Monday, June 15, 2009

એ રહી ગયા શરમમાં, હું રહી ગયો વિનયમાં


એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં,
દુઃખમાં હ્રદયને રાખો, રાખો ન દુઃખ હ્રદયમાં.

નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં,
એ રહી ગયા શરમમાં, હું રહી ગયો વિનયમાં.

જેમાં થતાં પરાજય આવે ન લાજ કોઈ,
એમાં વિજય મળે તો રાચી ઊઠો વિજયમાં.

દેવાને રાહ તમને સઘળાં ખસી ગયા છે,
આવો હવે તો આવો મારા બુરા સમયમાં!

માનવી ચડતી-પડતી ખુદમાં જ ઉદભવે છે,
પડતી નથી જરૂરત અંતરની અસ્તોદયમાં.

દિવસના હો અમલ તો જીવન 'મરીઝ' પલટે,
જે યોજના કરું છું રાતે મદિરાલયમાં.

મરીઝ

No comments: