Thursday, June 25, 2009

બળાત્કાર, સામૂહિક બળાત્કાર અને મહિલા સશિક્તકરણ...


દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટિલ. આ લોકશાહીના મંદિર સમાન ગણાતી સંસદના નીચલા ગૃહ લોકસભાના અધ્યક્ષ કોણ છે? શ્રીમતી મીરાકુમાર. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? માયાવતી. વિશ્વનું સૌથી મોટું રેલવે તંત્ર ભારતમાં છે અને તેમના સર્વેસર્વા કોણ છે? કુમારી મમતા બેનર્જી. દેશના સૌથી મોટા રાજકીય પક્ષ કોંગ્રેસના વડા કોણ છે? સોનિયા ગાંધી. સત્તામાં ટોચના સ્થાને મહિલાઓનો દબદબો છે, મીડિયામાં મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે, પણ આ દેશમાં અત્યાચારનો સૌથી વધુ ભોગ કોણ બને છે? સામાન્ય મહિલાઓ. અત્યારે દેશમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અપરાધ કયો છે? બળાત્કાર અને સામૂહિક બળાત્કાર! છેલ્લાં ત્રણથી ચાર દિવસના સમાચારો પર જ એક નજર નાંખીએઃ

- દક્ષિણ કાશ્મીરના શોપિયામાં બે મહિલાઓ પર લશ્કરના જવાનોએ સામૂહિક બળાત્કાર કરી હત્યા કરી

- સુરતમાં બારમાં ધોરણમાં ભણતી છોકરી પર ચાર મુસ્લિમ યુવાનોનો સામૂહિક બળાત્કાર

- મુંબઈમાં એક યુવતી પર સાત યુવાનોએ સામૂહિક બળાત્કાર

- દિલ્હીમાં એક પોલીસ સ્ટેશનમાં જ એક મહિલા પર ચાર પોલીસ કર્મચારીઓનો સામૂહિક બળાત્કાર

દેશને આઝાદી મળ્યાં પછી કયા અપરાધનું પ્રમાણ સૌથી વધારે વધ્યું છે? ચોરી? લૂંટફાંટ? હત્યા? ના। ના ચોરી, ના લૂંટફાટ, ના હત્યા. આ દેશમાં એક એવો અપરાધ છે જેમાં ક્યારેય મંદી આવી નથી. શેરબજારની ભાષામાં કહીએ તો આ અપરાધ સતત તેજીનું વલણ દાખવી રહ્યો છે. તે જઘન્ય અપરાધનું નામ છે બળાત્કાર. ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતાં નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી) 1953થી દર વર્ષે દેશમાં વિવિધ અપરાધોની આંકડાકીય માહિતી એકત્ર કરે છે. આ આંકડા મુજબ, દેશમાં 1953થી અત્યાર સુધી બળાત્કારની સંખ્યામાં 700 ટકાનો વધારો થયો છે જ્યારે તે સિવાય અન્ય અપરાધોની સંખ્યામાં 300 ટકાની વધારો થયો છે. સ્ત્રીઓના માતાનો દરજ્જો આપતી ભારત માતાની પુણ્ય અને પવિત્ર ભૂમિ પર દર કલાકે 18 મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે.

દેશમાં દસ લાખ કરતાં વધારે વસતી ધરાવતાં 35 શહેર છે। તેમાં સૌથી વધુ બળાત્કાર રાજધાની નવી દિલ્હીમાં થાય છે. દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (એનસીઆર) છે. તેના મુખ્યમંત્રી કોણ છે? શ્રીમતી શીલા દિક્ષિત. બે દિવસ પહેલાં જ દિલ્હીમાં કાયદાના રક્ષક જ ભક્ષક બની ગયા. એક મહિલાને પૂછપરછ કરવા માટે બોલાવી ચાર પોલીસ કર્મચારીઓએ સામૂહિક બળાત્કાર કર્યો. તેની ફરિયાદ ક્યાં કરવી? આ પ્રશ્નનો જવાબ જનતાને ન મળ્યો. તેમણે કાયદો હાથમાં લીધો પછી પોલીસે તેમના સાથીદારો વિરૂદ્ધ ફરિયાદ નોંધી, પણ ભારે હૈયે!

મહિલાઓ માટે દિલ્હી પછી સૌથી વધુ ખતરનાર શહેર હૈદરાબાદ છે। પોતાની રમત કરતાં આગ ઝરતાં સૌંદર્યને કારણે વધુ જાણીતી બનેલી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું શહેર. આ શહેરમાં દરરોજ સાતથી વધુ મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત દરેક રાજ્યમાં વધતા-ઓછા અંશે આવી જ સ્થિતિ છે.

દેશમાં મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે। પણ તે સંસદમાં મહિલાઓનું સંખ્યાબળ વધારવા પૂરતી મર્યાદિત છે. શું સંસદમાં બેસતી મહિલાઓ સશક્ત છે? તેમાંથી મોટા ભાગની મહિલાઓનું તેમના ઘરમાં પણ ચાલતું નથી. આ મહિલાઓને સશક્તિકરણનું પ્રતીક ક્યાંથી ગણી શકાય? આ દેશમાં મહિલા સશક્તિકરણનું પ્રતીક કિરણ બેદીને ગણી શકાય, સોનિયા ગાંધીને નહીં. મહિલાઓનો સશક્ત કરવા માટે સંસદમાં સંખ્યાબળ વધારવાની જરૂર નથી. સંસદમાં મહિલાઓની સંખ્યા વધવાથી દેશમાં સામાન્ય મહિલાઓની સ્થિતિમાં કોઈ ફરક પડવાનો નથી. શીલા દિક્ષિત છેલ્લાં 11 વર્ષની દિલ્હીના મુખ્યમંત્રી છે તેમ છતાં અહીં દર વર્ષે બળાત્કારીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. જરૂર છે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની અને બળાત્કાર વિરોધી કાયદાના અસરકારક અમલીકરણની.

ચલતે-ચલતેઃ કોઈ વ્યક્તિ પર બળાત્કારનો આરોપ પુરવાર થાય તો તેની એક જ સજા છેઃ તેને નપુંસક કરી નાંખવો-બિલી ગ્રેહામ, અમેરિકન ધર્મોપદેશક

No comments: