Sunday, March 22, 2009

યહ તો ઘર હૈ પ્રેમ કા, ખાલાકા ઘર નાહિં


ભક્તિનો મારગ છે શૂરાનો। નાનકે, કબીરે બધાએ કહ્યું કે, આ તો ભક્તિનો મારગ છે, આ તો શૂરાપૂરાનો મારગ છે, આ તો કુરબાની આપવાનો મારગ છે, કંઈ માસીનું ઘર નથી. યહ તો શીશ દે લે જાય, જે માથાં આપવાની તૈયારી કરે એ ભક્તિ કરી શકે. કાંઈ પાંચ મિનિટમાં ભક્તિ થઈ જાય?

અત્યારે તો બધા બોર્ડ મારે છે કે દશ મિનિટમાં સાક્ષાત્કાર। પંદર મિનિટમાં ધ્યાન અને વીસ મિનિટમાં પ્રાપ્તિ. હવે આ ધ્યાન કેવું લાગતું હશે! ભગવાન જાણે! ઋષિમુનિઓની ઉપર રાફડા થઈ ગયા તોય પત્તો લાગતો નહોતો અને આજે અડધા કલાકમાં ધ્યાન! કંઈ સહેલું છે? એ માનો એટલું સહેલું નથી. એ તો-

દંભીન નિજ મતિ કલ્પિ કરી-
પ્રગટ કિયે બહુ પંથ

દંભી લોકોએ પોતાને ફાવે તેવા માર્ગો ઊભા કર્યા છે। વરસાદ પડે અને તમે જે વાવ્યું હોય તે તો ઊગે, પણ વાવ્યા વગર બીજું બહુ ઊગે. તે રીતે ઋષિમુનિઓએ વાવ્યું હતું તેના કરતાં અત્યારે વાવ્યા વગરનું બહુ ઊગ્યું છે. કેટલાં પંથો નીકળ્યાં છે? કોઈક કહે, આમ કરો. કોઈક કહે તેમ કરો. કોઈક કહે આહીં જાઓ અને કોઈક કહે, ત્યાં જાઓ. માણસને ચૂંથી નાંખ્યો. માણસને વીંખી નાખ્યો છે. ભક્તિ તો બહુ મુશ્કેલ છે.

ભક્તિ માટે તો કુરબાની આપવી પડે। સમર્પણ કરવું પડે છે. નિંભાડામાં કેટલાય ખડકાઈ ગયા. કટેલાય જેલમાં પુરાયા, મીરાંને ઝેર પીવું પડ્યું, જીસસને જડી દીધા ક્રોસ ઉપર, મહંમદને હિજરત કરવી પડી, નાનકને લોકોએ ગાળો દીધી, બુદ્ધની પાછળ પથરા ફેંકાયા, મહાવીરના કાનમાં લોકોએ ખીલા ઠપકાર્યા, સોક્રેટિસને ઝેર પાઈ દીધું. જગતનો ઇતિહાસ લો. ઇશ્વરને પામતાં પહેલાં કેટલી કેટલી કુરબાનીમાંથી લોકો પસાર થયા? એકાવન રૂપિયા આપો અને બેડો પાર થઈ જાય એ તો કેમ બનતું હશે?

સેન્ટર પોઇન્ટઃ જલિલ આસાં નહીં આબાદ કરનાયે ઘર મુહબ્બત કા
યહ ઉસીકા કામ હૈં જો ખુદ બરબાદ હોતે હૈં।

No comments: