Friday, June 19, 2009

આઝાદ ભારતનું રહસ્યમય નગરવાલા કૌભાંડ


આઝાદ ભારતના ઇતિહાસનું આ એવો કોયડો છે જે હજુ સુધી ઉકેલાયો નથી. આ રહસ્ય હંમેશા માટે તેની સાથે સંકળાયેલા લોકોના દિલમાં દફન થઈ ગયું છે. વાત વર્ષ 1971ના શરૂઆતના મહિનાઓની છે. તે સમયે રાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવી દેનાર આ કૌભાંડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં થયું હતું. આ કારસ્તાનમાં બે વ્યક્તિઓ સીધેસીધે સંડાવાયેલી હતી.

એક નિવૃત્ત લશ્કરી અધિકારી રુસ્તમ સોહરાબ નગરવાલા અને બીજી વ્યક્તિ હતી પાર્લામેન્ટ સ્ટ્રીટમાં સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મુખ્ય ખજાનચી વેદ પ્રકાશ મલ્હોત્રા। બન્યું એવું કે 24 મે, 1971ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના અંગત સચિવ પી એન હકસરે મલ્હોત્રાને ફોન કરીને કહ્યું કે, 'બાંગ્લાદેશ કા બાબુ' કોડ વર્ડ (સાંકેતિક શબ્દ) સાથે તમારી પાસે આવનારી વ્યક્તિને 60 લાખ રૂપિયા આપવા. મુખ્ય ખજાનચી અચકાયા ત્યારે હકસરે મેડમ ગાંધી તેમની સાથે સીધી વાત કરશે તેવી ખાતરી આપી. થોડા સમય પછી વડાપ્રધાન ગાંધીના અવાજમાં મલ્હોત્રાને કહેવામાં આવ્યું કે, સાંકેતિક શબ્દ સાથે આવનાર નગરવાલાને 60 લાખ રૂપિયા આપવા. તેની મેડમ ગાંધી સાથે ફોન પર વાત થતી હતી એટલે સામેથી અવાજ તેમનો જ છે તેની ખાતરી થઈ ગઈ.

થોડા સમય પછી નગરવાલાએ મલ્હોત્રાને ફોન કર્યો અને 60 લાખ રૂપિયા લઈ પાલમ રોડ પર આવી જવા કહ્યું। કર્તવ્યપરાયણ મલ્હોત્રા ગાડીમાં એક પેટીમાં તે રકમ લઈ નક્કી થયેલી જગ્યાએ પહોંચ્યા અને 60 લાખ રૂપિયા નગરવાલાને સોંપી દીધા. પણ તે પછી કોણ જાણે કેમ મલ્હોત્રાને શંકા ગઈ. તેઓ સીધા વડાપ્રધાનના અંગત સચિવ હક્સર પાસે ગયા અને આખી વાત કહી. હકસરે પોતે કે મેડમ ગાંધી તેમને કોઈ ફોન કર્યો નથી અને આ બાબત વિશે કંઈ જાણતા નથી તેવું સ્પષ્ટપણે કહ્યું.

મલ્હોત્રાની સ્થિતિ કફોડી બની ગઈ। તેમણે પોલીસ ફરિયાદ કરી। ફરજ પરના પોલીસ અધિકારીએ તરત જ પગલાં લીધા અને નગરવાલાનો પીછો કર્યો. નગરવાલાને ઝડપી લેવામાં આવ્યો અને તેને વારાફરતી જુદા જુદા ન્યાયધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. કોઈ પુરાવાને લક્ષમાં લીધા વિના અને ફરિયાદની વિગતને અવિધ્યાનમાં લીધા વિના એક ન્યાયધીશે તેને દસ જ મિનિટમાં પાંચ વર્ષ સખત કેદની સજા ફટકારી દીધી. લોકશાહી જગતમાં આ પહેલાં ન્યાયના ઇતિહાસમાં આટલો ઝડપથી ફેંસલો કોઈ કેસનો થયો નથી. પણ નગરવાલાને આ સજા સ્વીકાર્ય નહોતી. તેણે વડી અદાલતમાં અરજી કરી. પણ શું થયું?

વડી અદાલતમાં કેસની નવેસરથી શરૂઆત બે મહિના સુધી થઈ નહીં। આ દરમિયાન સરકારી હોસ્પિટલમાં કેદી તરીકે નગરવાલાનું મૃત્યુ થયું. તેનું મૃત્યુ કેવી રીતે થયું તે વિશે કોઈ પાસે સાચી માહિતી નથી. તેનું મૃત્યુ અકુદરતી હતું તેવી વ્યાપક માન્યતા છે. તેની સાથેસાથે એક બીજી વિચિત્ર ઘટના પણ બની.

નગરવાલાનો પીછો કરીને તેને 60 લાખ રૂપિયા સાથે ઝડપી લેનાર પોલીસ અધિકારનું મૃત્યુ એક રોડ એક્સિડેન્ટમાં થયું। આ રીતે મેડમ ગાંધીના અવાજ અને કેસ વિશે પાયાની વિગતો અને પુરાવા આપી શકે તેવી બે વ્યક્તિઓનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાર્લામેન્ટ સ્ટ્રીટમાં આવેલી શાખાના ખજાનચી મલ્હોત્રાને પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું.

આ બનાવને લઇને કેટલાંક પ્રશ્નો એવા છે જેના જવાબ હજુ સુધી મળ્યાં નથી। જેમ કે,

- સામાન્ય રીતે બેન્કના ખજાનચી બેન્કમાં પણ રૂપિયાની લેવડદેવડથી દૂર રહે છે તો પછી તેમણે બેન્કથી દૂર આવેલી જગ્યાએ જઇને એક અજાણી વ્યક્તિને 60 લાખ રૂપિયા જેવી મોટી રકમ આપવાનું કેમ સ્વીકાર્યું હશે?
- આ નાણાં બેન્કના નહોતા તે મોટે ભાગે સ્પષ્ટ છે. તો પછી આ નાણા કોના હતા? વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હતા?
- તે સમયે મોરારાજી દેસાઈએ આ બનાવની તપાસ કરતી માગણી કરી હતી તો ઇન્દિરા ગાંધીએ તપાસ પંચ કેમ ન નીમ્યું?

1977માં મોરારજી દેસાઈની સરકારે આ કૌભાંડની તપાસ કરવા ન્યાયાધીશ પી જગમોહન રેડ્ડીના નેતૃત્વ નીચે એક તપાસ પંચ નીમ્યું હતું, પણ તેણે કોઈ નિર્ણાયક તારણ પર પહોંચી શક્યું નહોતું.

No comments: