Wednesday, March 4, 2009

અસત્યના પ્રયોગો


ગુજરાત દેશના અર્થતંત્રનું પાવર હાઉસ છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલી નાણાકીય કટોકટીમાં આ પૃથ્વી પર ગુજરાત એક એવું સ્થળ છે જે સતત પ્રગતિના પંથે છે. તમને થશે કે શિવરાત્રિએ પીધેલી ભાંગ હજુ ઉતરી નથી લાગતી. પણ આ વાત હું નથી કરતો. તો પછી કોણે કરી હોય?

તમે બહુ સમજાદાર છો એટલે ખબર પડી ગઈ હશે કે આવી ફાંકા ફોજદારી કોણ કરી શકે। તાજેતરમાં 'ઇન્ડિયા ટુડે' હિંદી મેગેઝિનના ચાર માર્ચ, 2009ના અંક સાથે ગુજરાત-ધ પાવર હાઉસ કરીને એક વીસીડી વાચકોના માથે મારવામાં આવી. આ વીસીડીમાં ઘેલા ગુજરાતીઓના લાડકવાયા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ફૂલગુલાબી તસ્વીર છે. જોકે ગુજરાત સરકારની કોઈ વાત હોય અને તેમની તસ્વીર ન હોય, ઇમ્પોસિબલ....મિથુન ચક્રવર્તીની એક ફિલ્મનું નામ હતું 'તકદીર કા બાદશાહ'. જો કોઈ નિર્માતાને નરેન્દ્ર મોદી પર ફિલ્મ બનાવવી હોય તો તે તેની ફિલ્મનું નામ શું રાખે? તસ્વીર કા બાદશાહ.

આ વીસીડીમાં ઉપર લખ્યું છે કે, There is a place on earth untouched by recession। Play this VCD to check out as to why this place is called 'The Happiness Capital of India.' એટલે મોદીકાકા કહે છે કે, આ પૃથ્વી પર એક સ્થળ એવું છે જેને મંદીની કોઈ અસર થઈ નથી. ગુજરાતને ભારતના સુખ અને સમૃદ્ધિની રાજધાની શા માટે કહેવામાં આવે છે તેની જાણકારી મેળવવા માટે આ વીસીડી જુઓ.

પહેલાં તો વાંચીને હસવું આવ્યું. એક લાચાર હાસ્ય! હું અને તમે જે ટેક્સ ભરીએ છીએ તેનો ધુમાડો આવા જૂઠ્ઠાં પ્રચાર અભિયાન પાછળ થઈ રહ્યો છે. શું ગુજરાતને મંદીની કોઈ અસર થઈ નથી? મારી સાથેના ચાર કર્મચારીઓને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. 'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ની ગુજરાતી આવૃત્તિનું બાળમરણ થઈ ગયું છે તો 'દૈનિક જાગરણ'ની ગુજરાતી આવૃત્તિની કસુવાવડ થઈ ગઈ છે.

સુરતમાં હીરા ઉદ્યોગ ભાંગી પડ્યો છે। હજારો હીરાઘસુઓને માદરે વતન પાછાં ફરવાની ફરજ પડી છે. કેટલાક હીરાઘસુ કારીગરોએ આત્મહત્યા કરી છે તેવા સમાચાર પણ આપણને જાણવા મળ્યાં છે. આજે જ અખબારોમાં વાંચ્યું કે અમદાવાદના સેટેલાઇટના પોશ ફ્લેટમાં મંદીમાં નાણાકીય ભીડમાં આવી ગયેલા પારસી પિતા-પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યો.

અમદાવાદમાં કાર્યરત બીપીઓ સેક્ટરની કામગીરી ઓછી થઈ ગઈ છે અને આઇટી વ્યવસાયિકો બેરોજગાર થઈ ગયા છે। સુભિક્ષાએ પોતાના વાવટા સમેટી લીધા છે. રીઅલ એસ્ટેટ સેક્ટરમાં કોઈ નવો પ્રોજેક્ટ શરૂ થતો નથી અને તૈયાર પ્રોજેક્ટના ભાવમાં 25થી 35 ટકાનો ઘટાડો થયો છે. મલ્ટિપ્લેક્સમાં ગમે તેવી સારી ફિલ્મમાં પણ કાગડા ઉડે છે. આ જ પરિસ્થિત હોટલોની છે.

શહેરમાં વિવિધ મોલને જૂનાં માલનો નિકાલ કરવા 60થી 70 ટકા ડિસ્કાઉન્ટ સેલનું આયોજન કરવું પડે છે। તેમ છતાં જોઇએ તેવો રીસ્પોન્સ મળતો નથી. લોકો ચડ્ડીથી ચાલે તેવું હોય તો પેન્ટ લેવાનું ટાળી રહ્યાં છે. ટેક્ષીવાળાઓ પાસે તેજીના સમયમાં જવાબ આપવાનો સમય નહોતો. પણ હવે તેમના ચક્રો થંભી ગયા છે. તેજીમાં દર કિલોમીટરે આઠ રૂપિયાનો ભાવ લેતા હતા. અત્યારે છ રૂપિયાનો ભાવ કહે છે અને જો થોડી રકઝક કરો તો બિચાર પાંચ રૂપિયામાં પણ આવવા તૈયાર થઈ જાય છે.

આ સંજોગોમાં પણ મેરા ગુજરાત મહાન! કાં તો આને ગાંડપણ કહેવાય કાં પછી અસત્યના પ્રયોગો। મને એવું લાગે છે કે અસત્યના પ્રયોગો કહેવાનું વધુ ઉચિત છે. ગુજરાત અને હિંદુસ્તાનમાં મહાત્મા ગાંધીએ સત્યના પ્રયોગો કર્યા હતા અને હવે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં રાજકારણીઓ અસત્યના પ્રયોગો પર હાથ અજમાવી રહ્યાં છે. બાપુએ લોકોને સત્યનો સાક્ષાત્કાર કરાવવા પ્રયોગ કર્યા હતા જ્યારે આજના રાજકારણીઓ લોકોને ભ્રમમાં રાખવાના દાવ અજમાવી રહ્યાં છે.

અસત્યના પ્રયોગો કરવાનો અધિકાર એકમાત્ર નરેન્દ્ર મોદીનો છે એવું નથી. વારંવાર ગાંધીજીની દુહાઈ દેતી કોંગ્રેસ પણ તેમાંથી બાકાત નથી. યુપીએ સરકારની સિદ્ધિઓની ગાણાં ગાવા પાછળ છેલ્લાં બે અઠવાડિયા કરતાં ઓછા સમયમાં કોંગ્રેસે અખબારો અને ટીવી ચેનલોમાં જાહેરાતો પાછળ રૂ. 300 કરોડનો ધુમાડો કરી નાંખ્યો છે.

No comments: