Monday, March 30, 2009

યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે?


'શૂન્ય' પાલનપુરી

દુઃખમાં જીવનની લાણ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?

શૈયા મળે છે શૂલની ફૂલોના પ્યારમાં!
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે?

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે?

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા જ રામબાણ હતી, કોણ માનશે?

આપી ગઈ જે ધાર જમાનાની જીભને,
નિજ કર્મની સરાણ હતી, કોણ માનશે?

જ્યાં જ્યાં ફરુકતી હતી સૌંદર્યની મજા,
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે?

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ,
ડાહ્યાની બુમરાણ હતી, કોણ માનશે?

No comments: