Friday, June 5, 2009

સખત મ..મ..મ.મહેનત, ગુરુજનોનું મ..મ..મ..માર્ગદર્શન અને મ.મ.મ.મ.માબાપના આશીર્વાદ


દસમા અને બારમા ધોરણના પરિક્ષાના પરિણામ હોય તે પછીના દિવસના ગુજરાતી છાપાનું પહેલું અને છેલ્લું કેવું હશે તેની સામાન્ય વાચકને પણ જાણ હોય છે. પહેલાં પાને રાજ્યના ટોપ ટેન છગન અને છેલ્લાં પાને જે શહેરની આવૃત્તિ હોય તે શહેરના ટોપ ટેન મગન. જ્યાં જુઓ ત્યાં ટોપર્સની બોલબાલા. હુમાયેએ પોતાનો જીવ બચાવનાર એક ભિશ્તીને એક દિવસ પૂરતો બાદશાહ બનાવ્યો હતો તેમ આ બધા ટોપર્સ એક દા'ડાના રાજા. એક દિવસ પૂરતાં બધા છાપામાં છવાઈ જાય. આજકાલ તો પત્રકારો નવું શીખ્યાં છે. પંદર કે સોળ વર્ષના ટોપર્સને પત્રકારો પૂછે છે, પપલુ, તારી સફળતાનું રહસ્ય શું? મોટાભાગના અપલુ-પપલુનો જવાબ કેવો હોય છે? શાહરૂખ ખાનના એકસરખા, કંટાળાજનક અભિનય જેવોઃ સખત મ..મ..મ.મહેનત, ગુરુજનોનું મ..મ..મ..માર્ગદર્શન અને મ.મ.મ.મ.માબાપના આશીર્વાદ. (જેની જીભ અચકાતી હોય તેની ગાડી બે હોંઠ વડે જે શબ્દનું ઉચ્ચારણ થતું હોય ત્યાં અટકી પડે. પછી ત્યાંથી આગળ વધવા ધક્કા મારવા પડે)

આ વખતે તો એક પપલુ ટોપર્સ પન્નાલાલ પટેલનો કુટુંબી હોય તેવું લાગે છે। તેણે પોતાની સફળતાનું રહસ્ય ઉજાગર કરતાં જુસ્સા સાથે કહ્યું કે, 'પાર્થને કહો ચડાવે બાણ, હવે તો બોર્ડમાં નંબર એ જ કલ્યાણ.' પન્નાલાલ પટેલનો આત્મા ખુશ થઈ ગયો હશે. પપલૂના પપ્પા પણ ચકિત થઈ ગયા હશે અને બીજા બધાને એમ થયું હશે કે, બહુ વાંચી વાંચીની આ ગગાજી ડોટ કોમની ડગરી છટકી તો નથી ગઇને. કેટલાંક ઉત્સાહીઓએ તો તેના પિતાજીને એકબાજુ લઇ જઇને થોડો સમય બાળકને ફ્રેશ થવા દેવાની સલાહ પણ આપી દીધી હશે તો કોઇએ તેમને છોકરાને કવિ અને સાહિત્યકારોની સોબતમાં આવે તે પહેલાં કંઇક ઉપાય કરવાનું સૂચન કરી દીધું હશે. સાચી વાત છે. છોકરી જોવા જાય ત્યારે ગગો ગામને કવિતાઓ સંભળાવે છે કે વાર્તાઓ કહે છે તેવું તો કહેવાય નહીં. બોર્ડના એક પણ ટોપર્સને કવિ, સાહિત્યકાર કે પત્રકાર થવું નથી. આ વખતે બોર્ડમાં ટોપ ટેપનમાં સ્થાન મેળવનારા અપલૂ-પપલૂને શું બનવું છે?

રાજ્યમાં કુલ 32 વિદ્યાર્થીઓએ ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે। તેમાંથી 15 અપલૂ-પપલૂને એન્જિનીયરિંગમાં, 13ને મેડિકલમાં, એકને પેટ્રોકેમિકલમાં અને એક બહેનને જ્વેલરી ડીઝાઇનમાં કારકિર્દી બનાવવી છે. બે અપલૂ મેડિકલમાં જવું કે એન્જિનીયિરંગમાં જવું તેના વિશે વિચાર કરી રહ્યાં છે. આ બંને પાસે સાહિત્યકાર થવાની ક્ષમતા છે. સાહિત્યનું સર્જન કરવા લાંબો સમય વિચારવું તો પડે ને! વિચાર કરવા જેવી એક બીજી બાબત પણ છે. આપણને દર વર્ષે પહેલા ટોપ ટેનની ખબર પડે છે, પણ છેલ્લેથી ટોપ ટેનમાં સ્થાન મેળવનાર રાજ્યના સાચા રતન કોણ છે તે જાણો છો?

ચલતે-ચલતેઃ રાજ્યની કુલ 28 હાઈ સ્કૂલ એવી છે જેમાં દસમા ધોરણનો એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી. એટલે કે આ તમામ હાઇ સ્કૂલનું દસમા ધોરણનું પરિણામ 100 ટકા જ છે. પણ 100 ટકા નાપાસ. આ બધી શાળાઓના આચાર્ય સાથે શિક્ષણમંત્રીએ એક ગ્રૂપ ફોટો પડાવવો જોઇએ. પત્રકારોએ ખરેખર આ આચાર્યને પૂછવું જોઇએ કે, તમારા ત્યાંથી એક પણ વિદ્યાર્થી ધોરણ-10માં પાસ ન થયો તેનું રહસ્ય શું છે?

No comments: