Monday, June 15, 2009

આઇફા એવોર્ડને શાહરૂખરૂપી ગ્રહણ લાગી ગયું....


લો હવે આઇફાને પણ ગ્રહણ લાગી ગયું. ચોંકી ગયા? તમને થશે કે, મકાઉમાં શનિવારની હસીન સાંજે યોજાયેલા આઇફા એવોર્ડમાં એવું શું થયું કે તેને ગ્રહણ લાગી ગયું? પણ મને ખાતરી છે કે, મારી વાતને યોગ્ય રીતે સમજશો તો તમે પણ ચોક્કસ સહમત થશો. મકાઉમાં આઇફા એવોર્ડની સફરને દસ વર્ષ પૂર્ણ થયા. તેની ઉજવણીના ભાગરૂપે છેલ્લાં એક દાયકામાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં વિવિધ ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પ્રદાન કરનાર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં છેલ્લાં એક દાયકાના શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપણા ગુજરાતમાં 'થર્ડ ક્લાસ ડોન', 'ચંપુ ખાન' કે 'સ્ટુપિડ ખાન' તરીકે વધારે જાણીતા નસીબદાર સ્ટાર શાહરૂખને એનાયત કરવામાં આવ્યો. શું ચંપુ આ એવોર્ડને લાયક છે? શું એવોર્ડ ઉપર તેના કરતા વધારે અધિકાર આમિર ખાન કે અક્ષય કુમારનો નથી?

પહેલાં ચંપુ કેમ આ એવોર્ડને લાયક નથી તેની વાત કરીએ। ચંપુએ છેલ્લાં દાયકામાં એટલે કે વર્ષ 1998થી 2008 સુધીમાં ખરેખર કેટલી સુપરડુપર હિટ ફિલ્મ આપી? તેને એકલા હાથે પોતાના ખભે ઊંચકી હોય તેવી ફિલ્મની વાત કરું છું. એકમાત્ર ચક દે...તેમાં તેનો અભિનય સારો હતો અને તેની અભિનયક્ષમતા પ્રમાણે કહીએ ઉત્તમ. તેનાથી વધારે સારા અભિનયની તેની પાસેથી અપેક્ષા ન રાખી શકાય. જોકે આ ફિલ્મની સફળતામાં તે હોકી રમતી છોકરીઓનું પ્રદાન ભૂલી શકાય?

છેલ્લાં એક દાયકામાં શાહરૂખની 'ચક દે' સિવાય તેની કોઈ ફિલ્મ બોક્સઓફિસ પર ધારી સફળતા મેળવી શકી નથી। 'ઓમ શાંતિ ઓમ' ખરેખર 'ઓમ ભ્રાંતિ ઓમ' હતું. તે ફિલ્મ સરેરાશ હિટ હતી. તેને સરેરાશ સફળતા અપાવવા માટે પણ ચંપુ અને તેની ચમચામંડળીને ભ્રામક પ્રચારનો સહારો લેવો પડ્યો હતો. યાદ કરો આ ફિલ્મ પ્રદર્શિત થઈ તેના બે જ અઠવાડિયામાં તેને હિન્દી ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસની મહાન ફિલ્મ જાહેર કરતી હાસ્યાસ્પદ જાહેરખબરો અંગ્રેજી દૈનિકોમાં પ્રકાશિત કરવામાં આવી હતી. 'ચલતે ચલતે', 'કભી અલવિદા ના કહેના', 'કલ હો ના હો', 'વીરઝારા', 'સ્વદેશ' બોક્સઓફિસ પર ડચકા ખાતી હતી. છેલ્લે પ્રદર્શિત થયેલી બિલ્લુ બાર્બર યાદ કરો. બોલીવૂડમાં બાર્બર તરીકે જાણીતા શાહરૂખે પોતાને સુપરસ્ટાર તરીકે પ્રસ્થાપિત કરવાનો છેલ્લો હથોડો આ ફિલ્મમાં માર્યો, પણ દર્શકો બચી ગયા.

હકીકતમાં ચંપુની ફિલ્મ કારકિર્દી પર નજર નાંખો તો તમને તરત જ અંદાજ આવી જશે કે તેણે પોતે ખભે ઊંચકી હોય તેવી સુપરડુપર હિટ ફિલ્મ માત્ર ચારથી પાંચ છે। એક 'બાઝીગર', બીજી 'ડર' અને ત્રીજી 'કભી હા કભી ના' અને ચોથી 'ચક દે.' હું 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'કુછ કુછ હોતા હૈ'ને કાજોલ અને યશરાજ બેનર્સની ફિલ્મ ગણું છું. આ ફિલ્મોમાં શાહરૂખની જગ્યાએ અન્ય કોઈ પણ કલાકાર હોત તો પણ તે ફિલ્મો સુપરહિટ જ પુરવાર થઈ હોત. તમે વિચારો કે ડીડીએલજેની વાત આવે તો સિમરન કેમ પહેલાં યાદ આવે છે? કુછ કુછની વાત આવે તો અંજલી કેમ પહેલાં યાદ આવે છે? હકીકતમાં આ બંને મેગાહિટ ફિલ્મોનો હિરો કાજોલ હતી. આ ફિલ્મોની સફળતામાં કાજોલનો અભિનય, મધુર સંગીત અને આદિત્ય ચોપરા-કરણ જોહરનું ઉત્તમ નિર્દેશન જવાબદાર હતું. તેની સરખામણીમાં આમિર ખાન અને અક્ષયકુમારની વાત કરીએ.

આમિર ખાને છેલ્લા દાયકામાં ઓછી પણ ગુણવત્તાયુક્ત ફિલ્મોની ભેટ ધરી છે। 'લગાન', 'ફિઝા', 'તારે જમીન પર', 'મંગલ પાંડે' અને છેલ્લે મેગાહિટ પુરવાર થયેલી 'ગઝની.' તમામ ફિલ્મોમાં જુદાં જુદાં વિષય. સ્ટાર અને એક્ટરમાં ભેદ સમજવા જેવો છે. શાહરૂખ સ્ટાર છે, આમિર એક્ટર છે. સ્ટારની અભિયનક્ષમતા મર્યાદિત હોય છે જ્યારે એક્ટર જુદાં જુદાં પ્રકારની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી શકે છે. સ્ટારને લોકો વિવિધ ભૂમિકામાં સ્વીકારતાં નથી જ્યારે એક્ટરને નવા નવા પાત્રમાં જોવા દર્શકો આતુર હોય છે. શાહરૂખને નવા પ્રયોગ કરવામાં શરમજનક નિષ્ફળતા મળી છે જ્યારે આમિરને દર્શકોએ વધાવી લીધો છે. શાહરૂખ પાસે વૈવિધ્ય નથી અને આમિરની અભિનયક્ષમતાની કોઈ મર્યાદા નથી. આઇફાની પસંદગી સમિતિએ ગુણવત્તાની દ્રષ્ટિએ છેલ્લાં એક દાયકાના સુપરસ્ટારનો એવોર્ડ આપવાનું નક્કી કર્યું હોત તો આમિર ખાનની પસંદગી સર્વશ્રેષ્ઠ સાબિત થઈ હોત. આ એવોર્ડ માટેનો માપદંડ વ્યાવસાયિક સફળતા રાખવામાં આવ્યો હોય તો તે દ્રષ્ટિએ શાહરૂખ કરતાં અક્ષય કુમાર વધુ સફળ સ્ટાર છે.

છેલ્લાં એક દાયકામાં શાહરૂખની ફિલ્મોની સરખામણીમાં કોઈ પણ મોટા બેનર વિના અક્ષયની ફિલ્મોએ સારી કમાણી કરી છે। 'સિંહ ઇઝ કિંગ', 'ભૂલભૂલૈયા', 'હેરાફેરી', 'ફિર હેરાફેરી', 'આવારા પાગલ દિવાના', 'વક્ત', 'ઐતરાઝ', 'નમસ્તે લંડન', 'વેલકમ' વગેરે ફિલ્મો તેનું ઉદાહરણ છે. અક્ષય પાસે યશરાજ કે ધર્મા પ્રોડક્શન જેવું મોટું બેનર્સ નહોતું. તેની ફિલ્મો તેના નામે ચાલી છે. તેને કાજલ જેવી સશક્ત અભિનેત્રીઓનો સાથ પણ મળ્યો નથી. આ દ્રષ્ટિએ આઇફા દાયકાના સુપરસ્ટારનો એવોર્ડનો હકદાર અક્ષયકુમાર વધારે છે.

2 comments:

so what! said...

Sir, I am great Movie Bluff. As I know best, King Khan's best movies are only those where he has not work with YRS or before that...
You might think it strenge but I like "Swadesh" and "Paheli" more than any other his movie..
His only problem is, SRK is highly typecasted....
"Dil se.." "Raju Ban gaya gentleman", "Maya Memsab" are some of those movie I really admire him as an actor....

Kshitiz said...

nnvery good