Monday, March 30, 2009

લોભને જીતે તે સાચો શત્રુઘ્ન



કામ અને ક્રોધને ભારતીય શાસ્ત્રોમાં બાહ્ય દુશ્મનો ગણવામાં આવ્યાં છે. આપણને ન ગમે એવું કાંઇક આપણે જોઇએ, આપણને ન રુચે એવું કાંઇક સાંભળીએ, આપણા મગજથી વિરૂદ્ધ હોય એવું કાંઇક વર્તન જોઇએ તો તુરત જ આપણને ક્રોધ આવશે. ક્રોધ એ બહારનો દુર્ગુણ છે. એવી જ રીતે કામ. આપણે કોઇની સુંદરતાને જોઇએ, કોઈ પદાર્થને જોઇએ એટલે આકર્ષણ જાગશે અને આ આકર્ષણ એટલે કામ. કામ અને ક્રોધ બહારના દુશ્મન છે. પણ લોભ અંદરનો દુશ્મન છે.

કામ અને ક્રોધને મારે તે શૂરવીર જરૂર છે, પણ સાચો સાચો શૂરવીર તે તે અંદરના લોભને મારે। લોભ પર જે ઘા કરે એ સાચો શત્રુઘ્ન. લોભને જે જીતે તે સાચો શત્રુઘ્ન છે. લોભને જીતવો કઠિન છે. ઘણા માણસો સમાજમાં અત્યંત લોભી પ્રકૃતિના જોવા મળે છે. સુભાષિતકારો કહે છે કે, લોભીના પૈસા એ ગુજરી જાય પછી જ બીજાના હાથમાં જાય. એ જીવતો હોય ત્યાં સુધી એનો રૂપિયો બીજાના હાથમાં ન જાય. કંજૂસનો પૈસો બીજાના હાથમાં ન જાય.

લોભ બહુ કઠિન છે. પણ રૂપિયાનો લોભ કરે ત્યાં સુધી વાંધો નહીં. કેટલાંક તો વાણીનાય લોભ હોય છે. વાણી સરખી નથી બોલતા, દ્રષ્ટિના લોભી છે. સંકલ્પના લોભી છે. સારી વિચારધારાના કંજૂસ છે.

No comments: