ચિત્રકૂટમાં રામ અને સીતાજી બેઠાં છે. લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા છે. રામજીએ સીતાજીને કહ્યું કે, જાનકી, જરા મારા ચરણની સામું જુઓ. સીતાજીએ રામના ચરણની સામું જોયું. રામજીએ કહ્યું, સીતાજી તમને એમ નથી લાગતું કે તમારાં ચરણ કરતાં મારાં ચરણ સુંદર છે? રામજીએ આવો દાવો કર્યો.
સીતાજીએ કહ્યું, નહીં મહારાજ માફ કરજો। જ્યારે તમે દાવો કરો છો તો મારે કહેવું જોઈએ કે આપનાં ચરણ કરતાં મારાં ચરણ વધારે સુંદર છે. બંને વચ્ચે તકરાર શરૂ થઈ. સીતા કહે, મારાં ચરણ સુંદર, રામજી કહે, મારા ચરણ સુંદર. છેવટે સીતાજીએ રામજીને કહ્યું કે, મહારાજ, આપણે સામસામી દલીલો કરીએ, પણ ન્યાય તો લખનભૈયા આપી શકે, કારણ કે તે આપણા બંનેના પગની સેવા કરે છે. સેવા કરનારો વધારે નક્કી કરી શકે કે બેમાંથી કોના ચરણ વધારે સુંદર છે.
લક્ષ્મણજી ફળફૂલ લઇને આવ્યા। રામજીએ કહ્યું, લખન, આજે તારે એક ન્યાય આપવાનો છે. હું એમ કહું છે કે, મારા ચરણ સુંદર છે. સીતા કહે છે, મારાં ચરણ સુંદર છે. તું અમારાં બંનેનાં ચરણની પૂજા રોજ સવારે કરે છે. એટલે હવે તું નક્કી કર. લક્ષ્મણજીને થયું કે, પ્રભુએ તો ધર્મસંકટમાં નાંખી દીધો.
સીતાજીને લક્ષ્મણજીએ પૂછ્યું કે, માતાજી નારાજ નહીં થાવને? સીતામૈયા કહે નહીં। લક્ષ્મણજીએ બહુ સરસ નિર્ણય આપ્યો. સીતાજીને કહે-આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. રામજીને કહે તમારાં કરતાં સીતાજીના ચરણ વધારે સુંદર લાગે છે. જાનકી ખુશખુશ થઈ ગયા. રામજી નીચું જોઈ ગયા. ત્યારે લખનજીએ કહ્યું, મા, રામજીનાં ચરણ કરતાં તમારા ચરણ સુંદર છે એ બરાબર. પણ હું જે કહું છે તે ધ્યાનમાં રાખો. આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે એટલે કે તમારા પગની સુંદરતા રામજીના પગલે પગલે છે. રામજીના ચરણને લીધે તમારા ચરણની કિંમત છે. લખનજીનો ન્યાય સાંભળી બંને ખુશ થઈ ગયા.
લક્ષ્મજીએ કહ્યું કે, મહારાજ, ખુશ થવાની જરૂર નથી. ત્રીજો અરથ છે. તેમણે કહ્યું, મહારાજ, પગલાંની સુંદરતાનું કોઈ મહત્વ નથી. પણ આ આચરણથી આ ચરણ સુંદર લાગે છે. માનવીના આચરણથી એનાં ચરણ સુંદર લાગે. આચરણ ન હોય તો પગલાં ગમે તેટલાં રૂપાળાં હોય એની કોઈ કિંમત નથી.
No comments:
Post a Comment