Sunday, June 7, 2009

ઇંગ્લેન્ડની શરમનજક હાર, ગેલ-ફ્લેચરની આતશબાજીકોઈ પણ ક્ષેત્રમાં વિજયી થવાનો એક નિયમ છેઃ તમારી પોતાની ક્ષમતા વધારવા સાથે તમારા વિરોધીઓની ક્ષમતાને નજરઅંદાજ ન કરો. પહેલેથી પોતાના હરિફોને નબળા માની લેવા એટલે વધુ પડતા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરવું. ઇતિહાસ સાક્ષી છે કે, વધુ પડતા આત્મવિશ્વાસના કારણે અનેક શક્તિશાળી લોકોને શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ ઇતિહાસનું પુનરાવર્તન થયું અને 'ક્રિકેટના મક્કા' ગણાતા લોર્ડઝમાં શનિવારે ટ્વેન્ટી-20 વિશ્વકપની શરૂઆત એક મોટા અપસેટ સાથે થઈ.

વિશ્વકપની પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ક્રિકેટમાં પા..પા..પગલી માંડતી નેધરલેન્ડ વચ્ચે રમાઈ। મહારાણી વિક્ટોરિયાના લડવૈયા નેધરલેન્ડની ટીમને સરળતાથી હરાવી દેશે તેવી કલ્પના અંગ્રેજો સહિત જગતભરના ક્રિકેટપ્રેમીઓને હતી. પણ મેચના પરિણામે બધાની આંખો પહોળી કરી નાંખી. નેધરલેન્ડનો ચાર વિકેટે વિજય થયો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 163 રન બનાવ્યાં ત્યારે તેનો વિજય મોટે ભાગે નિશ્ચિત ગણાતો હતો. રાઇટ (71) અને બોપારા (46)એ પહેલી વિકેટની ભાગીદારીમાં 102 રન બનાવી મજબૂત શરૂઆત કરી. પણ ઇંગ્લેન્ડના અન્ય બેટ્સમેન તેનો ફાયદો ન ઉઠાવી શક્યા. શાહ 5, મોર્ગન 6, કલિંગવૂડ 11, કી 10 અને ફોસ્ટર માત્ર ત્રણ રન બનાવીય શક્યા. મધ્યમક્રમના બેટસમેન સારું રમ્યા હોત તો સ્કોર 180ની નજીક પહોંચી શક્યો હોત. આ સ્થિતિમાં ઇંગ્લેન્ડ જ હોટ ફેવરિટ ગણાતું હતું, પણ નેધરલેન્ડે શિસ્તબદ્ધ રમી અંગ્રેજોને આંચકો આપ્યો. તેના બેટ્સમેનોએ ટીમવર્ક દેખાડ્યું અને ટીમને વિજયની ભેટ ધરી. 'મેન ઓફ ધી મેચ' ગ્રૂથે 30 બોલમાં 49 રન, બોરેને 25 બોલમાં 30 રન અને ડોસાટે 17 બોલમાં અણનમ 22 રન બનાવ્યાં.

અત્યંત રસાકસીયુક્ત મેચમાં છેલ્લા બોલે મેચ જીતવા નેધરલેન્ડને બે રનની જરૂર હતી। ઇંગ્લેન્ડના યુવા બોલર બ્રોડની મહેરબાનીથી ડચ વલંદાઓએ આ લક્ષ્યાંક પાર પાડી દીધો હતો. સ્ટુઅર્ટ બ્રોડ પ્રત્યે અંગ્રેજોમાં ભારે નારાજગી પ્રવર્તે છે. તેણે આ મેચમાં રન આઉટની ત્રણ અને કોટ એન્ડ બોલ્ડની એક તક ગુમાવી છે. આ એ જ બ્રોડ છે જેની બોલિંગમાં યુવરાજ સિંહે ગયા ટ્વેન્ટી-20 વિશ્વકપ છ બોલમાં છ સિક્સર ફટકારી વિશ્વવિક્રમ સર્જયો હતો.

ઇંગ્લેન્ડની હારથી ત્યાંનું મીડિયા પણ ગુસ્સે ભરાયું છે. ત્યાંના ટોચના અંગ્રેજી અખબાર 'ડેઇલ મેઇલ'એ નેધરલેન્ડ સામેના પરાજ્યને ઇંગ્લેન્ડના ક્રિકેટ ઇતિહાસનો સૌથી શરમજનક પરાજય ગણાવ્યો છે. તેણે લખ્યું છે કે, ''શનિવાર ઇંગ્લેન્ડના ક્રિકેટ ઇતિહાસનો કાળો દિવસ છે. નેધરલેન્ડે યજમાન ઇંગ્લેન્ડને તેના ક્રિકેટ ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી શરમજનક પરાજ્ય આપ્યો છે.'' ડેઇલી એક્સપ્રસે લખ્યું છે કે, ''નેધરલેન્ડ સામેના પરાજય પછી ક્રિકેટજગતમાં ઇંગ્લેન્ડની ટીમ હાંસીપાત્ર બની ગઈ છે. કોઈ સાધારણ કક્ષાની ફૂટબોલ ટીમ માન્ચેસ્ટર યુનાઇટેડને હરાવી દે તેવો આ પરાજય છે.''

ઇંગ્લેન્ડને ટુર્નામેન્ટમાં ટકી રહેવું હશે તો આજે પાકિસ્તાનની ટીમને હરાવી જરૂરી છે તો પાકિસ્તાન ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરવા માગે છે। નેધરલેન્ડના ઇંગ્લેન્ડ સામેના દેખાવને જોઇને પાકિસ્તાન કોઈ ચાન્સ લેવા માગતું નથી. આ મેચમાં બ્રોડને બહાર બેસવું પડશે તે લગભગ નિશ્ચિત છે.

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ સ્કોટલેન્ડ
વરસાદના વિઘ્નના કારણે માત્ર સાત-સાત ઓવરની રમાયેલી આ મેચમાં ન્યુઝીલેન્ડે સાત વિકેટથી વિજય મેળવ્યો। સ્કોટલેન્ડના બેટ્સમેનોએ સારી બેટિંગનું પ્રદર્શન કરી સાત ઓવરમાં 89 રન ફટકાર્યા. વોટસને 10 બોલમાં 27, પૂનિયાએ 15 બોલરમાં 27 તો કોત્ઝેરે 15 બોલમાં ધુંઆધાર 33 રન કર્યા. પણ થોડા મહિના પહેલાં ભારતને પોતાના ઘરઆંગણે બંને ટ્વેન્ટી-20 મેચમાં પરાજ્યનો સ્વાદ ચખાડનાર ન્યુઝીલેન્ડની ટીમે ફરી એક વખત મજબૂત દેખાવ કર્યો. ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે તેણે માત્ર છ ઓવરમાં 90 રન કરી વિજય સાથે શરૂઆત કરી. આઇપીએલમાં શરમજનક પરાજ્યનો સ્વાદ ચાખનારી નાઇડ રાઇડર ટીમના કેપ્ટન મેકલુમ અને રાયડરે માત્ર 17 બોલમાં 51 રન કરી ટીમનો વિજય નિશ્ચિત કરી દીધો હતો.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વિન્ડિઝઃ ગેલ-ફ્લેચરની આતશબાજી
પોન્ટિંગ પાસે પોતાના બોલરોની ધોલાઈ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. શ્રીલંકાના પૂર્વ સ્ટાઇલિશ બેટ્સમેન અરવિંદ ડી સિલ્વાએ કહ્યું છે કે, બેટ્સમેનની નજર બોલ પર સ્થિર થઈ જાય પછી ગમે તેવો સારો બોલર પણ નિઃસહાય થઈ જાય છે। ગેલ અને ફ્લેચરની નજર સ્થિર થઈ ગઈ હતી અને તેમને બોલના સ્થાને ફૂટબોલ દેખાતો હતો. તેમની રનની આતશબાજી રોકવામાં બ્રેટ લી પણ નિઃસહાય થઈ ગયો. તેણે ચાર ઓવરમાં 56 રન આપ્યાં. ગેલે છ છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી 50 બોલમાં 88 રન અને ફ્લેચરે સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 32 બોલમાં 53 રન બનાવી વિન્ડિઝની જીત નિશ્ચિત કરી દીધી. સરવને બે બોલમાં બે ચોગ્ગા ફટકારી 170 રનનો લક્ષ્યાંક પાર પાડી દીધો.

આ પહેલાં પોન્ટિંગ એન્ડ કંપનીએ 20 ઓવરમાં 169 રન બનાવ્યાં હતા। વોર્નરે 63, માઇક હસીએ 27, ડેવિડ હસીએ 27, હેડ્ડિને 24 રન કર્યા. મેચમાં રસાકસી થશે તેવું લાગતું હતું પણ ગેલ અને ફ્લેચરે કાંગારૂના બોલરોના છોતરા ઉડાવી મેચને એકતરફી કરી નાંખી. ઓસિના ટીમનો આટલો સરળતાથી પરાજય થશે તેવી ખરેખર કલ્પના નહોતી.

ભારતની શુભ શરૂઆત
ટ્વેન્ટી-20 વિશ્વકપ વિજેતા ધોની એન્ડ કંપનીએ અપેક્ષા મુજબ બાંગ્લાદેશને હરાવી દીધું છે. ઇજાગ્રસ્ત વીરુ (મીડિયાના રીપોર્ટ મુજબ, તે ઇજાગ્રસ્ત નથી પણ તેણે મધ્યમ ક્રમમાં બેટિંગ કરવાની જીદ પકડી છે. એટલે તે મેચ રમતો નથી)ના સ્થાને ઓપનિંગમાં આવીને હવે સેટ થઈ ગયેલા રોહિત શર્માએ 23 બોલમાં 36 અને ગંભીરે 46 બોલમાં 50 રન ફટકારી સારો પાયો નાંખ્યો. પણ સાચી મજા યુવરાજની બેટિંગ જોવાની આવી. તેણે ટ્વેન્ટી-20 ફોર્મ્યુલાના સુપરસ્ટાર હોવાનો પરિચય ફરી આપતા માત્ર 18 બોલમાં 41 રન ફટકાર્યા. તેમાં ચાર છગ્ગા દર્શનીય અને અવિસ્મરણીય હતા. ભારતે જીત માટે 181 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પણ જવાબમાં બાંગ્લાદેશ માત્ર 155 રન કરી શક્યું.

No comments: