Saturday, January 28, 2012

સ્વસ્થતા


આવેશ જેમ ઓછો, તેમ કામ વધુ સારું થાય. આપણે જેમ વધુ શાંત હોઈએ તેમ આપણે માટે વધુ સારું. તેનાથી આપણે કામ વધુ કરી શકીએ. આપણી લાગણીઓ પર આપણો કાબૂ નથી રહેતો ત્યારે આપણી ઘણી શક્તિ વેડફી નાખીએ છીએ. આપણા જ્ઞાનતંતુઓ ભાંગીએ નાખીએ છીએ, આપણા મનને ખલેલ પહોંચાડીએ છીએ અને કામ સાવ થોડું થાય છે. જે શક્તિ કાર્યરૂપે પરિણમવી જોઈતી હતી તે માત્ર લાગણીના ઊભરારૂપે ખર્ચાઈ જાય છે અને કાંઈ વળતું નથી. મન શાંત હોય અને એકાગ્ર હોય ત્યારે જ તેની સમગ્ર શક્તિ સારું કામ કરવામાં વપરાય છે.
જગતમાં જન્મેલા મહાન વ્યક્તિઓના જીવનચરિત્રોને વાંચશો તો તમને જણાશે કે એ વ્યક્તિઓ અસાધારણ શાંત સ્વભાવની હતી. કોઈ વસ્તુ તેમની મનની સ્વસ્થતાને ડગાવી શકતી નથી. જે માણસ ગુસ્સે થઈ જાય છે તે બહુ કામ કરી શકતો નથી. જે વ્યક્તિને કોઈ પણ બાબત ગુસ્સે ન કરી શકે તે ઘણું કાર્ય પાર પાડે છે. જે માણસ ગુસ્સાને, ધિક્કાને અને બીજા કોઈ પણ આવેશને વશ થાય છે તે કાર્ય ન કરી શકે. તે માત્ર પોતાની જાતને નિરાશ કરે છે. તેના કાર્યમાં કંઈ ઊતરતું નથી. શાંત, સમતોલ અને સમાન દૃષ્ટિવાળું મન જ વધુમાં વધુ કામ કરે છે.
હકીકતમાં વિશ્વની સર્વ શક્તિઓ આપણી છે. આપણે જ આપણી આંખો આડા હાથ ધઈને અંધારું છે, અંધારું છે એમ બૂમો પાડીએ છીએ. તમે જાણો છો કે આપણા આસપાસ અંધાર ું નથી. હાથ ખસેડી લો એટલે અજવાળું દેખાશે. ખરેખર અંધકારનું અસ્તિત્ત્વ નથી, નિર્બળતાનું અસ્તિત્ત્વ નથી. આપણે બૂમો પાડીએ છીએ કે આપણે દુર્બળ છીએ, આપણે અપવિત્ર છીએ. તમે તમારી જાતને ખોટી આંકી રહ્યાં છો. તમે તમારી જાતને સંમોહિત કરીને કંઈક નીચી, નિર્બળ અને કંગાળ કલ્પીએ રહ્યાં છો. આ જ તમારી મોટીમાં મોટી ભૂલ છે. આપણે નિર્બળ છીએ એ માનવું મોટામાં મોટું પાપ છે. આપણામાં અનંત શક્તિ છે. ઊઠો, જાગો અને આ શક્તિનો સ્વસ્થતાપૂર્વક ઉપયોગ કરો.