Thursday, September 16, 2010

ટોળું, ટોળું, ટોળું.........


ટોળું, ટોળું, ટોળું...
અત્ર, તત્ર, સર્વત્ર ટોળું, ટોળું, ટોળું....
મહંતોના ચરણોમાં આળોટતું ટોળું,
મુલ્લા-મૌલવીની દાઢીમાં ખુદાઈ શોધતું ટોળું.....
મોક્ષની લ્હાયમાં ધક્કામુક્કી કરતું ટોળું,
માણસ જેવા માણસને કચડતું ટોળું......
ઓર્કુટ પરથી થાકીને ફેસબુક પર ધસી આવેલું ટોળું,
પોતપોતાનો અલગ ચોકો જમાવીને બેઠેલું ટોળું.....
બધે મહંત, મુલ્લા અને પાદરી શોધતું ટોળું,
જન્નત મેળવવા મદમસ્ત હાથીની જેમ ફરતું ટોળું...
ટોળું, ટોળું, ટોળું...
ભાઈ, ટોળું, ટોળું, ટોળું....

Tuesday, September 14, 2010

બિહાર ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો વિરોધઃ જનતા દળ(યુ)-ભાજપની વ્યૂહાત્મક ચાલ...


બિહાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. પણ આ ચૂંટણીનું પરિણામ શું આવશે તેના કરતાં વધારે આતુરતા નરેન્દ્ર મોદી ચૂંટણીના પ્રચારમાં જોડાશે કે નહીં તેને લઈને જાગી છે. મીડિયાના એક જૂથનું સ્પષ્ટપણે કહેવું છે કે બિહારમાં નીતિશકુમારના નેતૃત્વમાં ભાજપ-જનતા દળ (યુ)ની સરકાર બનશે તે નક્કી વાત છે. પણ મીડિયાનું ધ્યાન અત્યારે સંપૂર્ણપણે નરેન્દ્ર મોદી પર કેન્દ્રીત છે. મીડિયા માટે નરેન્દ્ર મોદી બ્રાન્ડ્સ છે અને મોદી સાથે સંબંધિત સમાચાર જોવા-સાંભળવામાં લોકોને રસ પડે છે. આ વાત ભાજપ અને જનતા દળ (યુ) સારી રીતે જાણે છે. સમાચાર માધ્યમો મુજબ, બિહારમાં ચૂંટણીના પ્રચારમાં નરેન્દ્ર મોદી જોડાય તેની સામે નીતિશકુમાર એન્ડ કંપનીને વાંધો છે. તમને થશે કે જનતા દળ (યુ)ના બેવડું ધોરણ છે. છેલ્લાં પાંચ વર્ષથી નીતિશકુમાર ભાજપ સાથે બિહારમાં સરકાર ચલાવે છે. ગોધરાકાંડ અને અનુગોધરાકાંડ થયો ત્યારે નીતિશકુમાર અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં મંત્રી હતા તો અચાનક ચૂંટણી સમયે જ તેમને મોદી સામે શું વાંધો પડ્યો? પણ રાજકારણમાં જે દેખાય છે તે ખરેખર વાસ્તવિકતા નથી હોતી અને રાજરમતો ક્યારેય ખુલ્લેઆમ રમાતી નથી.

હકીકતમાં ભાજપ સાથે સમજૂતી કરીને જનતા દળ (યુ)એ ખૂબ જ સમજીવિચારીને નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાની ચાલ ચાલી છે. તમને થશે કે તેનાથી આ બંને પક્ષના ગઠબંધનને શું ફાયદો? સામાન્ય રીતે ભાગીદારો વચ્ચે અંતરકલહ થવાથી સરવાળે બંનેને નુકસાન થાય. પણ રાજકારણમાં આવું સીધું અને સાદું ગણિત ચાલતું નથી. મારું એવું માનવું છે બિહારમાં આ વખતે આ બંને ભાજપ-જનતા દળ જાણીજોઇને ઉપરછલ્લી આંતરકલહ દેખાડી રહ્યાં છે અને તેનાથી આ ગઠબંધનની સ્થિતિ મજબૂત થશે. અહીં હું ગઠબંધન શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું. એટલે ભાજપ અને જનતા દળ(યુ) જોડાણ ચૂંટણી પછી વધુ મજબૂત બનશે એવું મારું માનવું છે. નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાથી જનતા દળ (યુ)ની મુસ્લિમ મતબેંક મજબૂત થશે જ્યારે મોદી મુદ્દો ચૂંટણી સુધી અદ્ધરતાલ લટકતો રહેવાથી ભાજપની પરંપરાગત મતબેંક જળવાઈ રહેશે.

એટલું જ નહીં મોદી મુદ્દો સતત સળગતો રહેવાથી લાલુપ્રસાદ યાદવનો રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અને રામવિલાસ પાસવાનનો લોકજનશક્તિ પક્ષ જનમાનસમાં હાંસિયામાં ધકેલાઈ ગયો છે. બિહારમાં અત્યારે લોકોની ચર્ચાનું કેન્દ્ર નરેન્દ્ર મોદી અને નીતિશકુમાર વિવાદે લઈ લીધું છે. વિપક્ષની બીજી મુશ્કેલી કોંગ્રેસ છે. બિહારમાં મૃતઃપ્રાય થઈ ગયેલી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા કોંગ્રેસે રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યાં છે. મીડિયા અને દંભી ધર્મનિરપેક્ષ પત્રકારો તેમના યુવરાજ રાહુલ ગાંધીને જીતાડવા કોંગ્રેસ કરતાં પણ વધારે પ્રયાસ કરી રહ્યાં છે. તેની અસર ભાજપ-જનતા દળ (યુ) કરતાં લાલુ અને રામવિલાસ પાસવાનની મતબેંક પર વધારે થશે અને તે પણ નુકસાનકારક. બનશે એવું કે બિહારમાં દલિત, યાદવ અને મુસ્લિમ મતબેંક જનતા દળ (યુ), કોંગ્રેસ, રાજદ અને લોજપા વચ્ચે વહેંચાઈ જશે. એટલું જ નહીં દલિત, યાદવ અને મુસ્લિમોનો ઝુકાવ જનતા દળ (યુ) તરફ વધુ રહેશે તેવા એંધાણ છે. આ પરિસ્થિતિમાં સૌથી વધારે ફાયદો ભાજપને થશે. તેની પરંપરાગત મતબેંક જળવાઈ તો રહેશે જ, પણ દલિત અને યાદવ મતબેંકમાંથી અમુક હિસ્સો પણ તેને મળશે....

Saturday, September 11, 2010

વ્હોટ એન આઇડિયા સરજી!


'ગુરુ' અભિષેક બચ્ચનની એક અત્યંત જાણીતી જાહેરાતની પંચલાઇન યાદ આવી ગઈ-વ્હોટ એન આઇડિયા સરજી! વાત એમ છે કે રશિયાના નાણા પ્રધાન એલેક્સેઈ કુદ્રીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા દેશવાસીઓને એક ઝકાસ સૂચન કર્યું છે. તેને વાંચીને આ પંચલાઇન યાદ આવી ગઈ. કુદ્રીન સાહેબે રશિયનોને કહ્યું છે કે-વ્હાલા રશિયનો, તમે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માગતા હોવ તો વધારે ને વધારે સિગારેટ પીવો અને મદિરાપાન કરો!

ચોંકી ગયા ને? હું પણ ચમકી ગયો હતો. આપણા દેશના રાજકારણીઓ જાહેરમાં વ્યસ્નવિરોધી આંદોલન ચલાવે છે. ત્યારે રશિયાનો આ રાજકારણી ખુલ્લેઆમ લોકોને ધુંઆપ્રેમી અને મધુપ્રેમી બનાવવાની વકીલાત કરે છે. પણ તેના તેમનો કોઈ વાંક નથી. રશિયાનું અર્થતંત્ર ખાટલે ગયું છે અને તેને પાટે ચડાવવા કુદ્રીનજી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

તેમનું કહેવું છે કે-કોઈ વ્યક્તિ સિગારેટનું એક પેકેટ પીવે તો તે સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે યોગદાન આપી રહ્યો છે. આ સૂચન કરતી વખતે કુદ્રીન જરા પણ નશામાં નહોતા. તેમનો તર્ક બિલકુલ સ્પષ્ટ છે-ધુમ્રપાનથી કેન્સર થાય છે અને ધુમ્રપાનપ્રેમી વહેલાસર આ ફાનિ દુનિયામાંથી મુક્તિ મેળવી લે છે. બીડી તો સ્વર્ગની સીડી. કોઈ મૃત્યુ પામેલો માણસ ક્યારેય પેન્શન માટે દાવો કરતો નથી, જે સરકાર માટે ફાયદાકારક બાબત છે. તેનાથી અન્ય એક ફાયદો પણ છે. સિગારેટ કે મદિરાપાન કરવા સારો એવો કર ચુકવવો પડે છે અને આ કરવેરો સીધો સરકારી ખજાનામાં જ જાય છે.....દોસ્તો, અફસોસ ન કરશો કે શરદ પવાર જેવા રાજકારણીઓ બીજો દેશોમાં પણ છે જ....

Thursday, September 9, 2010

હોમી નૌશેરવાંજી સેઠના-બુદ્ધના ચહેરા પર સ્મિત ફરકાવનાર વિજ્ઞાની....


દેશના અખબારોમાં જેટલી જગ્યા 'પીપલી લાઇવ' ફિલ્મને લગતી વિવિધ બાબતોને મળી તેટલી જગ્યા દેશને પરમાણુશક્તિ સંપન્ન રાષ્ટ્ર બનાવવાનું હોમી ભાભાનું સ્વપ્ન સાકાર કરનાર વિજ્ઞાની ડૉ. સેઠનાના અવસાનને ન મળી. દેશમાં લોકોને સલમાન ખાનની વાહિયાત હરકતો જાણવામાં જેટલો રસ છે તેટલો રસ દેશની પ્રગતિમાં પોતાનું લોહીપાણી એક કરનાર વિજ્ઞાનીઓ વિશે જાણકારી મેળવવામાં નથી. મહાન ભારતીયોને ધર્મમાં જેટલો રસ છે તેટલી રુચિ વિજ્ઞાનમાં નથી. ભારતીયોને ફિલ્મ કલાકારોના, ક્રિકેટરોના, રાજકારણીઓના કે બાવાઓના નામ પૂછશો તો લાંબીલચક યાદી સાંભળવા મળશે, પણ વિજ્ઞાનીઓના નામ પૂછશો તો પાંચ નામ આપવામાં તતફફ થઈ જશે. એટલે જ ડૉ. હોમી નૌશેરવાંજી સેઠનાનું અવસાન થયું ત્યારે મોટા ભાગના હિંદુસ્તાનીઓને જાણ થાય છે કે-ઓહ્, સેઠના નામનો પણ એક વિજ્ઞાની હતો.

દેશ આઝાદ થયો ત્યારે પ્રસિદ્ધ વિજ્ઞાની હોમી જહાંગીર ભાભાએ દુનિયાના વિવિધ દેશોમાં કાર્યરત ભારતીય વિજ્ઞાનીઓને સ્વદેશ પરત ફરવાની ભાવભીની અપીલ કરી હતી. કેટલાંક વિજ્ઞાનીઓ પાછાં ફર્યા. તેમાં એક હતા-માન્ચેસ્ટરની ઇમ્પિરિયલ કેમિકલ કંપનીમાં કાર્યરત હોમી નૌશેરવાંજી સેઠના. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા યુવા સેઠનામાં ભાભાને ઘણી સંભાવનાઓ દેખાઈ અન તેમના સાથીદાર બનાવી લીધા. આ બંને વિજ્ઞાની ભારતને પરમાણુશક્તિ સંપન્ન રાષ્ટ્ર બનાવવાના મિશનમાં લાગી ગયા. ભારતને પરમાણુરાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન ડૉ. હોમી ભાભાનું હતું, જે સેઠનાએ પૂર્ણ કર્યું હતું.

વર્ષ 1974માં સેઠનાએ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને જણાવ્યું કે તેમણે શાંતિપૂર્ણ ઉદ્દેશ સાથે પરમાણુ પરિક્ષણની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વડાપ્રધાને ગાંધીએ લીલી ઝંડી આપી દીધી અને પછી 18 મે, 1974ના રોજ સેઠનાએ કોડ વર્ડમાં ઇન્દિરા ગાંધીને સંદેશ મોકલ્યો-સ્માઇલિંગ બુદ્ધ (અડધા અંગ્રેજ થઈ ગયેલા ભારતીયો બુદ્ધા કહે છે). ભારતનું આ પ્રથમ પરમાણુ પરિક્ષણ અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું હતું. અમેરિકાના સંવેદનશીલ ઉપગ્રહ પણ તેનો અણસાર સુદ્ધાં મેળવી શક્યાં નહોતા. આ વિસ્ફોટ પછી કેટલીક મહાશક્તિઓ અને પડોશી રાષ્ટ્ર નારાજ થયા હતા. પણ ડૉ. સેઠના અત્યંત સ્પષ્ટ વિચારધારા ધરાવતા હતા કે ભારતે પરમાણુશક્તિ સંપન્ન રાષ્ટ્ર બનવું જોઈએ. દેશ સ્વબળે પ્રગતિ કરવાના માર્ગ સાથે કોઈ સમજૂતી ન કરવી જોઈએ તેવું તે માનતાં હતાં.

ડૉ. સેઠના ભારત પાછાં ફર્યા તે પછી ડૉ. હોમી ભાભાએ તેમને સમજાવીને કેરળના અલુવામાં ઇન્ડિયન રેર અર્થ્સ લિમિટડના પ્રમુખ બનાવ્યા હતા, જેમાં તેમણે મોનોઝાઇટ રેતીમાંથી દુર્લભ આણ્વિક પદાર્થો મેળવ્યાં હતાં. દરમિયાન તેઓ કેનેડા-ભારત રિએક્ટર (સાયરસ)ના પ્રોજક્ટ મેનેજર બન્યાં. તે પછી તેમણે 1959માં ટ્રોમ્બે સ્થિત પરમાણુ ઊર્જા સંસ્થામાં પ્રમુખ વિજ્ઞાની અધિકારીનું પદ સંભાળ્યું. આ સંસ્થા એટલે હાલનું ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર. તેમના અવિરત પ્રયાસ અને કુશળ નેતૃત્વના બળે 1959માં ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રમાં પ્લુટોનિયમ અલગ કરવા પ્રથમ રિએક્ટરનું નિર્માણ થઈ શક્યું. તેની ડીઝાઇન અને તેનું નિર્માણ સંપૂર્ણપણે ભારતીય વિજ્ઞાનીઓ અને ઇજનેરોએ કર્યું. આગળ જતાં આ રિએક્ટરમાંથી અલગ કરવામાં આવેલા પ્લુટોનિમમાંથી જે પરમાણુશક્તિ તૈયાર થઈ તેના વિસ્ફોટથી 18 મે, 1974માં પોખરણમાં બુદ્ધના ચહેરા પર સ્મિત ફરક્યું હતું. ડો. સેઠનાના માર્ગદર્શનમાં જ 1967માં ઝારખંડના જાદુગુડામાં યુરેનિયમ મેળવવા માટે રિએક્ટર લગાવવામાં સ્થાપિત કરવામાં આવ્યું. તેમણે તારાપુર પરમાણુ રિએક્ટરો માટે યુરેનિયમ ઇંધણના વિકલ્પ સ્વરૂપે મિશ્ર ઑક્સાઇડ ઇંધણ વિકસાવ્યું. પોખરણમાં પરમાણુ વિસ્ફોટ પછી અમેરિકાએ યુરેનિયમનો પુરવઠો પૂરો પાડવાનું બંધ કરી દીધું હતું. આ સમયે ફ્રાંસે યુરેનિયમ આપીને આપણી મદદ કરી, નહીં તો ડૉ. સેઠનાએ મિશ્ર ઓક્સાઇડથી તારાપુરનું પરમાણુ રિએક્ટર ચલાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી.

તે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના પ્રખર હિમાયતી હતા. 1958માં સંયુક્ત રાષ્ટ્રે જીનિવામાં આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું હતું, જેના ઉપસચિવ સેઠનાને બનાવવામાં આવ્યાં હતાં. તેઓ સંયુક્ત રાષ્ટ્રની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય હતા અને 1966થી 1981 સુધી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચૂક્યાં છે. 1966માં તેઓ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રના ડિરેક્ટર બન્યાં અને 1972થી 1983 સુધી પરમાણુ ઊર્જા પંચના અધ્યક્ષ રહ્યાં. આ પદ પર હોમી ભાભા પછી સૌથી વધુ સમય રહેવાનું બહુમાન સેઠના ધરાવે છે. તેમણે ભારતીય પરમાણુ ઊર્જા કાર્યક્રમને નવી ગતિ પ્રદાન કરી હતી.. આજે ભારતને પરમાણુશક્તિ સ્વરૂપે દુનિયામાં માન્યતા મળી છે તો તેમાં ડૉ. ભાભા પછી સૌથી વધારે યોગદાન ડૉ. સેઠનાનું જ છે.

Wednesday, September 8, 2010

ભયભીત અમેરિકા.....


સાવધાન રહેવું એટલે સાવચેત રહેવું, ચો તરફ નજર રાખવી, ગાફેલ ન રહેવું. પણ સાવચેતી દાખવવામાં અને સતત ડરતા રહેવામાં બહુ ફરક છે. કોઈ વ્યક્તિ, સમૂહ કે સંસ્થા નિર્ભયતાપૂર્વક અને વ્યવહારિકતા સાથે ખબરદાર રહી શકે છે પણ કાલ્પનિક ભયથી પીડાતો સમાજ અવ્યવહારિક પગલાં ઉઠાવે છે. વિશ્વમાં અત્યારે એકમાત્ર આર્થિક મહાસત્તા ગણાતું અમેરિકા પણ કાલ્પનિક ભયથી પીડાઈ રહ્યું છે અને તેને ડર છે-ઇસ્લામિક આતંકવાદનો. એકવીસમી સદીની શરૂઆતમાં જ અમેરિકા અલકાયદાના આતંકવાદી હુમલાનો ભોગ બન્યું અને જગત આખાને ધ્રુજાવતા આ દેશના છક્કાં છૂટી ગયા. તે પછી તેણે અફઘાનિસ્તાનને રગદોળી નાંખ્યું તે આપણે જાણીએ છીએ. અફઘાનિસ્તાનમાં લાદેનને મારવા હજારો નિર્દોષ બાળકો અને સ્ત્રીઓને હોમી દેનાર અમેરિકા દેખીતી રીતે બહાદુર લાગે છે, પણ હકીકતમાં આ રાષ્ટ્ર અત્યંત ભીરું છે અને તેનો ખુલાસો ત્યાંના જ અગ્રણી દૈનિક 'વોશિંગ્ટન પોસ્ટ'એ કર્યો છે.

વાત એમ છે કે અમેરિકામાં 9/11નો હુમલો થયા પછી ત્યાંની સરકારે આ પ્રકારના હુમલાનું પુનરાવર્તન ટાળવા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો નિર્ણય લીધો હતો. પણ બન્યું એવું કે સરકારે સાવધાની દાખવવામાં એવા પગલાં લીધાં છે જે ખરેખર હાસ્યાસ્પદ, બિનજરૂરી અને ખર્ચાળ છે. 'વોશિંગ્ટન પોસ્ટ'એ 'ટોપ સીક્રેટ અમેરિકા' નામનો એક પ્રોજેક્ટ ચલાવ્યો, જેમાં ડાના પ્રિસ્ટ અને વિલિયમ અર્કિને અમેરિકા 9/11ના હુમલા પછી કેટલું બદલાઈ ગયું તે માટે સૂચના એકત્ર કરી. ખાસ કરીને સરકારે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા કેવાં પગલાં લીધા તેની જાણકારી લોકો સુધી પહોંચાડી, જેનો અભ્યાસ કરીને લોકો ચકિત થઈ ગયા. લાદેનથી ફફડી ઉઠેલી અમેરિકાની સરકારે કેવાં પગલાં લીધા તેના થોડા મુખ્ય પોઇન્ટ્સઃ

- 11 સપ્ટેમ્બર, 2001 પછી અમેરિકાની સરકારે આતંકવાદ સામે યુદ્ધ લડવા 263 સંગઠન નવા બનાવ્યાં અથવા જૂનાં સંગઠનોને ફરી સક્રિય કર્યા.

- જાસૂસી પર ખર્ચ થતી રકમમાં 250 ટકાનો વધારો કર્યો. અત્યારે અમેરિકાની સરકાર જાસૂસી સંસ્થાઓ પર દર વર્ષે 75 અબજ ડોલર ફાળવે છે. જોકે આ સરકારી આંકડો છે અને સરકારી આંકડા વાસ્તવિક ખર્ચ કરતાં ઓછા હોય તે સ્વાભાવિક છે.

- જાસૂસી કરતા અધિકારીઓને કામ કરવા 33 નવા સંકુલ બનાવવામાં આવ્યાં છે. આ ઇમારતો 1.7 કરોડ ચોરસ ફૂટમાં બનાવવામાં આવી છે, જે એક નહીં, બે નહીં પણ ત્રણ પેન્ટાગોન સમાન છે. પેન્ટાગોનના કેટલાંક અધિકારીઓ પણ અમેરિકાના સરકારના આ પ્રકારના નિર્ણયથી નારાજ છે અને આ સંકુલોની સુરક્ષા વધારવા બીજા સંકુલોનું નિર્માણ કરવું પડશે તેવી મજાક કરી રહ્યાં છે.

- વ્હાઇટ હાઉસથી પાંચ માઇલ દૂર 3.4 અબજ ડોલરના ખર્ચે એક મોટું સરકારી સંકુલ તૈયાર કરવામાં આવે છે, જે છેલ્લાં 50 વર્ષમાં અમેરિકામાં બની રહેલું સૌથી મોટું સરકારી સંકુલ છે. ડીપોર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી માટે તૈયાર થઈ રહેલા આ સંકુલમાં પેન્ટાગોન અને ડીપોર્ટમેન્ટ ઓફ વેટરન અફેર્સ પછી સૌથી વધુ અધિકારીઓ કામ કરશે. તેમાં એકસાથે 2,30,000 લોકો કામ કરી શકશે.

- સુરક્ષા માટે બનાવવામાં આવેલી આ નવી વ્યવસ્થામાં દરરોજ 136 રીપોર્ટ તૈયાર થાય છે. તેનો અર્થ એ થયો કે તેમાંથી થોડાં રીપોર્ટનો જ અભ્યાસ થઈ શકતો હશે. જે વરિષ્ઠ અધિકારીઓએ આ રીપોર્ટનો અભ્યાસ કર્યો છે તેઓ તેને સાધારણ ગણે છે. એક અધિકારીએ તો એટલે સુધી કહ્યું છે કે તેમાંથી અનેક રીપોર્ટ તો ગૂગલનો ઉપયોગ કરીને એક કલાકમાં બનાવી શકાય છે.

- અમેરિકાના 15 રાજ્યોમાં કાર્યરત 51 અલગ વ્યવસ્થા આતંકવાદી સંગઠનોને મળતી અને તેમના તરફથી આપવામાં આવતી ધનરાશિ પર નજર રાખે છે. પણ જોવાની ખૂબી એ છે કે આ વ્યવસ્થાઓ વચ્ચે સંકલનનો અભાવ છે. એક સંસ્થા બીજી સંસ્થાને જાણકારી કે સૂચના આપતી નથી.

- અમેરિકાના ફોન કોલ્સ કે બીજા પ્રકારના કમ્યુનિકેશન પર નજર રાખવા અને શંકાસ્પદ આદાનપ્રદાનને પકડવા 30,000 લોકોની નિમણૂંક કરવામાં આવી છે.

ભૂતકાળમાં અમેરિકાએ યુદ્ધની તૈયારીઓ કરી છે, કટોકટી જેવા અધિકારો પણ મેળવ્યાં છે અને ક્યારેક તેનો દૂરપયોગ પણ કર્યો છે. તેમ છતાં યુદ્ધ પૂર્ણ થયા પછી તેનો ત્યાગ કર્યો છે. પણ 9/11ના હુમલા પછી અમેરિકાએ અંતહિન યુદ્ધ શરૂ કર્યું હોય તેમ લાગે છે......