વ્યક્તિ માટે કે સમાજ માટે, જીવન જીવવાના ત્રણ પ્રકાર છે. બીજાને મારીને જીવવું એ પ્રકાર સર્વત્ર છે જ. તેને જ જીવનકલહ કહેવાય છે. આ પ્રકારથી જીવન ટકે છે અથવા બહુ બહુ તો વિસ્તાર પામે છે. પણ તેમાં જીવનસાફલ્ય નથી. બીજો પ્રકાર તે પરસ્પર સહકારનો છે. દરેક જાતિ, રાષ્ટ્ર કે ધર્મ પોતાની વિશેષતાને કારણે જ એકાંગી હોય છે. એકબીજાના સહકારથી એ એકાંગીપણું ઘણું મટી જાય છે અને તેથી જીવનનો વિકાસ થાય છે. તેમાં જીવનનો ઉત્કર્ષ છે. પણ તેમાં જીવનની સર્વોચ્ચ સાર્થકતા દેખાતી નથી. જીવન પણ અંતે આત્મસાક્ષાત્કારનું સાધન જ છે. તે સાર્થક્ય ધ્યાનમાં આવ્યા પછી સ્વાર્પણ માટે જીવવું એ ત્રીજો પ્રકાર મનુષ્યહ્રદયને સ્ફુરે છે. આ સ્વાર્પણ દ્વારા જે જીવન લાધે છે તે કંઈ જુદું જ હોય છે. તે મારફતે જ જીવનનો પરમ ઉદ્દેશ સમજાય છે અને સફળ થાય છે.
પહેલા પ્રકારમાં બીજાને મારી જીવવાનો રિવાજ હોય છે ત્યારે ભક્ષ બનેલા પક્ષમાં જીજીવિષા પ્રબળ હોય છે। તેથી જ તે આપણી દયાને પાત્ર હોય છે. જીવવાની ઇચ્છા કોને ન હોય? જીવવાનો પ્રયાસ હંમેશા આદર અને સમભાવ ઉત્પન્ન કરે છે. જાન બચાવવા લડનારનો પક્ષ હંમેશા ન્યાયનો હોય છે. આ લડતમાં તેને વિજય મળે તો તેનામાં અસાધારણ શક્તિ આવી જાય છે. તે શક્તિને પોતાનો ધર્મ સમજી શુદ્ધ સહકારમાં અને ધર્મહિતમાં વાપરવામાં આવે તો જ ઠીક. પણ એટલે સુધી મનુષ્યજાતિ હજી પહોંચી નથી.
સેન્ટર પોઇન્ટઃ જેઓ પહેલાં જીવવા માગતા હતા તેઓ હવે જીતવા માગે છે. જીજીવિષામાંથી જ વિજિગીષા પેદા થાય છે અને અધઃપતનના બીજ વવાય છે
No comments:
Post a Comment