Wednesday, June 3, 2009

નેતા બનતા નથી, નેતા જન્મે છે


નેતા બનતા નથી, નેતા જન્મે છે. નેતૃત્વ તેમનામાં સહજ હોય છે. તેમને યોજનાઓ ઘડવામાં કંઈ મુશ્કેલી પડતી નથી, પણ નેતાની કસોટી જુદા જુદા વ્યક્તિત્વ અને સ્વભાવવાળા લોકોને વિવિધ ભાવનાઓમાં એક સર્વસામાન્ય ભાવના કેળવીને એક જ સંગઠનમાં સંગઠિત રાખવા. આ કાર્ય જન્મજાત નેતા સહજ કરી શકે છે.

નેતા બનવા ''દાસસ્ય દાસ'' થવું પડે છે અને અસંખ્ય લોકોના મન સાચવવાં પડે છે। જે બધાનો દાસ છે તે જ ખરો નેતા છે. નેતૃત્વમાં ક્યાંય અદેખાઈ કે સ્વાર્થનો ઓછાયો પણ ન હોઈ શકે. પક્ષપાત કરવો એ અનિષ્ટનું મૂળ છે. જો તમે પક્ષપાતથી અમુક વ્યક્તિ તરફ વધારે પ્રેમ રાખો છો તો ખાતરી રાખજો કે તમે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીના બીજ રોપો છો. ઊંચનીચનો ભેદ રાખનાર કદી નેતા થઈ શકતો નથી. બીજાની ઊણપ નભાવી લો. લાખો ગુનાઓ માફ કરો. તમે બધાયને નિઃસ્વાર્થપણે ચાહશો તો ધીમે ધીમે કરતાં બધાં પણ પરસ્પર પ્રેમ કરતાં થશે. જ્યારે બધાંને સમજાશે કે પ્રત્યેકનો લાભ બીજાના લાભમાં જ સમાયેલો છે. જન્મથી નેતૃત્વ સહજ હોય અને નિઃસ્વાર્થી હોય તે જ ખરો નેતા.

કેટલાક માણસો એવા હોય છે જેઓ દોરવણી તળે જ શ્રેષ્ઠ કામ કરી શકે। જેટલા જન્મે છે તે બધા જ કંઈ નેતા હોતા નથી. છતાં પણ જે નેતા નાના બાળકની જેમ દોરવણી આપે એ જ શ્રેષ્ઠ નેતા કહેવાય. નાનું બાળક બધાંય પર આધાર રાખતું હોય છે છતાં ઘરમાં તેનું સામ્રાજ્ય હોય છે. નેતૃત્વની આ જ ચાવી છે.

સેન્ટર પોઇન્ટઃ નેતાનું ચારિત્ર્ય શુદ્ધ ન હોય તો તેની સાથે કોઈ ભળે નહીં

No comments: