Friday, June 12, 2009

દુઃખ છે બધાનું તેથી બધા મહેરબાન છે..

દુઃખ છે બધાનું તેથી બધા મહેરબાન છે,
જે દિલનું દર્દ છે તે જીવનનું નિદાન છે.

માગી લીધું છે કંઈક હજારો વખત ભલે,
માની શકો તો એ જ હજી પણ સ્વમાન છે.

છે મારી બેવફાઈ મહોબ્બતની આડમાં,
તમને ભૂલી ગયો છું, એનું ધ્યાન છે.

હું કોને કોને મારી કવિતામાં દઉં જગા,
જેને મળું છું એની જુદી દાસ્તાન છે.

મારો મઝાર, મારી ફનાનો સૂચક નથી,
ઓ બેખબર! એ મારા જીવનનું નિશાન છે.

તારીફ અલ્પની ન પસંદ હો તો કર કબૂલ,
તારા સિવાય પણ જે અહીં છે - મહાન છે.

એનો છે એ જ અર્થ કે ઊંચી નજર રહે,
જગમાં બધે જમીન નથી, આસમાન છે.

સાંભળજે ઓ શહીદ! કસોટીની ફિલસૂફી,
દુનિયા કહે છે મૂળમાં શંકા પ્રધાન છે.

મસ્જિદમાં રોજના એ વિષયની અસર નથી,
તૌબાનું તો 'મરીઝ' સુરાલયમાં સ્થાન છે.

મરીઝ

No comments: