'હું તો કલમજીવી લેખક છું.' આ શબ્દો છે ગુજરાતનાં જાણીતા રાજકીય વિશ્લેષક, સાહિત્યકાર અને બાળસાહિત્યના અકાદમીના પ્રમુખ યશવંત મહેતાના. તેમના નિવાસસ્થાને શનિવારે થયેલી વાતચીતઃ
અત્યારે શું વાંચો છો?
ઉત્તમ ગજ્જર સંપાદિત 'ગુજરાતની અસ્મિતા.' આ પુસ્તક કિમ એજ્યુકેશન સોસાયટીએ પ્રકાશિત કર્યું છે. પુસ્તકોનું વાચન છેલ્લાં થોડા સમયથી ઓછું થયું છે, પણ નિયમિત રીતે બાળસાહિત્યના પુસ્તકો મળતાં રહે છે.
તમારી મનપસંદ લેખનશૈલી?
નવલકથા। જોકે છેલ્લાં દસ-બાર વર્ષથી એક પણ નવલકથાનું સર્જન થયું નથી. પણ મારે એટલું જરૂર કહેવું છે કે કોઈ પણ સર્જકની શૈલી સરળ હોવી જોઇએ. ગાંધીજી કહેતા હતાં કે, કોસિયો પણ સમજી શકે તેવી ભાષામાં લખો. તમારે સમાજના છેવાડાના માણસ માટે લખવાનું છે. મારું લખાણ સીધું, સરળ અને સ્પષ્ટ હોય છે. મને વ્યર્થ વિસ્તાર કરવો ગમતો નથી અને સામાન્ય માણસને ન સમજાય તેવું ક્લિષ્ટ લખાણ જાણીજોઇને લખવું ગમતું નથી.
એવી કોઈ રચના જે તમને બહુ પસંદ હોય અને તેના જેવી કૃતિનું સર્જન કરવાની ઇચ્છા હોય?
ડેફની દુ મોરિયરની રીબેકા। મેં 1960-61માં વાચી હતી. મને બહુ પસંદ પડી હતી અને રીબેકા જેવી કૃતિનું સર્જન કરવાની ઇચ્છા થઈ હતી. મેં તેનું 'લોપા' નામે રૂપાંતરણ કર્યું છે અને તેની તે સમયે 1,750 નકલો પ્રકાશિત થઈ હતી. જોકે તેનો યશ હું લેવા માગતો નથી, કારણ કે તે સમયનું વાતાવરણ જુદું હતું. કોલેજના વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને સરકારી કર્મચારીઓને વાચનનો શોખ ધરાવતા હતા।
ગુજરાતી ભાષામાં એવી સાહિત્યકૃતિ છે જેને જોઇએ તેવો આવકાર ન મળ્યો હોય?
દિલીપ રાણપુરાની નવલકથા 'સૂકી ધરતી સુકા હોંઠ.' એક આદર્શવાદી શિક્ષક ઝાલાવાડના અંતરિયાળ ગામડાંમાં જાય છે. પછી તેનું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અધઃપતન થાય છે. એક સિદ્ધાંતવાદી યુવાન પશુ બની જાય છે. માણસના નૈતિક મૂલ્યનાં હ્રાસની આ કથા વિશ્વના કામૂ, બેકેટ જેવા લેખકોના સર્જનની તોલે આવી શકે. જો તેનું રૂપાંતરણ થાય તો તે વિશ્વની શ્રેષ્ઠ કૃતિમાં સ્થાન મેળવી શકે. પણ ગુજરાતી વિવચકોએ તેની જાણીજોઇને નોંધ સુદ્ધા લીધી નહોતી. ગુજરાતી સાહિત્ય અકાદમી કે ગુજરાતી સાહિત્ય પરિષદનું ઇનામ પણ મળ્યું નહોતું.
ગુજરાતી ભાષાની એવી સાહિત્યકૃતિ જેને વધુ પડતો આવકાર અને વધારે પ્રસિદ્ધિ મળી?
કનૈયાલાલ મુનશીની 'કૃષ્ણાવતાર.' તેમાં મહાન નવલકથા કે યુગકથાના એંધાણ નથી. માત્ર મહાભારતની વાતોનું પુનરાવર્તન છે અને તે પણ ઉચ્ચ કક્ષાના અર્થઘટન વિના. તેમાં માત્ર રજૂઆતની શૈલી બદલી મહાભારતની કથા કહી દેવામાં આવી છે. મુનશીના અન્ય નાટકો, 'પાટણની પ્રભુતા', 'ગુજરાતનો નાથ', 'રાજાધિરાજ'માં જે સર્જનશીલતા દેખાય છે તેવી સર્જનાત્મકતા કૃષ્ણાવતારમાં દેખાતી નથી.
બીજી રઘુવીર ચૌધરીની 'અમૃતા.' તેની બિનજરૂરી પ્રશંસા થઈ છે અને વધુ પડતી પ્રસિદ્ધિ મળી ગઈ છે. હકીકતમાં સામાન્ય વાચકને પણ ખબર પડે છે કે તે અસ્વાભાવિક કૃતિ છે. તેમાં રૂપકો, અલંકારો અને કલ્પનો મારીમચડીને બેસાડવામાં આવ્યાં છે.
સાહિત્યમાં પારિતોષિકનું કેટલું મહત્વ?
ઘણું મહત્વ. તેનાથી સર્જકને પ્રોત્સાહન મળે છે। મને યાદ છે કે, વર્ષ 1964માં 26 વર્ષની વયે મને મારા પ્રથમ પુસ્તક 'પારખીનાં પૈડા' માટે ગુજરાત સરકારના બાળ વિભાગનું પારિતોષિક મળ્યું હતું. પારિતોષિકથી સર્જકમાં આત્મવિશ્વાસ વધે છે. તેનું પુસ્તક પ્રકાશિત થાય તે તેની પહેલી માન્યતા છે જ્યારે પારિતોષિક તે
સારા સર્જક અને સારા સર્જનની મહોર મારે છે.
મનપસંદ સાહિત્યકાર?
ગુજરાતી સાહિત્યકારોમાં ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, જયભિખ્ખુ (શૈલી માટે), ચંદ્રકાંત ભટ્ટ (વિષય અને શૈલી માટે). વિદેશી સાહિત્યકારોમાં ડેફની દુ મોરિયર, એલેરી ક્વિન (રહસ્યકથા), દોસ્તોવસ્કી.
સૌથી વધારે પસંદ હોય તેવી પાંચ કૃતિ?
રીબેકા - ડેફની દુ મોરિયર
ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ - દોસ્તોવસ્કી
માદમ બોવેરી - ગુસ્તાવ ફ્લૂબર્ટ
ધ જંગલ - અપ્ટોન સિંકલેર
સોરઠ તારાં વહેતા પાણી - ઝવેરચંદ મેઘાણી
અત્યારે કોઈ સાહિત્યિક સર્જન કરો છો?
નવલકથા લખાતી નથી. દર અઠવાડિયે રહસ્યકથા લખું છું. ચિંતનાત્મક કોલમ લખું છું.
સાહિત્ય એટલે?
માનવીમાત્રમાં ઊર્ધ્વગામિતાની, કાંઇક ઊંચું ઊઠવાની ઝંખના હોય છે. તેને પોષતું શબ્દરૂપી તત્વ એટલે સાહિત્ય. દરેક વ્યક્તિ પ્રગતિ કરવા ચાહે છે અને તેને પૂર્ણ કરવા સાહિત્ય ઉત્તમ માધ્યમ (સાધન) છે.
2 comments:
શ્રી યશવંત મહેતાની મુલાકાત પ્રગટ કરવા બદલ ધન્યવાદ. એમની કેટલીક વાતો સાથે સહમત થવા જેવું લાગે છે.
તા – ૧૫ – ૧૧ – ૨૦૧૧ના રોજ સાહિત્ય પરિષદના કાર્યક્રમમાં બોલતા સાંભળવા મળ્યા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નજીકથી ખભે રૂમાલ સાથે જોવા પણ મળ્યા .
Post a Comment