Friday, June 12, 2009

ગ્લોબલ કૂલિંગ


ગાત્રો થીજાવી દે તેવી ઠંડીમાં 30 લાખ લોકો સામે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઓબામાએ કહ્યું, ''અમારી સરકાર ગ્લોબલ વોર્મિંગના સિદ્ધાંતને સમર્થન આપે છે, પણ આ સિદ્ધાંત માહિતીઓનું ખોટું વિશ્લેષણ છે. હકીકતમાં દુનિયા સામે સૌથી મોટા પર્યાવરણીય પડકાર ગ્લોબલ કૂલિંગ છે.'' અમદાવાદના રીક્ષાવાળાથી લઇને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચામડી બાળી દેતા તાપ માટે ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ગણે છે. પણ ઓબામા પહેલા એવા મહાનુભાવ છે જેમણે પોતાની વાતમાં ગ્લોબલ કૂલિંગનો ઉલ્લેખ કર્યો છે. ગ્લોબલ કૂલિંગ એટલે?
ગ્લોબલ વોર્મિંગના ચિંતકોનું માનવું છે, પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે તો ગ્લોબલ કૂલિંગના સમર્થકોનું માનવું છે કે, ધરતી ઠંડીગાર થતી જાય છે। ખરેખર તો ગ્લોબલ વોર્મિંગ નામની આંતરરાષ્ટ્રીય ચિંતાનો જન્મ થયો તે પહેલાં ગ્લોબલ કૂલિંગ પર ચર્ચાવિચારણા શરૂ થઈ ગઈ હતી. પણ છેલ્લાં ત્રણ દાયકામાં ગ્લોબલ વોર્મિંગના ચિંતકો અને મીડિયા વચ્ચે સારો સંબંધ હોવાથી ગ્લોબલ કૂલિંગ અને તેના ચિંતકો હાંસિયામાં ધકેલાઈ ગયા. બાકી 1940થી 1970ના દાયકામાં ગ્લોબલ કૂલિંગની ચિંતાએ ધૂમ મચાવી દીધી હતી.

15 નવેમ્બર, 1969માં સાયન્સ ન્યૂસમાં હવામાનશાસ્ત્રી ડૉ। જે મૂરે મિશેલ જૂનિયરે કહ્યું હતું કે, ''ધરતી ઠંડી થઈ રહી છે. આ પ્રક્રિયા આપણી સભ્યતાઓ સામેનો મોટો પડકાર છે.'' તેમના કહેવા મુજબ, ધરતી ઠંડી થવાની પ્રક્રિયા 200થી 300 વર્ષ ચાલુ રહેશે તો આપણે ફરી હિમ યુગમાં પહોંચી જઇશું. ઇન્ટરનેશનલ વાઇલ્ડ લાઇફ મેગેઝિનમાં પ્રકાશિત એક લેખમાં ન્યૂ સાઇન્ટિસ્ટના પૂર્વ સંપાદક નિગેલ ક્લૈડરે તો કહ્યું હતું કે, ''ગ્લોબલ કૂલિંગની ઘટના પરમાણુ યુદ્ધ કરતાં પણ વધારે ખતરનાક છે.'' પછી 1970ના દાયકામાં એક હાસ્યાસ્પદ ઘટના બની. તાપમાનમાં ઘટાડો થવાની પ્રક્રિયાએ યુ-ટર્ન માર્યો અને 1970થી 1980 વચ્ચે ગ્રાઉન્ડ બેઝ રેકોર્ડિંગ સ્ટેશને દુનિયાના તાપમાનમાં વધારો થઈ રહ્યો હોવાનો વિવિધ અભ્યાસ જાહેર કર્યા. ગ્લોબલ વોર્મિંગના સમર્થકોના મત મુજબ, આ શતાબ્દીના અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 1.8 ડિગ્રી સેન્ટીગ્રેડથી લઇને ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી વધી જશે. તેના કારણે 28થી 43 સેમી સુધી વધશે. ગ્લોબલ કૂલિંગના સમર્થકો આ વાતનો વિરોધ કરી રહ્યાં છે.
તેમના કહેવા મુજબ, ધરતીનું તાપમાન વધારી દે અને નાના નાના ટાપુઓ મહાસાગરમાં ગરકાવ થઈ જાય તેટલા ફેરફાર કરવા જેટલી તાકાત મનુષ્ય પાસે નથી. મેચેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના હવામાનાશાસ્ત્રી ડૉ. રિચર્ડ લિન્ડેજનનું કહેવું છે કે, ગ્લોબલ વોર્મિગની ચેતવણી પર્યાવરણીય કરતાં રાજકીય વધારે છે. પૃથ્વી હંમેશા પરિવર્તન પામતી રહે છે.

આ બંને વિરોધાભાસી મતો વચ્ચે અમુક શાંતિપ્રેમી વિજ્ઞાનીઓએ ભગવાન બુદ્ધની જેમ મધ્યમ માર્ગ શોધ્યો છે. તેઓ શું કહે છે તે જાણવા જેવું છે. આ મધ્યમમાર્ગી વિજ્ઞાનીઓના કહેવા મુજબ, આગામી 25 વર્ષ અત્યંત ગરમી સાથે અસામાન્ય ઠંડી પડશે. કદાચ આ વિજ્ઞાનીઓનો આદર્શ ભેજાન દારૂવાલા હશે!

No comments: