Monday, June 15, 2009

જે માણસ કચકચિયો છે તેને બધાં કામ અણગમતાં જ લાગે છે



જે માણસ પોતાની નાની નાની મુશ્કેલીઓ બાબત કકળાટ કરે છે તે બધી જ બાબતોમાં રોદણાં રોયા જ કરશે. આમ કાયમ રોદણાં રોનારનું જીવન દુઃખથી ભરાઈ જાય, દરેક કામમાં નિષ્ફળતા જ સાંપડશે. પણ જે માણસ પોતાની ફરજ બજાવતો આગળ વધે છે, સ્વાશ્રયી બને છે, તેનો પંથ ઉજ્જવળ બનશે અને વધારે શ્રેષ્ઠ કાર્યો કરવા ભાગ્યશાળી બનશે.

જે માણસ કામના પરિણામ તરફ નજર રાખી બેઠો છે એ તો પોતાને જે કામ સોંપ્યું છે તેની ફરિયાદ કર્યા જ કરશે। પણ જે માણસ નિઃસ્પૃહી છે એને તો બધાં જ કાર્ય સરખાં જ લાગે છે. આ પ્રકારનો માણસ દરેક કાર્યને પોતાનામાં રહેલા સ્વાર્થ-વાસના ઇત્યાદિ દુર્ગુણોને હણવાનું હથિયાર બનાવી પોતાના આત્મા માટે મોક્ષનું સાધન બનાવે છે.

જે માણસ કચકચિયો છે તેને બધાં કામ અણગમતાં જ લાગે છે, તેને કોઈ પણ કામમાં સંતોષ મળતો નથી, તેનું આખું જીવન એક નિષ્ફળતાની હારમાળા બની રહે છે। આપણે કામ કરતા રહીએ, જે ફરજ આપણે માથે આવે તે બજાવતા જઇએ અને હંમેશા આપણો સહકાર આપવા તત્પર રહીએ તો પછી જરૂર આપણને પ્રકાશ સાંપડશે. કોઈ કામ નાનું નથી. મોટામાં મોટો મૂર્ખ માનવી પણ પોતાને મનગમતું કામ હોય તો પાર પાડી શકે છે. પણ ખરો બુદ્ધિશાળી તો એ છે કે દરેક કામને પોતાને મનગમતું બનાવી લે છે.

આ દુનિયામાં દરેક કામ વડનાં બી જેવું છે। એ બીજ સાવ નાનું હોય છે. છતાં તેમાં આખો વડ સમાયો હોય છે. જે માણસ આ વાત સમજે છે એ ખરેખર બુદ્ધિશાળી છે. આ પ્રકારનો માણસ દરેક કામને ખરેખર મહાન કરી બતાવે છે.

સેન્ટર પોઇન્ટઃ કાર્યક્ષેત્રથી પલાયન વૃત્તિ રાખવી એ શાંતિનો પથ નથી

No comments: