Thursday, February 26, 2009

'ગોધરા-અનુગોધરાની સાતમી વરસીએ પણ મોટા ભાગના ગુજરાતીઓમાં કલિંગબોધ જોવા મળતો નથી'


સાત વર્ષ પહેલાં 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ સવારે સાડા નવની આસપાસ વિવિધ ન્યૂઝ ચેનલે ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના ભડકે બળતા ડબ્બા દેખાડયા હતા. ગોધરા અને તે પછી જે કંઈ બન્યું તે ગુજરાતના રાજકીય, સામાજિક અને કાયદાકીય ઇતિહાસમાં અભૂતપૂર્વ અને અકલ્પનીય હતું. ગુજરાત 2002 પહેલાં મહાત્મા ગાંધીના ગુજરાત તરીકે જાણીતું હતું પણ ગોધરા-અનુગોધરા પછી ગુજરાત પર હંમેશા માટે કાળો ડાઘ લાગી ગયો. ગાંધીજી અને સ્વામી વિવેકાનંદના શુદ્ધ હિંદુત્વને ઝાંખપ લાગી ગઈ છે અને દિશાહીન હિંદુવાદ આકાર લઈ રહ્યો છે. ગોધરા-અનુગોધરાની આવતીકાલે સાતમી વરસી છે. તેના ઉપક્રમે ગુજરાતના જાણીતા રાજકીય સમીક્ષક અને 'નિરીક્ષક' પખવાડિયકના સંપાદક પ્રકાશ ન. શાહ સાથે ગોધરા-અનુગોધરાને લઇને કરેલી વાતચીત રજૂ કરી છેઃ

ગોધરાકાંડ પછી તમારી પહેલી પ્રતિક્રિયા શું હતી?
તે દિવસે 'નિરીક્ષક'ની ડેડલાઇન હતી એટલે અંક પૂર્ણ કરવામાં વ્યસ્ત હતો। તેવામાં જાણકારી મળી કે ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કારસેવકોના કોચમાં ભડકો થયો છે. તે સમયે વિસ્તૃતપણે લખવાનો સમય નહોતો પણ મેં એટલું જરૂર લખ્યું હતું કે નવ લાઇસન્સ પ્રાપ્ત નરેન્દ્ર મોદીએ શુચિર્દક્ષ પણે કામ કરવાની જરૂર છે. ગોધરાકાંડના સમાચાર બ્રેક થયા તે પછી તરત જ તત્કાલીન વડાપ્રધાન વાજપેયીએ બીબીસીને કહ્યું હતું કે, સંયમ દાખવવાની જરૂર છે.

વાજપેયીએ વિશ્વ હિંદુ પરિષદને બંધનું એલાન પાછું ખેંચવાની અપીલ પણ કરી હતી...
ચોક્કસ। પણ વિશ્વ હિંદુ પરિષદે તો તરત જ તેની કામગીરીની રૂપરેખા બનાવી લીધી હતી. આ વાત સ્વ. કે. કા. શાસ્ત્રીએ રેડિફના પત્રકાર શીલા ભટ્ટ સાથેની મુલાકાતમાં કબૂલ કરી હતી. તેમણે શીલાબહેનને કહ્યું હતું કે, પરિષદે (વિશ્વ હિંદુ પરિષદ) ક્યા ક્યા વિસ્તારોને નિશાન બનાવવા તે માટે બેઠક કરી હતી. આ વાત 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં પ્રસિદ્ધ પણ થઈ હતી.

કે. કા. શાસ્ત્રીએ તે વાતનો રદિયો પણ આપ્યો હતો...
તેમણે રદિયો જરૂર આપ્યો હતો પણ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ છાપ્યો નહોતો। આ વાત તેમણે મને એક પત્ર લખીને કરી હતી. મેં તેમને લેખિતમાં કહ્યું હતું કે તમારો રદિયો આપવો હોય કે શીલા ભટ્ટ સાથેની મુલાકાત અંગે કોઈ ખુલાસો કરવો હોય તો 'નિરીક્ષક' તેને પ્રસિદ્ધ કરવા તૈયાર છે. પણ પછી તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.

ગોધરાકાંડ પછી રાજ્યના વિવિધ શહેરોમાં કોમી તોફાન ફાટી નીકળશે તેવી કલ્પના હતી?
ના। પણ મને ગોધરાકાંડ પહેલાં એવી ગંધ તો આવી જ ગઈ હતી કે કંઇક નવીન થશે. આવી કોઈ બાતમી મારી પાસે નહોતી. કોઈ ઇન્ફોર્મર સાથે મારા સંપર્ક પણ નહોતા અને આજે પણ નથી. પણ કોમી ભડકો થયો તેની મને નવાઈ નહોતી લાગી. આ વાત મેં ગોધરાકાંડ અને અનુગોધરાકાંડ પછી જસ્ટિસ કૃષ્ણા ઐયરના અધ્યક્ષપદે રચાયેલી પ્રજાકીય પંચ સમક્ષ કહી હતી. મેં પંચ સમક્ષ કહ્યું હતું કે: Godhara or no Godhara, this was going to happen.

કોમી તોફાનો બદલ એક વર્ગ સંપૂર્ણપણે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવે છે તો બીજો વર્ગ એવું કહે છે કે તે સમયે જે બન્યું તે લોકોનો સ્વયંભૂ આક્રોશ હતો. તમે શું માનો છો?
ગોધરાકાંડ પછી જે કાંઈ થયું તે રાજ્ય સરકારની મિલીભગતથી થયું હતું। તે આપણી નજર સામે છે. અત્યારે રાજ્ય સરકારના જ મંત્રી માયાબહેન કોડનાની અને વિશ્વ હિંદુ પરિષદના જયદીપ પટેલને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસઆઇટી)ને ભાગેડુ જાહેર કરવાની ફરજ પડી છે. અમદાવાદની કમિશનર ઓફિસનું સંચાલન તત્કાલીન ગૃહ મંત્રી ગોરધન ઝડફિયા કરતાં એવું દરેક અખબાર કહેતાં હતા. સરકારે કોમી હુલ્લડો રોકવા પ્રયાસ કર્યો જ નહોતા. સરકારની ભૂમિકા કેવી હતી તે વિશે એક ઉદાહરણ સાથે વાત કરું.

ભારત-પાકિસ્તાનનું સર્જન થવા ટાણે પૂર્વ બંગાળમાં નોઆખલીમાં બહુમતી મુસ્લિમો લઘુમતી હિંદુઓ પર હુમલા કરતા હતા અને બિહારમાં બહુમતી હિંદુઓએ લઘુમતી મુસ્લિમોને નિશાન બનાવ્યાં હતા। તે સમયે નોઆખલીમાં મુસ્લિમ લીગની સરકાર હતી. તેના એક મંત્રી શમ્મસુદ્દીને મુસ્લિમોના ટોળાને કહ્યું હતું કે, હું તમારી જેમ પાકિસ્તાનમાં માનું છું. અમે સરકાર ચલાવીએ છીએ અને સરકારની ફરજ છે કે ખૂન, બળાત્કાર જેવા અપરાધ રોકે. સરકાર માટે તેના નાગરિકની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. મુસ્લિમ લીગની સરકારનો એક મંત્રી જે વાત સમજતો હતો તે સમજણ તત્કાલીન ભાજપ સરકારના એક પણ મંત્રીએ દાખવી નહોતી.

ભાજપને વર્ષ 2002ની ચૂંટણીમાં જંગી બહુમતી મળશે તેવી ધારણા હતી?
સામાન્ય રીતે તોફાન થાય પછી પ્રજાને ટૂંક સમયમાં કલિંગબોધ (કલિંગબોધ એટલે પ્રાયશ્ચિતની ભાવના। મહારાજા અશોકને કલિંગના યુદ્ધ પછી પશ્ચાતાપ થયો હતો તેના પરથી આ શબ્દનું સર્જન કરવામાં આવ્યું છે) થાય છે. પણ ગુજરાતની પ્રજાને કલિંગબોધ થયો હોય તેવું ચૂંટણી વખતે લાગતું નહોતું એટલે પરિણામ બહુ ચોંકાવનારા નહોતા.

ગોધરા-અનુગોધરાની સાતમી વરસીએ ગુજરાતની જનતાને કલિંગબોધ થયો હોય તેવું તમને લાગે છો?
આ બાબતે થોડી વિસ્તૃત વાત કરું। ગોધરા-અનુગોધરા પછી મુખ્યમંત્રીના મુખ્ય સુરક્ષા સલાહકાર તરીકે કેટલોક સમય જાણીતા 'ઍન્કાઉન્ટર માર્તન્ડ' ગિલ હતા. રાજ્યમાં થોડા મહિના પછી પરિસ્થિતિ થાળે પડી પછી ગિલસાહેબ રવાના થયા તે પહેલાં નાગરિક સંગઠનની એક બેઠક યોજાઈ હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, ''સામાન્ય રીતે કોઈ જગ્યાએ કોમી હુલ્લડો કે તોફાન થાય તેના થોડા દિવસ પછી પ્રજાને કલિંગબોધ થાય છે. તેમને કંઇક ખોટું થયું હોવાની કે સ્વસ્થ સમાજને ન શોભે તેવું થયું હોવાનો અપરાધબોધ થાય છે. પણ ગુજરાતમાં આ ભાવના જોવા મળી નથી.'' તેમના શબ્દો આજે પણ સાચાં છે અને ગોધરા-અનુગોધરાની સાતમી વરસીએ પણ મોટા ભાગના ગુજરાતીઓમાં કલિંગબોધ જોવા મળતો નથી.

તાજેતરમાં જ નરેન્દ્ર મોદીએ ડીએનએ સાથેની મુલાકાતમાં ગોધરા-અનુગોધરાને રાજ્ય સરકારની 'Unintensional Mistake' હોવાની વાત કરી છે...
ગોધરા-અનુગોધરા mistake નહોતી એટલે તે unintenional હોવાનો સવાલ જ નથી। હા, ગોધરા-અનુગોધરા પછી રાજ્ય સરકારે mistake જરૂર કરી છે. ગોધરા-અનુગોધરા પર પર પશ્ચાત્તાપ કરવાને બદલે મોદી સમગ્ર રાજ્યમાં ગૌરવયાત્રા લઇને ફરતા હતા. તે સમયે રાજ્ય સરકારને જાસૂસી રીપોર્ટ પર ધ્યાન આપવાનીયે ફૂરસદ નહોતી. છેવટે થયું શું? નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન નજીક ગાંધીનગરમાં અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો. જે દિવસે હુમલો થયો તે દિવસે બપોરે બાર વાગતાં અમે તત્કાલીન રાષ્ટ્રપતિ કલામને મળવા ગયા હતા અને તેમને પણ રાજ્ય સરકારની બેફિકરાઈ વિશે માહિતગાર કર્યા હતા. તે દિવસે બપોરે દિલ્હીના પત્રકારો સાથે પણ આ અંગે વાત થઈ હતી અને તેવામાં અક્ષરધામ પર આતંકવાદી હુમલાના સમાચાર આવ્યાં. ગોધરા-અનુગોધરા પછી ગુજરાત અને દેશ પર આતંકવાદી હુમલાનું જોખમ વધી ગયું છે.

એટલે તમારો કહેવાનો અર્થ એ છે કે દેશમાં જે કાંઈ આતંકવાદી હુમલા થયા તે માટે ગોધરા-અનુગોધરા જવાબદાર છે?
આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે પણ ગુજરાતમાં થયેલા કોમી તોફાનોએ બળતામાં ઘી તો હોમ્યું જ છે। ગોધરા-અનુગોધરા પછી દેશના વિવિધ શહેરોમાં જે આતંકવાદી હુમલા થયા તેની તપાસનો સૂર એવું કહે છે કે આતંકવાદીઓના વિવિધ આશયમાંનો એક ગુજરાતના બનાવોનો બદલો લેવાનો છે. તે હુમલાઓને જસ્ટિફાય કરવાનો કોઈ ઇરાદો નથી પણ મુદ્દો એ છે કે, ગોધરા-અનુગોધરા પછી હિંદુ-મુસ્લિમ વચ્ચેનું ધ્રુવીકરણ વધારે મજબૂત થયું છે અને આતંકવાદી હુમલાનું પ્રમાણ વધ્યું છે તેને કોઈ નકારી શકે તેમ નથી. અડવાણીએ થોડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પ્રવચન પછી મુંબઈમાં જે આતંકવાદી હુમલા થયા તેમાં સ્થાનિક લોકોની ભૂમિકા વિના આટલું મોટું ષડયંત્ર પાર પાડવું અશક્ય છે તેમ કહ્યું હતું. પણ તપાસમાં સ્થાનિક લોકોને ભાગ લેવા પ્રોત્સાહન કોણે પૂરું પાડ્યું છે તે આપણે બધા જાણીએ છીએ.

ગોધરા-અનુગોધરા પછી સામાન્ય લોકોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થયો છે. ભાજપનો એક વર્ગ જે પહેલાં લાલકૃષ્ણ અડવાણીને 'છોટે સરદાર' કહેતો હતો તે હવે નરેન્દ્ર મોદીની સરખામણી સરદાર સાથે સરખાવે છે. જો ગોધરાકાંડ જેવી ઘટના બની હોત અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હોત તો તેમણે શું કર્યું હોત?
જેઓ નરેન્દ્ર મોદી કે બીજા કોઈ પણ રાજકારણીને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવે છે કે છોટે કે મોટે સરદાર કહે છે તેઓ સરદારને સૌથી વધારે અન્યાય કરી રહ્યાં છે। જો ગોધરાકાંડ સર્જાયો હોય અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સરદાર હોત તો તે પ્રશ્નનો ઉકેલ ગોધરા રેલવે સ્ટેશને જ આવી ગયો હોત. તેઓ કાયદાના શાસનના ચુસ્ત હિમાયતી હતા. તેઓ અપરાધીને સજા કરવામાં માનતા હતા, નહીં કે અપરાધીના ધર્મ કે તેની નાતજાતના નિર્દોષ લોકોને. કોઈ નેતાની લોકપ્રિયતા અને તેની કામગીરીનું ન્યાયી મૂલ્યાંકન થવું જોઇએ જેની અપેક્ષા કલિંગબોધ ન અનુભવતી ગુજરાતની પ્રજાથી પાસેથી રાખવી વધુ પડતું છે.

અહીં એક બીજી વાત પણ કરવી છે। ભાજપ ઘણી વખત સોમનાથ અને અયોધ્યાની મુદ્દાની ભેળસેળ કરી દે છે. હકકીતમાં તે બંનેની સરખામણી ન થઈ શકે. સરદારે સોમનાથનો પુનરોદ્ધાર કરાવ્યો હતો પણ સોમનાથનું મંદિર વિવાદાસ્પદ નહોતું. તેમાં મંદિર-મસ્જિદનો કોઈ વિવાદ નહોતો. સરદારે ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતને અયોધ્યા મુદ્દો ભૂલી જવા કહ્યું હતું. સરદાર અયોધ્યાના વિવાદની ગંભીરતા સમજતાં હતા અને એટલે તેને સ્પર્શ ન કરવામાં જ માનતા હતા. વલ્લભભાઈની કારસેવા કે રામમંદિર આંદોલનમાં કલ્પના પણ ના કરી શકાય.

ગોધરા-અનુગોધરાના દોષિતોને સજા થાય તેવું તમને લાગે છે?
ગોધરામાં કારસેવકોના ડબ્બાનો ભડકો કરનાર સજા થવી જ જોઇએ અને તે પછી જેમણે ગોધરામાં આગ ચાંપવામાં કોઈ ભૂમિકા ભજવી નહોતી તેવા નિર્દોષ માણસોને જીવતા સળગાવી દેનારા અને તેમની કત્લેઆમ કરનારાઓને પણ સજા થવી જોઇએ। છેલ્લાં સાત વર્ષથી કમિશન પર કમિશન બેસાડવામાં આવી રહ્યાં છે. જોઇએ શું થાય છે.

ગોધરા-અનુગોધરાની દેશ પર લાંબાગાળે શું અસર થશે?
સુશિક્ષિત ગુજરાતી વર્ગે નાગરિક સમાજની દ્રષ્ટિએ બે સવાલના જવાબ આપવા પડશેઃ એક, તમે કાયદાના શાસનમાં માનો છે કે કેમ? બીજું, જો કાયદાના શાસનનું ઉલાળિયું કરવામાં કોઈ રાજકીય વિચારધારાનું સમર્થન મળી રહેતું હોય તો તમને તેમાં વાંધો છે? કાયદાના શાસનનો સવાલ સૌથી મહત્વપૂર્ણ છે। સાંપ્રદાયિકતા કે બિનસાંપ્રદાયિકતાની વાત તો પછી આવે છે. સવાલ દેશના બંધારણ અને કાયદાના સમ્માનનો છે. સવાલ માનવતાના ધોરણોનો છે.

'નિરીક્ષક'માં સાંપ્રદાયિકતા કે બિનસાંપ્રદાયિકતા વિશે બહુ ચર્ચા ચાલી હતી...
ગુજરાતના મુખ્ય પ્રવાહનો વર્તમાનપત્રો જે ચૂક્યાં હતાં તે વાત નિરીક્ષક, નયા માર્ગ અને ભૂમિપુત્રએ રજૂ કરી। તેમાં પણ 'નિરીક્ષક'માં ગાંધીવિચાર અને હિંદુત્વની પાયાની ચર્ચા થઈ હતી.

પણ ગાડી આડે પાટે ચડી ગઈ હતી એવું નહોતું લાગ્યું?
ચર્ચા થોડી આડે પાટે ચડી ગઈ હતી। મુદ્દો કાયદાકીય શાસનનો હતો અને ચર્ચા સાંપ્રદાયિકતા-બિનસાંપ્રદાયિકતા પર વધારે થઈ હતી: જેમ ઝનૂની મુસ્લિમો કે ઝનૂની હિંદુઓ એકમેકને મારવા લેતા હોય તેમ જાણે કે બિનસાંપ્રદાયિકતાની વાત કરનારા 'મારો કે કાપો'ને રક્તખેલ ખેલી રહ્યાં હોય, એવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું.

'નિરીક્ષક' સાંપ્રદાયિકતા અને બિનસાંપ્રદાયિકતાના નામે ગુણવંત શાહની ટીકા કરવાનું અને તેમની સામે વિચારો અને અભિપ્રાયો વ્યક્ત કરવાનું માધ્યમ બની ગયું હતું. પ્રવીણ ન. શેઠને તો આ વિશે તમને પત્ર લખવો પડ્યો હતો. તેમનો સૂર એવો હતો કે ગુણવંત શાહના વિચારોની સમીક્ષા એક આધાર સાથે થાય તેની સામે વાંધો નથી પણ તેમના વિરોધમાં પાયા વિનાના અને દ્વૈષી ઇરાદાથી લખાયેલા પત્રો ન પ્રકાશિત કરો.
તે સમયે ગુણવંત શાહ 'સંદેશ'માં લખતા હતા, કહો કે જે બધું ન બનવાનું બનતું હતું તેને માટે તે અનાયાસ એર કવરેજ બની રહ્યું હતું. તેમના વિચારો સાથે સહમત હોય કે ન હોય તેવા વાચકો કે લેખકોના મત સંદેશમાં છપાય તેવો બહુ અવકાશ નહોતો. એટલે 'નિરીક્ષક' ગુણવંત શાહના લેખ રી-પ્રિન્ટ કરી તેની સાથે જે તે લેખકોના જવાબ પ્રકાશિત કરતું હતું. તેમાં ગુણવંત શાહને નિશાન બનાવવાનું ધાર્યું નહોતું. 'નિરીક્ષક' તે પ્રકારની વિચારસરણીમાં ક્યારેય માનતું નથી. પણ સુશિક્ષિત ગુજરાતી વર્ગે જે બે સવાલના જવાબ આપવા જોઇએ તે વાત ગુણવંતભાઈને પણ લાગૂ તો પડે જ છે, જેમ મને કે બીજાને પણ.

3 comments:

Unknown said...

Well Done Keyurbhai !

Rajni Agravat said...

કલિંગબોધ થવો જોઇએ જબરજસ્તીથી કરાવવો જોઇએ નહી... કલિંગબોધને દેશી ભાષામાં "રાંડ્યા પછીનું ડહાપણ" પણ કહી શકાય પણ એક એશની ફિલ્મી હતીને (નામ યાદ નથી)એમાં અગર પતિને જલાવવો પડે તો (કહેવાતી)ભૂલ કરી ને નિરાંતે પસ્તાવાનાં સ્વીમીંગ પૂલમાં ડૂબકી મારી લેવાની દંભી (અ)નિતિ કરતા બિન્દાસ્ત (કે જેને બેફામ પણ કહી શકો) સપોર્ટ કરી લેવામાં ખોટુ નથી... અને આમેય ઓશો કહેતાને કે ભૂલ કરીને પસ્તાવો કરવો એટલે ફરીથી ભૂલની પૂર્વતૈયારી!
સો મણ નો સવાલ કે આ ભૂલ છે એમ માનતા જ નથી તો?!

Anish Patel said...

કલિંગબોધ માત્ર હિંદુઓને જ થવો જોઈએ, મુસ્લિમોને નહિ? અને સરકાર પ્રેરિત કોમી રમખાણો માટે એક આખી રાજ્યની પ્રજાને બદનામ ક્યાં સુધી કરતા રહેવાની? કોમી રમખાણો ગુજરાતની બહાર પણ ઘણી જગ્યાએ થયા છે. ક્યાંય આવી માનસિકતા નથી જોવા મળી. મુસ્લિમોની તરફદારી કરો એટલે સેક્યુલર અને હિન્દુની તરફદારી કરો એટલે કોમવાદી? મોદીનું જીતવાનું કારણ એટલું જ છે કે ૫૦ વર્ષોથી કોંગ્રેસનું મુસ્લિમો તરફી વલણ જોઈને અન્યાયની લાગણી અનુભવી રહેલા લોકો કોંગ્રેસથી વિમુખ થવા માંગતા હતા અને મોદી હિંદુઓની આ લાગણીનું પ્રતીનીદ્ધિત્વ કરી રહ્યા છે.