Thursday, June 18, 2009

સુરતની તે છોકરીને સો સો સલામ...

યુવતી કે સ્ત્રી પર બળાત્કાર થાય પછી તેના ચારિત્ર્યને લઇને અનેક પ્રશ્નો ઊઠે છે. તે પ્રશ્નોમાંથી બચવા માટે જ અનેક યુવતીઓ કે સ્ત્રીઓ બળાત્કારની પીડા તેમના હ્રદયમાં દફનાવી જિંદગીમાં આગળ વધવાનું પસંદ કરે છે. તેને કાળું પ્રકરણ ગણાવી તે ભૂલી જવા માગતી હોય છે. સમાજ શું કહેશે અને શું વિચારશે તેવા પ્રશ્નોને કારણે બળાત્કારનો બોજ આખી જિંદગી ઉઠાવતી સ્ત્રીઓ અને યુવતીઓ ખરેખર અસામાન્ય હોય છે. તમને થશે સામાન્ય રીતે આ પ્રકારની યુવતી કે સ્ત્રીઓની સંખ્યા જ વધારે હોય છે તો પછી તેમને અસામાન્ય યુવતી કે સ્ત્રી કેમ કહું છું?

પોતાની સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવો માણસનો સામાન્ય ગુણ છે અને ચૂપચાપ અન્યાય સહન કરવો એ સડાની માફક સમાજમાં પેસી ગયેલી વિકૃતિ છે। પોતાના જે અન્યાય થયો તેવો જ અન્યાય સમાજના બીજા સભ્યને પણ થશે તેવી સંવેદના સામાન્ય માનસિકતા ધરાવતી વ્યક્તિ અનુભવે છે જ્યારે અસામાન્ય માનસિકતા ધરાવતી વ્યક્તિ માત્ર પોતાનો વિચાર કરી જીવન સાથે ડગલે ને પગલે સમાધાન કરે છે. સુરતની છોકરીએ અસામાન્ય લોકોની દુનિયામાં સામાન્ય થવાનું પસંદ કર્યું. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને પોતાની જેમ બીજી કોઈ સ્ત્રી કે યુવતી તેનો ભોગ ન બને તે માટે આગળ આવવા ખરેખર હિમ્મતની જરૂર હોય છે. આવી જ હિમ્મત સુરતની તે છોકરીએ દેખાડી છે.

કલ્પના કરો કે, તે સામૂહિક બળાત્કારનો ભોગ બની હશે ત્યારે તેના મન પર શું વીતી હશે? અસહ્ય માનસિક સંતાપ સાથે તે ઘરે પહોંચી હશે પછી આ પ્રકરણ જાહેર થયા પછી સમાજ શું કહેશે અને શું વિચારશે તેનો વિચાર નહીં કર્યો? સવારે સાડા પાંચ વાગે છોકરાને એકલા મળવાની શું જરૂર હતી? તે નોટબુકની અદલાબદલી ટ્યુશન ક્લાસમાં પહોંચીને ન કરી શકી હોત? તેને તો છોકરા સાથે લફરું નહીં હોય તેની શું ખાતરી? આ પ્રકારના અનેક વાહિયાત પ્રશ્નો ઊઠી રહ્યાં છે. તેનો વિચાર પણ તેણે કર્યો હશે, પણ સમાજના અનેક પ્રશ્નોની ઐસી-તૈસી કરીને તે છોકરીએ પોતાને થયેલા અન્યાયને સમાજ સમક્ષ જાહેર કર્યો. પોતાની જેમ જ અન્ય છોકરીઓએ તે સમાજ માટે ભારરૂપ બની ગયેલા ત્રણ નરાધમોનો શિકાર ન બને તે માટે આગળ આવવાનું નક્કી કર્યું. તેણે મૃતપ્રાયઃ થઈ રહેલા અને વેદનાશૂન્ય બનવા આગળ વધી રહેલા સમાજને સંવેદનાનો કામચલાઉ ડોઝ આપ્યો છે. તેણે અનેક યુવતીઓ અને સ્ત્રીઓ માટે દાખલ બેસાડ્યો છે અને હવસખોર જાલીમોને સમાજમાં ઉઘાડા કરવાની પ્રેરણા આપી છે. આ માટે તે છોકરી અને તેની માતાને સો-સો સલામ.....

No comments: