ગાંધીજીએ ગીતાને 'ગીતામાતા' કહી છે. સન 1934માં કાશી વિશ્વવિદ્યાલય આચાર્ય આનંદશંકર ધ્રુવે તેમના વિદ્યાર્થીઓ સમક્ષ ને ગીતા વિશે બે બોલ બોલવા કહ્યાં ત્યારે બાપૂએ કહેલું કે, ''ગીતા તો મારે માટે માતા છે. મારી જન્મદાતા માતા તો ગઈ છે, પણ ભીડને વખતે એ ગીતામાતાની પાસે જવાનું હું શીખ્યો છું. જે કોઈ આ માતાના શરણે જાય છે, તેને જ્ઞાનામૃતથી તે તૃપ્ત કરે છે. જો તમે તેમાં ભક્તિભાવથી પ્રવેશ કરશો તો જે તમને જોઇએ છે તે તેમાંથી પામશો.'' ગીતા સંપૂર્ણ જીવનનો સાર છે. જનકલ્યાણના ઇરાદાથી દિલ્હીના એક વ્યવસાયી સીધી અને સરળ હિંદીમાં શ્રીમદ્ ભગવદગીતાની પ્રતો નિઃશુલ્ક દેશભરમાં પહોંચાડવાનું સામાજિક-ધાર્મિક-સાંસ્કૃતિક કાર્ય કરી રહ્યાં છે.
રાજધાની દિલ્હીમાં ઝેરોક્ષની એક દુકાન છે। તેમાં તમને ફોટોકોપી કરાવવા જાવ તો તે કાઉન્ટર પર બેઠેલા 53 વર્ષીય રામજીના મોબાઇલ ફોની ઘંટડી વાગે છે. ફોન કરનાર વ્યક્તિને જવાબ મળે છે, '09873052666' પર એસએમએસ મોકલી દો અથવા ramjiramji999@yahoo.co.in પર ઇ-મેઇલમાં તમારું સરમાનું મોકલી દો, ગીતાની નકલ તમે આપેલા સરનામે પહોંચી જશે.
માનવ જીવનના રહસ્ય પરથી પડદો ઉઠાવતા અદ્વિતીય ગ્રંથ ગીતાની નિઃશુલ્ક કોપી સાથે એક માળા, ભજનોની સીડી અને બે પુસ્તિકાઓનું એક પેકેટ માત્ર એક ફોન કરતાં જ તમારા ઘરે પહોંચી જાય છે। ભારતીય અધ્યાત્મ અને દર્શનના દરેક તત્વની વ્યાખ્યા કરતી ગીતાની 10,000થી વધુ નકલ રામજીએ દેશના જુદાં જુદાં ભાગોમાં પહોંચાડી છે.
30 વર્ષની વયે માતાના અવસાન પછી એકલા થઈ ગયેલા રામજીને પહેલી વખત તેમના પિતરાઈ ભાઈએ ગીતાની એક નકલ ભેટમાં આપી હતી। તેના પાંચ વર્ષ પછી તેમણે તેનો અભ્યાસ શરૂ કર્યો. રામજી કહે છે કે, ''ગીતના અભ્યાસ પછી હું નાસ્તિકમાંથી આસ્તિક થઈ ગયો. નિરાશા તો જાણે છૂમંતર જ થઈ ગઈ. મનમાં અનંત ઉત્સાહનો સંચાર થયો અને જીવનને એક નવો વળાંક મળ્યો.'' પોતાની કૃષ્ણભક્ત માતાના અવસાન પછી તેમના આત્માને શાંતિ મળે તે માટે તેમણે ગીતાના પાઠ કરાવ્યા. આ પાઠ દરમિયાન તેમને દિવ્ય અનુભૂતિ થઈ અને તેમણે ગીતાના દિવ્ય સંદેશના લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા મળી. તેમણે જ્ઞાનની આ ગંગા સાથે સામાન્ય લોકોને જોડવાનો સંકલ્પ કર્યો.
સ્વામી સત્યાનંદ દ્વારા સરળ ભાષામાં પ્રસ્તુત ગીતાનું વિતરણ રામજી કરે છે। આ પવિત્ર કાર્યમાં તેમને દિલ્હીના કાલકાજી સ્થિત શ્રીરામ શરણમ્, સ્વામી સત્યાનંદ સંઘના કર્મયોગી સંત બ્રિજમોહનજીના સહયોગ મળે છે. આ ગીતાના પ્રિન્ટિંગનો ખર્ચ વહન કરવામાં તેમના સમગ્ર પરિવારનો આર્થિક સહયોગ મળે છે.
કુરિયર એજન્સી રાહત દરે તેમના પાર્સલ લોકો સુધી પહોંચાડે છે.
પોતાના આ કામની જગતભરમાં વાહવાહ થાય તેવું રામજી ઇચ્છતાં નથી. ગીતાને લોકો સુધી નિઃશુલ્ક પહોંચાડી બહુ મોટી સમાજસેવા કરતાં હોય તેવું અભિમાન પણ તેમને નથી. તેઓ માને છે કે, આજે પણ લોકોનું જીવન કુરુક્ષેત્રમાં થયેલા મહાભારતની જેમ સંઘર્ષયુક્ત છે. આજથી 5,000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણએ મોહની માયાજાળમાં ફસાયેલા અર્જુનને તેના ધર્મનું ભાન કરાવવા જે ઉપદેશ આપ્યો હતો તે આજે પણ પ્રાસંગિક છે.
તેઓ કહે છે કે, ગીતા એક એવો પવિત્ર ગ્રંથ છે જે સંભવિત મૃત્યુના ડરને દૂર કરી મનુષ્યને સદાય પોતાનું કર્મ નિષ્ઠાપૂર્વક કરવા માટે પ્રેરિત કરે છે-કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન્. ગીતા સાંભળવાથી, વાંચન કરવાથી અને તેનું મનન કરવાથી અંતરાત્મા ખિલી ઉઠે છે. અજ્ઞાનના આવરણો દૂર થાય છે અને જ્ઞાનનો ઉદય થાય છે. પારિવારિક અને સામાજિક જીવનની પ્રગતિ તથા સત્યનો સાક્ષાત્કાર કરવા આ ગ્રંથ અત્યંત મદદરૂપ સાબિત થાય છે.
No comments:
Post a Comment