લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે। સત્તા જાળવવા કોંગ્રેસે 'જય હો'નો નારો બુલંદ કર્યો છે તો ભાજપે આઇપીએલને વિદેશમાં ખસેડવાની બાબતને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. માયાવતી દેશના વડાપ્રધાન બનવાનું શમણું સેવી રહ્યાં છે તો ચંદ્રાબાબુ નાયડુ સામે ચાલીને વડાપ્રધાનની રેસમાં નહીં હોવાનું કહી લોકોને હસાવી રહ્યાં છે. હજુ ગઈકાલ સુધી રામવિલાસ પાસવાનને ભોગવિલાસ પાસવાન કહેતાં લાલૂપ્રસાદ યાદવ હવે તેમને 'રામૂ ભૈયા, રામૂ ભૈયા' કહી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતના જાણીતા રાજકીય-આર્થિક વિશ્લેષક, કટારલેખક અને અમદાવાદની એચ. કે. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના અર્થશાસ્ત્ર વિષયના પ્રોફેસર હેમંત શાહ સાથે થયેલી વાતચીત અહીં રજૂ કરવામાં આવી છેઃ
લોકસભાની આગામી ચૂંટણીના પરિણામોને લઇને વિવિધ અનુમાનો થઈ રહ્યાં છે. તમારું શું માનવું છે?
જુઓ, ભાજપ અને તેના સાથીપક્ષોના બનેલા એનડીએને સ્પષ્ટ બહુમતી મળે તેવી કોઈ શક્યતા નથી। કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે, પણ તેને સ્પષ્ટ બહુમતી નહીં મળે તે લગભગ નક્કી વાત છે. ચૂંટણી પછી બે શક્યતા છે. એક શક્યતા એ છે કે, યુપીએ અને ત્રીજો મોરચો સાથે મળીને સરકાર બનાવી શકે છે. બીજી શક્યતા એ છે કે, ત્રીજો મોરચો અને યુપીએ-એનડીએમાંથી અત્યારે છૂટાં પડેલાં અને ચૂંટણી પછી તક જોઇને પલટી મારનારા પ્રાદેશિક પક્ષો ભેગા મળીને સરકાર બનાવી શકે છે.
એનડીએ સરકારને ઇન્ડિયા શાઇનિંગનું સૂત્ર વહેતું મૂક્યું હતું ત્યારે રાજકીય પંડિતો એનડીએની સરકાર જ બનશે તેવું છાતી ઠોકીને કહેતાં હતા. પણ તેમાં એનડીએની નૈયા ડૂબી ગઈ હતી. તે અનુભવને આધારે કોંગ્રેસના 'જય હો' સ્લોગનને અત્યારે શંકાની નજરે જોવાઈ રહ્યું છે અને ક્યાંક કોંગ્રેસને ડૂબાડી ન દે તેવી શંકા વ્યક્ત થઈ રહી છે.....
બંને સ્લોગનમાં ફરક છે. ઇન્ડિયા શાઇનિંગના સૂત્રમાં દેશમાં સુખ અને સમૃદ્ધિ આવી ગઈ છે તેવો પ્રચાર કરવામાં આવ્યો હતો જ્યારે વાસ્તવિકતા અલગ હતી. કોંગ્રેસનું 'જય હો' સ્લોગન ભારતની તાકાત દેખાડે છે. તેમાં ગરીબી દૂર કરવાનો કે જનતાને સુખી-સમૃદ્ધ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો નથી. તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની તાકાતનો પરિચય કરાવવામાં આવ્યો છે.
કોંગ્રેસે વડાપ્રધાન તરીકે મનમોહન સિંઘને આગળ કર્યા છે તો ભાજપે લાલકૃષ્ણ અડવાણીને પ્રોજેક્ટ કર્યા છે. તમે વડાપ્રધાન તરીકે કોને જુઓ છો?
અત્યારે તો વડાપ્રધાન બનવાનો દાવો કોણ નથી કરતું। પણ એક બાબત સ્પષ્ટ છે કે, દેશના આગામી વડાપ્રધાન કોણ બનશે તેનો આધાર કોંગ્રેસ કોને ટેકો આપશે અથવા કોંગ્રેસને કોણ ટેકો આપશે તેના પર રહેશે. એટલે આ મુદ્દો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોંગ્રેસ સામેલ રહેશે.
માયાવતી દેશના વડાપ્રધાન બનવા થનગની રહ્યાં છે. તેમની દાવેદારીમાં કેટલો દમ છે?
જો બહુજન સમાજ પક્ષ (બસપ)ને લોકસભાની 50 કરતાં વધારે બેઠક મળશે તો માયાવતીની દાવેદારી મજબૂત બની જશે। પણ પ્રશ્ન એ છે કે, શું લાલુપ્રસાદ યાદવ અને મુલાયમસિંહ તેમને ટેકો આપશે? માયાવતીને વડાપ્રધાન બનવું હોય તો આ બંને નેતાનો ટેકો મેળવવો જરૂરી છે અને તે મળવાની શક્યતા અત્યંત ઓછી છે, સિવાય કે કોઈ ચમત્કાર થાય અને તેઓ ટેકો જાહેર કરે. આ પરિસ્થિતિમાં દેશને ફરી એક વખત વર્ષ 1996ની જેમ દેવગૌડા જેવા વડાપ્રધાન મળી શકે. દેશની જનતાએ જેની કલ્પના પણ ન કરી હોય તેવી વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે.
લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવાથી ભાજપને ફાયદો થશે? સંસદમાં પક્ષની બેઠક વધશે?
લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવાથી ભાજપને કદાચ નુકસાન થશે। બેઠકો વધવાને બદલે ઘટશે. જો વધે તો ખરેખર વિચિત્ર કહેવાય. હકીકતમાં તેમના નેતૃત્વની તાકાત અને વિશ્વસનિયતા છેલ્લાં પાંચ વર્ષમાં ઘટી છે. તેમણે ઝીણાની મઝાર પર જે વિધાનો કર્યાં હતા તેને જો કોંગ્રેસ યાદ કરે અને અહીં મજબૂત ઉમેદવાર ઊભો રાખે તો અડવાણીને આ વખતે મુશ્કેલી પડે તેમ છે.
અડવાણી કોંગ્રેસના વડાપ્રધાન પદના દાવેદાર મનમોહન સિંઘને નબળા વડાપ્રધાન ગણાવે છે. તેનાથી શું અસર પડશે?
મનમોહન સિંઘને કોઈ ફરક નહીં પડે. તેમને ક્યાં ચૂંટણી લડવાની છે. તેઓ માસ લીડર છે જ નહીં. વાત રહી લાલકૃષ્ણ અડવાણીના દાવાની તો તેઓ કઈ રીતે મનમોહન સિંઘને નબળા વડાપ્રધાન માને છે તેની સ્પષ્ટતા કરતાં નથી અથવા તો તેમની વાત લોકોને ગળે ઉતરતી નથી. તેમના આ પ્રકારના વિધાનોથી ખરેખર અડવાણીને નુકસાન થવાની શક્યતા વધારે છે, કારણ કે મનમોહન સિંઘની છબી સામાન્ય નાગરિકોમાં તો અત્યંત સારી છે. એટલું જ નહીં કોંગ્રેસ દાવો પણ કરી શકે છે કે એનડીએના શાસન સમયે ભાજપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક સુદર્શનને પૂછીને પાણી પીતું હતું.
મનમોહન સિંઘ રાજ્યસભામાંથી ચૂંટાયા હોય તેવા દેશના પહેલાં વડાપ્રધાન છે. પંજાબ કેસરીના સંપાદક અને જાણીતા રાજકીય સમીક્ષક અશ્વિનીકુમાર તેમજ કેટલાંક રાજકીય સમીક્ષકોનું માનવું છે કે, દેશની જનતા લોકસભાની ચૂંટણી માટે મતદાન કરે છે અને લોકસભામાં પ્રવેશ મેળવનાર નેતા જ વડાપ્રધાન બનવાને લાયક છે. તો શું કોંગ્રેસ એક ખોટી પરંપરા પ્રસ્થાપિત કરતી નથી?
કાયદામાં છીંડા હોય તેનો ફાયદો તમામ રાજકીય પક્ષો ઉઠાવે છે। કોંગ્રેસ પાસે એક યા બીજા કારણસર વર્ષ 2004માં મનમોહન સિંઘને વડાપ્રધાન બનાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો અને હવે તેમને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવા સિવાય કોંગ્રેસ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. નૈતિકતાની દ્રષ્ટિએ રાજ્યસભાના ઉમેદવારને વડાપ્રધાન બનાવી કોંગ્રેસ એક ખોટો દાખલો બેસાડી રહી છે તેમાં કોઈ બેમત નથી, પણ ભારતીય બંધારણમાં જોગવાઈ છે કે, લોકસભા કે રાજ્યસભાનો સભ્ય વડાપ્રધાન બની શકે છે એટલે ટેકનિકલી કોંગ્રેસને તમે ખોટી ન કહી શકો. ચોક્કસ, કોંગ્રેસ નૈતિક બેઇમાની કરી રહી છે, પણ ચૂંટણીમાં નૈતિક ધોરણોને હવે કોઈ સ્થાન રહ્યું નથી.
રાહુલ ગાંધીને યુવા નેતા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યાં છે. શું તેમનો પ્રભાવ મતદાતા પર પડશે?
હું તો માનતો નથી. રાહુલ ગાંધી કોંગ્રેસ માટે મત ખેંચી લાવવામાં બહુ સફળ થાય તેવું મને લાગતું નથી.
શું યુવાપેઢીને આગળ વધારવાના બહાને તમામ રાજકીય પક્ષો વંશવાદને પ્રોત્સાહન આપતાં નથી?
તે વાત સાચી છે, પણ ભારતીય જનતાએ આ વાસ્તવિકતા સ્વીકારી લેવી પડશે। અને આ પરિસ્થિતિ એકલાં ભારતમાં નથી. દુનિયાના વિવિધ દેશોમાં રાજકારણીઓના સંતાનો રાજકારણમાં પ્રવેશે છે તેમાં કોઈ નવાઈ નથી. અમેરિકામાં જ્યોર્જ બુશ સીનિયરના પુત્ર જૂનિયર જ્યોર્જ બુશ રાષ્ટ્રપ્રમુખ બન્યાં હતા. બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટન અત્યારે અમેરિકાના વિદેશમંત્રી છે. પરિવારના સભ્યો રાજકારણમાં આવે છે તેમાં હવે બહુ ચોંકવા જેવું નથી.
ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો કેટલો અસરકારક રહેશે?
મોંઘવારીનો મુદ્દો આંશિક અસર કરશે, પણ તેનાથી લોકસભાના પરિણામો પર મોટા પાયે અસર જોવા નહીં મળે। એકંદરે મંદી છે. ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓના ભાવ ઊંચા છે. તેને નિયંત્રણમાં લાવવા પ્રયાસ કર્યા છે તેવો દાવો સરકાર જરૂર કરી શકે છે. સરકારે અર્થતંત્ર સુધારવા અને તેને વેગ આપવા રૂ. 60,000 કરોડનાં પેકેજ જાહેર કર્યાં છે.
યુપીએ સરકારનાં પ્લસ પોઇન્ટ ક્યાં?
મારી નજરે આ સરકારના ત્રણ પ્લસ પોઇન્ટ છે। એક, માહિતી અધિકારના કાયદાને મંજૂરી, જેણે વહીવટતંત્રમાં પારદર્શકતા માટેનો માર્ગ મોકળો કર્યો છે. બીજો પ્લસ પોઇન્ટ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી સુરક્ષા યોજના, જેનાથી ગ્રામીણ સ્તરે રોજગારીમાં વધારો થયો છે. ત્રીજો પ્લસ પોઇન્ટ, જંગલ-જમીનના અધિકારો આદિવાસીઓને આપ્યાં છે. જો કોંગ્રેસને આ મુદ્દા લોકો સમક્ષ રજૂ કરતાં આવડે તો તેનો તેને સારો ફાયદો મળી શકે છે.
ગુજરાત સંબંધિત પ્રશ્નો
ગુજરાતમાં લોકસભા બેઠકમાં કયા પક્ષને વધુ બેઠકો મળશે?
ભાજપની બેઠકો વધવાની શક્યતા છે, પણ કેટલી વધશે તે કહેવું મુશ્કેલ છે।
ભાજપે 15થી વધારે નવા ચહેરાને ટિકિટ આપી છે. નો-રિપીટ થીયરીથી તેને વિધાનસભાની ચૂંટણી જેવો ફાયદો થશે?
તે વિશે અનુમાન કરવું વધારે મુશ્કેલ છે। પણ એક વાત પાકી છે કે કોંગ્રેસ જો સારા ઉમેદવાર ઊભા રાખે તો ભાજપના નવા ચહેરાઓને મુશ્કેલી પડી શકે છે. ભાજપે વિશ્વાસુ કાર્યકરોને નારાજ કરી નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યાં છે એટલે આંતરિક જૂથબંધીનો પ્રશ્ન સતાવશે તે વાત નક્કી છે.
કોંગ્રેસનું ચિત્ર વધુ નબળું દેખાઈ રહ્યું છે તેની પાછળનું કારણ?
કોંગ્રેસ પાસે સારા નેતા છે, પણ હાઈ કમાન્ડને ગુજરાતમાં કોઈ નેતાને આગળ કરવામાં બહુ રસ હોય તેવું દેખાતું નથી। અર્જુન મોઢવાડિયામાં નેતૃત્વક્ષમતા છે, પણ આંતરિક જૂથબંધીના અભાવે કદાચ તેમને આગળ વધવામાં મુશ્કેલી પડતી હોય તેવું લાગે છે. અહીં ભાજપ મજબૂત છે તેના કરતાં કોંગ્રેસ નબળી છે તે કહેવું વધારે ઉચિત છે. કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા જૂથબંધી છે.
નરેન્દ્ર મોદીનો કરિશ્મા લોકસભાની ચૂંટણીમાં જળવાઈ રહેશે?
તેમના વ્યક્તિત્વની મતદારો પર હકારાત્મક અસર છે તેમાં કોઈ બેમત નથી। પણ તેઓ 26 બેઠક પર ભાજપને વિજય મળશે તેવો દાવો કરે છે તે વધારે પડતો છે.
ભાજપે સહકારી બેન્કોના કૌભાંડોમાં સંડાવાયેલા લોકોને ટિકિટ આપી તેનાથી પક્ષની ઇમેજને ફટકો નહીં પડે?
ચોક્કસ. હજારો થાપણદારોનાં કરોડો રૂપિયા ડૂબાડનાર લોકોને ટિકિટ આપવાથી જે તે વિસ્તારમાં ભાજપને ફટકો પડશે. પ્રજા બધું સમજે છે. તેની નજરમાં બધું છે.
કાશીરામ રાણા, વલ્લભ કથીરિયા અને રતિલાલ વર્મા જેવા નેતાઓને કાપી નાંખવાથી ભાજપને નુકસાન થશે?
આ લોકો પક્ષના પાયાના કાર્યકર્તા હોવાની સાથે માસ લીડર હતા। એટલે તેમને દૂર કરવાથી થોડુંઘણું નુકસાન તો થવાનું જ, પણ ચોક્કસ કેટલું નુકસાન થશે તેનો આધાર કોંગ્રેસના ઉમેદવારો પર છે.
રાહુલ ગાંધીએ છેલ્લાં થોડા સમયમાં ગુજરાતના પ્રવાસે ત્રણેક વખત આવ્યાં છે. તેનાથી કોઈ ફરક પડશે?
રાહુલ ગાંધી યુવાનાનો આકર્ષવામાં જરૂર સફળ રહ્યાં છે, પણ તેઓ રાહુલ ગાંધીથી પ્રભાવિત થઇને કોંગ્રેસને મત આપશે કે નહીં તે તો ચૂંટણી પછી જ ખબર પડે। મારું માનવું છે કે, થોડો ફરક પડી શકે છે.
ગુજરાતમાં ભાજપના વીક પોઇન્ટ અને પ્લસ પોઇન્ટ?
ભાજપનો વીક પોઇન્ટ તેના નબળાં ઉમેદવારો છે અને પ્લસ પોઇન્ટ નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ છે। તે પોતાની વાત સરળતાથી લોકોને ગળે ઉતારી શકે છે.
કોંગ્રેસના વીક પોઇન્ટ અને પ્લસ પોઇન્ટ?
કોંગ્રેસનો વીક પોઇન્ટ રાજ્ય કક્ષાએ મજબૂત નેતાનો અભાવ અને પ્લસ પોઇન્ટ ભાજપના નબળા અને કૌભાંડી ઉમેદવારોથી લોકોમાં જોવા મળતી નારાજગી। કોંગ્રેસને તેનો લાભ લેતાં આવડે તો લઈ શકે છે.
મલ્લિકા સારાભાઈએ લાલકૃષ્ણ અડવાણી સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમને વિજય મળવાનો આત્મવિશ્વાસ છે....
જો કોંગ્રેસ ઉમેદવાર ઊભો રાખશે તો મલ્લિકા સારાભાઈ ડીપોઝિટ પણ ગુમાવશે અને કોંગ્રેસ ટેકો આપશે તો પણ લાલકૃષ્ણ અડવાણીને બહુ વાંધો નહીં આવે। અહીં અડવાણીને મજબૂત રાજકીય ઉમેદવાર જ લડત આપી શકે.