Tuesday, March 30, 2010

ચાટુકર, ચાટુકારિતા અને અશોક ચવ્વાણ...


સત્તા મેળવવી મુશ્કેલ છે અને સત્તા મળી જાય પછી? તેને પચાવવી. સત્તા મળી જાય પછી બહુ ઓછા લોકો પચાવી શકે છે. સત્તાને અપચો શાસકના મનમસ્તિષ્ક પર સવાર થઈ જાય છે. તે પોતાને સર્વશક્તિમાન અને અજેય સમજવા લાગે છે. મનમસ્તિષ્ક પર નિયંત્રણ ગુમાવી દે છે. તેની કથની-કરણીમાંથી મદ છલકાય છે અને ચમચા-ચમચીઓ ઘેરી લે છે.

વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં પ્રજા પાસે કોઈ યોગ્ય વિકલ્પ ન હોવાના કારણે કોંગ્રેસસંચાલિત ગઠબંધન સરકાર ફરી પ્રજાના માથે મરાઈ. સત્તાની સંપૂર્ણ બાગડોર સોનિયા આન્ટી પાસે છે. વચ્ચે-વચ્ચે ક્યારેક મનમોહન સિંઘ દેશના વડાપ્રધાન હોવાનું જનતા જનાર્દનને યાદ કરાવી જાય છે. બાકી બધો ખેલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના 'ચાટુકર' ખેલી રહ્યાં છે. 'ચાટુકર' અને 'ચાટુકારિતા' મજાનો હિંદી શબ્દ છે. ગુજરાતમાં તેના માટે ચમચાગિરી શબ્દ છે અને કોંગ્રેસમાં એક નહીં ચાટુકરો કે ચમચાઓની એક આખી ફૌજ છે. મેડમ એક ચપટી વગાડે અને પચાસ ચાટુકર ટપાકાં પાડતાં હાજર થઈ જાય છે. યસ મેડમ, હા જી મેડમ, બોલો મેડમ, વાહ મેડમ અને આહ્ મેડમ! ચાટુકર બહુ તેજ અને ટકોરાબંધ હોય છે. તે તેમના અધ્યક્ષ કે અધ્યક્ષાને ઓર્ડર આપવાની તક પણ આપતા નથી. ચાટુકરોના મન-મસ્તિષ્કમાં સમજદારીનો સમંદર હિલોળા લેતો હોય છે.

ચાટુકરોની એક ખાસિયત હોય છે. તેઓ કોઈને કોઈ બહાને ચાટુકારિતાની તક શોધી લે છે. એક ચાટુકરચાટુકારિતાના દર્શન કરાવે એટલે બીજા બધા ચાટુકરો પોતે રહી નથી ગયા તેવું દેખાડવા સારામાં સારી ચાટુકારિતા દેખાડવા પ્રયાસ કરે. કોંગ્રેસમાં ચાટુકારિતાની સીઝન બારમાસી છે પણ અત્યારે તોફાની થઈ છે. તેમાં માર્ગદર્શક બન્યાં છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક શંકરરાવ ચવ્વાણ. ચવ્વાણ પરિવાર ચાટુકારિતા પર હથોટી ધરાવે છે. બાપ એવા બેટા! સ્વ. શંકરરાવ ચવ્વાણે સંજય ગાંધીના જૂતાં ઉઠાવી લીધા હતા તો અશોક ચવ્વાણે કોંગ્રેસના 'મુસ્લિમ ચહેરા' શાહરૂખ ખાનની એક ફુલ્લીફાલતુ ફિલ્મની સુરક્ષિત રીલીઝ માટે રાજ્યના થિયેટરોમાં પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દીધો હતો અને પ્રજાને રામભરોસે છોડી દીધી હતી. આ ફિલ્મની રીલીઝ થઈ અને બીજા જ દિવસે પૂણેની જર્મન બેકરીમાં આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યો. પણ ચાટુકરોની એક ખાસિયત હોય છે-તે નિર્લજ્જ અને વહીવટયા હોય છે. તેમને બધું મેનેજ કરતાં આવડે છે.

પૂણે વિસ્ફોટની કોઈ કડી હજુ સુધી મળી નથી ત્યાં ચવ્વાણે ફરી તેમની મુખ્ય પારિવારિક આવડતના દર્શન કરાવ્યાં. મેડમ સોનિયા માઇનોને બોલીવૂડના સાચા સુપરસ્ટાર અને હિંદી ફિલ્મ ઉદ્યોગના એકમાત્ર મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર આંખમાં કણાની માફક ખૂંચે છે. ગાંધી પરિવારનો બચ્ચનદ્વૈષ જગજાહેર છે અને અશોક ચવ્વાણ આ વાત સારી રીતે જાણી ગયા છે. તેમણે પૂણેમાં મરાઠી સાહિત્ય સંમેલનમાં અમિતાભ સાથે હાજરી ન આપી ગાંધી પરિવારની સેવામાં ખડેપગે હાજર હોવાનો સંકેત આપી દીધો. પણ મહારાષ્ટ્રના જ કોંગ્રેસી નેતાઓમાં એક મજાકે જોર પકડ્યું છે કે અમિતાભ બચ્ચનો વિરોધ કરી અશોક ચવ્વાણે સાબિત કરી દીધું કે તે શંકરરાવ ચવ્વાણના જ પુત્ર છે. કોઈ શક?

Thursday, March 25, 2010

જ્યારે હું ભયભીત થાઉં ત્યારે....


મારે માટે તો રામનામમાં બધું આવી જાય છે. મારા જીવનમાં એ વસ્તુ ઓતપ્રોત થઈ ગઈ છે. જ્યારે હું ભયભીત થાઉં ત્યારે રામનામ લઈને ભયમુક્ત થઈ શકાય એ વસ્તુ જાણે મને ગળથૂથીમાંથી મળેલી. તે વસ્તુ હું જ્ઞાનપૂર્વક સાધતો થયો અને આજે મારો એ સ્વભાવ થઈ પડ્યો છે. એમ કહી શકું કે ચોવીસ કલાક એ જ ધ્યાન રહે છે, કારણ મોઢે એ ન બોલતો હોઉં તોયે જે કાંઈ કરતો હોઉં તેમાં પણ ઊંડે ઊંડે તો રામનામની પ્રેરણા ચાલુ જ હોય છે. અનેક વિકટ પ્રસંગોએ એ મારી રક્ષક થઈ પડી છે અને ગમે તેટલી પ્રવૃત્તિમાં પણ હ્રદયમાં એ વસ્તુ ગુંજ્યા કરે એવો મારો હંમેશા સંકલ્પ રહ્યો છે.

માણસ ગમે તે સ્થિતિમાં હોય, ઊંઘતો કેમ ન હોય, જો ટેવ પડી ગઈ હોય ને રામનામ હ્રદયસ્થ થઈ ગયું હોય તો જ્યાં સુધી હ્રદય ચાલે છે ત્યાં સુધી હ્રદયમાં રામનામ ચાલતું રહેવું જોઈએ. એમ ન બને તો કહેવું જોઈએ કે, માણસ જે રામનામ લે છે તે કેવળ તેના ગળામાંથી નીકળે છે, અથવા કોઈ કોઈ વાર હ્રદય સુધી પહોંચતું હોય તોપણ હ્રદય પર રામનામનું સામ્રાજ્ય જામ્યું નથી. જો નામે હ્રદયનો કબજો મેળવ્યો હોય તો પછી 'જપ કેમ થાય' એવો પ્રશ્ન પૂછવો ન જોઈએ. કારણ કે નામ જ્યારે હ્રદયમાં સ્થાન લે છે ત્યારે ઉચ્ચારણની આવશ્યકતા નથી રહેતી. એ સાચું છે કે આ પ્રમાણે રામનામ જ્યારે હ્રદયસ્થ થયું છે એવો ઓછા હશે.

રામનામમાં જે શક્તિ માનવામાં આવી છે તેના વિશે મને જરાયે શંકા નથી. માત્ર ઇચ્છા કરવાથી દરેક માણસ પોતાના હ્રદયમાં રામનામ અંકિત નથી કરી શકતો. તે માટે અથાક પરિશ્રમની જરૂર છે. ધીરજની પણ આવશ્યકતા છે. રામનામને હ્રદયમાં અંકિત કરવા અખૂટ ધીરજ જોઈએ. તેમાં યુગના યુગ વહી જાય, એમ બને. અંદર અને બહાર સત્ય, પ્રામાણિકતા અને શુદ્ધિના ગુણ ન કેળવો, ત્યાં લગી રામનામનો નાદ દિલમાંથી નહીં ઊઠે.

ગાંધીવાણીઃ જે પોતાના દિલથી રામનું નામ રટે છે, તેને તપ અને સંયમ સહેલાં થઈ જાય છે

Tuesday, March 23, 2010

ભગતસિંહને બચાવવા ગાંધીજીએ પ્રયાસ કર્યો હતો?


અગ્રણી રાષ્ટ્રીય સામયિક 'ઇન્ડિયા ટુડે'એ માર્ચ-એપ્રિલ, 2008માં એક સર્વેક્ષણ કર્યું હતું. તેમાં વીસમી સદીના મહાન ભારતીયો વિશે દેશવાસીઓનો મત જાણવામાં આવ્યો હતો. તમે જાણો છો તેમાં મહાન ભારતીય તરીકે કોની પસંદગી થઈ હતી? સરદાર પટેલ? મહાત્મા ગાંધી? જવાહરલાલ નેહરુ? જયપ્રકાશ નારાયણ? ઇન્દિરા ગાંધી? રવીન્દ્રનાથ ટાગોર? કોંગ્રેસીજનોને પૂછો તો તેઓ જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જ કહે. પણ ઇન્ડિયા ટુડેના આ સર્વેક્ષણમાં તટસ્થ દેશવાસીઓએ મતદાન કર્યું હતું.
તેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, જયપ્રકાશ નારાયણ, રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવોને પાછળ પાડી 23 વર્ષની ઉંમરે હિંદુસ્તાનની આઝાદી માટે હસતાં-હસતાં ફાંસીના માંચડે ચડી જનાર ભગતસિંહની પસંદગી થઈ હતી. સર્વેક્ષણમાં 37 ટકા લોકોએ શહીદ ભગતસિંહને મહાન ભારતીય ગણાવ્યાં હતાં જ્યારે 27 ટકા મત સાથે સુભાષચંદ્ર બોઝને બીજું સ્થાન અને 13 ટકા મત સાથે મહાત્મા ગાંધીને ત્રીજું સ્થાન મળ્યું હતું. ભગતસિંહ આઝાદીની લડત દરમિયાન પણ સૌથી વધુ લોકપ્રિય ક્રાંતિકારી હતા અને આઝાદી પછી પણ સૌથી વધુ આકર્ષક શહીદ-એ-આઝમ...23 માર્ચ, 1931ના રોજ અંગ્રેજોએ સુખદેવ અને રાજગુરુ સાથે ભગતસિંહને ફાંસીના માંચડે લટકાવી દીધા ત્યારે પણ તેમની લોકપ્રિયતા ટોચ પર હતી અને આજે પણ...દર વર્ષે શહીદ દિવસ આવે છે અને એક પ્રશ્નની ચર્ચા થાય છે કે ભગતસિંહને બચાવવા ગાંધીજીએ શું કર્યું? ગાંધીજીએ ખરેખર તેમને બચાવવા પ્રયાસ કર્યો હતો?

જવાબ શોધવા ભાવનાના પ્રવાહમાં વહી ગયા વિના ઇતિહાસમાં ડોકિયુ કરવું પડે અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ રાખ્યાં વિના તેને સમજવો પડે. 7 ઓક્ટોબર, 1930ના રોજ અંગ્રેજ સરકારે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસની સજા જાહેર કરી. તે પછી તેના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઊભો થયો. સરઘસો નીકળ્યાં. અંગ્રેજ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો થયો. ક્રિમિનલ પ્રોસીજર કોડની જોગવાઈ લાગૂ કરવામાં આવી હોવા છતાં તેની ઐસીતૈસી કરીને સેંકડો લોકોની ભીડ ઠેરઠેર એકત્ર થવા લાગી. લાહોરમાં તમામ કોલેજોની કામગીરી ઠપ્પ થઈ ગઈ. પંડિત મદનમોહન માલવીયે વાઇસરૉયને પત્ર લખીને ત્રણેય જવાનિયાને આપવામાં આવેલી ફાંસીની સજાને કાળા પાણીની સજામાં બદલવાની માગણી કરી. ભગતસિંહની માતા વિદ્યાવતીએ પણ સેંકડો લોકોના હસ્તાક્ષર સાથે ફાંસીની સજા રોકવા માટે વિનંતી કરી હતી. આ સમયે સમગ્ર દેશવાસીઓની નજર ગાંધીજી પર ઠરી હતી. તેઓ તે સમયે આઝાદીની લડતના સૌથી મોટા નેતા હતા. તેઓ વાઇસરૉયને આ મુદ્દે સમજાવવાની ક્ષમતા ધરાવે છે તેવી અપેક્ષા દેશવાસીઓને હતી. પણ ગાંધીજી દ્વિધામાં હતાં.

તેઓ સશસ્ત્ર ક્રાંતિમાં માનતા આ યુવાનોને બચાવવા જિદ પર ઉતરે તો યુવાનોમાં ખોટો સંદેશ જવાનો ડર હતો. યુવા પેઢીમાં સશસ્ત્ર ક્રાંતિને પ્રોત્સાહન મળે અને સ્વતંત્ર્તા માટેનું આંદોલન ગેરમાર્ગે દોરાઈ જાય તેવી બીક તેમને હતી. તેઓ સત્ય અને અહિંસાના સિદ્ધાંતને છોડવા માગતા નહોતા. પરંતુ સાથેસાથે ગાંધીજીને લોકલાગણીની પણ ચિંતા હતા. જનજુવાળ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સાથે હતો. લોકો આ યુવાનોને ફાંસીની સજા ન થાય તેવું ઇચ્છતાં હતાં. આ ત્રણેય યુવા દેશભક્તોને બચાવવા પોતે કશું ન કર્યું તેવું લોકો ન સમજે ચિંતા ગાંધીજીને સતાવતી હતી. આ સ્થિતિમાં ગાંધીજીએ મધ્યમ માર્ગ અપનાવ્યો હોય તેવું લાગે છે.

ચોથી માર્ચ, 1931ના રોજ થયેલા ગાંધી-ઇર્વિન કરારમાં થયેલી સમજૂતીમાં તેમણે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ફાંસીની સજાના મુદ્દાને દૂર રાખ્યો. લોકો એમ ઇચ્છતાં હતાં કે ઇર્વિન આ ત્રણેય યુવાનોને ફાંસીની સજા આપવાનો ચુકાદો રદ કરે તો જ ગાંધીજી તેમની સાથે સમજૂતી કરે. પણ ગાંધીજી માટે સત્ય અને અહિંસાનો સિદ્ધાંત સર્વોપરી હતો. તેઓ ઇચ્છતાં નહોતાં કે કોંગ્રેસ સશસ્ત્ર ક્રાંતિકારીઓ સાથે કોઈ પણ રીત જોડાય. એટલે તેમણે આ મુદ્દે વાઇસરૉય પર દબાણ ન કર્યું અને અહિંસાના સિદ્ધાંત સાથે કોંગ્રેસ કોઈ બાંધછોડ નહીં કરે તેવો સંદેશ કોંગ્રેસના કાર્યકર્તાઓને અને દેશના યુવાનોને આપ્યો. પણ તેમણે વાઇસરૉય સાથે આ મુદ્દે મૌખિક વાતચીત કરી ફાંસીની સજા થોડો સમય મોકૂફ રાખવાની વાત કરી હતી. (જુઓ ગાંધીજીનો વાઇસરૉયને પત્ર) આ પત્રમાં એક એક શબ્દ ધ્યાનપૂર્વક વાંચો તો જણાશે કે ગાંધીજીને તેમની સજા માફ કરાવવામાં બહુ રસ નહોતો તેવું લાગે છે, પણ લોકલાગણીને માન આપવા અને દેશમાં શાંતિ જાળવવા માફી બક્ષવાની અપીલ કરવામાં આવી હતી. એટલું જ નહીં જો એ શક્ય ન હોય તો તેમણે ફાંસીની સજા થોડો સમય મોકૂફ રાખવાની સલાહ વાઇસરૉયને આપી હતી. આ વાતની પુષ્ટિ વાઇસરૉય ઇર્વિને પોતે તેમના સંસ્મરણોમાં કરી છે.

ઇર્વિને પોતાના સંસ્મરણોમાં ગાંધીજી સાથે થયેલી વાતચીત વિશે જણાવ્યું છે કે ''ગાંધીએ ભગતસિંહના કેસનો ઉલ્લેખ કર્યો હતો.....તેમણે ફાંસીની સજામાં ફેરફાર કરવાની વાત કરી નહોતી. પણ વર્તમાન પરિસ્થિતિમાં થોડા સમય માટે સજાને સ્થગિત કરવાની વાત ચોક્કસ કરી હતી.'' ફાંસીની સજાના ચાર દિવસ અગાઉ 19 માર્ચના રોજ ઇર્વિન બહુ સ્પષ્ટપણે લખે છે કે ''ગાંધીએ કહ્યું કે આ નવયુવાનોને ફાંસીની સજા કરવામાં આવશે તો તેઓ રાષ્ટ્રીય શહીદ થઈ જશે અને વાતાવરણ ઉગ્ર બની જશે. ....ગાંધીએ કહ્યું કે તેમને બહુ ડર લાગે છે....મેં કહ્યું કે મને દુઃખ છે. ફક્ત ત્રણ વિકલ્પ શક્ય હતા. પહેલો, ફાંસીની સજા કરવામાં આવે. બીજો, તેને થોડો સમય ટાળવામાં આવે અને ત્રીજો, કોંગ્રેસનું કરાંચી અધિવેશન પૂર્ણ થઈ જાય ત્યાં સુધી ફાંસી અટકાવી દેવામાં આવે. પણ મેં આ કેસને પારખ્યો છે. હું નિર્ણય ફેરવી શકું તેમ નથી.''

ભગતસિંહની લોકપ્રિયતા વધતી જતી હતી. તેમને ફાંસીના માંચડે લટાકાવ્યાં પછી દેશમાં અશાંતિ ફેલાવવાનો જેટલો ડર ગાંધીજીને હતો તેના કરતાં પણ વધારે બીક અંગ્રેજ સરકારને હતી. આ કારણે જ અંગ્રેજોએ લાહોર સેન્ટ્લ જેલમાં તેમણે 24 માર્ચ, 1931ના રોજ સવારે સાત વાગે ફાંસી આપવાને બદલે 23 માર્ચ, 1931ના રોજ સાંજે સાત વાગે જ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીના માંચડે લટકાવી દીધા.....

ચલતે-ચલતેઃ ફાંસની સજાના બે કલાક અગાઉ ભગતસિંહને તેમના વકીલ પ્રાણનાથ મેહતા મળવાં આવ્યાં હતાં. મેહતાએ પૂછ્યું, ''ભગત, તું કેમ છે?'' ભગતસિંહે કહ્યું, ''હંમેશની જેમ ખુશ છું.'' મેહતાએ કહ્યું, ''તારી અંતિમ ઇચ્છા શું છે?'' ભગતસિંહે કહ્યું, ''ફરી આ જ માતૃભૂમિમાં જન્મ લેવા માગું છું જેથી તેના ચરણોમાં સેવા સમર્પિત કરી શકું.''

ગાંધીજીનો વાઇસરૉયને પત્ર


1, દરિયાગંજ, દિલ્હી
માર્ચ 23, 1931

પ્રિય ભાઈ,

આ પત્ર આપને માથે મારવામાં ઘાતકીપણું તો છે, પણ છેલ્લી અપીલ હું આપને કરું તે સુલહેશાંતિ માટે આવશ્યક છે. ભગતસિંહ અને એમના બે સાથીઓને થયેલી મૃત્યુદંડની સજા સાવ માફ કરો એવી કોઈ આશા નથી એવું આપ મને નિખાલસતાપૂર્વક કહ્યું જ હતું, છતાં શનિવારે મેં આપની આગળ જે રજૂઆત કરી, તે પર વિચાર કરવાનું પણ આપે કહેલું. ડૉ. સપ્રુ મને કાલે મળ્યા હતા. ને કહેતા હતા કે આ બાબત અંગે આપ ચિંતિત છો, તથા તેના યોગ્ય ઉકેલ માટે આપના મનમાં મથામણ ચાલી રહી છે. જો આ વિષયની પુનર્વિચારણાને સહેજ પણ અવકાશ હોય તો નીચેના મુદ્દા તરફ આપનું ધ્યાન ખેંચવા માગું છું.

સાચો હોય કે ખોટો હોય, લોકમત માફીની તરફેણમાં છે. કોઈ સિદ્ધાંત જોખમાતો ન હોય તો લોકમતને માન આપવું એ ઘણી વાર કર્તવ્ય બની રહે છે.

વર્તમાન કિસ્સામાં સંજોગો એવા છે કે જો માફી બક્ષવામાં આવે તો દેશની અંદર શાંતિ સ્થાપવામાં મદદ થાય એવો ભારે સંભવ છે. જો ફાંસી દેવાશે તો તો સુલેહશાંતિ બેશક જોખમમાં છે જ.

આ જિંદગીઓ બચાવવામાં આવે તો પોતાની પ્રવૃત્તિઓ અટકાવી દેવાની ક્રાંતિકારી દળે મને ખાતરી આપી છે એવી માહિતી હું આપને આપી શકું છું, તે જોતાં ક્રાંતિદળ ખૂનરેજી અટકાવે ત્યાં સુધી મૃત્યુની સજા મોકૂફ રાખવાનું આપનું અનિવાર્ય કર્તવ્ય બને છે.

આજ પહેલાં પણ રાજકીય ખૂનો માફ થયેલાં છે. આ લોકોની જિંદગી બચાવવાથી બીજી અનેક નિર્દોષ જિંદગીઓ બચી જવાનો સંભવ હોય, અને કદાચ ક્રાંતિવાદીઓના ગુના પણ લગભગ નાબૂદ થાય એમ હોય તો તેમ કરવું વધારે સારું છે.

શાંતિના પક્ષમાં મારી જે કંઈ અસર પડે છે તેની આપ કદર કરો છો તો કૃપા કરીને, વિનાકારણ મારું કામ જે અત્યારે જ ઘણું મુશ્કેલ છે તેને ભવિષ્ય માટે વધુ મુશ્કેલ, લગભગ અશક્ય ન બનાવી દેશો.

ફાંસી દીધા પછી ન દીધી થઈ શકતી નથી. આ બાબતમાં ભૂલ થઈ શકે છે એવો આપને સહેજ પણ અંદેશો હોય તો મારી આપને આગ્રહપૂર્વક વિનંતી છે કે જે પગલું ઉઠાવ્યા પછી પાછું વાળી શકાતું નથી તેને વધુ વિચારણા માટે હાલ મોકૂફ રાખવું.

રૂબરૂ મળવાનું આવશ્યક હોય, તો હું આવી શકીશ. જોકે હું બોલીશ નહીં, (સોમવારે ગાંધીજીને મૌનવાર હતો), પરંતુ સાંભળીશ અને મારે જે કહેવું હશે તે લખીને આપીશ.

''ઉદારતા કદી નિષ્ફળ જતી નથી.''

આપનો
સહ્રદયી મિત્ર

Monday, March 22, 2010

ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ આગળ મારું શિર ઝૂકે છેઃ સરદાર પટેલ


નવજવાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે, તેથી દેશને પારવાર ઉકળાય થયો છે. ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ, હિંમત અને બલિદાન આગળ મારું શિર ઝૂકે છે. આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશનિકાલની સજા કરવામાં આવે એવી લગભગ આખા દેશની માગણી હોવા છતાં સરકારે એમને ફાંસી દઈ દીધી છે, એ હાલનું રાજતંત્ર કેટલું હ્રદયશૂન્ય છે એ પ્રગટ કરે છે.

પણ ઉકળાટ અને આવેશમાં આપણે આપણા ધ્યેયથી ચલિત ન થવું જોઈએ. આ આત્મહીન કાષ્ઠવત્ ચાલતા રાજતંત્રની સામે આપણે જે ભયંકર તહોમતનામું ઘડેલું છે, તેમાં હથિયાર ઉપર અવલંબેલી એની સત્તાનું આ તાજું, ઉદ્ધત પ્રદર્શન વધારો કરે છે. એ બહાદુર દેશભક્તોના આત્માને પ્રભુ શાંતિ આપો અને પોતાના દુઃખ અને શોકમાં આખો દેશ સહભાગી છે એ જ્ઞાનથી તેમના કુટુંબનું કંઈક સમાધાન થાઓ.

(1931માં કરાંચી કોંગ્રેસના પ્રમુખસ્થાનેથી આપેલા ભાષણમાંથી, પુસ્તક સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર, ભાગ-1, લેખકઃ યશવંત દોશી, પ્રકાશનઃ નવજીવન પ્રકાશન મંદિર)

Sunday, March 21, 2010

बलिदान से पहेले साथियों को अन्तिम पत्र


साथियों,

स्वाभाविक है जीने की इच्छा मुझमें भी होनी चाहिए, मैं इसे छिपाना नहीं चाहता. लेकिन मैं एक शर्त पर जिन्दा रह सकता हूं, कि मैं कैद होकर या पाबन्द होकर जीना नहीं चाहता.

मेरा नाम हिन्दुस्तानी क्रान्ति का प्रतीक बन चुका है और क्रान्तिकारी दल के आदर्शो और कुर्बानियों ने मुझे बहुत ऊंचा उठा दिया है-इतना ऊंचा कि जीवित रहने की स्थिति में इससे ऊंचा मैं हर्गिज नहीं हो सकता.

आज मेरी कमजोरीयॉं जनता के सामने नहीं है. अगर मैं फॉंसी से बच गया तो वे जाहिर हो जायेंगी और क्रान्ति का प्रतीक-चिह्न मद्विम पड जायेगा या सम्भवतः मिट ही जाये. लेकिन दिलेराना ढंग से हंसते-हंसते मेरे फॉंसी चढने की सूरत में हिंन्दुस्तानी माताएं अपने बच्चों के भगतसिंह बनने की आरजू किया करेंगी और देश की आजादी के लिए कुर्बानी देनेवालों की तादाद इतनी बढ जायेगी कि क्रान्ति को रोकना साम्राज्यवाद या तमाम शैतानी शक्तियों के बूते के बात नहीं रहेंगी.

हॉं, एक विचार आज भी मेरे मन में आता हैं कि देश और मानवता के लिए जो कुछ करने की हसरतें मेरे दिल में थीं, उनका हजारवॉं भाग भी पूरा नहीं कर सका. अगर स्वतन्त्र, जिन्दा रह सकता तब शायद इन्हें पूरा करने का अवसर मिलता और में अपनी हसरतें पूरी कर सकता.

इसके सिवाय मेरे मन में कभी कोई लालच फॉंसी से बचे रहने का नहीं आया. मुझसे अधिक सौभाग्यशाळी कौन होगा? आजकल मुझे स्वयं पर गर्व है. अब तो बडी बेताबी से अन्तिम परीक्षा का इन्तजार है. कामना है कि यह और नजदीक हो जाये.

आपका साथी,
भगतसिंह
(भगतसिंह ने फांसी पर चढने से पहेले अपने साथीयों को लिखा आखरी पैगाम जो उन्हों ने 22 मार्च, 1931 को लिखा था...)

Saturday, March 20, 2010

'માય નેમ ઇઝ ખાન': મુસ્લિમ યુવાનોને આતંકવાદી બનાવવા માટેનું બ્રહ્માસ્ત્ર..


દોસ્તો, ધારો કે તમે ઇસ્લામ ધર્મમાં માનતા નેક બંદા છો. તમે અલ્લાહતાલાને માનો છો અને પાંચ વખત નમાઝ અદા કરો છો. માનવતાની મહેંક ફેલાવવી તમારો ધર્મ છે. પણ તમે જાણો છો કે તમારા સમાજમાં કેટલાંક કહેવાતાં ધાર્મિક સંગઠનો અમાનવીય આતંકવાદી હરકતોમાં સંકળાયેલા છે. આ ત્રાસવાદી મુલ્લા-મૌલવીઓ ઇસ્લામનો ઝંડો આખી પૃથ્વી પર લહેરાવવા માગે છે અને આ માટે દિશાહીન મુસ્લિમ યુવાનોની ભરતી કરે છે. 'ઇસ્લામ ખતરે મેં હૈ' જેવા જૂઠ્ઠાણાં ફેલાવી તેઓ આ યુવાનોનો માનવબોંબ તરીકે ઉપયોગ કરીને આખા જગતમાં નિર્દોષ લોકોના લોહીની નદી વહાવે છે. આવા સમયે મુસ્લિમ યુવાનોને અધર્મી મુલ્લા-મૌલવીઓની જાળમાં ફસતાં બચાવવા શું કરવું જોઈએ? આ પ્રશ્ન તમને કોઈ પૂછે તો તમે શું કહો?

તમે જ નહીં, પણ અલ્લાહનો દરેક નેક બંદો કહેશે કે, આ યુવાનોને એકવીસમી સદીમાં ધર્મનિરપેક્ષ સમાજમાં હળીમળીને કેવી રીતે રહેવું તે સમજાવવાની જરૂર છે. તેમને ઇસ્લામના આધુનિક અર્થઘટનથી વાકેફ કરાવવાની જરૂર છે. પણ તેના બદલે શું થઈ રહ્યું છે? ઇસ્લામના આવા વિદ્વાન બિરાદરો આ પ્રકારના પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે મુસ્લિમ યુવાનો પર અસર ધરાવતા કોંગ્રેસીજનોનો સુપરસ્ટાર શાહરૂખ ખાન શું કરી રહ્યો છે?

મીડિયા એટલે કે પ્રસાર માધ્યમોમાં પ્રસિદ્ધ થતાં સમાચારોને આધારે જ તમે તમારું મંતવ્ય ઘડતાં હોય તો ચોક્કસ કહેશો કે તે આજના આધુનિક ઇસ્લામનો ચહેરો છે. પણ આ વાત બિલકુલ ખોટી છે, ખોટું અર્થઘટન છે. હકીકતમાં મુસ્લિમ યુવાનોને આતંકવાદી બનાવવા ઉશ્કેરવાનું જે કુકૃત્ય રૂઢિચુસ્ત મુલ્લા-મૌલવીઓ કરી રહ્યાં છે તે જ કામ સ્વયંપ્રસ્થાપિત સુપરસ્ટાર શાહરૂખ મિયા કરી રહ્યાં છે. કેવી રીતે? તેનું તાજું ઉદાહરણ શાહરૂખ ખાનની તાજેતરમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ 'માય નેમ ઇઝ ખાન' છે. આ ફિલ્મ ભારતમાં ફ્લોપ ગઈ છે, પણ આતંકવાદી સંગઠનોની છાવણીમાં સુપરડુપર હિટ સાબિત થઈ છે. (મીડિયામાં આ ફિલ્મ હિટ લખવામાં આવે છે, પણ આ વાત સંપૂર્ણપણે ખોટી છે)

આ ફિલ્મ અમેરિકામાં 9/11 હુમલા પછી ત્યાંના સમાજમાં મુસ્લિમો પ્રત્યે બદલાયેલો અભિગમ રજૂ કરે છે. આ અભિગમ એટલે? અમેરિકામાં મુસ્લિમોની હાલત બહુ ખરાબ છે. નિર્દોષ મુસ્લિમોને પણ અમેરિકન તપાસ એજન્સીઓ આતંકવાદી કે આતંકવાદી સંગઠનોના સાગરિત ગણીને હેરાન-પરેશાન કરે છે. હકીકતમાં 9/11 હુમલા પછી મીડિયામાં અમેરિકામાં મુ્સ્લિમોને હેરાન-પરેશાન થઈ રહ્યાં છે તેવા સમાચારોમાં સચ્ચાઈ કરતાં અતિરેક હતો. આ ફિલ્મમાં શાહરૂખે એવો સંદેશ આપ્યો છે કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી. પણ આપણા બુદ્ધિશાળી અંગ્રેજી પત્રકારો અને કેટલાંક ગુજરાતી કલમખોરો તેની પાછળનો અધ્યાહાર ન સમજી શક્યાં. હકીકતમાં આ ફિલ્મે પોઝિટિવ નહીં પણ નેગેટિવ સંદેશ આપ્યો હતો. તેનો સાચો અને સંપૂર્ણ સંદેશ એ હતો કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી, તેમ છતાં મુસ્લિમોને આખું જગત હેરાન-પરેશાન કરી રહ્યું છે. ઇસ્લામની અધકચરી સમજણ ધરવાતા કોઈ પણ મુસ્લિમ યુવાનને આ ફિલ્મ દેખાડીને આતંકવાદી બનાવવો બહુ મુશ્કેલ કામ નથી અને એ જ થઈ રહ્યું છે. હા, દોસ્તો, 'માય નેમ ઇઝ ખાન' ફિલ્મનો ઉપયોગ અત્યારે આતંકવાદી છાવણીઓમાં મુસ્લિમ યુવાનોની ભરતી કરવા માટે થઈ રહ્યો છે. તેનો પુરાવો છે 'પેપ્સી બોમ્બર' બશીર અહેમદ બાબાની કબૂલાત.

બાબાએ ગુજરાત એટીએસ (આતંકવાદ વિરોધી ટુકડી) સમક્ષ આ વાતની કબૂલાત કરી છે. આતંકવાદી સંગઠનોની આ વ્યૂહરચના ખોટી પણ નથી. અધકચરી સમજણ ધરાવતા કોઈ પણ યુવાનનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવો બહુ અઘરી વાત નથી. હકીકતમાં કટ્ટર અને ધર્માંધ મુલ્લા-મૌલવીઓ મુસ્લિમ યુવાનોની લાગણી સાથે જે રમત રમે છે તેવી જ રમત શાહરૂખ બીજી રીતે રમ્યો છે. બંનેએ કામ તો એક જ કર્યું છે-મુસ્લિમ યુવાનોને ઉશ્કેરવાનું અને આતંકવાદી બનવા પ્રોત્સાહન આપવાનું. ધર્મ અને જાતિનો મામલો બહુ સંવેદનશીલ છે અને મોટા ભાગની સંવેદનશીલ બાબતમાં નિર્દોષ અને ભોળી પ્રજા છેતરાઈ જાય છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કોંગ્રેસના મુસ્લિમ ચહેરા શાહરૂખે ખરેખર આતંકવાદી સંગઠનોનું કામ સરળ કરી દીધું નથી?

Wednesday, March 17, 2010

હુસૈનના ચિત્રોમાં નગ્નતા છે કે અશ્લીતતા? હુસૈનના ચિત્રોમાં વિચારોનું દર્શન થાય છે કે વિકૃતિનું?

સર્વોચ્ચ પ્રકારની સ્વતંત્રતામાં ભારેમાં ભારે પ્રમાણમાં શિસ્ત અને નમ્રતા હોય છે. શિસ્ત અને નમ્રતા દ્વારા મળેલી સ્વતંત્રતાનો કોઈ ઈન્કાર કરી શકે નહીં. નિરંકુશ સ્વચ્છંતા એ પોતાને અને પોતાના પડોશીઓને નુકસાન કરનાર અસભ્યતાની નિશાની છે.- મહાત્મા ગાંધી, યંગ ઇન્ડિયા, 3-6-23, પૃષ્ઠ 203

અધિકાર અને ફરજ એક જ સિક્કાની બે બાજુ છે. અધિકારનો ઉપયોગ કરવો હોય તો ફરજનું ભાન હોવું જોઈએ. અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર પણ તેમાંથી બાકાત નથી. તમે તમારા વિચારોને અભિવ્યક્ત કરો છો ત્યારે તેનાથી સમાજમાં દ્વૈષભાવ ન ફેલાય, આંતરકલહ ન થાય તેનો સવિશેષ ખ્યાલ રાખવો જોઈએ. આપણા કોઈ વિચારની અભિવ્યક્તિથી સમાજમાં વેરઝેર વધતું હોય તો આપણી ફરજ શું છે? આપણને ખબર ન પડતી હોય ત્યારે આપણે કોઈ પણ ધર્મના નેક બંદાને પૂછીએ તો તે પ્રેમથી કહેશે કે ભાઈ, તારા વિચારવાયુથી સમાજમાં આંતરકલહ વધતો હોય અને નિર્દોષ માણસોને ભોગ બનવું પડતું હોય તો તેના પર બ્રેક માર ને.

અહીં મેં તમારી સમક્ષ હુસૈનની કારીગરીના કેટલાંક નમૂના રજૂ કર્યાં છે. આ નમૂના મને મિત્રોએ મોકલ્યાં છે.
આ નમૂનામાં દુર્ગા માતાને વાઘ સાથે, માતા લક્ષ્મીને નગ્ન અવસ્થામાં ગણેશજી સાથે કેવી રીતે ચિતરવામાં આવ્યાં છે તે જુઓ. માતા સરસ્વતીને નગ્ન સ્થિતિમાં વીણા વગાડતાં દેખાડવામાં આવ્યાં છે. પાર્વતી દેવીને નગ્ન ચિતરવામાં આવ્યાં છે. આ ચિત્રોનું વર્ણન કરતાં પણ શરમ આવે તે રીતે હિંદુ દેવીદેવતાઓ પરના પોતાના વિચારોને હુસૈને રજૂ કર્યાં છે. હવે જુઓ મિયા હુસૈને પયગંબરની દિકરી ફાતિમા, જેને તેમણે દોઢ વર્ષની વયે ગુમાવી દીધા છે તે માતા, મધર ટેરેસા, પોતાની પુત્રી અને મુસ્લિમ મહિલા પર તેમણે તેમના વિચારોની અભિવ્યક્તિ કેટલી શિષ્ટતા અને શાલીનતા સાથે કરી છે....બુદ્ધિશાળી લોકોની સમજણ પણ કેટલી ગણતરીવાળી હોય છે!

મિત્રો, કથિત બુદ્ધિજીવીઓ આપણા અનેક પ્રાચીન મંદિરોમાં મિથુન શિલ્પો અને અનેક સંપ્રદાયના સ્થાપકોની નગ્ન પ્રતિમાઓ હોવાની વાત કરશે. પણ દોસ્તો, નગ્નતા અને અશ્લીતતા વચ્ચે ફરક છે. આપણે ત્યાં નગ્નતા પવિત્ર છે. તે મોટા ભાગે ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલી છે અને નગ્ન રહેતાં લોકોને પણ આપણે મોટા ભાગે નાગા નહીં પણ દિગંબર કહીએ છીએ. નગ્નતા શરમજનક, અસભ્ય કે ચિતરી ચડે તેવી ન હોય. તેમાં કોઈ સંપ્રદાય, ધર્મ કે સમાજને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નુકસાન પહોંચાડવાની ભાવના ન હોય. જ્યારે અશ્લીતતા એટલે બોલતા, સાંભળતા કે જોતાં શરમ આવે તેવી અભિવ્યક્તિ. તેનાથી સમાજમાં અંતરકલહ વધે છે, દ્વૈષ વધે છે, વેરઝેર વધે છે. ભારતીય સંસ્કૃતિમાં તમને નગ્નતા જોવા મળશે, કામરસનું દર્શન કરાવતાં મિથુન શિલ્પો જોવા મળશે પણ તેમાં અશ્લીતતા નથી.

દોસ્તો, હવે તમારે જ નક્કી કરવાનું છે કે હુસૈને હિંદુ દેવી-દેવતાઓના જે ચિત્રો દોર્યા તે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે કે પછી સ્વચ્છંદતા? તેમાં તમને નગ્નતા દેખાય છે કે અશ્લીતતા? ભારતીય પ્રાચીન મિથુન શિલ્પોમાં પવિત્રતા છે પણ શું હુસૈનના ચિત્રોમાં તમને પવિત્રતાનો અહેસાસ થાય છે? તેમાં તમને સુવિચાર દેખાય છે કે વિકૃતિના દર્શન થાય છે?

ચલતે-ચલતેઃ કોમનસેન્સ ઇસ નોટ કોમન અર્થાત્ સામાન્ય બુદ્ધિ કે સમજણ ખરેખર સામાન્ય હોતી નથી-આલ્બર્ટ આઇન્સ્ટાઇન.

Friday, March 12, 2010

ભગવાનને ઝોકું આવી ગયું અને માંકડું ઘડતાં ઘડતાં માણસ સર્જાઈ ગયો....


કોઈ પણ મુદ્દે ચર્ચાવિચારણા થાય તે અત્યંત સારી બાબત છે. બે કે તેથી વધારે વ્યક્તિ વચ્ચે નિખાલસપણે ચર્ચા થાય તો તેનો ફાયદો ચર્ચાવિચારણામાં ભાગ લેનાર બધાને થાય છે. નવી માહિતી અને નવા દ્રષ્ટિકોણ જાણવા મળે છે. કોઈના મનમાં ખોટી કે અપૂરતી માહિતી હોય તો તેના કારણે બંધાયેલો ખોટો દ્રષ્ટિકોણ દૂર થાય છે. વિચાર અને સમજણનું ફલક વિસ્તરે છે. પણ મુદ્દો એ છે કે કોઈ વ્યક્તિ તમને ચર્ચાવિચારણામાં ખેંચીને પોતે કેટલો માહિતીસભર છે, ‘હું જ સાચો છું, મારા જેવું બીજું કોઈ નહીં નથી’ તેવું સાબિત કરવા માગતી હોય ત્યારે શું કરવું?

તમને આ પ્રકારની વ્યક્તિ ભૂલથી ભટકાઈ જાય તો પ્રેમથી તેને નમસ્કાર કરવા અને તેનાથી દૂર રહેવું. જેમ અધુરો ઘડો છલકાય છે તેમ માહિતીના મહાસાગરમાં ડૂબકી મારીને જ્ઞાનરૂપી મોતી મેળવવાના ભ્રમમાં ભટકતી આ પ્રકારની વ્યક્તિઓ તમને ચર્ચામાં ખેંચવા પ્રયાસ કરશે. જ્ઞાનને માહિતી અને માહિતીને જ્ઞાન સમજનારા આવા ભાગતા ભૂતોની આ દુનિયામાં કમી નથી. ગૂજરાત વિદ્યાપીઠમાં મારા સાહેબ અશ્વિનભાઈ ચૌહાણ બહુ સરસ વાત કહેતાં કે, ‘‘જ્ઞાની તો સદીઓમાં એક પાકે છે, બુદ્ધને જ્ઞાન થયું હતું, ગાંધીને જ્ઞાન થયું હતું, મહાવીરને જ્ઞાન થયું હતું.’’ તેમની વાત આગળ વધારું તો મારે કહેવું છે કે, ‘‘અને માહિતીને જ્ઞાન સમજતાં અધાગધા ઠેરઠેર જોવા મળે છે.’’

માહિતીનો ભાર માથે લઈને ભાગમભાગ કરતાં મોટા માથાવાળા આવા ભૂતોને સાથ આપનારા ભૂતડાભૂતડીઓ પણ મળી જશે. તેઓ પણ આગેવાન ભૂતને સાથ આપીને તમને ચર્ચામાં ખેંચવાનો પ્રયાસ કરશે. એક સમયે તમે આ ભૂતવૃંદને જવાબ આપવા ઉશ્કેરાઈ પણ જશો. પણ તે સમયે તમારે વિચારવાનું છે કે તમારા મન પર કોનો સંયમ છે? તમારો પોતાનો કે ભૂતવૃંદનો? તમે જાણો છો કે આ પાગલ ટોળકી સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી અને તે તમારું દ્રષ્ટિબિંદુ સમજશે જ નહીં. ચર્ચાવિચારણાનો હેતુ કોઈને નીચે દેખાડવાનો હોતો નથી કે અન્ય લોકો કરતાં હું સર્વશ્રેષ્ઠ છું તેવું સાબિત કરવાનો નથી હોતો. પણ આગેવાન ભૂત તો દરેક જગ્યાએ પોતાનો કક્કો જ ખરો સાબિત કરવા માગતો હોય છે. ત્યારે શું કરવું?

ધૈય રાખો. સંયમ જાળવો. ચૂપચાપ તમારું કામ કરો. તમારી શક્તિ હકારાત્મક માર્ગે ઉપયોગ કરવા માટે છે, નિરર્થક ચર્ચામાં વેડફવા માટે નહીં. કોઈ વ્યક્તિ પોતાને નંબરવન તરીકે પ્રસ્થાપિત કરવા સતત પ્રયાસ કરે છે તો તેને કરવા દેવો. આપણે તેની સાથે કૂદકાં ન મારવા કે તેણે મારવા ન જોઈએ એવી વણમાગી સલાહ પણ ન આપવી. માર ભાઈ, તારામાં તાકાત હોય એટલા કૂદકાં માર. ભગવાનથી પણ ભૂલ તો થાય છે. કદાચ તેને ઝોકું આવી ગયું હશે અને માંકડું ઘડતાં ઘડતાં માણસ સર્જાઈ ગયો....

ચલતેચલતેઃ મિત્રો મને આવી ચર્ચામાં કૂદવાનું કહે ત્યારે તેમની વાત ન માનવાનું દુઃખ થાય છે, પણ શું કરું દિલ હૈ કિ માનતા નહીં...

Wednesday, March 10, 2010

હિંદુ કોણ?


હું કોઈ ઇતિહાસવેત્તા નથી. ઝાઝા પાંડિત્યનો અથવા ભારે વિદ્વત્તાનો મારો દાવો નથી. પરંતુ હિંદુ ધર્મ વિશેના એકાદ પ્રમાણભૂત ગ્રંથમાં મેં વાંચ્યું છે કે હિંદુ શબ્દ વેદમાં મળતો નથી મહાન સિંકદરે હિંદ પર ચઢાઈ કરી ત્યારે સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને હિંદુ કહીને ઓળખવામાં આવતા હતા.

તમે સૌ જાણો છો કે હિંદુ ધર્મ સૌથી વધારે સહિષ્ણુ ધર્મ છે. જુલમથી ત્રાસીને ભાગી છૂટેલા પ્રાચીન ખ્રિસ્તીઓને તેણે આશ્રય આપ્યો હતો. બની-ઈઝરાયેલના અનુયાયી યહૂદીઓને પણ તેણે આશરો દીધો હતો અને ઈરાનથી એવા જ જુલમથી ત્રાસીને ભાગી નીકળેલા પારસીઓને પણ તેણે જ સંઘર્યા હતા. આવો જ ધર્મ પોતાની વ્યવસ્થામાં સર્વને સમાવી લેવાને હંમેશા તત્પર છે અને અને જે ધર્મ સહિષ્ણુતાની હંમેશ હિમાયત કરતો આવ્યો છે તે હિંદુ ધર્મના અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે. આર્ય વિદ્વાનો પોતે જેને વૈદિક ધર્મ કહીને ઓળખાવે છે તેને વરેલા છે અને હિંદુસ્તાનનું આર્યાવર્ત છે એમ આગ્રહપૂર્વક જણાવે છે. એવી વિદ્વત્તાની અથવા એવો આગ્રહ રાખવાની મને જરાયે આકાંક્ષા નથી. મારી કલ્પનાનું હિંદુસ્તાન મારે માટે પૂરતું છે અને તે નામથી મને પૂરતું સમાધાન છે.

હું પોતાને સનાતની હિંદુ કહેવડાવું છું, કારણ કે હું વેદો, ઉપનિષદો, પુરાણોને અને ધર્મસુધારક સંતોની વાણીને માનું છું. હિંદુ સમાન મને સનાતની હિંદુ તરીકે સ્વીકારે ત્યાં સુધી હું પોતાને સનાતની હિંદુ કહું છું. વહેવારની ભાષામાં કહીએ તો જે ઇશ્વરને, આત્માના અમરત્વને, પુનર્જન્મને, કર્મના નિયમને અને મોક્ષને માને છે, જે નિત્ય વ્યવહારમાં સત્ય અને અહિંસાનું આચરણ કરે છે અને તેથી વિશાળ અર્થમાં ગોરક્ષા કરે છે, અને જે વર્ણાશ્રમ વ્યવસ્થા અનુસાર કર્મ કરે છે, તે હિંદુ છે.

જો મને કોઈ હિંદુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહે તો હું એટલો જ જવાબ આપું કે હિંદુ ધર્મ એટલે અહિંસક સાધનો દ્વારા સત્યની શોધ. કોઈ માણસ ઈશ્વરને ન પણ માનતો હોય છતાં તે પોતાની જાતને હિંદુ કહેવડાવી શકે છે. મક્કમપણે સત્યની ખોજ કર્યા જ કરવી એનું નામ હિંદુ ધર્મ.

ગાંધીગંગાઃ સૂર્ય તપે ત્યાં સુધી હિંદુ ધર્મ જીવતો રહેશે. એક જ દુહામાં તુલસીદાસે હિંદુ ધર્મનો નિચોડ આપી દીધો છે કે 'દયા ધર્મકો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છોડીએ જબ લગે ઘટમેં પ્રાન.'

એમ એફ હુસૈન, તસ્લિમા અને દંભી ધર્મનિરપેક્ષોની દોરંગી દુનિયા...


છેલ્લાં બે અઠવાડિયામાં બે ઘટનાઓ એવી બની જેમાં દંભી ધર્મનિરપેક્ષોના ચહેરા પરથી નકાબ ઉતરી ગયો. તમે આ બંને ઘટનાઓ પર થોડું મંથન કરશો તો ભારતમાં ધર્મનિરપેક્ષતાનો ઝંડો લઈને ફરતાં કથિત બુદ્ધિજીવીઓની વિકૃત માનસિકતાનો ચિતાર મળી જશે. સૌ પહેલાં દંભી ધર્મનિરપેક્ષોના મનપસંદ ચિત્રકાર મકબૂલ ફિદા હુસૈન અર્થાત્ એમ એફ હુસૈનની વાત કરીએ.

હુસૈન મિયાએ છેવટે કતારની નાગરિકતા સ્વીકારી કરી લીધી અને ભારતનો પાસપોર્ટ સુપ્રત કરી દીધો. તેમણે કતારના રાજવંશે નાગરિકતાની ઓફર કરી હોવાનો ઘટસ્ફોટ ચેન્નાઈથી પ્રકાશિત થતા અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'એ કર્યો હતો. તેની જાણકારી મળતાં જ દેશભરમાં સ્વયંપ્રસ્થાપિત બુદ્ધિજીવીઓએ નિસાસા મૂકવાનું શરૂ કરી દીધું હતું. આ લોકો અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની દુહાઈ દઈ હુસૈનસાહેબને હેમખેમ ભારત પાછાં લઈ આવવાની વણમાગી સલાહ પણ સરકારને આપતાં હતાં. મુસ્લિમોની રીઝવવાની એક પણ તક જતી ન કરનાર મનુજીની સરકારે પણ હુસૈન મિયાને સ્વદેશ પાછાં ફરવાની વિનંતી કરી હતી. કેન્દ્ર સરકારે હુસૈન મિયાને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી હતી.

હવે આ જ સરકાર અને આ જ ધર્મનિરપેક્ષ બુદ્ધિધનોનું વલણ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના અધિકારને જ લગતી એક બીજી ઘટનામાં કેવું હતું તે જુઓ. આ ઘટના બાંગ્લાદેશના બહાદુર કટ્ટર મુલ્લા-મૌલવીઓ જેનું શિર કલમ કરવાનો ફતવો બહાર પાડ્યો છે તે લેખિકા તસ્લિમા નસરિન સાથે સંબંધિત છે. વાત એમ છે કે તસ્લિમાએ વર્ષ 2007માં બુરખા પ્રથાનો વિરોધ કરતો એક લેખ લખ્યો હતો. કર્ણાટકના કન્નડ અખબાર 'પ્રભા'એ આ લેખનો કન્નડ અનુવાદ ગયા રવિવારે પ્રકાશિત કર્યો હતો. તેના વિરોધમાં કર્ણાટકના કટ્ટર મુસ્લિમોના ટોળેટોળાં અખબારની ઓફિસ પર તૂટી પડ્યાં. પેટ્રોલ બોંબ ફેક્યા. મન મૂકીને તોડફોડ કરી પણ અભિવ્યક્તિની આઝાદીનો ઝંડો લઈને ફરતાં કથિત ધર્મનિરપેક્ષ તત્વો ક્યાંય દેખાયા નહીં.

એટલું જ નહીં અભિવ્યક્તિની સ્વતંત્ર્તાના નામે હિંદુ દેવીઓના નગ્ન ચિત્રો દોરનાર હુસૈન મિયાને ભારતમાં સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપનાર મનુજીની સરકારે તસ્લિમાની અભિવ્યક્તિની સ્વતંત્ર્તાના મુદ્દે એક હરફ સુદ્ધાં ન ઉચ્ચાર્યો. કદાચ મુસ્લિમ મતબેંક નારાજ થઈ જવાની બીક લાગતી હશે. તમને જાણીને નવાઈ લાગશે કે કન્નડ અખબાર પ્રભામાં પ્રકાશિત થયેલા લેખ વિશે મુસ્લિમ મુલ્લા-કઠમુલ્લાઓને જાણકારી આપીને ઉશ્કેરનાર એક ઉર્દૂ દૈનિક 'સિયાસત' છે, જેની કર્ણાટક આવૃત્તિનું સંચાલન બીજું કોઈ નહીં પણ સોનિયા ગાંધીની ધર્મનિરપેક્ષ કોંગ્રેસના નેતા રોશન બેગ કરે છે.

(કુ)ચિત્રકાર હુસૈનને બચાવવા ચાર પગે થઈ જતાં ધર્મનિરપેક્ષો તસ્લિમાની બાબતે આગળ કેમ ન આવ્યાં? હુસૈનના પક્ષમાં ધર્મનિરપેક્ષોનું ચાર પગે થવું અને તસ્લીમાના મામલે ચૂપકીદી સેવવી, તેનો શું અર્થ છે? તમે વિચાર કરો કે હુસૈન મામલે હિંદુ સંગઠનોનો જંગલીઓનું ટોળું સમૂહ કહેનાર આ ધર્મનિરપેક્ષોની જમાત કન્નડ અખબાર પર હુમલો કરનાર કટ્ટર મુસ્લિમોના ટોળા વિશે એક હરફ સુદ્ધાં ઉચ્ચારતી નથી. દલિતો અને મુસ્લિમોના બચાવમાં ચાર પગે થઈ જનારા અને કથિત બુદ્ધિજીવીઓની જમાતમાં ગુજરાતમાં પણ નાનીસૂની નથી. છેલ્લાં થોડા સમયથી આવા (કુ)બુદ્ધિજીવીઓ અને તેમના ચમચા-ચમચીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે....

Monday, March 8, 2010

રાહુલ મહાજન કા સ્વયંવરઃ 21મી સદીમાં 10મી સદીના વિચારો...


'તે ત્રણેય છોકરીઓ મને પ્રેમ કરે છે, પણ હું જેને પ્રેમ કરું છું તેની સાથે લગ્ન કરીશ.' આ શબ્દો છે ભાજપના ભૂતપૂર્વ ખજાનચી સ્વ. પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજનના. તે સપૂત છે કે કપૂત તેનો ફેંસલો તમારી વિવેકબુદ્ધિ પર છોડું છું. ડિમ્પીના ગળામાં વરમાળા પહેરાવ્યાં પછી રાહુલબાબા ગર્વ સાથે બોલે છેઃ''આ શોના ઓડિશન દરમિયાન તે મને કહ્યું હતું કે તું પાંચ વર્ષની હતી ત્યારથી લગ્ન કરવાનું સ્વપ્ન સેવી રહી છે. એટલે કે 16 વર્ષથી મારી રાહ જુએ છે.' 21 વર્ષની ડિમ્પી અને 34 વર્ષનો અધગધો (મને બાપના પૈસા તાગડધિન્ના કરતાં મોટા હોંઠવાળા અધાગધા જ લાગે છે) રાહુલ મહાજન!

એનડીટીવી ઇમેજીન પર આ શો ચાલુ થયો ત્યારે મને એમ હતું કે રાહુલ મહાજનના ભૂતકાળને ધ્યાનમાં રાખીને એક અબજથી વધારે વસતી ધરાવતા આ દેશમાં વધુમાં વધુ 100 યુવતીઓ તેની સાથે લગ્ન માટેની અરજી કરવાનું સાહસ કરશે. રાખી સાવંત સાથે લગ્ન કરવા સેંકડો યુવાનો અરજી કરે તેમાં કોઈ નવાઈ નથી. તે વિવાદો સર્જવા જાણીતી છે પણ રાહુલ મહાજનની જેમ અસામાન્ય મનોસ્થિતિ ધરાવતી નથી. રાખ સાવંતે કદાચ જાણીજોઈને પબ્લિસિટી સ્ટંટ કર્યા છે, પણ રાહુલ મહાજનની જેમ ગુનાહિત અને કલંકિત ઇતિહાસ ધરાવતી નથી. જોકે આશ્ચર્ય વચ્ચે સેંકડો યુવતીઓએ રાહુલ મહાજનને વરમાળા પહેરાવવા અરજી કરી. નવાઈ લાગી અને ગાંડા અને ગાંડીઓના ગામ ન હોય, તે તો દરેક ગામમાં હાજર જ હોય તેનો પુરાવો મળી ગયો. આ શોમાં ફક્ત ડીમ્પીએ જ નહીં પણ એક અન્ય સ્પર્ધક યુવતી પ્રિયદર્શિની સિંહે પણ કહ્યું કે, ''તે 14 વર્ષની હતી ત્યારથી તે રાહુલને તેના મનનો માણિગર માને છે.''

ડિમ્પીના અદાઓ અને વિધાનોમાં પ્રેમ ઓછો હતો અને નાટક વધારે હતું. તે કોઈ ફિલ્મમાં કામ કરી રહી હોય તેવું લાગતું હતું. કદાચ એવું પણ બને કે અનેક યુવતીઓ રાહુલ મહાજનને માધ્યમ બનાવી ટીવીની દુનિયામાં પગપેસરો કરવા માગતી હોય. ડિમ્પીએ એવું દેખાડવાનો પ્રયાસ કર્યો કે તે બહુ બહાદુર છે. કોઈ પણ પરિસ્થિતિમાં હિમ્મત હારી જતી નથી અને તેના ચહેરા પર હાસ્ય ફરકતું રહે છે. કદાચ તેને આ બહાદુરીની જરૂર છે. રાહુલ મહાજન સાથે લગ્ન પછી તેની જરૂર પડે તો નવાઈ નહીં. તેણે એવું કહ્યું કે, ''તે સંયુક્ત પરિવારમાં રહેવા માગે છે. તે બહુ મહત્વાકાંક્ષી નથી અને આ લગ્ન તેના માટે 'ડ્રીમ કમ ટ્રુ' છે.''

ડિમ્પીએ જે વાત કરી તેના મુદ્દા ખાસ ધ્યાનમાં લેવા જેવા છે. ખરેખર આ શોનું હાર્દ જ ડિમ્પીની પસંદગી અને તેની વાતો છે. તે જ સંદેશ છે. આ શોમાં વારંવાર એવું સ્થાપિત કરવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ બહુ મહત્વાકાંક્ષી ન હોવું જોઈએ અને તેના માટે પતિ પરમેશ્વર છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના બરોબર બે દિવસ પહેલાં આ શોમાં મહિલાઓને ગૂંગી ગુડિયા તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ શોની સ્ક્રીપ્ટ લખનારે વારંવાર એવું સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો કે છોકરી બાળપણથી જ લગ્ન કરવાનું સ્વપ્ન સેવે છે!

શરૂઆતમાં રાષ્ટ્રીય મહિલા પંચે આ શોનો વિરોધ કર્યો હતો, પણ ખબર નહીં ચેનલવાળાઓએ શું સેટિંગ કર્યું કે સંગઠન સાથે જોડાયેલી બધી મહિલાઓ ચૂપ થઈ ગઈ. મેરા ભારત મહાનના મહાન સંગઠનો કદાચ બૂમબરાડા પણ સેટિંગ માટે જ પાડતાં હોય તો તેનું આશ્ચર્ય ન થવું જોઈએ. 21મી સદીમાં રજૂ થતાં આ શોમાં દસમી સદીના વિચારો રજૂ કરવામાં આવ્યાં અને મહિલાઓનો ગૂંગી ગુડિયા તરીકે રજૂ કરવામાં આવી. કદાચ હવે એવું પણ બને કે આ જ ચેનલ હવે રાહુલનું જીવતું જગતિયું કરવાનો શો રાખે અને તેમાં ડિમ્પીને સતી કરવા માટેની વકીલાત કરે...ડિમ્પી ભલે સતી ન થાય ટીઆરપી તો વધવાની જ છે ને.....

આ શોમાં રાહુલની ઇમેજ સુધારવા જોરદાર પ્રયાસ કરવામાં આવ્યો. એક આખા એપિસોડમાં રાહુલના ભૂતકાળ સાથે સંબંધિત સવાલો પૂછવામાં આવ્યાં. તેમાં આ રાજકુમારે અન્ય સેલિબ્રિટીઓની જેમ તેના શરમજનક ભૂતકાળ માટે મીડિયાને દોષિત ઠેરવ્યું. આ એપિસોડમાં રાહુલે તેની ભૂતપૂર્વ પત્ની શ્વેતા સિંહ વિશે કહ્યું કે, ''શ્વેતા હજુ પણ મારી મિત્ર છે. મારા જન્મદિવસે સૌથી પહેલો ફોન તેનો જ આવે છે.'' ધનિકોને હડાહડ જૂઠ્ઠાણું બોલવાનો જન્મજાત અધિકાર હોય છે! શ્વેતાએ એક મુલાકાતમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, ''રાહુલ આ શોની ટીઆરપી વધારવા માટે રાહુલ મને બોલાવવામા માગતો હતો. એટલું જ નહીં હું તૈયાર થવું તો ફરીથી મારી સાથે જ લગ્ન કરવા માગતો હતો.'' આ માટે શ્વેતાને મોટી રકમ પણ ઓફર કરવામાં આવી હતી. પણ શ્વેતા તો ગધાપચીસીથી પરિચિત હતી....

ચલતે-ચલતેઃ બોલીવૂડના સ્વયંપ્રસ્થાપિત સુપરસ્ટાર અને સ્રૈણ ડોન શાહરૂખ ખાનનું સૌથી જાણીતું ફિલ્મી નામ શું છે?

સ્ત્રીઓના અધિકાર વિષે એકે બાબતમાં હું જરાય પડતું મેલવા તૈયાર નથી...


જે રૂઢિ અને કાયદાના ઘડતરમાં સ્ત્રીનો કશો હિસ્સો નહોતો ને જેને માટે કેવળ પુરુષ જ જવાબદાર છે તે કાયદા ને રૂઢિના જુલમ નીચે સ્ત્રી કચડાતી આવી છે. અહિંસાના પાયા પર રચાયેલી જીવનની યોજનામાં પુરુષને પોતાનું ભાવિ નિર્માણ કરવાનો જેવો ને જેટલો અધિકાર છે તેવો ને તેટલો જ પોતાનું ભાવિ નક્કી કરવાનો હક સ્ત્રીને છે. પણ અહિંસક સમાજની વ્યવસ્થામાં જે અધિકાર કે હક મળે છે તે કોઈ ને કોઈ ફરજ કે ધર્મના પાલનમાંથી ફલિત થાય છે. તેથી એ વાત પણ સ્વીકારવી જોઈએ કે સમાજમાં વર્તવાના કે વહેવાર કરવાના નિયમો સ્ત્રી ને પુરુષ બંને પરસ્પર સહકાર ને સમજૂતીથી નક્કી કરે. એ નિયમોના પાલનને માટે બહારની કોઈ સત્તાની જબરદસ્તી કામ ન આવે.

સ્ત્રીઓની સાથેના પોતાના વર્તનમાં કે વહેવારમાં પુરુષોએ આ સત્યને પૂરેપૂરું ઓળખ્યું નથી. સ્ત્રીને પોતાની મિત્ર કે સાથ ગણવાને બદલે પુરુષે પોતાને તેનો સ્વામી કે ધણી માન્યો છે. પોતાની ધણિયાણીઓને મનરમાડો કરવાની ઢીંગલીઓ કે ભોગવિલાસનું સાધન માનવાને બદલે તેમને સેવાના સમાન કાર્યમાં સન્માન્ય સાથીઓ ગણવી. ગામડાંઓમાં સ્ત્રીઓ પોતાના પુરુષવર્ગની સામે બરાબર ટક્કર લે છે અને કેટલીક બાબતોમાં તો એમના પર સરસાઈ ભોગવે છે, ને દોર ચલાવે છે. પણ બહારથી આપણને જોનાર કોઈ પણ તટસ્થ માણસ કહેશે કે આપણા આખા સમાજમાં સ્ત્રીને કાયદાથી ને રૂઢિથી જે દરજ્જો મળે છે તે ઘણી ખામીવાળો છે અને તેમાં ધરમૂળથી સુધારો કરવાનો જરૂર છે.

કાયદાઓ ઘડવાનું કાર્ય ઘણે ભાગે પુરુષોને હસ્તક રહેલું છે, પણ તેણે હંમેશા વિવેદદ્રષ્ટિ વાપરેલી જોવામાં આવતી નથી..સ્ત્રીઓના અધિકાર વિષે એકે બાબતમાં હું જરાય પડતું મેલવા તૈયાર નથી. મારા મત પ્રમાણે કાયદાએ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જાતની અસમાનતા રાખવી જોઈએ નહીં. જેટલી છૂટ પુરુષ ભોગવે છે તેટલી જ છૂટ સ્ત્રીઓને ભોગવવાનો હક છે.

ગાંધીગંગાઃ દીકરા અને દીકરી વચ્ચે કોઈ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ

Thursday, March 4, 2010

અરબી ઘોડો અનેક ગધેડા કરતાં વધારે ઉપયોગી હોય છે....


મેં એક રાજકુમાર વિશે સાંભળ્યું છે. તે ઠીંગણો અને કદરૂપો હતો. તેના ભાઈઓ ઊંચા અને સુંદર હતા. એક દિવસ બાદશાહે તે કદરૂપ પુત્ર તરફ નફરત ભરેલી નજર સાથે જોયું.

રાજકુમાર બહુ સમજુ હતો. તે તરત જ સમજી ગયો કે પિતાના મનમાં કેવા ભાવ જાગ્યા છે. તેણે બાદશાહને કહ્યું, ''નાના કદ ધરાવતા બુદ્ધિશાળી લોકો ઊંચા અને સુંદર મૂર્ખાઓ કરતાં વધુ સારા. જે ચીજવસ્તુ નાની હોય છે, તેનું મૂલ્ય વધારે નથી હોતું? બકરી હલાલ (ભોજનને યોગ્ય) છે અને હાથી મુરદાર (અખાદ્ય).

''તૂર (તે પર્વત જ્યાં ખુદાના દર્શન કરીને હઝરત મૂસા બેભાન થઈ ગયા હતા) પર્વત બહુ નાનો છે, પરંતુ બધા પર્વતમાં શ્રેષ્ઠ ગણાય છે.

''તમે તે વાત સાંભળી નથી, જે એક દુબળા-પાતળા વિદ્વાને એક હટ્ટાકટ્ટા-તંદુરસ્ત મૂર્ખને કહી હતી? તેણે કહ્યું હતું, 'અરબી ઘોડો ગમે તેટલો દુબળો કેમ ન હોય, પણ તે અનેક ગધેડા કરતાં વધારે ઉપયોગી હોય છે.' ''

રાજકુમારની વાતો સાંભળીને બાદશાહ પ્રસન્ન થયો. દરબારીઓને પણ તેની વાત પસંદ પડી, પણ તેના ભાઈઓને આ વાત ખૂંચી.

જ્યાં સુધી મનુષ્ય બોલે નહીં, ત્યાં સુધી તેના ગુણ અને અવગુણ પ્રગટ થતા નથી.

આ ઘટનાના થોડા સમય પછી બાદશાહને એક શક્તિશાળી શત્રુનો સામનો કરવો પડ્યો. બંને તરફની સેના આમનેસામને આવી ગઈ તો રણભૂમિમાં સૌથી પહેલો ઘોડો કદરૂપા અને ઠીંગણા રાજકુમારે દોડાવ્યો. તેણે શત્રુને લલકારતાં કહ્યું, ''આજે તું ભલે મારો શિરચ્છેદ કરે, પણ મારી પીઠ જોઈ નહીં શકે.''

જે સિપાહી લડવા જાય છે તે વિજયપતાકા લહેરાવવા પોતાનું લોહી રેડી દે છે, પણ જે કાયર રણભૂમિમાં પીઠ દેખાડે છે તે આખા સૈન્યનો વિનાશ નોતરે છે.

કદરૂપો રાજકુમાર દુશ્મન સૈન્ય પર તૂટી પડ્યો અને જોતજોતામાં અનેક સૈનિકોનો કચ્ચરઘાણ બોલાવી દીધો. પછી તે બાદશાહ સમક્ષ હાજર થયો અને તેની ચરણરજ મસ્તકે ચડાવી બોલ્યો, ''તમે મારા કદને જોઈને નબળો સમજી લીધો હતો. લડાઈના દિવસે તો પાતળી કમરવાળો ઘોડો જ કામ આવે છે, તાજોમાજો આખલો નહીં.''

કહેવાય છે કે દુશ્મન પાસે મોટું સૈન્ય હતું અને આ તરફ બહુ ઓછા સિપાહીઓ હતા. તેમાંથી થોડા સિપાહીઓ તો યુદ્ધ કરવા માગતા નહોતા. રાજકુમારે તેમને પાનો ચડાવતાં કહ્યું, ''જવાનો, યા હોમ કરીને પડો, ફતહે છે આગે. તમે મર્દ છો, ડર તમારા લોહીમાં નથી.''

સિપાહીઓ જોશમાં આવી ગયા અને દુશ્મન સૈન્ય પર તૂટી પડ્યાં. તે જ દિવસે બાદશાહને વિજય મળી ગયો. તે પછી કદરૂપા રાજકુમારની પ્રગતિ શરૂ થવા લાગી. બાદશાહે તેને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો. આ જોઈને તેના ભાઈઓના મનમાં ઇર્ષાનો કીડો સળવળ્યો. તેમણે કદરૂપા ભાઈની હત્યા કરી નાંખવાનું ષડયંત્ર રચ્યું.

એક દિવસ તક મળતાં તેમણે ભોજનમાં ઝેર ભેળવી દીધું. રાજકુમાર ભોજન કરવા બેઠો ત્યાં તેની બહેને તેને ઇશારો કરી દીધો. રાજકુમાર બહુ ચતુર હતો. તે સમજી ગયો કે દાળમાં કંઈક કાળું છે. તેણે ભોજન કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું, ''બુદ્ધિશાળી મરી જાય અને મૂર્ખા તેમનું સ્થાન લે તે વાત શક્ય નથી.''

આ વાતની જાણ બાદશાહને થતાં તેણે બીજા રાજકુમારોનો બોલાવીને યોગ્ય સજા કરી. પછી તેમણે દરેક રાજકુમારને તેમનો હિસ્સો આપી દૂર મોકલી દીધા, જેથી લડાઈ હંમેશા માટે ખતમ થઈ ગઈ.

દસ ફકીર એક ધાબળામાં ભેગા સૂઈ શકે છે, પણ બે બાદશાહ એક મુલ્કમાં સાથે હળીમળીને ન રહી શકે.

ખુદાના નેક બંદા અડધો રોટલો પોતે ખાય તો બાકીનો અડધો રોટલો ફકીરો માટે રાખે છે. પણ એક બાદશાહ સમગ્ર દેશનો સ્વામી થઈ જાય તો પણ તે બીજા મુલ્કોને હડપવાનું વિચારે છે.