Sunday, June 7, 2009

મનમોહન દેસાઇને 'કૂલી' ફિલ્મનો અંત બદલવાની ફરજ પડી...


હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રસિદ્ધ નિર્માતા મનમોહન દેસાઈની સુપરડુપર હિટ પુરવાર થયેલા 'કૂલી' ફિલ્મના શૂટિંગ દરમિયાન મહાનાયક અમિતાભ બચ્ચનને મરણતોલ ઇજા પહોંચી હતી. મહાભારતમાં દુર્યોધનની ભૂમિકા અદા કરનાર પુનિત ઇસ્સારનો જબરદસ્ત મુક્કો અમિતાભને પેટમાં સાચેસાચ વાગી જતાં જીવન અને મરણ વચ્ચેનો જંગ ચાલ્યો હતો. છેવટે અમિતાભના કરોડો પ્રેમીઓની દુઆ રંગ લાવી અને તેઓ મૃત્યુ સામેનો જંગ જીતી ગયા. પરંતુ આ અકસ્માતે મનમોહન દેસાઈની મૂંઝવણ વધારી દીધી હતી.

'દિવાર', 'શોલે' અને 'મુક્દર કા સિકંદર'ની જેમ 'કૂલી'ના અંતિમ દ્રશ્યમાં બચ્ચનનું મૃત્યુ થતું હતું. પરંતુ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દિવસો સુધી મોત સામે ઝઝૂમેલા અમિતાભને જીવતદાન મળ્યાં પછી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ઉત્સવ જેવું વાતાવરણ સર્જાઈ ગયું તે જોઇને 'કૂલી'માં આ કલાકારનું મૃત્યુ પ્રેક્ષકોને ચોક્કસ નારાજ કરશે અને ફિલ્મ પીટાઈ જશે તેનો અંદાજ મનમોહન દેસાઈને આવી ગયો. તેમની સમક્ષ ફિલ્મનો સુખદ અંત લાવ્યા વિના છૂટકો ન હતો. છેવટે તેમને પટકથામાં ફેરફાર કરવો પડ્યો. તે દિવસોમાં ભારતના તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તમામ પ્રોટોકોલ નેવે મૂકીને અમિતાભના ખબર-અંતર પૂછવા આવ્યાં હતા.

No comments: