Wednesday, June 10, 2009

શું સલવાર-કમીઝ પહેરેલી યુવતીઓ પર આ દેશમાં બળાત્કાર નથી થતા?


કોલેજમાં ભણતા યુવાનોએ શું પહેરવું જોઇએ તેના પર અત્યાર સુધી ચર્ચા થઈ નથી અને કોલેજમાં ભણતી યુવતીઓએ શું ન પહેરવું જોઇએ તેની ચર્ચા પર પૂર્ણવિરામ ક્યારેય લાગ્યું નથી. કાનપુરની કેટલીક કોલેજે યુવતીઓએ જીન્સ અને ચુસ્ત ટી-શર્ટ ન પહેરવાનો આદેશ બહાર પાડ્યો છે. માર્ચ મહિનામાં લુધિયાણાની ગુરુ નાનક એન્જિનિયરીંગ કોલેજે યુવતીઓને સ્લીવલેસ ટી-શર્ટ, ડ્રેસ અને જીન્સ નહીં પહેરવાનું હુકમનામું જાહેર કર્યું હતું. શા માટે?

યુવતીઓને જીન્સ અને ટી-શર્ટમાં જોઇને યુવાનો ઉશ્કેરાઈ જાય છે અને તેમની છેડતી કરે છે। યુવતીઓએ તેમની સુરક્ષા માટે અને લફંગા યુવાનોની લોલુપ નજરોમાંથી બચવા ડ્રેસ કે સલવાર-કમીઝ પહેરીને જ કોલેજમાં આવવું જોઇએ. ગુરુ નાનક એન્જિનિયરીંગ કોલેજના આચાર્ય એમ એસ સાઇનીએ યુવતીઓને સમજાવતા શું કહ્યું તે જાણીએ. મિસ્ટર સાઇનીનું કહેવું છે કે, યુવતીઓએ એવા વસ્ત્રો ન ધારણ કરવા જોઇએ જેથી યુવાને ઉત્તેજિત થઈ જાય અને તેમની છેડતી કરવા લલચાય. તેઓ તેમની દિકરીને કુર્તા-સલવાર પહેરીને જ કોલેજમાં જવાની સલાહ આપે છે. તેમના કહેવાનો અર્થ એ છે કે,

-યુવતીઓ જીન્સ અને ચુસ્ત ટી-શર્ટ પહેરીને જાય અને પછી યુવાનો તેમની છેડતી કરે તો તેમાં દોષિત યુવતીઓ છે, યુવાનો નહીં

-યુવતીઓ આધુનિક વસ્ત્રો પહેરે તો તેમની અસુરક્ષા વધી જાય છે અને પરંપરાગત વસ્ત્રો પહેરે તો તેમની છેડતી થતી નથી

-યુવતીઓ અને મહિલાઓ ડ્રેસ કે સલવાર-કમીઝ જેવા પરંપરાગત પોશાક ધારણ કરે તો પુરુષો તેમને કામુક નજરે જોતા નથી

-યુવતીઓને કેવા વસ્ત્રો પહેરવા તેનો નિર્ણય સમાજ કરશે

પણ મિસ્ટર સાઇની જેવી સંકીર્ણ માનસિકતા ધરાવતા મૂર્ખાજી ડોટ કોમ માટે અહીં કેટલાંક પ્રશ્ન છેઃ

-શું જીન્સ અને ટી-શર્ટ પહેરેલી છોકરીઓની જ છેડતી થાય છે?

-શું સલવાર-કમીઝ પહેરેલી યુવતીઓ કે સાડી પહેરેલી સ્ત્રીઓ પર આ દેશમાં બળાત્કાર નથી થતા?

-યુવતીઓ જીન્સ-ટીશર્ટ પહેરવાનું બંધ કરી સલવાર-કમીઝ પહેરીને કોલેજ આવશે પછી લફંગાઓ ઉત્તેજના અનુભવશે નહીં અને તેમની છેડતી નહીં કરે તેવી ખાતરી કોલેજના સંચાલકો આપવા તૈયાર છે?

-યુવાનોને મનપસંદ વસ્ત્રો ધારણ કરવાનો અધિકાર હોય તો યુવતીઓને આ હક નથી?

-કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓની સુરક્ષાની જવાબદારી તેના સંચાલકો અને પોલીસની નથી?

-યુવતીઓ ડ્રેસ પહેરીને કોલેજ આવવાનું શરૂ કરશે પછી પણ તેમની છેડતી ચાલુ રહેશે તો પછી આ સંચાલકો નવો ફતવો બહાર પાડીને યુવતીઓને સાડી પહેરીને આવવાનું કહેશે?

-શું પુરુષો તેમની સાથે નોકરી કરતી અને સાડી કે ડ્રેસ પહેરતી મહિલા કર્મચારીઓને એક યા બીજી રીતે સતામણી કરતાં નથી?

સંસ્કૃતિના કહેવાતા રખેવાળો આ પ્રશ્નને નૈતિકતાના ત્રાજવે તોલે છે અને યુવતીઓને ડ્રેસ કે સલવાર-કમીઝ પહેરી સુધરી જવાની સૂફિયાણી સલાહ આપે છે. પણ શું તેઓ જાણે છે કે, આ દેશમાં દર વર્ષે સૌથી વધુ બળાત્કાર સાડી પહેરેલી સ્ત્રીઓ પર થાય છે? મને યાદ છે, સુરેન્દ્રનગરમાં અમારી એમ પી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મોટા ભાગની બધી છોકરીઓ ડ્રેસ પહેરીને જ આવતી હતી અને તેમ છતાં માથાભારે તત્વો તેમની છેડતી કરતાં હતા. અમારે ત્યાં જિન્સ અને ટી-શર્ટ પહેરવાની હિમ્મત કોઈ છોકરી કરતી જ નહોતી.

હકીકતમાં પ્રશ્ન પરંપરાગત કે આધુનિક વસ્ત્રો અને નૈતિકતા કે અનૈતિકતા કરતાં વધારે માનસિકતાનો છે। યુવતીઓની છેડતી તેમના આધુનિક વસ્ત્રોને કારણે જ થાય છે તે વાત મહદ્અંશે ખોટી છે. પુરુષોની લોલુપ નજરોને સ્ત્રીઓના વસ્ત્રો સાથે બહુ સંબંધ નથી, આ પ્રકારની માનસિકતા ધરાવતા પુરુષો વાસનાભરી વિકૃત નજરે સાડી પહેરેલી સ્ત્રીઓમાં પણ કામુકતા શોધે છે. (કેટલાકના મતે સાડી સેક્સી ડ્રેસ છે.) તેમની આંખોમાંથી વાસનારૂપી ઝેરી રસાયણનો સ્રાવ સતત સ્ત્રીઓના અંગ-ઉપાંગ પર થતો હોય છે. સ્ત્રીઓ ડ્રેસ પહેરીને કોલેજ આવશે તો છેડતી કરતાં યુવાનો તેમની પાસે રાખડી નહીં બંધાવી લે. જરૂર છે અભિગમ બદલવાની.

સમયના પ્રવાહ સાથે સમાજ સતત પરિવર્તન પામે છે અને બદલાતા વહેણ સાથે જે સમાજ પોતાના માળખામાં ફેરફાર કરતો નથી તે કાળક્રમે ઇતિહાસ બની જાય છે. વીસમી સદીના અંતિમ દાયકાથી દેશમાં ઉદારીકરણનો યુગ શરૂ થયો છે અને વ્યક્તિ સ્વાતંત્ર્યના સમજણની પહોંચ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. દરેક વ્યક્તિ પોતાના વિચારો, માન્યતા અને પસંદગી સાથે જીવન જીવવા માગે છે. પોતાના માટે શું સારું છે અને શું ખરાબ છે તેનો નિર્ણય લેવાનો અધિકાર વ્યક્તિનો છે, નહીં કે સમાજનો. જ્યાં સુધી કોઈ વ્યક્તિના અંગત નિર્ણયો સમાજને હાનિકારક ન હોય ત્યાં સુધી તે નિર્ણયોમાં દખલગીરી કરવાનો કોઈ હક સંસ્કૃતિના કથિત રખેવાળોને નથી. જો આ કોઈ સંસ્કૃતિના નામે પોતાના અતાર્કિક અને કાળગ્રસ્ત થઈ ગયેલા વિચારો સમાજ પર આરોપિત કરવાનો પ્રયાસ કરે તો?

તેની સામે કાયદાના રખેવાળોએ કડક હાથે કામ લેવું જોઇએ. કોઈ પણ સંસ્થા કે સંગઠને જિન્સ અને ટી-શર્ટ કે આધુનિક પોશાક પર પ્રતિબંધ મૂકવાનો નથી.

1 comment:

A Tester said...

I have read somewhere and also practically we can think that....its much easy to remove sari or Salwar than Jeanse focibally.....Whay the hell this "Sanchalaks" not understanding this simple shit.