દરેક દેશના રાજકીય ઇતિહાસમાં કેટલીક તારીખ હંમેશા માટે અંકિત થઈ જાય છે-કોઈ સુવર્ણ અક્ષરે તો કોઈ કાળા અને કલંકિત. 3 જૂન 1984 આવી જ એક કલંકિત તારીખ છે. તે દિવસે આઝાદ ભારત સરકારે પહેલી વખત પોતાના જ એક રાજ્યને દેશના અન્ય તમામ રાજ્યોથી વિખૂટું પાડી દીધું. 36 કલાકનો કર્ફયૂ, નાગરિકોને ઘરમાં પૂરાઈ રહેવાનું ફરમાન, રાજ્યની તમામ સરહદો સીલ, સંચાર વ્યવસ્થા ઠપ્પ, વીજળીનો પ્રવાહ બંધ, સમગ્ર રાજ્યમાં અંધારપટ અને પત્રકારોને નો-એન્ટ્રી! આ રાજ્ય હતું પંજાબ. એક યુદ્ધની જાહેરાત થઈ ગઈ હતી અને દુશ્મન હતો હિંદુસ્તાનમાંથી અલગ રાષ્ટ્રની સ્થાપના કરવા માગતો એક બળવાખોર હિંદુસ્તાની!
તેનું નામ હતું જરનૈલ સિંઘ ભિંડરાનવાલે અને તેને નાથવા ભારતીય સૈન્યએ શરૂ કરેલા તે ગૃહયુદ્ધનું નામ હતું 'ઓપરેશન બ્લુ સ્ટાર।' અમૃતસરના પવિત્ર સુવર્ણ મંદિરમાં શસ્ત્રોના ઢગલાં ખડકી ભિંડરાનવાલેની ટોળકી ખાલિસ્તાનનું નાપાક, અમાનવીય અને લોહિયાળ આંદોલન ચલાવતી હતી. તે હિંદોસ્તાન (ભિંડરાનવાલે હિંદુસ્તાનનું ઉચ્ચારણ હિંદોસ્તાન તરીકે કરતો હતો)માંથી પંજાબીઓ માટે અલગ મુલ્ક ખાલિસ્તાનની સ્થાપના કરવા માગતો હતો. પણ આ ખાલિસ્તાનમાં પાકિસ્તાનના હિસ્સે આવેલા પંજાબને સામેલ કરવામાં આવશે કે નહીં તેની સ્પષ્ટતા આ વિભાજનવાદીઓએ ક્યારેય કરી નહોતી. તમે ભિંડરાનવાલેને શીખ સમુદાયનો પ્રભાકરન અને પ્રભાકરનને તમિળ સમુદાયનો ભિંડરાનવાલે કહી શકો. પ્રભાકરનની જેમ ભિંડરાનવાલેનું પાલનપોષણ ઓછા-વધતે અંશે ઇન્દિરા ગાંધીએ જ કર્યું હતું. પણ કહેવાય છે કે જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.
રાજકારણનો એક ક્રૂર પણ સર્વસામાન્ય નિયમ છેઃ યુઝ એન્ડ થ્રો અર્થાત્ ઉપયોગ કરો અને ફેંકી દો। ભિંડરાનવાલેની જરૂર હતી ત્યાં સુધી તેનો ઉપયોગ થયો, પણ પંજાબના લોકોમાં તેનો વધતો જતો પ્રભાવ અને તેની અલગ ખાલિસ્તાનની મહત્વાકાંક્ષાને નાથવા સૈન્ય કાર્યવાહી કરવાનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો. આ વિકલ્પ યોગ્ય હતો કે નહીં તેના પર પત્રકારો અને ઇતિહાસકારોમાં મતભેદ પ્રવર્તે છે. પણ દેશના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય અને મજબૂત મનોબળ ધરાવતા વડાપ્રધાન ઇન્દિરા પ્રિયદર્શિની ગાંધી તેમના નિર્ણય પર મક્કમ હતા.
આ અભિયાનનું નેતૃત્વ ભારતીય સૈન્યને નાયબ વડા લેફ્ટનન્ટ જનરલ એસ કે સિન્હાને સોંપવામાં આવ્યું હતું અને તેઓ ભારતીય સૈન્યના પ્રમુખ બનવાના હતા। પણ તેઓ તેના દૂરગામી પરિણામ જાણતા હતા એટલે તેમણે અન્ય કોઈ વિકલ્પ વિચારવા કહ્યું. ઇન્દિરા ગાંધી સૂચના આપવામાં માટે જાણીતા હતા, સૂચના કે સલાહ લેવા માટે નહીં. તેમણે એક પણ મિનિટનો વિલંબ કર્યા વિના એક વિવાદાસ્પદ નિર્ણય લીધો અને સિન્હાના સ્થાને જનરલ અરુણ વૈદ્યને આ ઓપરેશનની કમાન સોંપી દીધી. એટલું જ નહીં વૈદ્યને ભારતીય સૈન્યના વડા અને લેફ્ટનન્ટ જનરલ કે સુંદરજીને નાયબ પ્રમુખ બનાવી દીધા. આ બંનેએ ઓપરેશન બ્લુ સ્ટારની યોજના બનાવી ભિંડરાનવાલે અને તેની ટોળકી પર તૂટી પડ્યાં. પાછળથી એસ કે સિન્હા અને પ્રસિદ્ધ પત્રકાર-લેખક માર્ક ટુલીએ એવો દાવો કર્યો હતો કે, સુવર્ણ મંદિર પર હુમલો કરવાની યોજના સેનાએ દોઢ વર્ષ પહેલાં બનાવી હતી. દૂન વેલીમાં ચક્રાત કેન્ટોનમેન્ટ નજીક એક ગુપ્ત જગ્યાએ સુવર્ણ મંદિરની રેપ્લિકા ઊભી કરી સૈનિકોએ હુમલાનું રીહર્સલ પણ કર્યું હતું.
ત્રીજી જૂને પંજાબમાં 70,000 સૈનિકોનો કાફલો ખડકી દેવાયો। સુવર્ણ મંદિરને ઘેરી લેવાયું. સૈનિકો પહેલાં તબક્કામાં મંદિરની આસપાસ 17 ઘર અને ત્રણ ઊંચા ટાવર પર તૂટી પડ્યાં. મંદિરની આસપાસ આ ઘરમાં ભિંડરાનવાલેના સમર્થકો હોવાનો સૈનિકોને વિશ્વાસ હતો. સૈનિકોએ ઘર પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો અને પછી તેના પર ટેન્ક ફરી વળી. તે પછી ત્રણ ટાવરને નિશાન બનાવ્યાં. ભિંડરાનવાલેના સમર્થકોએ આ ત્રણેય ટાવર પર પોઝિશન લઈ લીધી હતી અને તેઓ ઉપરથી ભારતીય સૈનિકોને નિશાન બનાવી શકે તેમ હતા. સૈન્યએ આ ત્રણેય ટાવર જમીનદોસ્ત કરી નાંખ્યા. આ જંગનો અંત છઠ્ઠી જૂન રાતે એક વાગે ભિંડરાનવાલેના અંત સાથે આવ્યો. સૈન્ય કહેવા મુજબ, આ અભિયાનમાં 83 સૈનિકો અને શીખ સમુદાયના 492 લોકો માર્યા ગયા જ્યારે સ્વતંત્ર ઇતિહાસકારનો જણાવ્યા મુજબ, આ ગૃહયુદ્ધમાં 700 સૈનિકો અને શીખ સમુદાયના 5,000 લોકો માર્યા ગયા. સૈનિકો 1984ના અંત સુધી સુવર્ણ મંદિરમાં રહ્યાં.
આ ઓપરેશને હંમેશા માટે સમકાલીન ભારતીય રાજકારણની દિશા બદલી નાંખી। તેનાથી શીખ સમુદાયના માનસને આઘાત લાગ્યો. ખાલિસ્તાનની ચળવળને પ્રોત્સાહન મળ્યું અને એક દાયકા સુધી પંજાબ ભડકે બળ્યું. બ્લુ સ્ટારનું નેતૃત્વ કરનાર જનરલ એ એસ વૈદ્યની 1986માં બે શીખ યુવાનોને પૂણેમાં હત્યા કરી નાંખી. હરજિંદર સિંઘ જિંદા અને સુખદેવ સિંઘ સુખા નામના આ બંને યુવાનોને સાતમી ઓક્ટોબર, 1992ના રોજ ફાંસીના માંચડે લટકાવી દેવાયા. શીખ સમુદાયે આ ઓપરેશનની સૌથી મોટી પ્રતિક્રિયા કેવી રીતે આપી? ઇન્દિરા ગાંધીની હત્યા સ્વરૂપે. સમગ્ર રાષ્ટ્રે એક મક્કમ મનોબળ ધરાવતું લોખંડી નેતૃત્વ ગુમાવી દીધી.
ચલતે-ચલતેઃ ઓપરેશન બ્લૂ સ્ટારનો એજન્ડા સ્પષ્ટ હતો-પહેલાં ત્રાસદાયક પરિસ્થિતિ પેદા કરો, તેની સામે બાથ ભીડો અને પછી ચૂંટણી જીતો- કેપીએસ ગિલ
No comments:
Post a Comment