Tuesday, June 16, 2009

ડોન્ટ વરી ધોની, ભારત જીતશે તેવી બહુ અપેક્ષા પણ નહોતી


કોઈ પણ ભૂલ થાય ત્યારે શું કરવું જોઇએ? તમારામાંથી કદાચ મોટા ભાગના લોકો કહેશે કે આપણે માફી માગી લેવી જોઇએ. પણ ના, હું તેની સાથે સહમત નથી. હકકીતમાં આપણે જે ભૂલ કરી હોય તેને ખરેખર સુધારી લેવી જોઇએ. મેં જોયું છે કે, પોતાની ભૂલના કારણે જે સજા મળવાની હોય તેમાંથી છટકવા માટે મોટા ભાગના લોકો માફીનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. તેમાં પોતાની ભૂલ સુધારવાની ભાવના બહુ ઓછી હોય છે. અત્યારે ભારતીય ટીમનો કેપ્ટન અને નસીબના જોરે મળેલી સફળતાથી હવામાં આવી ગયેલો કેપ્ટન ધોની ક્રિકેટ પ્રશંસકોના ગુસ્સાથી બચવા માટે માફી નામના એક તરકટનો ઉપયોગ કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની હારના પગલે ટીમ વિશ્વકપમાંથી બહાર ફેંકાઈ ગઈ પછી ધોનીનું શું કહેવું છે?

ધોનીનું કહેવું છે કે, ટીમના પરાજયથી દેશના ક્રિકેટચાહકોને જેટલી નિરાશા અને આશ્ચર્ય થયું છે તેટલી નિરાશા ટીમના ખેલાડીઓને પણ છે। પહેલી વાત એ કે, ટીમની હારથી અંગત દેખાવ સારો કરનાર ક્રિકેટરોને કોઈ ફરક પડતો નથી. બીજી વાત, જે ક્રિકેટપ્રેમીઓ ક્રિકેટને સારી રીતે સમજે છે તેમને આ વિશ્વકપમાં ભારતની જીતની શક્યતા 50-50 લાગતી હતી. એટલે બહુ નિરાશા થઈ નથી. તેની પાછળ મજબૂત કારણ છે.

દક્ષિણ આફ્રિકામાં બે વર્ષ પહેલાં રમાયેલા વિશ્વકપમાં ભારત સહિત વિશ્વના બીજા બધા દેશો માટે ટ્વેન્ટી-20 ફોર્મેટ નવી હતી. તેની સરખામણીમાં આ વિશ્વકપમાં વિશ્વની તમામ ટીમ પાસે ટ્વેન્ટી-20 ક્રિકેટનો સારો અનુભવ હતો. તે ઉપરાંત તેના સારા-સારા ખેલાડીઓ લલિત મોદીના ફારસ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ટ્વેન્ટી-20નો સારો અનુભવ મેળવી ચૂક્યાં છે. આ કારણે સ્વાભાવિક રીતે જ નિયમિત ક્રિકેટ રમતાં આઠ દેશો વચ્ચે મજબૂત ટક્કર થવાની આશા હતી. તેને ધ્યાનમાં રાખીને જ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, આ વિશ્વકપની તુલના દક્ષિણ આફ્રિકામાં બે વર્ષ પહેલાં રમાયેલા વિશ્વકપ સાથે ન થઈ શકે. આ ફોર્મેટમાં નિયમિત ક્રિકેટ રમતી કોઈ પણ ટીમ વિજેતા બની શકે છે.

આ પરિસ્થિતિમાં ભારતને જીતવાના સંજોગો પ્રબળ છે તેવું પ્રતિપાદિત કરતાં આવરા-પાગલ માણસોના વિશ્લેષણોની હવા ઇંગ્લેન્ડે ભારતને હરાવી અને વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને હરાવી કાઢી નાંખી છે। એટલે ભારતની હારથી ક્રિકેટની થોડીઘણી સમજ ધરાવતા લોકોને બિલકુલ નિરાશા થઈ નથી. રહી વાત આશ્ચર્યની તો આશ્ચર્ય સર્જાવાની કોઈ શક્યતા નહોતી. હા, ધોની એન્ડ કંપની ફરી વિશ્વકપ જીતી હોત તો ક્રિકેટપ્રેમીઓ જરૂર ચોંકી ગયા હોત. તેની પાછળનું શું કારણ?

જે ટીમમાં સંગઠનની ભાવનાનો અભાવ હોય તેનો સંઘ કાશીએ પહોંચે તો નવાઈ ના લાગે? વિશ્વકપ શરૂ થયો તે પહેલાં જ ધોની અને સેહવાગ વચ્ચેની તિરાડ બહાર આવી ગઈ હતી। સેહવાગની માગણી સંતોષાશે નહીં તો તે વિશ્વકપ નહીં રમે તેવી શક્યતા અખબારોમાં વ્યક્ત કરાઈ હતી અને શું થયું? સેહવાગ એક પણ મેચ રમ્યાં વિના ઇજાનું બહાનું કાઢી ઘરે પાછો આવી ગયો.

ઉપરાંત ધોની અને યુવરાજ વચ્ચેના સંબંધો પણ સારા નથી તે જગજાહેર છે। ધોની કેપ્ટન બન્યો ત્યારે યુવરાજના પિતા શોભરાજ સિંહે જાહેરમાં કહ્યું હતું કે, મારા પાટવીકુંવરને અન્યાય થયો છે, કેપ્ટન તરીકે ધોની કરતાં મારો યુવી વધારે યોગ્ય છે. યુવરાજ પણ તેવું જ માને છે. તે કેપ્ટન તરીકે ધોની કરતાં વધારે યોગ્ય છે કે નહીં તે તો ન કહી શકાય પણ ધોનીની ટ્વેન્ટી-20ની સફળતામાં યુવરાજનું પ્રદાન સૌથી વધારે છે તે બાબત નકારી પણ ન શકાય. આ કારણે યુવરાજને તક મળે ત્યારે ટ્વેન્ટી-20માં સારો દેખાવ કરી ધોની કરતાં ચડિયાતો હોવાનું દેખાડવાની એક પણ તક ગુમાવતો નથી. અત્યાર સુધી યુવરાજ સારો દેખાવ કરતો અને જશ ધોની ખાટી જતો. પણ આ વખતે ઊંધું થયું છે. યુવીએ સારો દેખાવ કર્યો હોવા છતાં ધોનીના બીજા બધાં પાસાં અવળા પડ્યાં છે.

આ સંજોગોમાં ધોની અને ટીમનો કોચ ગેરી કર્સ્ટન દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ આઇપીએલ પર કરી રહ્યાં છે. તો પ્રશ્ન એ થાય છે કે, ધનના ઢગલાં ખડકવા આઇપીએલ રમતાં હતાં ત્યારે ખબર નહોતી કે પછી તરત જ વિશ્વકપ રમવાનો છે? આઇપીએલમાં વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ પણ રમ્યાં હતા તો શું તેમને થાક નહીં લાગ્યો હોય? યુવરાજ પણ આઇપીએલમાં રમ્યો હતો. પણ તેનો સરેરાશ દેખાવ સારો રહ્યો છે. હકીકતમાં ધોની આ વખતે સંઘભાવના ઊભી કરવામાં નિષ્ફળ પુરવાર થયો છે તે તેણે સ્વીકારી લેવું જોઇએ.

1 comment:

Parag Dave said...

ekdam barabar. Badhi team na sara ane senior kheladio retired thai gaya hata ane nava kheladio set nahota thaya. ena karna aapna uchhanchhala captain FOOL mahan ganava lagya hata. 1-2 team ne taiyaar thai java do, dhoni avu j dholku dholvanu chalu rakhshe...I am waiting for some more defeats of this 'Best Indian Cricket Team of the History' ha ha ha