Tuesday, June 23, 2009

આ અહંકાર શું છે?

'હું'થી આપણે એટલા બધા ભરેલા છીએ કે, 'તે' પ્રગટ થઈ શકતો નથી. અહંકાર આપણને એક દિવાલની જેમ ઘેરી વળ્યો છે. પ્રકાશના પ્રવેશની તેમાં કોઈ સંભાવના નથી અનો મોટું આશ્ચર્ય તો એ છે કે, જે તદ્દન અસત્ય છે, તે અહંકાર જ આવરણ બનીને ઊભો છે. પરંતુ આ અસત્ય અહંકારથી મુક્ત થયા વિના સત્ય સ્વરૂપની ઉપલબ્ધિ કેવી રીતે થઈ શકે?

અસત્ય જે પાત્રમાં ભરેલું છે, તેમાં જ સત્ય ભરી શકાતું નથી. અસત્યના વિષને સ્વયંના પાત્રમાંથી ખાલી કરીને સત્યના અમૃતને આમંત્રણ આપી શકાય છે. અમૃતની વર્ષા નિરંતર થાય છે, પણ ભરેલું પાત્ર, ભરેલું હોવાના કારણે તેનાથી વંચિત રહી જાય છે. ભરેલું હોવું જ આપણું દુર્ભાગ્ય છે. પરમાત્માની વર્ષા ઉપરથી જ વહેતી વહેતી ચાલી જાય છે. વર્ષો પહાડ અને તળાવ બંને પર થાય છે, પણ તળાવ તેનાથી ભરાઈને ધન્ય થાય છે, જ્યારે પર્વતો સૂકા રહી જાય છે. પાણી ખાડા અને ટેકરા બંને પર પડે છે. ખાડો પોતાની રિક્તતાથી પાણીને મહેમાન બનાવે છે અને ટેકરો પોતાના અહંકારમાં અક્કડ ઊભો રહે છે.

એટલે જ હું કહું છું કે તે લોકો ધન્ય છે જેઓ ખાડાની જેમ ખાલી થવામાં સમર્થ છે. આપણે બધા ટેકરા અને પર્વત જેવા છીએ, અહંકારથી ભરેલા છીએ. તેના બોજ નીચે દબાયેલા છીએ.
આ અહંકાર શું છે?
જે જીવનને આમ જકડે છે, તે શું છે?
સ્વયંમાં શોધવાથી તે ક્યાંય જડતો નથી.
પરંતુ, ન શોધવામાં 'તે' જરૂર છે.
કદાચ, આત્મ-અજ્ઞાનનું તે બીજું નામ હશે.
હું સ્વયંને જાણતો નથી, માટે કદાચ 'હું' છું.
'હું'ને જે જાણી લે છે,
તેનો 'હું' શૂન્ય થઈ જાય છે.
તો ચાલો,
'હું'ને આપણે શોધીએ.
શાંત, મૌન અને જાગરૂક થઇને તેને જાણીએ.
ચિત્તના પ્રત્યેક પડમાં તેને શોધીએ.
જેમ કોઈ ડુંગળીને ફોલતો હોય,
તેમ આપણે પણ,
ચિત્તનાં પડેપડ ખોલીએ, તેને શોધીએ.
ડુંગળીને ફોલવાથી છેવટે શૂન્ય જ હાથમાં આવે છે.
એમ ચિત્તના પડોને ખોલતાં, ખોલતાં પણ
છેલ્લે શૂન્ય જ હાથમાં આવશે.

કોઈ વનને દૂરથી જોઇએ તો વન દેખાય છે, પણ પાસે જઇને જોવાથી વૃક્ષ, વૃક્ષ અને વૃક્ષ. વન તો ક્યાંય જોવા મળતું નથી. એક ચિત્તને દૂરથી જોઇએ, ધ્યાનથી ન જોઇએ તો અહંકાર અનુભવમાં લાગે છે. લાગે છે 'હું' છું. પરંતુ નજીક જોવાથી 'હું' ખોવાઈ જાય છે અને રહી જાય છે, કેવળ 'હોવું.' એ 'હોવું' એ જ શૂન્યતાનો અનુભવ છે. શૂન્ય સ્વાસ્થય છે. શૂન્ય મોક્ષ છે.

તે જ સત્ય છે!
તે જ અમૃત છે!!
તે જ પરમાત્મા છે!!!

No comments: