Thursday, December 31, 2009

પાર્લમેન્ટ વેશ્યા છે...


પાર્લમેન્ટને વેશ્યાનું નામ આપ્યું છે એ પણ બરોબર છે. તમારાથી મારા વિચાર એકદમ ન મનાય એ વાત બરોબર છે. તે વિશે તમારે જે વાંચવું ઘટે છે તે વાંચશો તો તમને કંઈક ખ્યાલ આવશે.

પાર્લમેન્ટનો કોઈ ધણી નથી. તેનો ધણી એક હોઈ ન શકે. પણ મારો કહેવાનો ભાવાર્થ એટલો જ નથી. જ્યારે તેનો ધણી કોઈ બને છે- જેમ કે મુખ્ય પ્રધાન- ત્યારે પણ તેની ચાલ એકસરખી રહેતી નથી. જેવા બેહાલ વેશ્યાના હોય છે તેવા જ પાર્લમેન્ટના સદાય રહે છે. મુખ્ય પ્રધાનને પાર્લમેન્ટની દાઝ થોડી જ રહે છે. તે તેની સત્તાના તોરમાં ગુલતાન રહે છે. તેનો પક્ષ કેમ જીતે એ જ તેને લગની રહે છે. પાર્લમેન્ટ કેમ ખરું કરે તે વિચાર તેને થોડો જ રહે છે. પોતાના પક્ષને જોર આપવા પાર્લમેન્ટની પાસે કંઈ કામો મુખ્ય પ્રધાન કરાવે છે એવો દાખલા જોઈએ તેટલા મળી આવે છે. આ બધું વિચારવા લાયક છે.

મારે કંઈ મુખ્ય પ્રધાનોનો દ્વેષ નથી. પણ અનુભવે મેં જોયું છે કે તેઓ ખરા દેશાભિમાની ન ગણાય. તેઓ જાહેરમાં જેને લાંચ કહીએ છીએ તે લેતા દેતા નથી. તેથી ભલે પ્રામાણિક ગણાય, પણ તેઓની પાસે વગ પહોંચી શકે છે. તેઓ બીજાની પાસેથી કામ લેવાને સારું ઇલકાબો વગેરેની લાંચ પુષ્કળ આપે છે. શુદ્ધ ભાવ અને શુદ્ધ પ્રામાણિકતાપણું તેઓમાં નથી એમ હું હિંમતથી કહી શકું છું.
(સ્રોતઃ હિંદ સ્વરાજ)
(ગાંધીજીએ આ વિચાર બ્રિટિશ પાર્લમેન્ટ વિશે રજૂ કર્યા હતા. પણ આ હાલ શું અત્યારે ભારતીય પાર્લમેન્ટ અને રાજકારણીઓના નથી?)

Wednesday, December 30, 2009

ન ગુલે નગમા હૂં, ન પરદા-એ-સાઝ, મૈં હૂ અપની શિકસ્ત કી આવાઝ....


દિલ્હીમાં દર વર્ષે 27મી ડીસેમ્બરે ટાઉનહોલથી કાસિમ જાન ગલી સુધી એક જુલૂસ નીકળે છે. ગલીમાં એક મકબરા પાસે પહોંચી જુલૂસમાં ભાગ લેનારા લોકો શરાબ, શબાબ અને રેશમી કબાબ સમી ગઝલોનું પઠન-પાઠન કરે છે....તેમના પ્રિય શાયરને યાદ કરે છે. આ વર્ષે તે શાયરનો 200મો જન્મદિવસ હતો અને તેના પ્રેમીઓએ 'મશાલ જુલૂસ' કાઢ્યું હતું....ટાઉનહોલથી મશાલ લઇને તેના પ્રેમીઓએ કાસિમ જાન ગલી સુધી પદયાત્રા કરી હતી...તેમાં આ શાયરના આશિક ગુલઝાર જોડાયા હતાં...તેમણે આ શાયર વિશે કહ્યું કે 'જો તે ન હોત તો હું પણ ન હોત..' આ તે એટલે ઉર્દૂ ગઝલના શહેનશાહ મિર્ઝા ગાલિબ...

તવારીખે ગાલિબ...જન્મ 1797માં 27 ડીસેમ્બરે આગ્રામાં...પૂરું નામ દબિર-ઉલ-મુલ્ક, નઝ્મ-ઉદ-દૌલાહ મિર્ઝા અસદુલ્લાહ બૈગ ખાન નૌશા....કિશોરવયે અસદુલ્લાખાનના ટૂંકા રૂપ 'અસદ' નામે શાયરી લખતાં...તે નામ બીજો સામાન્ય કવિ પણ ગઝલો લખતો એટલે ઉપનામ 'મિર્ઝા ગાલિબ' રાખ્યું...'ગાલિબ' એટલે વિજેતા....માત્ર પાંચ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી.........13 વર્ષની વયે મામા ઇલાહીબક્ષીખાનની દિકરી ઉમરાવબેગમ સાથે નિકાહ..ઇલાહીબક્ષીખાન પણ ઉર્દૂના ઉચ્ચ કક્ષાના શાયર અને 'મારૂફ' ઉપનામથી ગઝલો લખતા...લગ્ન પછી તરત આગ્રાને કાયમ માટે અલવિદા અને મુકામપોસ્ટ દિલ્હી ..........सात रज्जब 1225 हिजरी (9 अगस्त 1810) को मेरे वास्ते हूकमें-दबामें-हब्स हाजिर हुआ..एक बेडी मेरे पांवमे डाल दी और दिल्ही शहर को जिन्दान मुकरर्र किया और मुझे उस जिन्दान में डाल दिया...અર્થાત્ સાત રજ્જબ 1225 હિજરીના રોજ મારા માટે આજીવન કેદનું ફરમાન જારી કરવામાં આવ્યું..મારા પગમાં બેડી નાંખી દેવામાં આવી (નિકાહ કરવામાં આવ્યાં) અને દિલ્હીનગરને કારાગૃહ નક્કી કરીને મને પૂરી દેવામાં આવ્યો. ત્યાં સ્થાયી થયો.

ગાલિબે દિલ્હીમાં અનેક તડકી-છાંયડી જોઈ. નસીબની દેવીએ અનેક ખેલ ખેલ્યાં. આગ્રામાં રહેતાં ત્યાં સુધી માતા પાલનપોષણ કરતાં. માતા અને કાકાના અવસાન પછી અંગ્રેજો તરફથી વર્ષાસન મળતું બંધ થઈ ગયું અને દુઃખના દિવસો શરૂ થયા. બાદશાહી રહેણીકરણી, શરાબના આશિક, જુગાર રમવાની ટેવ અને રંગીલો સ્વભાવ. આમદની અઠન્ની ઔર ખર્ચ રૂપૈયા..મિર્ઝા ગાલિબ દિલ્હીમાં હંમેશા પાલખીમાં બેસીને ફરતાં. ઉછીના પૈસે મોજશોખ કરવા લાગ્યાં..ऋणं कृत्वा धृतम् पीबेत...દેવું કરીને જલસા કરો..તેમણે એક શેરમાં કહ્યું છે કે,

कर्ज की पीते थे मय, और समझते थे कि हॉं
रंग लायेगी हमारी फांकामस्ती एक दिन

બહાદુરશાહ ઝફર તખ્તનશીન થયા પછી નસીબની દેવી મહેરબાન થવાની આશા ગાલિબને જાગી. બહાદુરશાહ ઉર્દૂનો વિદ્વાન હતો અને સાહિત્યપ્રેમી હતો. પરંતુ ત્યારે પણ તેમને બહાદુરશાહ તરફથી રાજ્યાશ્રય મળવાની તક મળી ન હતી. બાદશાહે તે સમયે ઉર્દૂ ગઝલોના ખ્યાતનામ શાયર ઝૌકની ઉસ્તાદ તરીકે નિમણૂંક કરી. ઝૌક અને તેમના મિત્રો ગાલિબના વિરોધી હતા. તેમણે ગાલિબની ગઝલો અને ભાષાની ખૂબ ટીકા કરવા માંડી. ઝૌક કરતાં ગાલિબ વધુ પ્રતિભાશાળી હતાં..પરંતુ ઝૌકનું પીઆર બહુ સારું હતું..પીઆર એટલે પબ્લિક રીલેશન...ગુજરાતી ભાષામાં જનસંપર્ક..કથિત ગુજરાતી લેખકો અને ચમચામંડળીઓથી ઘેરાયેલા રહેવાનો વિકૃત શોખ ધરાવતા સાહિત્યકારોની પાદુકાઓનું પૂજન કરી સાહિત્યકાર હોવાના વહેમમાં ફરતાં શનિચરો માટે તેનો અર્થ એકબીજાને છાવરી આગળ વધારવાની કળા અને ગમતાનો ગુલાલ કરવાનો કારસો...ગાલિબે ઝૌક પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે,

हुआ है शाह का मुसाहिब फिरे है इतराता
बगरः शहेर में गालिब की आबरु क्यां है

1841માં ગાલિબના ઉર્દૂ દીવાનની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ હતી અને 1847માં બીજી આવૃત્તિ. બાદશાહના ધર્મગુરુ મૌલાના નાસીરુદ્દીન અને મંત્રી અસન્નુલાહખાન ગાલિબની પ્રતિભાથી પરિચિત હતા. તેમણે બહાદુરશાહને ભલામણ કરી અને મુઘલોની તવારીખ લખવા તેમની વાર્ષિક રૂ. 600થી નિમણૂંક થઈ. 1854માં 'મીહર-ઈ-નીમરૂ' શીર્ષકથી તૈમૂરલંગથી હુમાયુ સુધીના ઇતિહાસનો પ્રથમ ભાગ લખ્યો. બીજા ભાગની રચના દરમિયાન 1857માં અંગ્રેજો સામે પહેલી ક્રાંતિ થઈ અને મુઘલ શાસનનો અંત આવ્યો. બહાદુરશાહના દુઃખના દિવસો ફરી શરૂ થયા. પ્રકૃતિથી વિરૂદ્ધ જઈ અંગ્રેજો સાથે પીઆર કર્યું. તેમણે આ ક્રાંતિની તવારીખ ફારસી ભાષામાં લખી, જેનું કાવ્યમય આપ્યું 'દસ્તાંબૂ.' દસ્તાંબૂ એટલે વિવિધ પ્રકારના અત્તરોમાંથી બનાવેલો ફાયો. પણ અંગ્રેજ સરકારે કોઈ પ્રત્યાઘાત ન આપ્યાં. ફરી ફાંકામસ્તીના દિવસો..પણ રામપુરના નવાબે તેમને સહાય. કરી. રામપુરના નવાબે 1857ની ક્રાંતિમાં અંગ્રેજોને સહાય કરી હતી. તેણે અંગ્રેજોને ભલામણ કરી ગાલિબનું જૂનું પેન્શન બંધાવી આપ્યું અને 1860માં એરિયર્સ સાથે પેન્શન મળ્યું. 1862માં ફારસી શબ્દકોશ 'કુટી બુરહાન'નું સંપાદન કર્યું.

રામપુરના નવાબના પુત્ર યુસુફઅલીખાનનું મૃત્યુ થયું ત્યારે તેને શાહજાદના આશ્વાસન આપવા ગાલિબ રામપુર ગયા. પાછાં ફરતાં રસ્તામાં અકસ્માત થયો અને વરસાદમાં ભીંજાવાથી બીમાર પડી ગયા. માંદગી વધતી ગઈ. આખા શરીરમાં ગૂમડાં અને ફોલ્લાં થયાં. મધુપ્રમેહનો રોગ તો હતો અને સારણગાંઠની વ્યાધિ થઈ. 1869ની 15મી ફેબ્રુઆરીએ સૂર્ય તપતો હતો ત્યારે ઉર્દૂ કવિતાનો આ સૂર્ય આથમી ગયો...લાહોરૂ વંશના કુટુંબનું કબ્રસ્તાન નિઝામુદ્દીન ગામમાં છે ત્યાં ગાલિબને દફનાવવામાં આવ્યાં...

ભારતમાં વર્ષ 1954માં 'મિર્ઝા ગાલિબ' ફિલ્મ બની હતી. તેમાં મિર્ઝા ગાલિબની ભૂમિકા ભારતભૂષણે અને તેમની પ્રેમિકા ચૌદવીનની ભૂમિકા (ગાલિબે તેમના પત્રમાં દોમની નામનો ઉલ્લેખ કર્યો છે) સુરૈયાએ ભજવી હતી. પાકિસ્તાનમાં પણ આ જ નામે એક 1961માં એક ફિલ્મ બની હતી, જેમાં મિર્ઝા ગાલિબની ભૂમિકા સુધીરે અને ચૌદવીનની ભૂમિકા સુરૈયાએ ભજવી હતી. 1988માં દૂરદર્શન પર મિર્ઝા ગાલિબ ધારાવાહિક પ્રસારિત થતી હતી. તેનું નિર્માણ ગુલઝારે કર્યું હતું અને તેમાં ગાલિબની ભૂમિકા નસીરુદ્દીન શાહે ભજવી હતી...

ચલતે-ચલતેઃ ન ગુલે નગમા હૂં, ન પરદા-એ-સાઝ,
મૈં હૂ અપની શિકસ્ત કી આવાઝ - ગાલિબ

પાર્લામેન્ટ વાંઝણી છે....


પાર્લામેન્ટ વાંઝણી છે. આ શબ્દ આકરો છે, છતાં બરોબર લાગૂ પડે છે. હજુ સુધી પાર્લામેન્ટે પોતાની મેળે એક પણ સારું કામ કર્યું નથી. જો તે વાંઝણી ન હોય તો આમ થવું જોઇએઃ

* લોકો તેમાં સરસમાં સરસ મેમ્બરો ચૂંટીને મોકલે.
* મેમ્બરો વગર પગારે જાય અને લોકકલ્યાણનું કામ કરે.
* તેનું કામ એવું સરળ હોય કે દહાડે દહાડે તેનું તેજ વધારે દેખાય ને લોકોની ઉપર તેની અસર થતી જાય.
તેને બદલે થાય છે શું?

* પાર્લામેન્ટના મેમ્બરો આડંબરિયા અને સ્વાર્થી જોવામાં આવે છે.
* સૌ પોતાનું ખેંચે છે.
* માત્ર ધાસ્તીને લીધે જ પાર્લામેન્ટ કંઈ કામ કરે છે. આજ કર્યું હોય તે કાલે રદ કરવું પડે છે. એક પણ વસ્તુ પાર્લામેન્ટે ઠેકાણે પાડી હોય એવો દાખલો જોવામાં આવતો નથી.
* મોટા સવાલોની ચર્ચા પાર્લામેન્ટમાં ચાલતી હોય ત્યારે તેના મેમ્બરો લાંબા થઈને પડે છે અથવા બેઠા ઝોલાં ખાય છે. એક મહાન લેખકે તેને 'દુનિયાની વાતૂડી' એવું નામ આપ્યું છે.
* મેમ્બરો જે પક્ષના હોય તે પક્ષ તરફ પોતાનો મત વગર વિચારે આપે છે, આપવા બંધાયેલા છે. તેમાં કોઈ અપવાદરૂપે વિરોધી મત રજૂ કરે તો તે મેમ્બરના ભોગ સમજવા.
* જેટલો વખત અને પૈસા પાર્લામેન્ટ ગાળે છે તેટલો વખત અને પૈસા થોડા સારા માણસોને મળે તો પ્રજાનો ઉદ્ધાર થઈ જાય. આ પાર્લામેન્ટ તો પ્રજાનું રમકડું છે, ને તે રમકડું પ્રજાને બહુ ખરચમાં નાખે છે.

આ વિચારો મારા અંગત છે તેમ ન માનશો. મોટા અને વિચારવાન અંગ્રેજો તેવો વિચાર કરે છે. એક મેમ્બરે તો એમ જ કહ્યું કે પાર્લામેન્ટ ધર્મિષ્ઠ માણસને લાયકની નથી રહી.
(સ્રોતઃ હિંદ સ્વરાજ)

Tuesday, December 29, 2009

ગાંધીજી બોલે તો..


* છાપાનું એક કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવાનું છે. તેનું બીજું કામ લોકોમાં અમુક લાગણીઓ જરૂરી હોય તે પેદા કરવાનું છે અને ત્રીજું કામ લોકોમાં એબ હોય તે ગમે તેટલી મુસીબતો પડે તોપણ બેધડક થઈ બતાવવાનું છે. અખબારોએ લોકલાગણી કેટલેક દરજ્જે બતાવવી પડશે, નહીં હોય તો તેવી પેદા કરવાનો પ્રયત્ન કરવો પડશે અને ખામી હશે તો તેને વખોડવી પડશે.

* જે પગથિયેથી આપણે ચડ્યા છીએ તે પગથિયાને પાટુ ન મારવી એ ડહાપણ છે. જો તે પગથિયું કાઢી નાખીએ તો આખી સીડી પડી જાય એ યાદ રાખવાનું છે. આપણે બચપણમાંથી જુવાનીમાં આવીએ છીએ ત્યારે બચપણનો તિરસ્કાર કરતા નથી, પણ તે દહાડા પ્યારથી સંભારીએ છીએ. ઘણાં વરસ સુધી અભ્યાસ કરી મને કોઈ શીખવે ને તે ઉપરથી હું જરા વધારે જાણી લઉં તો કંઈ મારા શિક્ષક કરતાં હું વધારે જ્ઞાની નહીં ગણાઉં. મારા શિક્ષકને તો મારે માન આપવું જ પડશે.

* જે જુવાનિયા પોતાનાં માબાપની ઠંડી પ્રકૃતિથી કંટાળે ને તેઓ પોતાની સાથે ન દોડે તો ગુસ્સે થાય, તેઓ પોતાનાં માબાપનો અનાદર કરે છે. સ્વરાજ ભોગવવા ઇચ્છતી પ્રજા પોતાના વડીલોનો તિરસ્કાર કરી શકતી નથી. આપણામાંથી માન આપવાની ટેવ જાય ત્યારે આપણે નકામા થઈ પડવાના. સ્વરાજ પીઢ માણસો ભોગવી શકે છે, નહીં કે ઉચ્છૃંખલ માણસો.

* હમેશાં બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીની નીચે કરે છે ને પોતે નાબૂદ થાય છે ત્યારે ઝાડ જમીન પર જોવામાં આવે છે.

* અસંતોષ બહુ ઉપયોગી વસ્તુ છે. જ્યાં સુધી માણસ પોતાની ચાલુ સ્થિતિમાં રાજી રહે ત્યાં સુધી તેને તેમાંથી નીકળવાનું સમજાવવું એ મુશ્કેલીની વાત છે. તેથી દરેક સુધારાની પૂર્વે અસંતોષ હોવો જોઇએ. ચાલુ ચીજનો અણગમો પેદા થાય ત્યારે જ તેને નાખી દેવાનું મન થાય.
(સ્રોતઃ હિંદ સ્વરાજ)

નૌચામી નારાયણ...


માર્ક ટ્વેઇને કહ્યું છે કે, પુરુષ સેક્સને માણવા પર બહુ ધ્યાન આપે છે અને તેનો પૂરેપૂરો આનંદ માણવા તે તેના ચારિત્ર્ય અને તેની પ્રતિષ્ઠાને જોખમમાં મૂકવા તૈયાર થઈ જાય છે. તેમની વાત સાચી હોવાનો પુરાવો આપણા એક કુખ્યાત ભારતીયે આપી દીધો. આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રંગીન મિજાજ માટે હંમેશા ચર્ચાસ્પદ રહેલાં નારાયણ દત્ત તિવારી એક સાથે ત્રણ મહિલા સાથે રાજભવનમાં કામલીલા કરતાં કેમેરામાં દેખાય છે. તેમાં એક મહિલા તિવારીડોસાના પગ પર છે અને બીજી મહિલા તેમના વક્ષસ્થળની આસપાસ. વાઇગ્રાના બ્રાન્ડ એમ્બેસેડર બનવાને સૌથી વધારે લાયક તિવારીનો ભૂતકાળ પણ ફુલગુલાબી છે.

કામપુરુષ તિવારી હંમેશા જુદી જુદી મહિલાઓ સાથે સંબંધોના કારણે ચર્ચામાં રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં તેઓ મુખ્યમંત્રી હતા તે સમયના કિસ્સાઓ પણ તે દિવસોમાં ચર્ચાતા હતા. તેમનો એક કિસ્સો તો કોંગ્રેસીઓમાં બહુ જાણીતો છે. તેઓ 1988માં ઉત્તરપ્રદેશના ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યાં હતાં. આ શાસનકાળ દરમિયાન એક સમયે બપોરે સાડા બારની આસપાસ તે પોતાના મંત્રીઓ સાથે કોઈ મુદ્દે ચર્ચા કરી રહ્યાં હતાં. આ બેઠક પૂરી થયા પછી તરત જ એક મહિલાઓનું પ્રતિનિધિમંડળ તેમને મળવા આવ્યું હતું. તલપાપડ તિવારીએ તેમને તરત જ ચેમ્બરમાં બોલાવી અને સૂચના ન મળે ત્યાં સુધી ડિસ્ટર્બ ન કરવાનો આદેશ આપ્યો હતો. પછી આ લાંબી બેઠક ચાલી હતી...અનેક સ્ત્રીઓ સાથે એકસાથે સેક્સ માણવાના તિવારી શોખીન છે તેવું તાજેતરમાં જ જાહેર થયેલી કામલીલા પરથી જાણવા મળ્યું છે ને...

તિવારી 2002થી 2007 દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા ત્યારે એક નેપાળી યુવતી સારિકા પ્રધાન સાથેના સંબંધો ચર્ચાસ્પદ બન્યાં હતાં. 23 વર્ષીય સારિકા તેમના કરતાં ત્રણ ગણી વધારે ઉંમરના તિવારી સાથે દરેક સમારંભમાં હાજર રહેતી. સારિકા દિવસે હાથમાં હાથ નાંખીને તેમની સાથે ચાલતી અને રાત્રે...તેનો બદલો પણ તેને મળ્યો. તેને તિવારી મહાશયે રાજ્યકક્ષાની મંત્રી બનાવી દીધી હતી. આ સારિકા પ્રકરણને લઇને ઉત્તરાખંડના એક પ્રસિદ્ધ લોકગીતકાર નરેન્દ્ર સિંહ નેગીએ 'નૌચામી નારાયણ' નામે લોકનૃત્ય પર આધારિત વીસીડી તૈયાર કરી હતી. 2006માં જાહેર થયેલી આ વીસીડીનો પ્રચાર ઉત્તરાખંડના ગામેગામ થયો હતો. તેમાં તિવારી જેવા જ દેખાતા એક વ્યક્તિને અનેક ગોપીઓ સાથે નૃત્ય કરતાં દેખાડવામાં આવ્યો હતો. ઉત્તરાખંડમાં 2007માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજયમાં આ વીસીડીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ઉજ્જવલા શર્માના પુત્ર રોહિત શેખરે તો તિવારીના અનૌરસ પુત્ર હોવાનો દાવો પણ કર્યો હતો. ઉત્તરાખંડની એક પૂર્વ મહિલા મંત્રી અને કેટલાંક ઉદ્યોગપતિઓની પત્નીઓ સાથે પણ તિવારીનાં સંબંધો ચર્ચાસ્પદ રહ્યાં છે. એક દાયકા અગાઉ તેઓ દિલ્હીથી વાયા રોડ લખનૌ જતાં હતાં ત્યારે તેઓ ત્રણ દિવસ લાપતા થઈ ગયા હતા અને તે પછી તેઓ ઉત્તરપ્રદેશના ગજરૌલાના એક બંગલામાં એક મહિલા સાથે રોકાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. આ મહિલા પણ તેમના જેવી જ રંગીન અને ચર્ચાસ્પદ છે.

ચલતે-ચલતેઃ પુરુષ સ્ત્રીઓનું હાથનું રમકડું છે-વિક્ટર હ્યુગો

Sunday, December 27, 2009

મારા 'પર્સન ઓફ ધ યર'....


વર્ષ 2009 વિદાય થઈ રહ્યું છે...અખબારો, વિવિધ મેગેઝિન, જુદી જુદી મનોરંજન ચેનલ અને મોટે ભાગે હાસ્યાસ્પદ સમાચારો આપતી આપણી ન્યૂસ ચેનલો પર 'પર્સન ઓફ ધ યર'ની સ્પર્ધા ચાલુ થઈ ગઈ છે. તેમાં મોટા ભાગની ચેનલોએ તેમની જાહેરાતના સ્રોત સમાન ઉદ્યોગપતિઓ, અભિનેતાઓ, ફાઇવ સ્ટાર હોટેલમાં બેસીને સમાજની ચિંતા કરતાં સેલિબ્રિટી સમાજસેવકોમાંથી પર્સન ઓફ ધ યરની પસંદગી કરવાના વિકલ્પો દેશની વિકલ્પહીન જનતા સમક્ષ મૂકી દીધા છે. પણ આ બધા વચ્ચે એક અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'એ પરોક્ષ રીતે આપણને લોકશાહી માટે મૂંગા મોઢે લડતા 'પર્સન ઓફ ધ યર'ની ભેટ ધરી દીધી છે.

કટોકટીમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય માટે જેહાદ (ધર્મયુદ્ધ) જગાવનાર આ અખબારે લોકશાહીમાં ભ્રષ્ટ રાજકારણીઓ અને પોલીસ અધિકારીના ગણવેશમાં છુપાયેલા એક શેતાન વચ્ચેની સાંઠગાંઠ સામે લગભગ બે દાયકાથી લડતા એક 'કોમનમેન'ની લડાઈને આપણી સમક્ષ પ્રક્ટ કરી છે. આ કોમનમેન એટલે આનંદ પ્રકાશ. પાંચ ફૂટ કરતાં થોડી વધારે ઊંચાઈ ધરાવતા પ્રકાશ પોતાના કે પોતાના પરિવારજનોને થયેલા અન્યાય સામે લડતા નથી. પોતાના માટે તો સહુ લડે છે, પણ સાચો મનુષ્ય તે છે જે બીજા માટે લડે છે, સમાજ માટે લડે છે.

પ્રકાશે તેમની દિકરી આરાધનાની ખાસ બહેનપણી સ્વ. રુચિકા ગિરહોત્રાને થયેલા અન્યાય સામે જેહાદ જગવી છે. એસ પી એસ રાઠોર નામના એક બેશરમ, ધૃષ્ટ અને નાલાયક પોલીસ અધિકારીએ રુચિકાને સતત ત્રણ વર્ષ માનસિક પજવણી કરી આત્મહત્યા કરવા મજબૂર કરી હતી. આ રાક્ષસ રાઠોર અને તેને છેલ્લાં બે દાયકાથી છાવરનાર ભ્રષ્ટશાહી સામે પ્રકાશ લડી રહ્યાં છે. આ લડાઈ માટે રુચિકાના પરિવારની જેમ પ્રકાશ અને તેમના પરિવારને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ મુશ્કેલીઓ પર ઉડતી નજર કરીએ...

આનંદ પ્રકાશ હરિયાણા એગ્રિકલ્ચર માર્કેટિંગ બોર્ડમાં ચીફ એન્જિનીયર હતા. રુચિકાની લડાઈ હાથમાં લીધા પછી નિર્લજ્જ રાઠોરે તેની વગ વાપરી વારંવાર દૂર દૂરના સ્થળે બદલી કરાવી અને પ્રકાશ પરિવારનું એકથી બીજા સ્થળે સતત સ્થળાંતર...વારંવાર દિકરી આરાધનાને રાઠોરના ગુંડાઓની કનડગત..રુચિકા જેવી જ હાલત કરવાની ચેતવણી...સરકાર તરફથી ફરજિયાત નિવૃત્તિ આપી દેવી...રાઠોર અને રાજકારણીઓની આ સાંઠગાંઠ સામે અદાલતમાં બાંયો ચઢાવી.....એક તરફ સરકાર સામે નોકરી માટેની લડાઈ તો બીજી તરફ રુચિકાને ન્યાય મળે તે માટેની લડત..કોર્ટની બહાર સેટલમેન્ટ કરવાની ધમકી...તમે જાણો છો તેમણે અત્યાર સુધી કેટલી વખત કોર્ટના ચક્કર માર્યા છે? 450થી વધુ વખત...ફિલ્મ 'દામિની'માં સની દેઓલ બોલે છે તે સંવાદ યાદ આવી જાય છે..તારીખ પે તારીખ ઔર રહે જાતી હૈ સિર્ફ તારીખ...પણ આટલી બધી તારીખ પડવા છતાં પણ છેલ્લાં બે દાયકાથી રુચિકા માટેની લડાઈના જુસ્સામાં ઓટ આવી નથી...તે કહે છે કે જો આ બધી બાબતોથી તમે ગભરાઈ જશો કે કંટાળી જશો તો લડાઈ નહીં લડી શકો...ખરેખર સત્ય અને ન્યાય માટેની લડાઈ સમય, ધૈર્ય, ખંત, જુસ્સો અને મર્દાનગી માગી લે છે.

મારા 'પર્સન ઓફ ધ યર' તો આનંદ પ્રકાશ છે...જે લોકશાહી માટે લડી રહ્યાં છે, અન્યાય સામે અવાજ બુલંદ કરવાની સમાજને પ્રેરણા આપી રહ્યાં છે, સત્ય માટે સહન કરી રહ્યાં છે, ભ્રષ્ટાચાર પર ભારે પડી રહ્યાં છે, રાજકારણીઓનો અસલી ચહેરો ઉજાગર કરી રહ્યાં છે અને એક વાહિયાત અને લંપટ પોલીસ અધિકારીને તેનો અસલી ચહેરો દેખાડી રહ્યાં છે....મિત્રો તમારા 'પર્સન ઓફ ધ યર' કોણ છે?

ચલતે-ચલતેઃ સચ્ચાઈથી ઇશ્વર ખુશ થાય છે અને મેં સચ્ચાઈના માર્ગે ચાલવાવાળાને ભટકતા જોયા નથી-શેખ સાદી

Saturday, December 26, 2009

મુસ્લિમો માટે અનામત વ્યવસ્થા યોગ્ય છે?


ઇતિહાસની ભૂલોમાંથી આપણે બોધપાઠ શીખતાં નથી ત્યારે તેનું પુનરાવર્તન થાય છે. અત્યારે હિંદુસ્તાનમાં તે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે જેમાંથી પીછો છોડાવવા આપણે દેશનું વિભાજન સુદ્વાં સ્વીકારી લીધું હતું. વિભાજન પછી બંધારણીય સભાની બેઠકો યોજાઈ ત્યારે નેતાઓએ મુસ્લિમ લીગ કે મુસ્લિમ સમાજને સંતુષ્ટ કરવા બ્રિટિશ શાસન દરમિયાન કરેલી તમામ ભૂલોનો સ્વીકાર કરી તેના પર પસ્તાવો કર્યો હતો. તેમાંથી એક ભૂલ છે ધર્મના આધારે અનામત. 1909માં ધર્મના આધારે શરૂ થયેલી વ્યવસ્થાનું પરિણામ 1947માં હિંદુસ્તાનના લોહિયાળ વિભાજન સ્વરૂપે મળ્યું હતું.

યુપીએ સરકાર મુસ્લિમો માટે અલગથી અનામત વ્યવસ્થા કરવા વિચારી રહી છે. સત્તામાં આવ્યા પછી કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે મુસ્લિમ મતબેંકને જીતવા એક પછી એક જાહેરાતો કરી છે. વડાપ્રધાને તો દેશના સ્રોતો પર મુસ્લિમોનો પહેલો અધિકાર લઘુમતી સમાજનો હોવાનો દાવો સુદ્ધાં કરી દીધો છે. મુસ્લિમોના ઉત્થાન માટે 'વડાપ્રધાન 15 સૂત્રીય કાર્યક્રમ'ની જાહેરાત થઈ, સચ્ચર સમિતિની રચના થઈ અને હવે મુસ્લિમો માટે શિક્ષણ અને નોકરીઓમાં અનામત લાગૂ કરવાની વાત ચાલી રહી છે.

રંગનાથ મિશ્ર પંચે તમામ સરકારી નોકરીઓમાં 15 ટકા જગ્યા લઘુમતીઓ માટે અનામત રાખવાની ભલામણ કરી છે. તેમાંથી 10 ટકા મુસ્લિમો અને પાંચ ટકા જગ્યા અન્ય લઘુમતીઓને ફાળવવાની સૂચના આપી છે. પંચે 27 ટકા અન્ય પછાત વર્ગોમાં કોટામાંથી 8.4 ટકા જગ્યા પણ લઘુમતીઓને ફાળવવાની ભલામણ કરી છે. તેમાં છ ટકા મુસ્લિમો અને 2.8 ટકા જગ્યા અન્ય લઘુમતીઓને મળે તેવી વ્યવસ્થા કરવાની સૂચના આપી છે.

અનામતની વ્યવસ્થા બંધારણના કલમ 330થી 340 સુધી કરવામાં આવી છે, પણ તેનો આશય સદીઓથી દલિતો સાથે હિંદુ સમાજમાં તેમની સાથે થયેલા ભેદભાવને ભરપાઈ કરવાનો છે. આ માટે અનુસૂચિત જાતિ સાથે સંબંધિત 1950ના આદેશમાં અનુસૂચિત જાતિઓને હિંદુઓ પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી છે. પાછળથી તેમાં શીખો અને બૌદ્ધોને સામેલ કરાયા છે. મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન અને પારસીઓને તેમાં સામેલ કરવામાં આવ્યા નથી. થોડા સમય પહેલાં જૈન સમાજે લઘુમતી વર્ગમાં સ્થાન મેળવવા સંબંધિત અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી તો કોર્ટે તેને ફગાવી દીધી હતી. કોર્ટનું માનવું હતું કે આ પ્રકારની વ્યવસ્થાથી સામાજિક ભેદભાવ વધશે. હવે મુસ્લિમોને પણ અનુસૂચિત જાતિ-જનજાતિની સમકક્ષ દરજ્જો આપવાની માંગણી થઈ રહી છે અને દંભી ધર્મનિરપેક્ષ પક્ષો અને લોકો તેનું સમર્થન કરી રહ્યાં છે.

ભારતના બંધારણમાં ધર્મના આધારે અનામતની વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવામાં આવી નથી. ધર્મના આધારે અનામત વ્યવસ્થા પર બંધારણ સભામાં જોરદાર દલીલ થઈ હતી. મહાત્મા ગાંધી ધર્મના આધારે અનામતના વિરોધી હતા. બાબાસાહેબ આંબેડકર અને સરદાર પટેલે પણ ધર્મના આધારે અનામતનો વિરોધ કર્યો હતો. સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં કાઝી સૈયદ કરીમુદ્દીને મુસ્લિમે ધર્મના આધારે અનામતનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ત્યારે સરદાર પટેલે તેનો જવાબ આ શબ્દોમાં આપ્યો હતોઃ ''મિત્રો, તમે તમારો દ્રષ્ટિકોણ બદલો અને બદલાયેલી પરિસ્થિતને અનુરૂપ બનો....તમે જે ઇચ્છતાં હતાં તે બધું મળી ગયું છે. તમને એક અલગ રાજ્ય મળી ગયું છે અને યાદ કરો, તે માટે તમે બધા જવાબદાર છો, નહીં કે તેઓ જે અત્યારે પાકિસ્તાનમાં છે. તમે પાકિસ્તાન માટે આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તમને તે મળી ગયું. હવે તમારે શું જોઇએ છે? મને કંઈ સમજણ પડતી નથી. હિંદુઓની બહુમતીવાળા પ્રદેશોમાં તમે લઘુમતીઓના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. દેશનું વિભાજન થઈ ગયું. હવે તમે ફરી મને કહો છો કે નાના ભાઈનો પ્રેમ મેળવવા હું તે બાબતોનો ફરી સ્વીકાર કરું જેથી વિભાજીત ભારતનું ફરી એક વખત વિભાજન થાય. મહેરબાની કરીને તમે એટલું સમજો કે, અમારી પાસે વિવેકબુદ્ધિ છે.''

સરદાર પટેલે 28 ઓગસ્ટ, 1947ના રોજ સંસદમાં આ વક્તવ્ય બંધારણ સભાની બેઠકમાં આપ્યું હતું. બંધારણ સભા તે સમયે સંસદની ભૂમિકા ભજવતી હતી. અત્યારે તે જ સંસદમાં ધર્મના આધારે અનામતની ભલામણ કરતો રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. સત્તા અને મતની લાલચમાં આપણા રાજકારણીઓ બંધારણા સભાના સંકલ્પોને ભૂલી જવા થનગની રહ્યાં છે. 13 ટકા મુસ્લિમ મતોને મેળવવા ચાલતી ગળાકાપ સ્પર્ધામાં રાષ્ટ્રનો ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય ગૌણ થઈ ગયા છે.

ધર્મના આધારે અનામત વ્યવસ્થા ઊભી કરવા બંધારણમાં સુધારો કરવાની જરૂર પડશે. એટલે મુસ્લિમો માટે અનામતની વ્યવસ્થા પાછલા બારણેથી કરવા સચ્ચર સમિતિ અને રંગનાથ મિશ્ર પંચે સંયુક્ત સ્વરૂપે એક ફોર્મ્યુલા શોધી કાઢી છે. સામાજિક-આર્થિક પછાતપણાના આધારે મુસ્લિમોને અનામત આપવાની તૈયારી થઈ રહી છે. ઇસ્લામમાં જાતિ વ્યવસ્થા કે અસ્પૃશ્યતાને સ્થાન નથી. મુસ્લિમ ધાર્મિક નેતા અને પરંપરાગત રાજકીય નેતૃત્વ પણ તેને સ્વીકાર કરતું નથી. પછી પછાત મુસ્લિમો અને દલિત મુસ્લિમો જેવી વાતોમાં કેટલું તથ્ય છે? મુસ્લિમ લેખકો અને દંભી ધર્મનિરપેક્ષવાદીઓનું માનવું છે કે, ભારતમાં ઇસ્લામનો પ્રસાર તલવારના જોરે નહીં પણ તેના સમતાવાદી ચારિત્ર્યના કારણે થયો છે. આ વાત સાચી હોય તો એક સમતાવાદી સમાજ અને ધર્મમાં માનતા લોકો માટે અનામત વ્યવસ્થા શું યોગ્ય છે?