્વર એક હાથે લે છે તો હજાર હાથે આપે છે. હું બાળઅવસ્થામાં જ સમજુ થઈ ગયો. જીવન સરળ નથી. તે વિવિધ પ્રકારના સંઘર્ષની હારમાળા છે. એક સંઘર્ષ પૂર્ણ કરો તો બીજી સમસ્યા સામે આવીને ઊભી જ રહી જાય છે. આપણે સતત તેની સામે લડતાં રહેવાનું છે તેનો અહેસાસ થઈ ગયો. કોઈ પણ પ્રકારની ખોડખાંપણ ન ધરાવતા લોકોને પણ પોતાના પ્રશ્નો અને પોતાનો સંઘર્ષ હોય છે. મારા નસીબમાં જુદા પ્રકારનો અને થોડો વિચિત્ર સંઘર્ષ લખાયો છે એમ માનીને જીવનને સ્વીકારી લીધું.

તમે 37 વર્ષનાં જીવનમાં 27 વર્ષ એક યા બીજી હોસ્ટેલમાં પસાર કર્યા છે....
સાચી વાત છે। પહેલાં તમારા ગામ સુરેન્દ્રનગરની એમ ટી દોશી અંધ વિદ્યાલયમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. પછી અહીં (અમદાવાદ) વસ્ત્રાપુરમાં અંધજન મંડળમાં હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીની કોલેજમાં જલસા કર્યા. આટલાં વર્ષો હોસ્ટેલમાં રહ્યો તે મિત્રોને આભારી છે. સારા, પ્રામાણિક, દ્વૈષમુક્ત મિત્રો નસીબવાળાને જ મળે છે અને હું નસીબદાર છું. હોસ્ટેલ લાઇફ એટલે મિત્રોનો મેળો. હરો, ફરો, જલસા કરો અને તેમાંથી સમય મળે તો અભ્યાસ કરો. (હસી પડે છે)

હોસ્ટેલ લાઇફનો કોઈ યાદગાર પ્રસંગ...
ગુજરાત યુનિવર્સટીમાં બી। એ કરતો ત્યારે અમારી સાથે હોસ્ટેલમાં ધવલનો નામનો છોકરો રહેતો હતો. એક વખત અમે મિત્રો સાથે ચા પીવા જતાં હતા ત્યારે તેણે કહ્યું કે, ''અંધ લોકો હિમાલય સર કરતાં હોય તેવા ઉત્સાહ સાથે ચા પીવા જાય છે. અંધ લોકો જેટલાં આનંદથી જીવતાં હોય છે તેટલી લહેરથી બે આંખે જોઈ શકતાં લોકો પણ રહી શકતા નથી.'' આવી વાત ચાલતી હતી ત્યાં તેણે મને પૂછ્યું કે, ભગવાને તમને અંધ કેમ બનાવ્યાં? એટલે મે હસતાં-હસતાં કહ્યું હતું કે, ''ગયા જન્મમાં મેં લાઇટબિલ ભરવામાં બહુ ચોરી કરી હતી એટલે આ જન્મમાં હું અંધ થયો.'' તે પછી તો તે મારો ભક્ત થઈ ગયો. આજે પણ પત્રો લખે છે. જીવનના સુખ-દુઃખના પ્રસંગો મારી સાથે વહેંચે છે. હોસ્ટેલમાં અનેક છોકરાં તેમના નિષ્ફળ પ્રેમનો ખરખરો પણ મારી પાસે જ કરવાં આવતાં. તેવાં તો અનેક પ્રસંગો યાદ આવે ત્યારે હસવું આવે છે.

તમારા પી. એચડીનો વિષય 'સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી હાસ્ય સાહિત્ય-એક અભ્યાસ' છે. હાસ્ય સાહિત્ય પસંદ કરવાનું કારણ શું?
મારા પિતાજી (પૂંજાભાઈ)નો સ્વભાવ બહુ રમૂજી છે। તેમાં લોકસાહિત્યનું જે હાસ્ય છે તે તરફ હું જાણે-અજાણ્યે દોરવાયો. મારા પિતાજીએ મને હસતો કર્યો છે. જ્યારે પીએચ. ડી કરવાનો નિર્ણય લીધો ત્યારે આ બાબતે મારા પિતાજી સાથે વાતચીત થઈ. તેઓ અભણ છે, પણ તેમની સેન્સ ઓફ હ્યુમર ગજબની છે. તેમણે મને કહ્યું કે, તું દુઃખી આત્મા છે પણ બીજાને દુઃખી કરતો નહીં. (હસી પડે છે) એટલે મેં હળવો વિષય જ પસંદ કર્યો.

વિષય હાસ્ય સાહિત્ય અને માર્ગદર્શક તરીકે કવિ ચિનુ મોદી?
મને ઘણા પૂછે છે કે, હાસ્ય સાહિત્યના વિષય પર માર્ગદર્શક તરીકે કોઈ હાસ્ય સાહિત્યકાર કેમ નહી। પણ મને માર્ગદર્શકની પસંદગી સમયે એવું લાગ્યું કે કોઈ કવિને પકડવા. કવિ બહુ ઝડપથી ઇનકાર કરી શકતાં નથી. તેમનું હ્રદય બહુ વિશાળ અને ઋજુ હોય છે (હસતાં હસતાં) એટલે મેં ચિનુ મોદીને આ વિશે વાત કરી અને આપણું પાસું સવળું પડ્યું. તે મારાં માર્ગદર્શક બનવા તૈયાર થઈ ગયા.

સામાન્ય વિદ્યાર્થી કરતાં તમને પી. એચડી કરવામાં વધારે મુશ્કેલી પડી હતી...
હું અંધ હોવાથી મારે સાથીદારો પર બહુ આધાર રાખવો પડ્યો। મારે લાઇબ્રેરીમાં પુસ્તકો શોધવા મિત્રોને સાથે લઇ જવા પડે. પછી તે પુસ્તકોનું રેકોર્ડિંગ કરાવવાનું. તેનું બ્રેઇલ લિપીમાં ટ્રાન્સક્રિપ્શન કરવાનું અને પછી માર્ગદર્શકને બતાવવાનું. જો સુધારો સૂચવે તો પાછાં ઠેરના ઠેર. પણ મને ચિનુ મોદીએ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું. ડો. સતિશ વ્યાસના જ્ઞાનનો લાભ સતત મળતો રહ્યો. ડો. પુનિતાબહેન મને સતત ટોકતાં રહ્યાં નહીં તો હું નોંધણી જ ન કરાવત.

મિત્રો અજિત મકવાણા, વિનોદ વણકર, ભરત ડામોર, જિતેન્દ્ર મેકવાન, ભાવેશ જેઠવા, પ્રવીણ રથવી, દશરથ જાદવ, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, નરેશ શુક્લ, તન્વી, મારા અંધ મિત્રો મારા મામાનો દીકરો રવિ, ઘનશ્યામ ઠક્કર, રમેશ અને અશોક પટેલબંધુ અને મારી સખી (પત્ની) હેમલત્તાના સાથસહકારના કારણે પી। એચડી થઈ શક્યો છું.

તમારી નજરે હાસ્ય એટલે શું?
વિદ્વાનોએ હાસ્યની વિવિધ વ્યાખ્યા આપી છે। પણ મારું એવું માનવું છે કે સામાન્ય રીતે ન બનતું હોય તેવું કશુંક વિચિત્ર બને તેમાંથી ઊભી થતી રમૂજ.

હાસ્ય સાહિત્યમાં તમારા મનપસંદ ગુજરાતી હાસ્ય સાહિત્યકાર કોણ છે?
જ્યોતિન્દ્ર દવે। તેમને તોલે ગુજરાતનો એક પણ હાસ્ય સાહિત્યકાર ન આવે. કોઈને ઠેસ પહોંચાડ્યા વિના રમૂજ કરવામાં તેમની માસ્ટરી હતી. એક ઉદાહરણ આપું. એક વખત તેમણે કહ્યું હતું કે, ''ગુજરાતી સાહિત્ય પરિષદમાં પરિષદ જ સર્વોપરી છે, સાહિત્ય ગૌણ છે.'' પશ્ચિમના દેશોમાં હોત તો તેમની ખરેખર બહુ માનપાન મળ્યાં હોત.

હાસ્ય સાહિત્યમાં નવા સાહિત્યકારોમાં તમને કોણ પસંદ છે?
રતિલાલ બોરીસાગર। તે હોલસેલમાં સર્જન કરતાં નથી એટલે ગુણવત્તાયુક્ત સર્જન કરી શકે છે.

પીએચ. ડી પૂર્ણ કર્યા પછી હવે શું કરવું છે?
હું ધ્રાંગધ્રામાં કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં સંગીત શિક્ષક છું। હવે મૌલિક સાહિત્યનું સર્જન કરવું છે. લેખો અને નિબંધ સ્વરૂપે તેની શરૂઆત કરવી છે.

થોડી અંગત વાત કરી લઇએ. હેમલત્તા બહેન સાથે એરેન્જ-કમ-લવ મેરેજ છે...
(હસતાં-હસતાં) લોકો લવ કર્યા પછી વાત જામે એવી હોય તો મેરેજ એરેન્જ કરે। અમારે પહેલાં મેરેજ એરેન્જ કરવાં પડે અને પછી પ્રીતડીના ખેલ ખેલવા પડે. હેમુનો પરિચય સુરેન્દ્રનગરમાં જ થયો હતો. મિત્રોએ બધું ગોઠવી દીધું અને આપણો બેડો પાર થઈ ગયો.

હેમલત્તા બહેનની કઈ ખૂબી તમને સૌથી વધુ ગમે?
તેની સક્રિયતા અને ઘરકામ પ્રત્યેનો પ્રેમ। તેનો વ્યવસ્થિતા અને શિસ્તનો આગ્રહ મને બહુ પસંદ છે. અમારા ઘેર આવો તો તમને કોઈ ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હોય તેવું ન દેખાય. બીજું, જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ. તે ક્યારેય હાર માનવાનું પસંદ કરતી નથી.

સમય પસાર કરવા સૌથી મનપસંદ પ્રવૃત્તિ કઈ?
શાસ્ત્રીય સંગીત સાંભળવાનું મને બહુ પસંદ છે। શાસ્ત્રીય સંગીત શાશ્વત છે. તેની લોકપ્રિયતામાં વધઘટ જરૂર થતી રહે છે, પણ તે આપણી સંસ્કૃતિની ઓળખસમાન છે.

મનપસંદ શાસ્ત્રીય ગાયક?
પંડિત ઓમકારનાથ.

No comments: