Monday, June 29, 2009

આધુનિક નવાબઃ કોથી, પંથી, ડબલ ડેકર, એસએમએસ અને ગે!

મધ્યપ્રદેશના ભોપાલમાં અને દેશમાં આજકાલ 'નવાબી શોખ' ધરાવતા રસિકજનોની સંખ્યા વધી રહી છે. નવાબી શોખ એટલે? ગુજરાતના રાજપીપળાના ગોહિલ રાજવંશના પાટવીકુંવર માનવેન્દ્ર સિંહ ગોહિલ જે શોખ ધરાવે છે તેને નવાબી શોખ કહેવાય. હજુ ન સમજાયું હોય તો વધુ સ્પષ્ટતા કરું. સામાન્ય રીતે પુરુષ સ્ત્રી પ્રત્યે અને સ્ત્રી પુરુષ પ્રત્યે આકર્ષણ ધરાવે છે, પણ જે પુરુષ સ્ત્રીઓ કરતાં પણ વધારે આકર્ષણ પુરુષો પ્રત્યે ધરાવતો હોય તે નવાબ તરીકે ઓળખાય છે અને તેમના શોખ નવાબી શોખ તરીકે જાણીતા છે. ગુજરાતી બોલચાલની ભાષામાં આવા નવાબ માટે 'રીવર્સ' શબ્દ છે અને શિષ્ટ ભાષામાં તેને સમલૈંગિક કહેવાય છે. અંગ્રેજીમાં પુરુષ સમલૈંગિકને ગે કહેવાય છે જ્યારે સ્ત્રી સમલૈંગિકને લેસ્બિયન. પણ તમે જાણો છો ભોપાલમાં આ બધા નવાબ માટે કયો શબ્દ પ્રચલિત છે?

એસએમએસ! ભોપાલમાં નવાબી શોખ ધરાવતા 3,000થી વધારે એસએમએસ છે। તેમને દર મહિને બહુરાષ્ટ્રીય કંપનીના 30,000થી વધારે કોન્ડમની જરૂર પડે છે અને તે પણ ગુલાબી રંગના ! ત્રણ પ્રકારના એસએમએસ હોય છે - મહિલા પાર્ટનરની ભૂમિકા નિભાવતા, પુરુષ પાર્ટનરની ભૂમિકા નિભાવતા અને બંને ભૂમિકા અસરકારક રીતે નિભાવવામાં કુશળ હોય તેવા એસએમએસ. ભોપાલમાં મહિલા પાર્ટનરની ભૂમિકા નિભાવતા એસએમએસને 'કોથી', પુરુષ પાર્ટનરની ભૂમિકા નિભાવતા એસએમએસને 'પંથી' અને બંને ભૂમિકામાં પ્રાવિણ્ય ધરાવતા એસએમએસને 'ડબલ ડેકર' કહેવાય છે. દેશના કોથી, પંથી અને ડબલ ડેકર એસએમએસએ ભેગા થઇને દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ અને કોલકાતામાં ગઇકાલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમણે લગ્ન કરવાની મંજૂરી માગી છે અને ભારતીય દંડ સંહિતાની 377મી કલમ નાબૂદ કરવાની માંગણી કરી છે. આ કલમમાં શું જોગવાઈ છે?

કાયદાશાસ્ત્રની ભાષાને બદલે સરળ રીતે સમજાય તેવી ભાષામાં કહીએ તો સમાન લિંગ ધરાવતી વ્યક્તિઓ એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધી શકે નહીં। અર્થાત્ પુરુષ પુરુષ સાથે અને સ્ત્રી સ્ત્રી સાથે સંભોગ કરી શકે નહીં. આ જોગવાઈ સમલૈંગિક સંબંધોના આધાર પર જ ઘા કરે છે. એટલે બધા એસએમએસે ભેગા થઇને કેન્દ્ર સરકારને તેમના સંબંધોને મંજૂરી આપવા શક્તિ પ્રદર્શન કર્યું છે. દુનિયાના કેટલાંક દેશોમાં આ પ્રકારના એસએમએસને લગ્ન કરવાની મંજૂરી મળી છે.

વિશ્વમાં સૌપ્રથમ ડેનમાર્કે 1989માં સમલૈંગિક લગ્નોને કાયદાકીય મંજૂરી આપી હતી અને તેનું અનુસરણ નોર્વેએ 1992માં કર્યું। નોર્વેના એક ભૂતપૂર્વ નાણા મંત્રી ક્રિસ્ટિયાન ફૉસે જાન્યુઆરી, 2002માં તેમના સાથી એસએમએસ જોન એરિક નાર્બાક સાથે લગ્ન કર્યા હતા. કેનેડાના ઓટોરિયો રાજ્યની સર્વોચ્ચ અદાલતે જૂન, 2003માં સમલૈંગિકોને એકબીજાથી જુદાં કરવાનું પાપ કે પુણ્ય ન કરવાનો આદેશ સરકારને આપ્યો હતો. પાપ કે પુણ્યનો ફેંસલો ઇશુ ખ્રિસ્ત પર છોડવાનું કહ્યું હતું. અમેરિકામાં સમલૈંગિકો લગ્નને માન્યતા સૌપ્રથમ મસોચ્યુસેટ્સ રાજ્યએ મે, 2004માં આપી હતી. પાકિસ્તાનમાં જુલાઈ, 2005માં સૌપ્રથમ સમલૈંગિક લગ્ન થયા હતા.

અફઘાનિસ્તાનની સરહદ પર આવેલા ખૈબરઘાટમાં 40 વર્ષીય અફઘાન પઠાણ લિયાકત અલી અને 16 વર્ષનો કિશોર મૈરકીનની આંખો ચારો થઈ ગઈ હતી। ઘરવાળાએ રાજીખુશીથી બંનેના નિકાહ પઢાવી દીધા હતા, પણ સ્થાનિક પંચાયતે બંનેની ખસી કરી તેમને ખતમ કરી દેવાનો આદેશ આપ્યો હતો. આ બંને પ્રેમીપંખીડાઓનું શું થયું તેના પર હજુ પણ રહસ્ય છે. બોલીવૂડમાં પુરુષ સમલૈંગિકોનું પ્રતિનિધિત્વ (વાસ્તવિક દુનિયાની વાત કરું છું, પડદા પરના ગેની ભૂમિકા ભજવા કલાકારોની નહીં) અત્યારે કરણ જોહર અને શાહરૂખ ખાનના હાથમાં છે તેવી એક સાચી લાગે તેવી મજાક થઈ રહી છે.

ગુજરાતમાં સમલૈંગિકોની જાહેર ચર્ચા પરથી પડદો ઉઠાવવાનો શ્રેય માનવેન્દ્ર સિંહ બાપૂને જાય છે। અંગ્રેજી પત્રકારોના લાડકા આ પાટવીકુંવર મહિનામાં ઓછામાં ઓછા એક વખત તો તેમના નવાબી શોખ વિશે ગુજરાતના કોથી, પંથી અને ડબલ ડેકર એસએમએસને ઉપયોગી અને રસપ્રદ માહિતીનો રસથાળ પીરસતા રહે છે. થોડા દિવસ પહેલાં તેઓ વિશ્વ સમલૈંગિક પરિષદમાં ભારતનો ધ્વજ લહેરાવી આવ્યાં છે અને દુનિયાભરના એસએમએસ સાથે એકબીજાનું અનુભવોનું આદાનપ્રદાન કરી આવ્યાં છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં ઓછામાં ઓછા 75,000 એસએમએસ ફરે છે.

ચલતે-ચલતેઃ જય માતાજી...

Thursday, June 25, 2009

બળાત્કાર, સામૂહિક બળાત્કાર અને મહિલા સશિક્તકરણ...


દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટિલ. આ લોકશાહીના મંદિર સમાન ગણાતી સંસદના નીચલા ગૃહ લોકસભાના અધ્યક્ષ કોણ છે? શ્રીમતી મીરાકુમાર. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? માયાવતી. વિશ્વનું સૌથી મોટું રેલવે તંત્ર ભારતમાં છે અને તેમના સર્વેસર્વા કોણ છે? કુમારી મમતા બેનર્જી. દેશના સૌથી મોટા રાજકીય પક્ષ કોંગ્રેસના વડા કોણ છે? સોનિયા ગાંધી. સત્તામાં ટોચના સ્થાને મહિલાઓનો દબદબો છે, મીડિયામાં મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે, પણ આ દેશમાં અત્યાચારનો સૌથી વધુ ભોગ કોણ બને છે? સામાન્ય મહિલાઓ. અત્યારે દેશમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અપરાધ કયો છે? બળાત્કાર અને સામૂહિક બળાત્કાર! છેલ્લાં ત્રણથી ચાર દિવસના સમાચારો પર જ એક નજર નાંખીએઃ

- દક્ષિણ કાશ્મીરના શોપિયામાં બે મહિલાઓ પર લશ્કરના જવાનોએ સામૂહિક બળાત્કાર કરી હત્યા કરી

- સુરતમાં બારમાં ધોરણમાં ભણતી છોકરી પર ચાર મુસ્લિમ યુવાનોનો સામૂહિક બળાત્કાર

- મુંબઈમાં એક યુવતી પર સાત યુવાનોએ સામૂહિક બળાત્કાર

- દિલ્હીમાં એક પોલીસ સ્ટેશનમાં જ એક મહિલા પર ચાર પોલીસ કર્મચારીઓનો સામૂહિક બળાત્કાર

દેશને આઝાદી મળ્યાં પછી કયા અપરાધનું પ્રમાણ સૌથી વધારે વધ્યું છે? ચોરી? લૂંટફાંટ? હત્યા? ના। ના ચોરી, ના લૂંટફાટ, ના હત્યા. આ દેશમાં એક એવો અપરાધ છે જેમાં ક્યારેય મંદી આવી નથી. શેરબજારની ભાષામાં કહીએ તો આ અપરાધ સતત તેજીનું વલણ દાખવી રહ્યો છે. તે જઘન્ય અપરાધનું નામ છે બળાત્કાર. ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતાં નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી) 1953થી દર વર્ષે દેશમાં વિવિધ અપરાધોની આંકડાકીય માહિતી એકત્ર કરે છે. આ આંકડા મુજબ, દેશમાં 1953થી અત્યાર સુધી બળાત્કારની સંખ્યામાં 700 ટકાનો વધારો થયો છે જ્યારે તે સિવાય અન્ય અપરાધોની સંખ્યામાં 300 ટકાની વધારો થયો છે. સ્ત્રીઓના માતાનો દરજ્જો આપતી ભારત માતાની પુણ્ય અને પવિત્ર ભૂમિ પર દર કલાકે 18 મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે.

દેશમાં દસ લાખ કરતાં વધારે વસતી ધરાવતાં 35 શહેર છે। તેમાં સૌથી વધુ બળાત્કાર રાજધાની નવી દિલ્હીમાં થાય છે. દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (એનસીઆર) છે. તેના મુખ્યમંત્રી કોણ છે? શ્રીમતી શીલા દિક્ષિત. બે દિવસ પહેલાં જ દિલ્હીમાં કાયદાના રક્ષક જ ભક્ષક બની ગયા. એક મહિલાને પૂછપરછ કરવા માટે બોલાવી ચાર પોલીસ કર્મચારીઓએ સામૂહિક બળાત્કાર કર્યો. તેની ફરિયાદ ક્યાં કરવી? આ પ્રશ્નનો જવાબ જનતાને ન મળ્યો. તેમણે કાયદો હાથમાં લીધો પછી પોલીસે તેમના સાથીદારો વિરૂદ્ધ ફરિયાદ નોંધી, પણ ભારે હૈયે!

મહિલાઓ માટે દિલ્હી પછી સૌથી વધુ ખતરનાર શહેર હૈદરાબાદ છે। પોતાની રમત કરતાં આગ ઝરતાં સૌંદર્યને કારણે વધુ જાણીતી બનેલી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું શહેર. આ શહેરમાં દરરોજ સાતથી વધુ મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત દરેક રાજ્યમાં વધતા-ઓછા અંશે આવી જ સ્થિતિ છે.

દેશમાં મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે। પણ તે સંસદમાં મહિલાઓનું સંખ્યાબળ વધારવા પૂરતી મર્યાદિત છે. શું સંસદમાં બેસતી મહિલાઓ સશક્ત છે? તેમાંથી મોટા ભાગની મહિલાઓનું તેમના ઘરમાં પણ ચાલતું નથી. આ મહિલાઓને સશક્તિકરણનું પ્રતીક ક્યાંથી ગણી શકાય? આ દેશમાં મહિલા સશક્તિકરણનું પ્રતીક કિરણ બેદીને ગણી શકાય, સોનિયા ગાંધીને નહીં. મહિલાઓનો સશક્ત કરવા માટે સંસદમાં સંખ્યાબળ વધારવાની જરૂર નથી. સંસદમાં મહિલાઓની સંખ્યા વધવાથી દેશમાં સામાન્ય મહિલાઓની સ્થિતિમાં કોઈ ફરક પડવાનો નથી. શીલા દિક્ષિત છેલ્લાં 11 વર્ષની દિલ્હીના મુખ્યમંત્રી છે તેમ છતાં અહીં દર વર્ષે બળાત્કારીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. જરૂર છે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની અને બળાત્કાર વિરોધી કાયદાના અસરકારક અમલીકરણની.

ચલતે-ચલતેઃ કોઈ વ્યક્તિ પર બળાત્કારનો આરોપ પુરવાર થાય તો તેની એક જ સજા છેઃ તેને નપુંસક કરી નાંખવો-બિલી ગ્રેહામ, અમેરિકન ધર્મોપદેશક

Tuesday, June 23, 2009

09873052666 પર એસએમએસ કરો અને ગીતાની નકલ નિઃશુલ્ક મેળવો


ગાંધીજીએ ગીતાને 'ગીતામાતા' કહી છે. સન 1934માં કાશી વિશ્વવિદ્યાલય આચાર્ય આનંદશંકર ધ્રુવે તેમના વિદ્યાર્થીઓ સમક્ષ ને ગીતા વિશે બે બોલ બોલવા કહ્યાં ત્યારે બાપૂએ કહેલું કે, ''ગીતા તો મારે માટે માતા છે. મારી જન્મદાતા માતા તો ગઈ છે, પણ ભીડને વખતે એ ગીતામાતાની પાસે જવાનું હું શીખ્યો છું. જે કોઈ આ માતાના શરણે જાય છે, તેને જ્ઞાનામૃતથી તે તૃપ્ત કરે છે. જો તમે તેમાં ભક્તિભાવથી પ્રવેશ કરશો તો જે તમને જોઇએ છે તે તેમાંથી પામશો.'' ગીતા સંપૂર્ણ જીવનનો સાર છે. જનકલ્યાણના ઇરાદાથી દિલ્હીના એક વ્યવસાયી સીધી અને સરળ હિંદીમાં શ્રીમદ્ ભગવદગીતાની પ્રતો નિઃશુલ્ક દેશભરમાં પહોંચાડવાનું સામાજિક-ધાર્મિક-સાંસ્કૃતિક કાર્ય કરી રહ્યાં છે.

રાજધાની દિલ્હીમાં ઝેરોક્ષની એક દુકાન છે। તેમાં તમને ફોટોકોપી કરાવવા જાવ તો તે કાઉન્ટર પર બેઠેલા 53 વર્ષીય રામજીના મોબાઇલ ફોની ઘંટડી વાગે છે. ફોન કરનાર વ્યક્તિને જવાબ મળે છે, '09873052666' પર એસએમએસ મોકલી દો અથવા ramjiramji999@yahoo.co.in પર ઇ-મેઇલમાં તમારું સરમાનું મોકલી દો, ગીતાની નકલ તમે આપેલા સરનામે પહોંચી જશે.

માનવ જીવનના રહસ્ય પરથી પડદો ઉઠાવતા અદ્વિતીય ગ્રંથ ગીતાની નિઃશુલ્ક કોપી સાથે એક માળા, ભજનોની સીડી અને બે પુસ્તિકાઓનું એક પેકેટ માત્ર એક ફોન કરતાં જ તમારા ઘરે પહોંચી જાય છે। ભારતીય અધ્યાત્મ અને દર્શનના દરેક તત્વની વ્યાખ્યા કરતી ગીતાની 10,000થી વધુ નકલ રામજીએ દેશના જુદાં જુદાં ભાગોમાં પહોંચાડી છે.

30 વર્ષની વયે માતાના અવસાન પછી એકલા થઈ ગયેલા રામજીને પહેલી વખત તેમના પિતરાઈ ભાઈએ ગીતાની એક નકલ ભેટમાં આપી હતી। તેના પાંચ વર્ષ પછી તેમણે તેનો અભ્યાસ શરૂ કર્યો. રામજી કહે છે કે, ''ગીતના અભ્યાસ પછી હું નાસ્તિકમાંથી આસ્તિક થઈ ગયો. નિરાશા તો જાણે છૂમંતર જ થઈ ગઈ. મનમાં અનંત ઉત્સાહનો સંચાર થયો અને જીવનને એક નવો વળાંક મળ્યો.'' પોતાની કૃષ્ણભક્ત માતાના અવસાન પછી તેમના આત્માને શાંતિ મળે તે માટે તેમણે ગીતાના પાઠ કરાવ્યા. આ પાઠ દરમિયાન તેમને દિવ્ય અનુભૂતિ થઈ અને તેમણે ગીતાના દિવ્ય સંદેશના લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા મળી. તેમણે જ્ઞાનની આ ગંગા સાથે સામાન્ય લોકોને જોડવાનો સંકલ્પ કર્યો.

સ્વામી સત્યાનંદ દ્વારા સરળ ભાષામાં પ્રસ્તુત ગીતાનું વિતરણ રામજી કરે છે। આ પવિત્ર કાર્યમાં તેમને દિલ્હીના કાલકાજી સ્થિત શ્રીરામ શરણમ્, સ્વામી સત્યાનંદ સંઘના કર્મયોગી સંત બ્રિજમોહનજીના સહયોગ મળે છે. આ ગીતાના પ્રિન્ટિંગનો ખર્ચ વહન કરવામાં તેમના સમગ્ર પરિવારનો આર્થિક સહયોગ મળે છે.
કુરિયર એજન્સી રાહત દરે તેમના પાર્સલ લોકો સુધી પહોંચાડે છે.

પોતાના આ કામની જગતભરમાં વાહવાહ થાય તેવું રામજી ઇચ્છતાં નથી. ગીતાને લોકો સુધી નિઃશુલ્ક પહોંચાડી બહુ મોટી સમાજસેવા કરતાં હોય તેવું અભિમાન પણ તેમને નથી. તેઓ માને છે કે, આજે પણ લોકોનું જીવન કુરુક્ષેત્રમાં થયેલા મહાભારતની જેમ સંઘર્ષયુક્ત છે. આજથી 5,000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણએ મોહની માયાજાળમાં ફસાયેલા અર્જુનને તેના ધર્મનું ભાન કરાવવા જે ઉપદેશ આપ્યો હતો તે આજે પણ પ્રાસંગિક છે.

તેઓ કહે છે કે, ગીતા એક એવો પવિત્ર ગ્રંથ છે જે સંભવિત મૃત્યુના ડરને દૂર કરી મનુષ્યને સદાય પોતાનું કર્મ નિષ્ઠાપૂર્વક કરવા માટે પ્રેરિત કરે છે-કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન્. ગીતા સાંભળવાથી, વાંચન કરવાથી અને તેનું મનન કરવાથી અંતરાત્મા ખિલી ઉઠે છે. અજ્ઞાનના આવરણો દૂર થાય છે અને જ્ઞાનનો ઉદય થાય છે. પારિવારિક અને સામાજિક જીવનની પ્રગતિ તથા સત્યનો સાક્ષાત્કાર કરવા આ ગ્રંથ અત્યંત મદદરૂપ સાબિત થાય છે.

આ અહંકાર શું છે?

'હું'થી આપણે એટલા બધા ભરેલા છીએ કે, 'તે' પ્રગટ થઈ શકતો નથી. અહંકાર આપણને એક દિવાલની જેમ ઘેરી વળ્યો છે. પ્રકાશના પ્રવેશની તેમાં કોઈ સંભાવના નથી અનો મોટું આશ્ચર્ય તો એ છે કે, જે તદ્દન અસત્ય છે, તે અહંકાર જ આવરણ બનીને ઊભો છે. પરંતુ આ અસત્ય અહંકારથી મુક્ત થયા વિના સત્ય સ્વરૂપની ઉપલબ્ધિ કેવી રીતે થઈ શકે?

અસત્ય જે પાત્રમાં ભરેલું છે, તેમાં જ સત્ય ભરી શકાતું નથી. અસત્યના વિષને સ્વયંના પાત્રમાંથી ખાલી કરીને સત્યના અમૃતને આમંત્રણ આપી શકાય છે. અમૃતની વર્ષા નિરંતર થાય છે, પણ ભરેલું પાત્ર, ભરેલું હોવાના કારણે તેનાથી વંચિત રહી જાય છે. ભરેલું હોવું જ આપણું દુર્ભાગ્ય છે. પરમાત્માની વર્ષા ઉપરથી જ વહેતી વહેતી ચાલી જાય છે. વર્ષો પહાડ અને તળાવ બંને પર થાય છે, પણ તળાવ તેનાથી ભરાઈને ધન્ય થાય છે, જ્યારે પર્વતો સૂકા રહી જાય છે. પાણી ખાડા અને ટેકરા બંને પર પડે છે. ખાડો પોતાની રિક્તતાથી પાણીને મહેમાન બનાવે છે અને ટેકરો પોતાના અહંકારમાં અક્કડ ઊભો રહે છે.

એટલે જ હું કહું છું કે તે લોકો ધન્ય છે જેઓ ખાડાની જેમ ખાલી થવામાં સમર્થ છે. આપણે બધા ટેકરા અને પર્વત જેવા છીએ, અહંકારથી ભરેલા છીએ. તેના બોજ નીચે દબાયેલા છીએ.
આ અહંકાર શું છે?
જે જીવનને આમ જકડે છે, તે શું છે?
સ્વયંમાં શોધવાથી તે ક્યાંય જડતો નથી.
પરંતુ, ન શોધવામાં 'તે' જરૂર છે.
કદાચ, આત્મ-અજ્ઞાનનું તે બીજું નામ હશે.
હું સ્વયંને જાણતો નથી, માટે કદાચ 'હું' છું.
'હું'ને જે જાણી લે છે,
તેનો 'હું' શૂન્ય થઈ જાય છે.
તો ચાલો,
'હું'ને આપણે શોધીએ.
શાંત, મૌન અને જાગરૂક થઇને તેને જાણીએ.
ચિત્તના પ્રત્યેક પડમાં તેને શોધીએ.
જેમ કોઈ ડુંગળીને ફોલતો હોય,
તેમ આપણે પણ,
ચિત્તનાં પડેપડ ખોલીએ, તેને શોધીએ.
ડુંગળીને ફોલવાથી છેવટે શૂન્ય જ હાથમાં આવે છે.
એમ ચિત્તના પડોને ખોલતાં, ખોલતાં પણ
છેલ્લે શૂન્ય જ હાથમાં આવશે.

કોઈ વનને દૂરથી જોઇએ તો વન દેખાય છે, પણ પાસે જઇને જોવાથી વૃક્ષ, વૃક્ષ અને વૃક્ષ. વન તો ક્યાંય જોવા મળતું નથી. એક ચિત્તને દૂરથી જોઇએ, ધ્યાનથી ન જોઇએ તો અહંકાર અનુભવમાં લાગે છે. લાગે છે 'હું' છું. પરંતુ નજીક જોવાથી 'હું' ખોવાઈ જાય છે અને રહી જાય છે, કેવળ 'હોવું.' એ 'હોવું' એ જ શૂન્યતાનો અનુભવ છે. શૂન્ય સ્વાસ્થય છે. શૂન્ય મોક્ષ છે.

તે જ સત્ય છે!
તે જ અમૃત છે!!
તે જ પરમાત્મા છે!!!

Friday, June 19, 2009

આઝાદ ભારતનું રહસ્યમય નગરવાલા કૌભાંડ


આઝાદ ભારતના ઇતિહાસનું આ એવો કોયડો છે જે હજુ સુધી ઉકેલાયો નથી. આ રહસ્ય હંમેશા માટે તેની સાથે સંકળાયેલા લોકોના દિલમાં દફન થઈ ગયું છે. વાત વર્ષ 1971ના શરૂઆતના મહિનાઓની છે. તે સમયે રાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવી દેનાર આ કૌભાંડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં થયું હતું. આ કારસ્તાનમાં બે વ્યક્તિઓ સીધેસીધે સંડાવાયેલી હતી.

એક નિવૃત્ત લશ્કરી અધિકારી રુસ્તમ સોહરાબ નગરવાલા અને બીજી વ્યક્તિ હતી પાર્લામેન્ટ સ્ટ્રીટમાં સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મુખ્ય ખજાનચી વેદ પ્રકાશ મલ્હોત્રા। બન્યું એવું કે 24 મે, 1971ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના અંગત સચિવ પી એન હકસરે મલ્હોત્રાને ફોન કરીને કહ્યું કે, 'બાંગ્લાદેશ કા બાબુ' કોડ વર્ડ (સાંકેતિક શબ્દ) સાથે તમારી પાસે આવનારી વ્યક્તિને 60 લાખ રૂપિયા આપવા. મુખ્ય ખજાનચી અચકાયા ત્યારે હકસરે મેડમ ગાંધી તેમની સાથે સીધી વાત કરશે તેવી ખાતરી આપી. થોડા સમય પછી વડાપ્રધાન ગાંધીના અવાજમાં મલ્હોત્રાને કહેવામાં આવ્યું કે, સાંકેતિક શબ્દ સાથે આવનાર નગરવાલાને 60 લાખ રૂપિયા આપવા. તેની મેડમ ગાંધી સાથે ફોન પર વાત થતી હતી એટલે સામેથી અવાજ તેમનો જ છે તેની ખાતરી થઈ ગઈ.

થોડા સમય પછી નગરવાલાએ મલ્હોત્રાને ફોન કર્યો અને 60 લાખ રૂપિયા લઈ પાલમ રોડ પર આવી જવા કહ્યું। કર્તવ્યપરાયણ મલ્હોત્રા ગાડીમાં એક પેટીમાં તે રકમ લઈ નક્કી થયેલી જગ્યાએ પહોંચ્યા અને 60 લાખ રૂપિયા નગરવાલાને સોંપી દીધા. પણ તે પછી કોણ જાણે કેમ મલ્હોત્રાને શંકા ગઈ. તેઓ સીધા વડાપ્રધાનના અંગત સચિવ હક્સર પાસે ગયા અને આખી વાત કહી. હકસરે પોતે કે મેડમ ગાંધી તેમને કોઈ ફોન કર્યો નથી અને આ બાબત વિશે કંઈ જાણતા નથી તેવું સ્પષ્ટપણે કહ્યું.

મલ્હોત્રાની સ્થિતિ કફોડી બની ગઈ। તેમણે પોલીસ ફરિયાદ કરી। ફરજ પરના પોલીસ અધિકારીએ તરત જ પગલાં લીધા અને નગરવાલાનો પીછો કર્યો. નગરવાલાને ઝડપી લેવામાં આવ્યો અને તેને વારાફરતી જુદા જુદા ન્યાયધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. કોઈ પુરાવાને લક્ષમાં લીધા વિના અને ફરિયાદની વિગતને અવિધ્યાનમાં લીધા વિના એક ન્યાયધીશે તેને દસ જ મિનિટમાં પાંચ વર્ષ સખત કેદની સજા ફટકારી દીધી. લોકશાહી જગતમાં આ પહેલાં ન્યાયના ઇતિહાસમાં આટલો ઝડપથી ફેંસલો કોઈ કેસનો થયો નથી. પણ નગરવાલાને આ સજા સ્વીકાર્ય નહોતી. તેણે વડી અદાલતમાં અરજી કરી. પણ શું થયું?

વડી અદાલતમાં કેસની નવેસરથી શરૂઆત બે મહિના સુધી થઈ નહીં। આ દરમિયાન સરકારી હોસ્પિટલમાં કેદી તરીકે નગરવાલાનું મૃત્યુ થયું. તેનું મૃત્યુ કેવી રીતે થયું તે વિશે કોઈ પાસે સાચી માહિતી નથી. તેનું મૃત્યુ અકુદરતી હતું તેવી વ્યાપક માન્યતા છે. તેની સાથેસાથે એક બીજી વિચિત્ર ઘટના પણ બની.

નગરવાલાનો પીછો કરીને તેને 60 લાખ રૂપિયા સાથે ઝડપી લેનાર પોલીસ અધિકારનું મૃત્યુ એક રોડ એક્સિડેન્ટમાં થયું। આ રીતે મેડમ ગાંધીના અવાજ અને કેસ વિશે પાયાની વિગતો અને પુરાવા આપી શકે તેવી બે વ્યક્તિઓનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાર્લામેન્ટ સ્ટ્રીટમાં આવેલી શાખાના ખજાનચી મલ્હોત્રાને પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું.

આ બનાવને લઇને કેટલાંક પ્રશ્નો એવા છે જેના જવાબ હજુ સુધી મળ્યાં નથી। જેમ કે,

- સામાન્ય રીતે બેન્કના ખજાનચી બેન્કમાં પણ રૂપિયાની લેવડદેવડથી દૂર રહે છે તો પછી તેમણે બેન્કથી દૂર આવેલી જગ્યાએ જઇને એક અજાણી વ્યક્તિને 60 લાખ રૂપિયા જેવી મોટી રકમ આપવાનું કેમ સ્વીકાર્યું હશે?
- આ નાણાં બેન્કના નહોતા તે મોટે ભાગે સ્પષ્ટ છે. તો પછી આ નાણા કોના હતા? વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હતા?
- તે સમયે મોરારાજી દેસાઈએ આ બનાવની તપાસ કરતી માગણી કરી હતી તો ઇન્દિરા ગાંધીએ તપાસ પંચ કેમ ન નીમ્યું?

1977માં મોરારજી દેસાઈની સરકારે આ કૌભાંડની તપાસ કરવા ન્યાયાધીશ પી જગમોહન રેડ્ડીના નેતૃત્વ નીચે એક તપાસ પંચ નીમ્યું હતું, પણ તેણે કોઈ નિર્ણાયક તારણ પર પહોંચી શક્યું નહોતું.

જીવનમાં સંઘર્ષ ન હોય તો તે ફિક્કું લાગે

આપણું સંચાલન બળ આપણા વિચારો જ છે. મનમાં શ્રેષ્ઠ વિચારોને અપનાવો. રાતદિવસ ઉત્તમ વિચારો જ સાંભળો અને સતત તેનું ચિંતન કરો. નિષ્ફળતાની ચિંતા કરો નહીં. એ તો સ્વાભાવિક છે. નિષ્ફળતા જીવનની શોભા છે. તેના વિના જીવનમાં શું મજા? જીવનમાં સંઘર્ષ ન હોય તો તે ફિક્કું લાગે. તેના સિવાય જીવન કાવ્યમય ક્યાંથી થાય?

ભૂલ થાય તો પરવા નહીં। નિષ્ફળતાના પ્રસંગો સાંપડે તો મૂંઝાવું નહીં. તમારો આદર્શો હજારો વાર ફરી ફરી લક્ષમાં રાખો અને ભલે હજાર વાર નિષ્ફળતા મળે તોય ફરી એકવાર પ્રયાસ કરો. સંપૂર્ણ રીતે ખરાબ હોય એવું કશું જ ન હોય. ઇશ્વરની જેમ શયતાનને પણ સ્થાન છે. એમ ન હોય તો અનિષ્ટ ક્યાંથી સંભવે? તે જ રીતે આપણી ભૂલોને પણ સ્થાન છે.

તમને એમ જણાય કે તમારી કાંઈ ભૂલ થઈ છે, તો પાછું વાળીને જુઓ નહીં, આગળ વધો! શું તમને નથી લાગતું કે તમે આજે જે કાંઈ છો તે પાછળની ભૂલોના અનુભવ વગર બની શક્યા હોત? તો પછી તમારી ભૂલોને વધાવી લો। એ તો તમારા માટે જાણે દૈવી માર્ગદર્શક હતી. દુઃખ પણ વધાવી લો, સુખ પણ ભલે પધારે. તમારી શી પરિસ્થિતિ થાય છે તેની પરવા ન કરો. આદર્શને પકડી રાખો. આગે કદમ!

નાની નાની બાબતો, નિષ્ફળતાઓને, ભૂલોને ગણકારો નહીં। આપણા જીવનરૂપી યુદ્ધના મેદાનમાં ભૂલોની ડમરી ઊડવાની જ. જે લોકો આટલા બધા નાજુક કે કાયર હોય તો તેમને આપણી હરોળમાંથી તગડી મૂકો.

સેન્ટર પોઇન્ટઃ જગતનો ઇતિહાસ બહુ ઓછા મનુષ્યોએ રચ્યો છે

Thursday, June 18, 2009

સુરતની તે છોકરીને સો સો સલામ...

યુવતી કે સ્ત્રી પર બળાત્કાર થાય પછી તેના ચારિત્ર્યને લઇને અનેક પ્રશ્નો ઊઠે છે. તે પ્રશ્નોમાંથી બચવા માટે જ અનેક યુવતીઓ કે સ્ત્રીઓ બળાત્કારની પીડા તેમના હ્રદયમાં દફનાવી જિંદગીમાં આગળ વધવાનું પસંદ કરે છે. તેને કાળું પ્રકરણ ગણાવી તે ભૂલી જવા માગતી હોય છે. સમાજ શું કહેશે અને શું વિચારશે તેવા પ્રશ્નોને કારણે બળાત્કારનો બોજ આખી જિંદગી ઉઠાવતી સ્ત્રીઓ અને યુવતીઓ ખરેખર અસામાન્ય હોય છે. તમને થશે સામાન્ય રીતે આ પ્રકારની યુવતી કે સ્ત્રીઓની સંખ્યા જ વધારે હોય છે તો પછી તેમને અસામાન્ય યુવતી કે સ્ત્રી કેમ કહું છું?

પોતાની સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવો માણસનો સામાન્ય ગુણ છે અને ચૂપચાપ અન્યાય સહન કરવો એ સડાની માફક સમાજમાં પેસી ગયેલી વિકૃતિ છે। પોતાના જે અન્યાય થયો તેવો જ અન્યાય સમાજના બીજા સભ્યને પણ થશે તેવી સંવેદના સામાન્ય માનસિકતા ધરાવતી વ્યક્તિ અનુભવે છે જ્યારે અસામાન્ય માનસિકતા ધરાવતી વ્યક્તિ માત્ર પોતાનો વિચાર કરી જીવન સાથે ડગલે ને પગલે સમાધાન કરે છે. સુરતની છોકરીએ અસામાન્ય લોકોની દુનિયામાં સામાન્ય થવાનું પસંદ કર્યું. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને પોતાની જેમ બીજી કોઈ સ્ત્રી કે યુવતી તેનો ભોગ ન બને તે માટે આગળ આવવા ખરેખર હિમ્મતની જરૂર હોય છે. આવી જ હિમ્મત સુરતની તે છોકરીએ દેખાડી છે.

કલ્પના કરો કે, તે સામૂહિક બળાત્કારનો ભોગ બની હશે ત્યારે તેના મન પર શું વીતી હશે? અસહ્ય માનસિક સંતાપ સાથે તે ઘરે પહોંચી હશે પછી આ પ્રકરણ જાહેર થયા પછી સમાજ શું કહેશે અને શું વિચારશે તેનો વિચાર નહીં કર્યો? સવારે સાડા પાંચ વાગે છોકરાને એકલા મળવાની શું જરૂર હતી? તે નોટબુકની અદલાબદલી ટ્યુશન ક્લાસમાં પહોંચીને ન કરી શકી હોત? તેને તો છોકરા સાથે લફરું નહીં હોય તેની શું ખાતરી? આ પ્રકારના અનેક વાહિયાત પ્રશ્નો ઊઠી રહ્યાં છે. તેનો વિચાર પણ તેણે કર્યો હશે, પણ સમાજના અનેક પ્રશ્નોની ઐસી-તૈસી કરીને તે છોકરીએ પોતાને થયેલા અન્યાયને સમાજ સમક્ષ જાહેર કર્યો. પોતાની જેમ જ અન્ય છોકરીઓએ તે સમાજ માટે ભારરૂપ બની ગયેલા ત્રણ નરાધમોનો શિકાર ન બને તે માટે આગળ આવવાનું નક્કી કર્યું. તેણે મૃતપ્રાયઃ થઈ રહેલા અને વેદનાશૂન્ય બનવા આગળ વધી રહેલા સમાજને સંવેદનાનો કામચલાઉ ડોઝ આપ્યો છે. તેણે અનેક યુવતીઓ અને સ્ત્રીઓ માટે દાખલ બેસાડ્યો છે અને હવસખોર જાલીમોને સમાજમાં ઉઘાડા કરવાની પ્રેરણા આપી છે. આ માટે તે છોકરી અને તેની માતાને સો-સો સલામ.....

Tuesday, June 16, 2009

ડોન્ટ વરી ધોની, ભારત જીતશે તેવી બહુ અપેક્ષા પણ નહોતી


કોઈ પણ ભૂલ થાય ત્યારે શું કરવું જોઇએ? તમારામાંથી કદાચ મોટા ભાગના લોકો કહેશે કે આપણે માફી માગી લેવી જોઇએ. પણ ના, હું તેની સાથે સહમત નથી. હકકીતમાં આપણે જે ભૂલ કરી હોય તેને ખરેખર સુધારી લેવી જોઇએ. મેં જોયું છે કે, પોતાની ભૂલના કારણે જે સજા મળવાની હોય તેમાંથી છટકવા માટે મોટા ભાગના લોકો માફીનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. તેમાં પોતાની ભૂલ સુધારવાની ભાવના બહુ ઓછી હોય છે. અત્યારે ભારતીય ટીમનો કેપ્ટન અને નસીબના જોરે મળેલી સફળતાથી હવામાં આવી ગયેલો કેપ્ટન ધોની ક્રિકેટ પ્રશંસકોના ગુસ્સાથી બચવા માટે માફી નામના એક તરકટનો ઉપયોગ કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની હારના પગલે ટીમ વિશ્વકપમાંથી બહાર ફેંકાઈ ગઈ પછી ધોનીનું શું કહેવું છે?

ધોનીનું કહેવું છે કે, ટીમના પરાજયથી દેશના ક્રિકેટચાહકોને જેટલી નિરાશા અને આશ્ચર્ય થયું છે તેટલી નિરાશા ટીમના ખેલાડીઓને પણ છે। પહેલી વાત એ કે, ટીમની હારથી અંગત દેખાવ સારો કરનાર ક્રિકેટરોને કોઈ ફરક પડતો નથી. બીજી વાત, જે ક્રિકેટપ્રેમીઓ ક્રિકેટને સારી રીતે સમજે છે તેમને આ વિશ્વકપમાં ભારતની જીતની શક્યતા 50-50 લાગતી હતી. એટલે બહુ નિરાશા થઈ નથી. તેની પાછળ મજબૂત કારણ છે.

દક્ષિણ આફ્રિકામાં બે વર્ષ પહેલાં રમાયેલા વિશ્વકપમાં ભારત સહિત વિશ્વના બીજા બધા દેશો માટે ટ્વેન્ટી-20 ફોર્મેટ નવી હતી. તેની સરખામણીમાં આ વિશ્વકપમાં વિશ્વની તમામ ટીમ પાસે ટ્વેન્ટી-20 ક્રિકેટનો સારો અનુભવ હતો. તે ઉપરાંત તેના સારા-સારા ખેલાડીઓ લલિત મોદીના ફારસ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ટ્વેન્ટી-20નો સારો અનુભવ મેળવી ચૂક્યાં છે. આ કારણે સ્વાભાવિક રીતે જ નિયમિત ક્રિકેટ રમતાં આઠ દેશો વચ્ચે મજબૂત ટક્કર થવાની આશા હતી. તેને ધ્યાનમાં રાખીને જ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, આ વિશ્વકપની તુલના દક્ષિણ આફ્રિકામાં બે વર્ષ પહેલાં રમાયેલા વિશ્વકપ સાથે ન થઈ શકે. આ ફોર્મેટમાં નિયમિત ક્રિકેટ રમતી કોઈ પણ ટીમ વિજેતા બની શકે છે.

આ પરિસ્થિતિમાં ભારતને જીતવાના સંજોગો પ્રબળ છે તેવું પ્રતિપાદિત કરતાં આવરા-પાગલ માણસોના વિશ્લેષણોની હવા ઇંગ્લેન્ડે ભારતને હરાવી અને વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને હરાવી કાઢી નાંખી છે। એટલે ભારતની હારથી ક્રિકેટની થોડીઘણી સમજ ધરાવતા લોકોને બિલકુલ નિરાશા થઈ નથી. રહી વાત આશ્ચર્યની તો આશ્ચર્ય સર્જાવાની કોઈ શક્યતા નહોતી. હા, ધોની એન્ડ કંપની ફરી વિશ્વકપ જીતી હોત તો ક્રિકેટપ્રેમીઓ જરૂર ચોંકી ગયા હોત. તેની પાછળનું શું કારણ?

જે ટીમમાં સંગઠનની ભાવનાનો અભાવ હોય તેનો સંઘ કાશીએ પહોંચે તો નવાઈ ના લાગે? વિશ્વકપ શરૂ થયો તે પહેલાં જ ધોની અને સેહવાગ વચ્ચેની તિરાડ બહાર આવી ગઈ હતી। સેહવાગની માગણી સંતોષાશે નહીં તો તે વિશ્વકપ નહીં રમે તેવી શક્યતા અખબારોમાં વ્યક્ત કરાઈ હતી અને શું થયું? સેહવાગ એક પણ મેચ રમ્યાં વિના ઇજાનું બહાનું કાઢી ઘરે પાછો આવી ગયો.

ઉપરાંત ધોની અને યુવરાજ વચ્ચેના સંબંધો પણ સારા નથી તે જગજાહેર છે। ધોની કેપ્ટન બન્યો ત્યારે યુવરાજના પિતા શોભરાજ સિંહે જાહેરમાં કહ્યું હતું કે, મારા પાટવીકુંવરને અન્યાય થયો છે, કેપ્ટન તરીકે ધોની કરતાં મારો યુવી વધારે યોગ્ય છે. યુવરાજ પણ તેવું જ માને છે. તે કેપ્ટન તરીકે ધોની કરતાં વધારે યોગ્ય છે કે નહીં તે તો ન કહી શકાય પણ ધોનીની ટ્વેન્ટી-20ની સફળતામાં યુવરાજનું પ્રદાન સૌથી વધારે છે તે બાબત નકારી પણ ન શકાય. આ કારણે યુવરાજને તક મળે ત્યારે ટ્વેન્ટી-20માં સારો દેખાવ કરી ધોની કરતાં ચડિયાતો હોવાનું દેખાડવાની એક પણ તક ગુમાવતો નથી. અત્યાર સુધી યુવરાજ સારો દેખાવ કરતો અને જશ ધોની ખાટી જતો. પણ આ વખતે ઊંધું થયું છે. યુવીએ સારો દેખાવ કર્યો હોવા છતાં ધોનીના બીજા બધાં પાસાં અવળા પડ્યાં છે.

આ સંજોગોમાં ધોની અને ટીમનો કોચ ગેરી કર્સ્ટન દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ આઇપીએલ પર કરી રહ્યાં છે. તો પ્રશ્ન એ થાય છે કે, ધનના ઢગલાં ખડકવા આઇપીએલ રમતાં હતાં ત્યારે ખબર નહોતી કે પછી તરત જ વિશ્વકપ રમવાનો છે? આઇપીએલમાં વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ પણ રમ્યાં હતા તો શું તેમને થાક નહીં લાગ્યો હોય? યુવરાજ પણ આઇપીએલમાં રમ્યો હતો. પણ તેનો સરેરાશ દેખાવ સારો રહ્યો છે. હકીકતમાં ધોની આ વખતે સંઘભાવના ઊભી કરવામાં નિષ્ફળ પુરવાર થયો છે તે તેણે સ્વીકારી લેવું જોઇએ.

સર્જનાત્મક નેતા કોણ છે?


ઈ. સ. 2020 સુધી ભારતને વિકસિત રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવાનું સ્વપ્ન આપણે સેવ્યું છે. તેના પૂર્ણ કરવા, તેમાં સફળતા મેળવવા સર્જનાત્મક નેતૃત્વનો વિકાસ એક મહત્વપૂર્ણ પરિબળ છે.

સર્જનાત્મક નેતા કોણ છે? તેના ગુણ કયા કયા છે?

સર્જનાત્મક નેતૃત્વ પોતાની પરંપરાગત ભૂમિકામાંથી આગળ જઇને કમાન્ડરને બદલે કૉચ, મેનેજરને બદલે માર્ગદર્શક, નિર્દેશકને બદલે પ્રતિનિધિ અને સન્માન-અપેક્ષિત વ્યક્તિને બદલે આત્મગૌરવની ભાવના પ્રગટાવનાર વ્યક્તિ બનવાનું પડકારભર્યું કામ કરે છે.
દેશમાં સર્જનાત્મક નેતાઓની સંખ્યા જેટલી વધશે, 'વિકસિત ભારત' જેવાં સ્વપ્નોની સફળતા એટલી જ વધારે સશક્ત અને સંભવિત બનશે.

અત્યારે રાજકારણ, વહીવટ, ધર્મ, વ્યવસાય, શિક્ષણ કે વિજ્ઞાન-બધાં ક્ષેત્રોમાં પ્રબુદ્ધ અને કલ્પનાશીલ નેતૃત્વનો વિકાસ જરૂરી છે। આ બધાં ક્ષેત્રોનો પ્રભાવ રાષ્ટ્ર અને સમાજના વિકાસ પર પડે છે. પ્રબુદ્ધ નેતૃત્વ એટલે સશક્તિકરણ. આપણા સમાજના વિવિધ વર્ગોમાં પ્રબુદ્ધ નેતૃત્વનો વિકાસ થાય તે જરૂરી છે. આ નેતૃત્વમાં શાંતિ, પ્રગતિ અને વિકાસ માટે દીર્ઘદ્રષ્ટિ અને પ્રતિબદ્ધતા હોય.

જ્યારે કોઈ સંસ્થાના નેતા પોતાની સાથે કામ કરતા લોકોને સશક્ત કરે છે ત્યારે રાષ્ટ્રનો ઇતિહાસ બદલવા સમર્થ હોય તેવા નેતાઓ સર્જાય છે.

Monday, June 15, 2009

આઇફા એવોર્ડને શાહરૂખરૂપી ગ્રહણ લાગી ગયું....


લો હવે આઇફાને પણ ગ્રહણ લાગી ગયું. ચોંકી ગયા? તમને થશે કે, મકાઉમાં શનિવારની હસીન સાંજે યોજાયેલા આઇફા એવોર્ડમાં એવું શું થયું કે તેને ગ્રહણ લાગી ગયું? પણ મને ખાતરી છે કે, મારી વાતને યોગ્ય રીતે સમજશો તો તમે પણ ચોક્કસ સહમત થશો. મકાઉમાં આઇફા એવોર્ડની સફરને દસ વર્ષ પૂર્ણ થયા. તેની ઉજવણીના ભાગરૂપે છેલ્લાં એક દાયકામાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં વિવિધ ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પ્રદાન કરનાર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં છેલ્લાં એક દાયકાના શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપણા ગુજરાતમાં 'થર્ડ ક્લાસ ડોન', 'ચંપુ ખાન' કે 'સ્ટુપિડ ખાન' તરીકે વધારે જાણીતા નસીબદાર સ્ટાર શાહરૂખને એનાયત કરવામાં આવ્યો. શું ચંપુ આ એવોર્ડને લાયક છે? શું એવોર્ડ ઉપર તેના કરતા વધારે અધિકાર આમિર ખાન કે અક્ષય કુમારનો નથી?

પહેલાં ચંપુ કેમ આ એવોર્ડને લાયક નથી તેની વાત કરીએ। ચંપુએ છેલ્લાં દાયકામાં એટલે કે વર્ષ 1998થી 2008 સુધીમાં ખરેખર કેટલી સુપરડુપર હિટ ફિલ્મ આપી? તેને એકલા હાથે પોતાના ખભે ઊંચકી હોય તેવી ફિલ્મની વાત કરું છું. એકમાત્ર ચક દે...તેમાં તેનો અભિનય સારો હતો અને તેની અભિનયક્ષમતા પ્રમાણે કહીએ ઉત્તમ. તેનાથી વધારે સારા અભિનયની તેની પાસેથી અપેક્ષા ન રાખી શકાય. જોકે આ ફિલ્મની સફળતામાં તે હોકી રમતી છોકરીઓનું પ્રદાન ભૂલી શકાય?

છેલ્લાં એક દાયકામાં શાહરૂખની 'ચક દે' સિવાય તેની કોઈ ફિલ્મ બોક્સઓફિસ પર ધારી સફળતા મેળવી શકી નથી। 'ઓમ શાંતિ ઓમ' ખરેખર 'ઓમ ભ્રાંતિ ઓમ' હતું. તે ફિલ્મ સરેરાશ હિટ હતી. તેને સરેરાશ સફળતા અપાવવા માટે પણ ચંપુ અને તેની ચમચામંડળીને ભ્રામક પ્રચારનો સહારો લેવો પડ્યો હતો. યાદ કરો આ ફિલ્મ પ્રદર્શિત થઈ તેના બે જ અઠવાડિયામાં તેને હિન્દી ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસની મહાન ફિલ્મ જાહેર કરતી હાસ્યાસ્પદ જાહેરખબરો અંગ્રેજી દૈનિકોમાં પ્રકાશિત કરવામાં આવી હતી. 'ચલતે ચલતે', 'કભી અલવિદા ના કહેના', 'કલ હો ના હો', 'વીરઝારા', 'સ્વદેશ' બોક્સઓફિસ પર ડચકા ખાતી હતી. છેલ્લે પ્રદર્શિત થયેલી બિલ્લુ બાર્બર યાદ કરો. બોલીવૂડમાં બાર્બર તરીકે જાણીતા શાહરૂખે પોતાને સુપરસ્ટાર તરીકે પ્રસ્થાપિત કરવાનો છેલ્લો હથોડો આ ફિલ્મમાં માર્યો, પણ દર્શકો બચી ગયા.

હકીકતમાં ચંપુની ફિલ્મ કારકિર્દી પર નજર નાંખો તો તમને તરત જ અંદાજ આવી જશે કે તેણે પોતે ખભે ઊંચકી હોય તેવી સુપરડુપર હિટ ફિલ્મ માત્ર ચારથી પાંચ છે। એક 'બાઝીગર', બીજી 'ડર' અને ત્રીજી 'કભી હા કભી ના' અને ચોથી 'ચક દે.' હું 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'કુછ કુછ હોતા હૈ'ને કાજોલ અને યશરાજ બેનર્સની ફિલ્મ ગણું છું. આ ફિલ્મોમાં શાહરૂખની જગ્યાએ અન્ય કોઈ પણ કલાકાર હોત તો પણ તે ફિલ્મો સુપરહિટ જ પુરવાર થઈ હોત. તમે વિચારો કે ડીડીએલજેની વાત આવે તો સિમરન કેમ પહેલાં યાદ આવે છે? કુછ કુછની વાત આવે તો અંજલી કેમ પહેલાં યાદ આવે છે? હકીકતમાં આ બંને મેગાહિટ ફિલ્મોનો હિરો કાજોલ હતી. આ ફિલ્મોની સફળતામાં કાજોલનો અભિનય, મધુર સંગીત અને આદિત્ય ચોપરા-કરણ જોહરનું ઉત્તમ નિર્દેશન જવાબદાર હતું. તેની સરખામણીમાં આમિર ખાન અને અક્ષયકુમારની વાત કરીએ.

આમિર ખાને છેલ્લા દાયકામાં ઓછી પણ ગુણવત્તાયુક્ત ફિલ્મોની ભેટ ધરી છે। 'લગાન', 'ફિઝા', 'તારે જમીન પર', 'મંગલ પાંડે' અને છેલ્લે મેગાહિટ પુરવાર થયેલી 'ગઝની.' તમામ ફિલ્મોમાં જુદાં જુદાં વિષય. સ્ટાર અને એક્ટરમાં ભેદ સમજવા જેવો છે. શાહરૂખ સ્ટાર છે, આમિર એક્ટર છે. સ્ટારની અભિયનક્ષમતા મર્યાદિત હોય છે જ્યારે એક્ટર જુદાં જુદાં પ્રકારની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી શકે છે. સ્ટારને લોકો વિવિધ ભૂમિકામાં સ્વીકારતાં નથી જ્યારે એક્ટરને નવા નવા પાત્રમાં જોવા દર્શકો આતુર હોય છે. શાહરૂખને નવા પ્રયોગ કરવામાં શરમજનક નિષ્ફળતા મળી છે જ્યારે આમિરને દર્શકોએ વધાવી લીધો છે. શાહરૂખ પાસે વૈવિધ્ય નથી અને આમિરની અભિનયક્ષમતાની કોઈ મર્યાદા નથી. આઇફાની પસંદગી સમિતિએ ગુણવત્તાની દ્રષ્ટિએ છેલ્લાં એક દાયકાના સુપરસ્ટારનો એવોર્ડ આપવાનું નક્કી કર્યું હોત તો આમિર ખાનની પસંદગી સર્વશ્રેષ્ઠ સાબિત થઈ હોત. આ એવોર્ડ માટેનો માપદંડ વ્યાવસાયિક સફળતા રાખવામાં આવ્યો હોય તો તે દ્રષ્ટિએ શાહરૂખ કરતાં અક્ષય કુમાર વધુ સફળ સ્ટાર છે.

છેલ્લાં એક દાયકામાં શાહરૂખની ફિલ્મોની સરખામણીમાં કોઈ પણ મોટા બેનર વિના અક્ષયની ફિલ્મોએ સારી કમાણી કરી છે। 'સિંહ ઇઝ કિંગ', 'ભૂલભૂલૈયા', 'હેરાફેરી', 'ફિર હેરાફેરી', 'આવારા પાગલ દિવાના', 'વક્ત', 'ઐતરાઝ', 'નમસ્તે લંડન', 'વેલકમ' વગેરે ફિલ્મો તેનું ઉદાહરણ છે. અક્ષય પાસે યશરાજ કે ધર્મા પ્રોડક્શન જેવું મોટું બેનર્સ નહોતું. તેની ફિલ્મો તેના નામે ચાલી છે. તેને કાજલ જેવી સશક્ત અભિનેત્રીઓનો સાથ પણ મળ્યો નથી. આ દ્રષ્ટિએ આઇફા દાયકાના સુપરસ્ટારનો એવોર્ડનો હકદાર અક્ષયકુમાર વધારે છે.

જે માણસ કચકચિયો છે તેને બધાં કામ અણગમતાં જ લાગે છે



જે માણસ પોતાની નાની નાની મુશ્કેલીઓ બાબત કકળાટ કરે છે તે બધી જ બાબતોમાં રોદણાં રોયા જ કરશે. આમ કાયમ રોદણાં રોનારનું જીવન દુઃખથી ભરાઈ જાય, દરેક કામમાં નિષ્ફળતા જ સાંપડશે. પણ જે માણસ પોતાની ફરજ બજાવતો આગળ વધે છે, સ્વાશ્રયી બને છે, તેનો પંથ ઉજ્જવળ બનશે અને વધારે શ્રેષ્ઠ કાર્યો કરવા ભાગ્યશાળી બનશે.

જે માણસ કામના પરિણામ તરફ નજર રાખી બેઠો છે એ તો પોતાને જે કામ સોંપ્યું છે તેની ફરિયાદ કર્યા જ કરશે। પણ જે માણસ નિઃસ્પૃહી છે એને તો બધાં જ કાર્ય સરખાં જ લાગે છે. આ પ્રકારનો માણસ દરેક કાર્યને પોતાનામાં રહેલા સ્વાર્થ-વાસના ઇત્યાદિ દુર્ગુણોને હણવાનું હથિયાર બનાવી પોતાના આત્મા માટે મોક્ષનું સાધન બનાવે છે.

જે માણસ કચકચિયો છે તેને બધાં કામ અણગમતાં જ લાગે છે, તેને કોઈ પણ કામમાં સંતોષ મળતો નથી, તેનું આખું જીવન એક નિષ્ફળતાની હારમાળા બની રહે છે। આપણે કામ કરતા રહીએ, જે ફરજ આપણે માથે આવે તે બજાવતા જઇએ અને હંમેશા આપણો સહકાર આપવા તત્પર રહીએ તો પછી જરૂર આપણને પ્રકાશ સાંપડશે. કોઈ કામ નાનું નથી. મોટામાં મોટો મૂર્ખ માનવી પણ પોતાને મનગમતું કામ હોય તો પાર પાડી શકે છે. પણ ખરો બુદ્ધિશાળી તો એ છે કે દરેક કામને પોતાને મનગમતું બનાવી લે છે.

આ દુનિયામાં દરેક કામ વડનાં બી જેવું છે। એ બીજ સાવ નાનું હોય છે. છતાં તેમાં આખો વડ સમાયો હોય છે. જે માણસ આ વાત સમજે છે એ ખરેખર બુદ્ધિશાળી છે. આ પ્રકારનો માણસ દરેક કામને ખરેખર મહાન કરી બતાવે છે.

સેન્ટર પોઇન્ટઃ કાર્યક્ષેત્રથી પલાયન વૃત્તિ રાખવી એ શાંતિનો પથ નથી

એ રહી ગયા શરમમાં, હું રહી ગયો વિનયમાં


એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં,
દુઃખમાં હ્રદયને રાખો, રાખો ન દુઃખ હ્રદયમાં.

નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં,
એ રહી ગયા શરમમાં, હું રહી ગયો વિનયમાં.

જેમાં થતાં પરાજય આવે ન લાજ કોઈ,
એમાં વિજય મળે તો રાચી ઊઠો વિજયમાં.

દેવાને રાહ તમને સઘળાં ખસી ગયા છે,
આવો હવે તો આવો મારા બુરા સમયમાં!

માનવી ચડતી-પડતી ખુદમાં જ ઉદભવે છે,
પડતી નથી જરૂરત અંતરની અસ્તોદયમાં.

દિવસના હો અમલ તો જીવન 'મરીઝ' પલટે,
જે યોજના કરું છું રાતે મદિરાલયમાં.

મરીઝ

Friday, June 12, 2009

ગ્લોબલ કૂલિંગ


ગાત્રો થીજાવી દે તેવી ઠંડીમાં 30 લાખ લોકો સામે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઓબામાએ કહ્યું, ''અમારી સરકાર ગ્લોબલ વોર્મિંગના સિદ્ધાંતને સમર્થન આપે છે, પણ આ સિદ્ધાંત માહિતીઓનું ખોટું વિશ્લેષણ છે. હકીકતમાં દુનિયા સામે સૌથી મોટા પર્યાવરણીય પડકાર ગ્લોબલ કૂલિંગ છે.'' અમદાવાદના રીક્ષાવાળાથી લઇને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચામડી બાળી દેતા તાપ માટે ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ગણે છે. પણ ઓબામા પહેલા એવા મહાનુભાવ છે જેમણે પોતાની વાતમાં ગ્લોબલ કૂલિંગનો ઉલ્લેખ કર્યો છે. ગ્લોબલ કૂલિંગ એટલે?
ગ્લોબલ વોર્મિંગના ચિંતકોનું માનવું છે, પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે તો ગ્લોબલ કૂલિંગના સમર્થકોનું માનવું છે કે, ધરતી ઠંડીગાર થતી જાય છે। ખરેખર તો ગ્લોબલ વોર્મિંગ નામની આંતરરાષ્ટ્રીય ચિંતાનો જન્મ થયો તે પહેલાં ગ્લોબલ કૂલિંગ પર ચર્ચાવિચારણા શરૂ થઈ ગઈ હતી. પણ છેલ્લાં ત્રણ દાયકામાં ગ્લોબલ વોર્મિંગના ચિંતકો અને મીડિયા વચ્ચે સારો સંબંધ હોવાથી ગ્લોબલ કૂલિંગ અને તેના ચિંતકો હાંસિયામાં ધકેલાઈ ગયા. બાકી 1940થી 1970ના દાયકામાં ગ્લોબલ કૂલિંગની ચિંતાએ ધૂમ મચાવી દીધી હતી.

15 નવેમ્બર, 1969માં સાયન્સ ન્યૂસમાં હવામાનશાસ્ત્રી ડૉ। જે મૂરે મિશેલ જૂનિયરે કહ્યું હતું કે, ''ધરતી ઠંડી થઈ રહી છે. આ પ્રક્રિયા આપણી સભ્યતાઓ સામેનો મોટો પડકાર છે.'' તેમના કહેવા મુજબ, ધરતી ઠંડી થવાની પ્રક્રિયા 200થી 300 વર્ષ ચાલુ રહેશે તો આપણે ફરી હિમ યુગમાં પહોંચી જઇશું. ઇન્ટરનેશનલ વાઇલ્ડ લાઇફ મેગેઝિનમાં પ્રકાશિત એક લેખમાં ન્યૂ સાઇન્ટિસ્ટના પૂર્વ સંપાદક નિગેલ ક્લૈડરે તો કહ્યું હતું કે, ''ગ્લોબલ કૂલિંગની ઘટના પરમાણુ યુદ્ધ કરતાં પણ વધારે ખતરનાક છે.'' પછી 1970ના દાયકામાં એક હાસ્યાસ્પદ ઘટના બની. તાપમાનમાં ઘટાડો થવાની પ્રક્રિયાએ યુ-ટર્ન માર્યો અને 1970થી 1980 વચ્ચે ગ્રાઉન્ડ બેઝ રેકોર્ડિંગ સ્ટેશને દુનિયાના તાપમાનમાં વધારો થઈ રહ્યો હોવાનો વિવિધ અભ્યાસ જાહેર કર્યા. ગ્લોબલ વોર્મિંગના સમર્થકોના મત મુજબ, આ શતાબ્દીના અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 1.8 ડિગ્રી સેન્ટીગ્રેડથી લઇને ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી વધી જશે. તેના કારણે 28થી 43 સેમી સુધી વધશે. ગ્લોબલ કૂલિંગના સમર્થકો આ વાતનો વિરોધ કરી રહ્યાં છે.
તેમના કહેવા મુજબ, ધરતીનું તાપમાન વધારી દે અને નાના નાના ટાપુઓ મહાસાગરમાં ગરકાવ થઈ જાય તેટલા ફેરફાર કરવા જેટલી તાકાત મનુષ્ય પાસે નથી. મેચેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના હવામાનાશાસ્ત્રી ડૉ. રિચર્ડ લિન્ડેજનનું કહેવું છે કે, ગ્લોબલ વોર્મિગની ચેતવણી પર્યાવરણીય કરતાં રાજકીય વધારે છે. પૃથ્વી હંમેશા પરિવર્તન પામતી રહે છે.

આ બંને વિરોધાભાસી મતો વચ્ચે અમુક શાંતિપ્રેમી વિજ્ઞાનીઓએ ભગવાન બુદ્ધની જેમ મધ્યમ માર્ગ શોધ્યો છે. તેઓ શું કહે છે તે જાણવા જેવું છે. આ મધ્યમમાર્ગી વિજ્ઞાનીઓના કહેવા મુજબ, આગામી 25 વર્ષ અત્યંત ગરમી સાથે અસામાન્ય ઠંડી પડશે. કદાચ આ વિજ્ઞાનીઓનો આદર્શ ભેજાન દારૂવાલા હશે!

જાન બચાવવા લડનારનો પક્ષ હંમેશા ન્યાયનો હોય છે


વ્યક્તિ માટે કે સમાજ માટે, જીવન જીવવાના ત્રણ પ્રકાર છે. બીજાને મારીને જીવવું એ પ્રકાર સર્વત્ર છે જ. તેને જ જીવનકલહ કહેવાય છે. આ પ્રકારથી જીવન ટકે છે અથવા બહુ બહુ તો વિસ્તાર પામે છે. પણ તેમાં જીવનસાફલ્ય નથી. બીજો પ્રકાર તે પરસ્પર સહકારનો છે. દરેક જાતિ, રાષ્ટ્ર કે ધર્મ પોતાની વિશેષતાને કારણે જ એકાંગી હોય છે. એકબીજાના સહકારથી એ એકાંગીપણું ઘણું મટી જાય છે અને તેથી જીવનનો વિકાસ થાય છે. તેમાં જીવનનો ઉત્કર્ષ છે. પણ તેમાં જીવનની સર્વોચ્ચ સાર્થકતા દેખાતી નથી. જીવન પણ અંતે આત્મસાક્ષાત્કારનું સાધન જ છે. તે સાર્થક્ય ધ્યાનમાં આવ્યા પછી સ્વાર્પણ માટે જીવવું એ ત્રીજો પ્રકાર મનુષ્યહ્રદયને સ્ફુરે છે. આ સ્વાર્પણ દ્વારા જે જીવન લાધે છે તે કંઈ જુદું જ હોય છે. તે મારફતે જ જીવનનો પરમ ઉદ્દેશ સમજાય છે અને સફળ થાય છે.

પહેલા પ્રકારમાં બીજાને મારી જીવવાનો રિવાજ હોય છે ત્યારે ભક્ષ બનેલા પક્ષમાં જીજીવિષા પ્રબળ હોય છે। તેથી જ તે આપણી દયાને પાત્ર હોય છે. જીવવાની ઇચ્છા કોને ન હોય? જીવવાનો પ્રયાસ હંમેશા આદર અને સમભાવ ઉત્પન્ન કરે છે. જાન બચાવવા લડનારનો પક્ષ હંમેશા ન્યાયનો હોય છે. આ લડતમાં તેને વિજય મળે તો તેનામાં અસાધારણ શક્તિ આવી જાય છે. તે શક્તિને પોતાનો ધર્મ સમજી શુદ્ધ સહકારમાં અને ધર્મહિતમાં વાપરવામાં આવે તો જ ઠીક. પણ એટલે સુધી મનુષ્યજાતિ હજી પહોંચી નથી.


સેન્ટર પોઇન્ટઃ જેઓ પહેલાં જીવવા માગતા હતા તેઓ હવે જીતવા માગે છે. જીજીવિષામાંથી જ વિજિગીષા પેદા થાય છે અને અધઃપતનના બીજ વવાય છે

દુઃખ છે બધાનું તેથી બધા મહેરબાન છે..

દુઃખ છે બધાનું તેથી બધા મહેરબાન છે,
જે દિલનું દર્દ છે તે જીવનનું નિદાન છે.

માગી લીધું છે કંઈક હજારો વખત ભલે,
માની શકો તો એ જ હજી પણ સ્વમાન છે.

છે મારી બેવફાઈ મહોબ્બતની આડમાં,
તમને ભૂલી ગયો છું, એનું ધ્યાન છે.

હું કોને કોને મારી કવિતામાં દઉં જગા,
જેને મળું છું એની જુદી દાસ્તાન છે.

મારો મઝાર, મારી ફનાનો સૂચક નથી,
ઓ બેખબર! એ મારા જીવનનું નિશાન છે.

તારીફ અલ્પની ન પસંદ હો તો કર કબૂલ,
તારા સિવાય પણ જે અહીં છે - મહાન છે.

એનો છે એ જ અર્થ કે ઊંચી નજર રહે,
જગમાં બધે જમીન નથી, આસમાન છે.

સાંભળજે ઓ શહીદ! કસોટીની ફિલસૂફી,
દુનિયા કહે છે મૂળમાં શંકા પ્રધાન છે.

મસ્જિદમાં રોજના એ વિષયની અસર નથી,
તૌબાનું તો 'મરીઝ' સુરાલયમાં સ્થાન છે.

મરીઝ

Wednesday, June 10, 2009

શું સલવાર-કમીઝ પહેરેલી યુવતીઓ પર આ દેશમાં બળાત્કાર નથી થતા?


કોલેજમાં ભણતા યુવાનોએ શું પહેરવું જોઇએ તેના પર અત્યાર સુધી ચર્ચા થઈ નથી અને કોલેજમાં ભણતી યુવતીઓએ શું ન પહેરવું જોઇએ તેની ચર્ચા પર પૂર્ણવિરામ ક્યારેય લાગ્યું નથી. કાનપુરની કેટલીક કોલેજે યુવતીઓએ જીન્સ અને ચુસ્ત ટી-શર્ટ ન પહેરવાનો આદેશ બહાર પાડ્યો છે. માર્ચ મહિનામાં લુધિયાણાની ગુરુ નાનક એન્જિનિયરીંગ કોલેજે યુવતીઓને સ્લીવલેસ ટી-શર્ટ, ડ્રેસ અને જીન્સ નહીં પહેરવાનું હુકમનામું જાહેર કર્યું હતું. શા માટે?

યુવતીઓને જીન્સ અને ટી-શર્ટમાં જોઇને યુવાનો ઉશ્કેરાઈ જાય છે અને તેમની છેડતી કરે છે। યુવતીઓએ તેમની સુરક્ષા માટે અને લફંગા યુવાનોની લોલુપ નજરોમાંથી બચવા ડ્રેસ કે સલવાર-કમીઝ પહેરીને જ કોલેજમાં આવવું જોઇએ. ગુરુ નાનક એન્જિનિયરીંગ કોલેજના આચાર્ય એમ એસ સાઇનીએ યુવતીઓને સમજાવતા શું કહ્યું તે જાણીએ. મિસ્ટર સાઇનીનું કહેવું છે કે, યુવતીઓએ એવા વસ્ત્રો ન ધારણ કરવા જોઇએ જેથી યુવાને ઉત્તેજિત થઈ જાય અને તેમની છેડતી કરવા લલચાય. તેઓ તેમની દિકરીને કુર્તા-સલવાર પહેરીને જ કોલેજમાં જવાની સલાહ આપે છે. તેમના કહેવાનો અર્થ એ છે કે,

-યુવતીઓ જીન્સ અને ચુસ્ત ટી-શર્ટ પહેરીને જાય અને પછી યુવાનો તેમની છેડતી કરે તો તેમાં દોષિત યુવતીઓ છે, યુવાનો નહીં

-યુવતીઓ આધુનિક વસ્ત્રો પહેરે તો તેમની અસુરક્ષા વધી જાય છે અને પરંપરાગત વસ્ત્રો પહેરે તો તેમની છેડતી થતી નથી

-યુવતીઓ અને મહિલાઓ ડ્રેસ કે સલવાર-કમીઝ જેવા પરંપરાગત પોશાક ધારણ કરે તો પુરુષો તેમને કામુક નજરે જોતા નથી

-યુવતીઓને કેવા વસ્ત્રો પહેરવા તેનો નિર્ણય સમાજ કરશે

પણ મિસ્ટર સાઇની જેવી સંકીર્ણ માનસિકતા ધરાવતા મૂર્ખાજી ડોટ કોમ માટે અહીં કેટલાંક પ્રશ્ન છેઃ

-શું જીન્સ અને ટી-શર્ટ પહેરેલી છોકરીઓની જ છેડતી થાય છે?

-શું સલવાર-કમીઝ પહેરેલી યુવતીઓ કે સાડી પહેરેલી સ્ત્રીઓ પર આ દેશમાં બળાત્કાર નથી થતા?

-યુવતીઓ જીન્સ-ટીશર્ટ પહેરવાનું બંધ કરી સલવાર-કમીઝ પહેરીને કોલેજ આવશે પછી લફંગાઓ ઉત્તેજના અનુભવશે નહીં અને તેમની છેડતી નહીં કરે તેવી ખાતરી કોલેજના સંચાલકો આપવા તૈયાર છે?

-યુવાનોને મનપસંદ વસ્ત્રો ધારણ કરવાનો અધિકાર હોય તો યુવતીઓને આ હક નથી?

-કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓની સુરક્ષાની જવાબદારી તેના સંચાલકો અને પોલીસની નથી?

-યુવતીઓ ડ્રેસ પહેરીને કોલેજ આવવાનું શરૂ કરશે પછી પણ તેમની છેડતી ચાલુ રહેશે તો પછી આ સંચાલકો નવો ફતવો બહાર પાડીને યુવતીઓને સાડી પહેરીને આવવાનું કહેશે?

-શું પુરુષો તેમની સાથે નોકરી કરતી અને સાડી કે ડ્રેસ પહેરતી મહિલા કર્મચારીઓને એક યા બીજી રીતે સતામણી કરતાં નથી?

સંસ્કૃતિના કહેવાતા રખેવાળો આ પ્રશ્નને નૈતિકતાના ત્રાજવે તોલે છે અને યુવતીઓને ડ્રેસ કે સલવાર-કમીઝ પહેરી સુધરી જવાની સૂફિયાણી સલાહ આપે છે. પણ શું તેઓ જાણે છે કે, આ દેશમાં દર વર્ષે સૌથી વધુ બળાત્કાર સાડી પહેરેલી સ્ત્રીઓ પર થાય છે? મને યાદ છે, સુરેન્દ્રનગરમાં અમારી એમ પી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મોટા ભાગની બધી છોકરીઓ ડ્રેસ પહેરીને જ આવતી હતી અને તેમ છતાં માથાભારે તત્વો તેમની છેડતી કરતાં હતા. અમારે ત્યાં જિન્સ અને ટી-શર્ટ પહેરવાની હિમ્મત કોઈ છોકરી કરતી જ નહોતી.

હકીકતમાં પ્રશ્ન પરંપરાગત કે આધુનિક વસ્ત્રો અને નૈતિકતા કે અનૈતિકતા કરતાં વધારે માનસિકતાનો છે। યુવતીઓની છેડતી તેમના આધુનિક વસ્ત્રોને કારણે જ થાય છે તે વાત મહદ્અંશે ખોટી છે. પુરુષોની લોલુપ નજરોને સ્ત્રીઓના વસ્ત્રો સાથે બહુ સંબંધ નથી, આ પ્રકારની માનસિકતા ધરાવતા પુરુષો વાસનાભરી વિકૃત નજરે સાડી પહેરેલી સ્ત્રીઓમાં પણ કામુકતા શોધે છે. (કેટલાકના મતે સાડી સેક્સી ડ્રેસ છે.) તેમની આંખોમાંથી વાસનારૂપી ઝેરી રસાયણનો સ્રાવ સતત સ્ત્રીઓના અંગ-ઉપાંગ પર થતો હોય છે. સ્ત્રીઓ ડ્રેસ પહેરીને કોલેજ આવશે તો છેડતી કરતાં યુવાનો તેમની પાસે રાખડી નહીં બંધાવી લે. જરૂર છે અભિગમ બદલવાની.

સમયના પ્રવાહ સાથે સમાજ સતત પરિવર્તન પામે છે અને બદલાતા વહેણ સાથે જે સમાજ પોતાના માળખામાં ફેરફાર કરતો નથી તે કાળક્રમે ઇતિહાસ બની જાય છે. વીસમી સદીના અંતિમ દાયકાથી દેશમાં ઉદારીકરણનો યુગ શરૂ થયો છે અને વ્યક્તિ સ્વાતંત્ર્યના સમજણની પહોંચ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. દરેક વ્યક્તિ પોતાના વિચારો, માન્યતા અને પસંદગી સાથે જીવન જીવવા માગે છે. પોતાના માટે શું સારું છે અને શું ખરાબ છે તેનો નિર્ણય લેવાનો અધિકાર વ્યક્તિનો છે, નહીં કે સમાજનો. જ્યાં સુધી કોઈ વ્યક્તિના અંગત નિર્ણયો સમાજને હાનિકારક ન હોય ત્યાં સુધી તે નિર્ણયોમાં દખલગીરી કરવાનો કોઈ હક સંસ્કૃતિના કથિત રખેવાળોને નથી. જો આ કોઈ સંસ્કૃતિના નામે પોતાના અતાર્કિક અને કાળગ્રસ્ત થઈ ગયેલા વિચારો સમાજ પર આરોપિત કરવાનો પ્રયાસ કરે તો?

તેની સામે કાયદાના રખેવાળોએ કડક હાથે કામ લેવું જોઇએ. કોઈ પણ સંસ્થા કે સંગઠને જિન્સ અને ટી-શર્ટ કે આધુનિક પોશાક પર પ્રતિબંધ મૂકવાનો નથી.

હું તમારો મિત્ર બની શકું છું


હું સ્વાભાવિક વ્યક્તિ છું.
મારી પાસે કોઈ જાદુ નથી,
અને મને કોઈ જાદુગરીમાં વિશ્વાસ પણ નથી.

મને કોઈ મંત્ર-તંત્રમાં વિશ્વાસ નથી-
છતાં હું તેનો ઉપયોગ કરું છું,
પણ હું તેનો વિશ્વાસ કરતો નથી.

હું સ્વભાવિક વ્યક્તિ છું, બહુ સાધારણ.
હું માણસોના મેળામાં ઓગળી જઇશ અને તમે મને શોધી નહીં શકો.

એટલે હું તમારું નેતૃત્વ કરતો નથી,
પણ હું તમારી સાથે ચાલી શકું છું.

હું તમારો હાથ પકડી શકું છું,
હું તમારો મિત્ર બની શકું છું.

Monday, June 8, 2009

વલ્લભવિદ્યાનગરના સર્જક ભાઈકાકા


કાશ્મીરમાં વર્ષ 1929માં ગિલગિટ આગમ સાયેક બંધ તૂટી ગયો અને સિંધુ નદીમાં પૂર આવ્યું. નદીના ધસમસતા પાણી સિંધમાં ફરી વળ્યાં. લારખાના ડૂબી જવાની તૈયારીમાં હતું ત્યારે એક કુશળ ઇજનેરે સમયસૂચક કૌશલ્ય દેખાડી લારખાનાને બચાવી લીધું. આ લારખાનાની નજીક પ્રાચીન સિંધુ સંસ્કૃતિના જગપ્રસિદ્ધ સ્થળ મોહેંજોદડોના અવશેષો છે. આ ઇજનેરની કામગીરીના કદરરૂપે અંગ્રેજ સરકાર તેમનો પગાર વધારી રૂ. 1,700 કરવાનું વિચારતી હતી ત્યારે સરદાર પટેલનો પડતો બોલ ઝીલી તેણે અમદાવાદ મ્યુનિસિપાલટીમાં ચીફ એન્જિનિયર તરીકે માતૃભૂમિની સેવા કરવાનું પસંદ કર્યું. આ ઇજનેર કોણ હતા?

ગુજરાતનું શૈક્ષણિક ધામ ગણાતા વલ્લભવિદ્યાનગર વિશ્વવિદ્યાલયના સર્જક ભાઈકાકા એટલે કે ભાઈલાલભાઈ દ્યોભાઈ પટેલ। તેમનો જન્મ આઠમી જૂન, 1888માં ખેડા જિલ્લાના સોજિત્રા ગામે થયો હતો. બાળપણથી ગણિત વિષયમાં હોંશિયાર એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવી એન્જિનિયર થયા. વડોદરા રાજ્યમાં આવતા મહેસાણામાં માસિક રૂ. 80ના પગારતી સુપરવાઇઝર તરીકે જોડાયા. પછી બ્રિટિશ સરકારની નોકરી લીધી અને મહારાષ્ટ્રના ધૂળિયા શહેરમાં તેમની નિમણૂંક થઈ.

મુંબઈ ધારાસભાએ વર્ષ 1923માં સક્કર બરાજનું કામ શરૂ કરવાનું બિલ પસાર કર્યું અને આ ભગીરથ કામ ભાઈલાલને સોંપવામાં આવ્યું। તેમણે આ કામ આઠ વર્ષમાં પૂર્ણ કર્યું અને આ દરમિયાન 'સક્કર બરાજમાં મારાં આઠ વર્ષ' નામે પુસ્તક લખ્યું. તે પછી કાશ્મીરમાં ગિલગિટ બંધ પર કુશળતાપૂર્વક ફરજ બજાવી અમદાવાદ આવ્યાં.

અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ભાઇલાલે ત્રણ વર્ષ કામ કર્યું। આ દરમિયાન ગાંધી પુલ, રિલીફ રોડ, કાંકરિયા વિસ્તારનો વિકાસ જેવાં અનેક વિકાસકાર્યો હાથ ધર્યા. પરંતુ તેમનું સ્વપ્ન ગ્રામ્ય વિસ્તારમાં મહાશૈક્ષણિક કેન્દ્ર સ્થાપવાનું હતું. તેની જાણ થતાં ઘનશ્યામદાસ બિરલાએ આણંદમાં એન્જિનિયરિંગ કોલેજ સ્થાપવાનો વિચાર જણાવી ત્રીસ લાખ રૂપિયા આપવાની તૈયારી દેખાડી. બીજી તરફ ઉદ્યોગપતિ શેઠ કસ્તૂરભાઈ પચીસ લાખ રૂપિયાનું દાન આપી અમદાવામાં ઇજનેરી કોલેજ શરૂ કરવાના હતા. કેટલાંક લોકોને તે સમયે અમદાવાદ પહેલાં આણંદ કે વલ્લભવિદ્યાનગરમાં ઇજનેરી કોલેજ શરૂ થાય તે ગમતું ન હતું. એટલે તેમણે ગાંધીજીને હાથો બનાવ્યો અને સમજાવ્યાં કે, ગુજરાતમાં બે ઇજનેરી કોલેજની જરૂર નથી. બાપુ ભોળવાઈ ગયા અને તેમણે બિરલાને વલ્લભવિદ્યાનગર માટે જે રકમ આપવાના હોય તે મુંબઈમાં બીજા કોઈ કામ માટે વાપરે તેવી સલાહ આપી. આ વાતની જાણ સરદાર પટેલને થઈ અને તેમણે બાપુને સાચી હકીકતથી વાકેફ કરાવ્યાં. છેવટે વલ્લભવિદ્યાનગરમાં કોલેજ થઈને જ રહી.

આઝાદી પહેલાં ચોથી એપ્રિલ, 1947ના રોજ અહીં સરદાર પટેલના હાથે વિઠ્ઠલભાઈ પટેલ (સરદાર પટેલના મોટા ભાઈ) મહાવિદ્યાલયના મકાનનું ઉદઘાટન થયું। 13 ફેબ્રુઆરી, 1949ના રોજ જવાહરલાલ નેહરુએ વિદ્યાનગરનો પાયો નાંખ્યો. તે સમયે તેમણે કહ્યું હતું કે, ''દેશમાં અત્યારે દરેક સ્થળે અધિકારીઓ લોખંડ, સિમેન્ટ અને લાકડાની ખેંચની બૂમો પાડે છે. અમારા દિલ્હીમાં પણ આવી જ બૂમો સંભળાય છે. જ્યારે અહીં દરવાજો ના હોય તો પરવા નહીં, છત ના હોય તો તેની પણ પરવા નહીં, છતાં કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવાના કામ ચાલી રહ્યાં છે. આ સંસ્થા સરકારી મદદની પરવા કર્યા વિના પોતાનું કામ આગળ ધપાવ્યે જાય છે. હું ઇચ્છું છું કે દેશમાં બધે અહીંના કામનું અનુકરણ થાય.''

ભાઈકાકાએ પાછલી ઉંમરે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. સ્થાપિત હિતોથી ખદબદતી કોંગ્રેસની સામે તેમણે સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. 1967ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સત્તા મેળવવાની એકદમ નજીક પહોંચી ગયેલા. તેમના પક્ષને 65 બેઠક મળી હતી. તે સમયે તેઓ ઉંમરના આઠમાં દાયકમાં હતા. વલ્લભવિદ્યાનગર એ ભાઇકાકાની શક્તિ, નિષ્ઠા, પરિશ્રમ, સંકલ્પશકિતનું પ્રતીક છે.

આત્મસંયમની શક્તિ


ચાર ઘોડાની ગાડી હોય તો કાં તો ઘડઘડાટ કરતી કરતી બેકાબૂ બની ઢાળમાં ઊતરે અથવા તો કોચવાન ઘોડાઓને કાબૂમાં રાખી ગાડી સંભાળીને ઉતારે. તેમાં શક્તિ ક્યાં વધારે દેખાય છે? ઘોડાઓને બેકાબૂ દોડવા દેવામાં કે તેમને કાબૂમાં રાખવામાં? તોપમાંથી ગોળો છૂટે તે ક્યાંય દૂર જઈ પટકાય છે. પણ વચ્ચે દિવાલ આવે તો તેની સાથે અથડાય છે. પરિણામે ખૂબ ગરમી ઉત્પન્ન થાય છે. સ્વાર્થભાવે છોડેલો શક્તિપ્રવાહ નકામો વેડફાઈ જાય છે. તેમાંથી કશી જ શક્તિ પાછી નહીં મળે. પણ એ શક્તિને કાબૂમાં રાખીએ તો તેમાંથી શક્તિ પેદા થાય. આ જ વાત આપણી લાગણીઓ અને ક્રોધને લાગૂ પડે છે.

આપણે આપણી લાગણીઓને બેફામ રીતે છૂટી મૂકીએ છીએ, ત્યારે આપણે કેટલી બધી શક્તિ વેડફી નાખીએ છીએ। મનમાં શાંતિનો ભંગ થાય છે અને પરિણામે કાંઈ જ કરી શકતા નથી. જો શક્તિ કોઈ કાર્ય કરવામાં વાપરવાને બદલે લાગણીઓમાં જ વેડફાઈ જાય છે તો તેનાથી પરિણામ શૂન્ય આવે છે. આપણું મન ખૂબ સ્વસ્થ અને શાંત હોય, ત્યારે સમગ્ર શક્તિ સારું કાર્ય કરવામાં વાપરી શકાય.

દુનિયામાં જે મહાન માણસો થઈ ગયા તેમનું જીવન જોશો તો જણાશે કે તેઓનાં મન ગજબ શાંત અને સ્વસ્થ હતાં। કોઈપણ બાબત એવી ન હતી જે તેમનું સમતોલપણું ડગાવી શકે. જે કોઈ માણસ બહુ ક્રોધ કરે તે કોઈ દિવસ મહાન કાર્ય ન કરી શકે. જે માણસ કોઈ દિવસ માનસિક સંતુલન ગુમાવે નહીં તે ઘણું કાર્ય કરી શકે છે. જે માણસ ગુસ્સો કે ધૃણા કે વાસનાને વશ થઈ જાય તે કામ કરી શકતો નથી. તે પોતે કાંઈ પણ મેળવી શકતો નથી અને ઊલટો ભાંગીને ભુક્કો થઈ જાય છે. પણ જે માણસ શાંત, ક્ષમાશીલ, સમતાવાળો હોય તે જ માણસ વધારેમાં વધારે કાર્ય કરી શકે. આને આત્મસંયમ કહેવાય. તેનાથી મનુષ્ય અદભૂત શક્તિ પ્રાપ્ત કરે છે.

સેન્ટર પોઇન્ટઃ આદર્શ માનવી એ છે જે સંપૂર્ણ નીરવતા અને શાંતિમાં ખૂબ જ કાર્યરત હોય છે અને ખૂબ જ કામની ધમાલમાં પણ રણપ્રદેશમાં હોય તેવી નીરવ શાંતિ અનુભવી શકે

Sunday, June 7, 2009

ઇંગ્લેન્ડની શરમનજક હાર, ગેલ-ફ્લેચરની આતશબાજી



કોઈ પણ ક્ષેત્રમાં વિજયી થવાનો એક નિયમ છેઃ તમારી પોતાની ક્ષમતા વધારવા સાથે તમારા વિરોધીઓની ક્ષમતાને નજરઅંદાજ ન કરો. પહેલેથી પોતાના હરિફોને નબળા માની લેવા એટલે વધુ પડતા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરવું. ઇતિહાસ સાક્ષી છે કે, વધુ પડતા આત્મવિશ્વાસના કારણે અનેક શક્તિશાળી લોકોને શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ ઇતિહાસનું પુનરાવર્તન થયું અને 'ક્રિકેટના મક્કા' ગણાતા લોર્ડઝમાં શનિવારે ટ્વેન્ટી-20 વિશ્વકપની શરૂઆત એક મોટા અપસેટ સાથે થઈ.

વિશ્વકપની પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ક્રિકેટમાં પા..પા..પગલી માંડતી નેધરલેન્ડ વચ્ચે રમાઈ। મહારાણી વિક્ટોરિયાના લડવૈયા નેધરલેન્ડની ટીમને સરળતાથી હરાવી દેશે તેવી કલ્પના અંગ્રેજો સહિત જગતભરના ક્રિકેટપ્રેમીઓને હતી. પણ મેચના પરિણામે બધાની આંખો પહોળી કરી નાંખી. નેધરલેન્ડનો ચાર વિકેટે વિજય થયો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 163 રન બનાવ્યાં ત્યારે તેનો વિજય મોટે ભાગે નિશ્ચિત ગણાતો હતો. રાઇટ (71) અને બોપારા (46)એ પહેલી વિકેટની ભાગીદારીમાં 102 રન બનાવી મજબૂત શરૂઆત કરી. પણ ઇંગ્લેન્ડના અન્ય બેટ્સમેન તેનો ફાયદો ન ઉઠાવી શક્યા. શાહ 5, મોર્ગન 6, કલિંગવૂડ 11, કી 10 અને ફોસ્ટર માત્ર ત્રણ રન બનાવીય શક્યા. મધ્યમક્રમના બેટસમેન સારું રમ્યા હોત તો સ્કોર 180ની નજીક પહોંચી શક્યો હોત. આ સ્થિતિમાં ઇંગ્લેન્ડ જ હોટ ફેવરિટ ગણાતું હતું, પણ નેધરલેન્ડે શિસ્તબદ્ધ રમી અંગ્રેજોને આંચકો આપ્યો. તેના બેટ્સમેનોએ ટીમવર્ક દેખાડ્યું અને ટીમને વિજયની ભેટ ધરી. 'મેન ઓફ ધી મેચ' ગ્રૂથે 30 બોલમાં 49 રન, બોરેને 25 બોલમાં 30 રન અને ડોસાટે 17 બોલમાં અણનમ 22 રન બનાવ્યાં.

અત્યંત રસાકસીયુક્ત મેચમાં છેલ્લા બોલે મેચ જીતવા નેધરલેન્ડને બે રનની જરૂર હતી। ઇંગ્લેન્ડના યુવા બોલર બ્રોડની મહેરબાનીથી ડચ વલંદાઓએ આ લક્ષ્યાંક પાર પાડી દીધો હતો. સ્ટુઅર્ટ બ્રોડ પ્રત્યે અંગ્રેજોમાં ભારે નારાજગી પ્રવર્તે છે. તેણે આ મેચમાં રન આઉટની ત્રણ અને કોટ એન્ડ બોલ્ડની એક તક ગુમાવી છે. આ એ જ બ્રોડ છે જેની બોલિંગમાં યુવરાજ સિંહે ગયા ટ્વેન્ટી-20 વિશ્વકપ છ બોલમાં છ સિક્સર ફટકારી વિશ્વવિક્રમ સર્જયો હતો.

ઇંગ્લેન્ડની હારથી ત્યાંનું મીડિયા પણ ગુસ્સે ભરાયું છે. ત્યાંના ટોચના અંગ્રેજી અખબાર 'ડેઇલ મેઇલ'એ નેધરલેન્ડ સામેના પરાજ્યને ઇંગ્લેન્ડના ક્રિકેટ ઇતિહાસનો સૌથી શરમજનક પરાજય ગણાવ્યો છે. તેણે લખ્યું છે કે, ''શનિવાર ઇંગ્લેન્ડના ક્રિકેટ ઇતિહાસનો કાળો દિવસ છે. નેધરલેન્ડે યજમાન ઇંગ્લેન્ડને તેના ક્રિકેટ ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી શરમજનક પરાજ્ય આપ્યો છે.'' ડેઇલી એક્સપ્રસે લખ્યું છે કે, ''નેધરલેન્ડ સામેના પરાજય પછી ક્રિકેટજગતમાં ઇંગ્લેન્ડની ટીમ હાંસીપાત્ર બની ગઈ છે. કોઈ સાધારણ કક્ષાની ફૂટબોલ ટીમ માન્ચેસ્ટર યુનાઇટેડને હરાવી દે તેવો આ પરાજય છે.''

ઇંગ્લેન્ડને ટુર્નામેન્ટમાં ટકી રહેવું હશે તો આજે પાકિસ્તાનની ટીમને હરાવી જરૂરી છે તો પાકિસ્તાન ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરવા માગે છે। નેધરલેન્ડના ઇંગ્લેન્ડ સામેના દેખાવને જોઇને પાકિસ્તાન કોઈ ચાન્સ લેવા માગતું નથી. આ મેચમાં બ્રોડને બહાર બેસવું પડશે તે લગભગ નિશ્ચિત છે.

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ સ્કોટલેન્ડ
વરસાદના વિઘ્નના કારણે માત્ર સાત-સાત ઓવરની રમાયેલી આ મેચમાં ન્યુઝીલેન્ડે સાત વિકેટથી વિજય મેળવ્યો। સ્કોટલેન્ડના બેટ્સમેનોએ સારી બેટિંગનું પ્રદર્શન કરી સાત ઓવરમાં 89 રન ફટકાર્યા. વોટસને 10 બોલમાં 27, પૂનિયાએ 15 બોલરમાં 27 તો કોત્ઝેરે 15 બોલમાં ધુંઆધાર 33 રન કર્યા. પણ થોડા મહિના પહેલાં ભારતને પોતાના ઘરઆંગણે બંને ટ્વેન્ટી-20 મેચમાં પરાજ્યનો સ્વાદ ચખાડનાર ન્યુઝીલેન્ડની ટીમે ફરી એક વખત મજબૂત દેખાવ કર્યો. ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે તેણે માત્ર છ ઓવરમાં 90 રન કરી વિજય સાથે શરૂઆત કરી. આઇપીએલમાં શરમજનક પરાજ્યનો સ્વાદ ચાખનારી નાઇડ રાઇડર ટીમના કેપ્ટન મેકલુમ અને રાયડરે માત્ર 17 બોલમાં 51 રન કરી ટીમનો વિજય નિશ્ચિત કરી દીધો હતો.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વિન્ડિઝઃ ગેલ-ફ્લેચરની આતશબાજી
પોન્ટિંગ પાસે પોતાના બોલરોની ધોલાઈ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. શ્રીલંકાના પૂર્વ સ્ટાઇલિશ બેટ્સમેન અરવિંદ ડી સિલ્વાએ કહ્યું છે કે, બેટ્સમેનની નજર બોલ પર સ્થિર થઈ જાય પછી ગમે તેવો સારો બોલર પણ નિઃસહાય થઈ જાય છે। ગેલ અને ફ્લેચરની નજર સ્થિર થઈ ગઈ હતી અને તેમને બોલના સ્થાને ફૂટબોલ દેખાતો હતો. તેમની રનની આતશબાજી રોકવામાં બ્રેટ લી પણ નિઃસહાય થઈ ગયો. તેણે ચાર ઓવરમાં 56 રન આપ્યાં. ગેલે છ છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી 50 બોલમાં 88 રન અને ફ્લેચરે સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 32 બોલમાં 53 રન બનાવી વિન્ડિઝની જીત નિશ્ચિત કરી દીધી. સરવને બે બોલમાં બે ચોગ્ગા ફટકારી 170 રનનો લક્ષ્યાંક પાર પાડી દીધો.

આ પહેલાં પોન્ટિંગ એન્ડ કંપનીએ 20 ઓવરમાં 169 રન બનાવ્યાં હતા। વોર્નરે 63, માઇક હસીએ 27, ડેવિડ હસીએ 27, હેડ્ડિને 24 રન કર્યા. મેચમાં રસાકસી થશે તેવું લાગતું હતું પણ ગેલ અને ફ્લેચરે કાંગારૂના બોલરોના છોતરા ઉડાવી મેચને એકતરફી કરી નાંખી. ઓસિના ટીમનો આટલો સરળતાથી પરાજય થશે તેવી ખરેખર કલ્પના નહોતી.

ભારતની શુભ શરૂઆત
ટ્વેન્ટી-20 વિશ્વકપ વિજેતા ધોની એન્ડ કંપનીએ અપેક્ષા મુજબ બાંગ્લાદેશને હરાવી દીધું છે. ઇજાગ્રસ્ત વીરુ (મીડિયાના રીપોર્ટ મુજબ, તે ઇજાગ્રસ્ત નથી પણ તેણે મધ્યમ ક્રમમાં બેટિંગ કરવાની જીદ પકડી છે. એટલે તે મેચ રમતો નથી)ના સ્થાને ઓપનિંગમાં આવીને હવે સેટ થઈ ગયેલા રોહિત શર્માએ 23 બોલમાં 36 અને ગંભીરે 46 બોલમાં 50 રન ફટકારી સારો પાયો નાંખ્યો. પણ સાચી મજા યુવરાજની બેટિંગ જોવાની આવી. તેણે ટ્વેન્ટી-20 ફોર્મ્યુલાના સુપરસ્ટાર હોવાનો પરિચય ફરી આપતા માત્ર 18 બોલમાં 41 રન ફટકાર્યા. તેમાં ચાર છગ્ગા દર્શનીય અને અવિસ્મરણીય હતા. ભારતે જીત માટે 181 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પણ જવાબમાં બાંગ્લાદેશ માત્ર 155 રન કરી શક્યું.

મનમોહન દેસાઇને 'કૂલી' ફિલ્મનો અંત બદલવાની ફરજ પડી...


હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રસિદ્ધ નિર્માતા મનમોહન દેસાઈની સુપરડુપર હિટ પુરવાર થયેલા 'કૂલી' ફિલ્મના શૂટિંગ દરમિયાન મહાનાયક અમિતાભ બચ્ચનને મરણતોલ ઇજા પહોંચી હતી. મહાભારતમાં દુર્યોધનની ભૂમિકા અદા કરનાર પુનિત ઇસ્સારનો જબરદસ્ત મુક્કો અમિતાભને પેટમાં સાચેસાચ વાગી જતાં જીવન અને મરણ વચ્ચેનો જંગ ચાલ્યો હતો. છેવટે અમિતાભના કરોડો પ્રેમીઓની દુઆ રંગ લાવી અને તેઓ મૃત્યુ સામેનો જંગ જીતી ગયા. પરંતુ આ અકસ્માતે મનમોહન દેસાઈની મૂંઝવણ વધારી દીધી હતી.

'દિવાર', 'શોલે' અને 'મુક્દર કા સિકંદર'ની જેમ 'કૂલી'ના અંતિમ દ્રશ્યમાં બચ્ચનનું મૃત્યુ થતું હતું. પરંતુ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દિવસો સુધી મોત સામે ઝઝૂમેલા અમિતાભને જીવતદાન મળ્યાં પછી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ઉત્સવ જેવું વાતાવરણ સર્જાઈ ગયું તે જોઇને 'કૂલી'માં આ કલાકારનું મૃત્યુ પ્રેક્ષકોને ચોક્કસ નારાજ કરશે અને ફિલ્મ પીટાઈ જશે તેનો અંદાજ મનમોહન દેસાઈને આવી ગયો. તેમની સમક્ષ ફિલ્મનો સુખદ અંત લાવ્યા વિના છૂટકો ન હતો. છેવટે તેમને પટકથામાં ફેરફાર કરવો પડ્યો. તે દિવસોમાં ભારતના તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તમામ પ્રોટોકોલ નેવે મૂકીને અમિતાભના ખબર-અંતર પૂછવા આવ્યાં હતા.

Friday, June 5, 2009

સખત મ..મ..મ.મહેનત, ગુરુજનોનું મ..મ..મ..માર્ગદર્શન અને મ.મ.મ.મ.માબાપના આશીર્વાદ


દસમા અને બારમા ધોરણના પરિક્ષાના પરિણામ હોય તે પછીના દિવસના ગુજરાતી છાપાનું પહેલું અને છેલ્લું કેવું હશે તેની સામાન્ય વાચકને પણ જાણ હોય છે. પહેલાં પાને રાજ્યના ટોપ ટેન છગન અને છેલ્લાં પાને જે શહેરની આવૃત્તિ હોય તે શહેરના ટોપ ટેન મગન. જ્યાં જુઓ ત્યાં ટોપર્સની બોલબાલા. હુમાયેએ પોતાનો જીવ બચાવનાર એક ભિશ્તીને એક દિવસ પૂરતો બાદશાહ બનાવ્યો હતો તેમ આ બધા ટોપર્સ એક દા'ડાના રાજા. એક દિવસ પૂરતાં બધા છાપામાં છવાઈ જાય. આજકાલ તો પત્રકારો નવું શીખ્યાં છે. પંદર કે સોળ વર્ષના ટોપર્સને પત્રકારો પૂછે છે, પપલુ, તારી સફળતાનું રહસ્ય શું? મોટાભાગના અપલુ-પપલુનો જવાબ કેવો હોય છે? શાહરૂખ ખાનના એકસરખા, કંટાળાજનક અભિનય જેવોઃ સખત મ..મ..મ.મહેનત, ગુરુજનોનું મ..મ..મ..માર્ગદર્શન અને મ.મ.મ.મ.માબાપના આશીર્વાદ. (જેની જીભ અચકાતી હોય તેની ગાડી બે હોંઠ વડે જે શબ્દનું ઉચ્ચારણ થતું હોય ત્યાં અટકી પડે. પછી ત્યાંથી આગળ વધવા ધક્કા મારવા પડે)

આ વખતે તો એક પપલુ ટોપર્સ પન્નાલાલ પટેલનો કુટુંબી હોય તેવું લાગે છે। તેણે પોતાની સફળતાનું રહસ્ય ઉજાગર કરતાં જુસ્સા સાથે કહ્યું કે, 'પાર્થને કહો ચડાવે બાણ, હવે તો બોર્ડમાં નંબર એ જ કલ્યાણ.' પન્નાલાલ પટેલનો આત્મા ખુશ થઈ ગયો હશે. પપલૂના પપ્પા પણ ચકિત થઈ ગયા હશે અને બીજા બધાને એમ થયું હશે કે, બહુ વાંચી વાંચીની આ ગગાજી ડોટ કોમની ડગરી છટકી તો નથી ગઇને. કેટલાંક ઉત્સાહીઓએ તો તેના પિતાજીને એકબાજુ લઇ જઇને થોડો સમય બાળકને ફ્રેશ થવા દેવાની સલાહ પણ આપી દીધી હશે તો કોઇએ તેમને છોકરાને કવિ અને સાહિત્યકારોની સોબતમાં આવે તે પહેલાં કંઇક ઉપાય કરવાનું સૂચન કરી દીધું હશે. સાચી વાત છે. છોકરી જોવા જાય ત્યારે ગગો ગામને કવિતાઓ સંભળાવે છે કે વાર્તાઓ કહે છે તેવું તો કહેવાય નહીં. બોર્ડના એક પણ ટોપર્સને કવિ, સાહિત્યકાર કે પત્રકાર થવું નથી. આ વખતે બોર્ડમાં ટોપ ટેપનમાં સ્થાન મેળવનારા અપલૂ-પપલૂને શું બનવું છે?

રાજ્યમાં કુલ 32 વિદ્યાર્થીઓએ ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે। તેમાંથી 15 અપલૂ-પપલૂને એન્જિનીયરિંગમાં, 13ને મેડિકલમાં, એકને પેટ્રોકેમિકલમાં અને એક બહેનને જ્વેલરી ડીઝાઇનમાં કારકિર્દી બનાવવી છે. બે અપલૂ મેડિકલમાં જવું કે એન્જિનીયિરંગમાં જવું તેના વિશે વિચાર કરી રહ્યાં છે. આ બંને પાસે સાહિત્યકાર થવાની ક્ષમતા છે. સાહિત્યનું સર્જન કરવા લાંબો સમય વિચારવું તો પડે ને! વિચાર કરવા જેવી એક બીજી બાબત પણ છે. આપણને દર વર્ષે પહેલા ટોપ ટેનની ખબર પડે છે, પણ છેલ્લેથી ટોપ ટેનમાં સ્થાન મેળવનાર રાજ્યના સાચા રતન કોણ છે તે જાણો છો?

ચલતે-ચલતેઃ રાજ્યની કુલ 28 હાઈ સ્કૂલ એવી છે જેમાં દસમા ધોરણનો એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી. એટલે કે આ તમામ હાઇ સ્કૂલનું દસમા ધોરણનું પરિણામ 100 ટકા જ છે. પણ 100 ટકા નાપાસ. આ બધી શાળાઓના આચાર્ય સાથે શિક્ષણમંત્રીએ એક ગ્રૂપ ફોટો પડાવવો જોઇએ. પત્રકારોએ ખરેખર આ આચાર્યને પૂછવું જોઇએ કે, તમારા ત્યાંથી એક પણ વિદ્યાર્થી ધોરણ-10માં પાસ ન થયો તેનું રહસ્ય શું છે?

Thursday, June 4, 2009

..તો અશોક માતાના પુસ્તક 'વન ટુ કા ફોર કરો, ફટોફટ અબજોપતિ બનો' સાથે 'જેલના અનુભવો' ફ્રી મળશે

(ફોટોસૌજન્યઃ સંદેશ)

કહેવાય છે કે, લોભી હોય ત્યાં ધૂતારાં ભૂખે ન મરે. તેનું જીવતું જાગતું ઉદાહરણ ડૉક્ટર અશોક જાડેજા ઉર્ફે અશોક માતાએ પૂરું પાડ્યું. ગરીબના છોકરાને ભણાવવા એક ફૂડી કોડીની સહાય ન કરતાં સમાજસેવકો અને કહેવાતા ધાર્મિકો અશોક જાડેજાની 'વન ટૂ કા ફોર' જાળમાં ફસાઈ ગયા. પણ આ 'એક કા ચાર, એક કા ચાર' કરવાની કપટલીલામાં આટલી જંગી સફળતા મળશે તેની કલ્પના કદાચ અશોક મહાઠગને પણ નહીં હોય. તેને જેટલાં દિવસ જેલમાં રહેવું પડે તે દરમિયાન તેની પાસે 'વન ટુ કા ફોર કરો, ફટોફટ અબજોપતિ બનો' નામનું પુસ્તક લખવાની ઉત્તમ તક છે. તેને જો આ પુસ્તકના લેખન-સંપાદન અને પ્રકાશનમાં કોઈ મુશ્કેલી પડે તો?

Don't वोर्री. ગુજરાતી લેખકોની જમાતમાં 'અશોક માતા' તરીકે જાણીતો એક મહાઠગ થર્ડ ક્લાસ લેખક-પ્રકાશક આ કામમાં મદદ કરશે. તે અત્યારે નવરી બજાર છે. આ લેખકરૂપી મહાઠગે તેના એજન્ટો મારફતે પોતે બહુ કુશળ તંત્રી હોવાની છાપ ઊભી કરી હતી એટલે સ્વાભાવિક રીતે તે ફી પેટે બહુ ઊંચી રકમ માગશે. આમ પણ તેનું મોં અને પેટ બહુ મોટું છે. તે જમવા બેસે ત્યારે અકારાંતિયાની જેમ ખાય છે અને કોઇની પ્રશંસા કરે ત્યારે? જે વ્યક્તિના વખાણ થતાં હોય તેને આ લેખક પાસે ઘરનો ચોકીપહેરો કરાવવાનું મન થાય છે. અત્યારે આ લેખક મહાશય નવરી બજાર હોવાથી અશોક જાડેજા તેના ગળામાં પટ્ટો બાંધી શકશે. અને બદલામાં તેને શું આપવાનું રહેશે?

અશોક જાડેજાએ તેનું પુસ્તક સંપાદિત કરવા બદલ આ મહાઠગના 'જેલના અનુભવો' નામનું પુસ્તક પ્રકાશિત કરવાનો ખર્ચ ઉઠાવવો પડશે। એટલે મેનેજમેન્ટના પુસ્તકો વાંચી ઝડપથી કરોડપતિ બની જવા માંગતા ગુજરાતના 'સી' ગ્રેડના વાંચકોને બમણો ફાયદો થશે. પહેલો ફાયદો, અશોક જાડેજાના 'વન ટુ કા ફોર કરો, ફટોફટ અબજોપતિ બનો' પુસ્તક સાથે 'જેલના અનુભવો' પુસ્તકો બિલકુલ ફ્રી મળશે. બીજા ફાયદો, વન ટૂ ફોર કરવાની ચાવી સાથે પોલીસની મહેમાનગતિ કેવી રીતે માણવી અને જેલમાં અન્ય કેદીઓ સાથે કેવી રીતે વર્તન કરવું તેની પણ જાણકારી મળશે.

ચલતે-ચલતેઃ ગુજરાત સંત-મહાત્માની ભૂમિમાંથી ધર્મના નામે છેતરપિંડી કરતાં ઠગ-ધૂતારાની ભૂમિમાં પરિવર્તિત થઈ રહી છે.

સફળતાની ચાવી


ભારતમાં એક સુંદર દંતકથા છે. સ્વાતિ નક્ષત્રનો ઉદય થાય ત્યારે જે વરસાદ પડે, એ વરસાદનું ટીપું છીપમાં ઝીલાઈ જાય અને એ વર્ષાબિંદુ મોતી બની જાય છે. કાલુ માછલીને એ ખબર હોય છે. એટલે સ્વાતિ નક્ષત્રનો ઉદય થાય ત્યારે તે સાગરની સપાટી પર આવે છે અને મોંઘાંમૂલા વરસાદની રાહ જુએ છે. જેવું વરસાદનું એક ટીપું એમાં પડે છે કે તરત કાલુ માછલી છીપનાં બંને પડ બરાબર બંધ કરી ઠેઠ પાણીને તળિયે જઈ બેસે છે અને ત્યાં એ ધીરજથી પાણીના ટીપાનું મોતી બનાવે છે.

આપણે કાલુ માછલી જેવા બનવાનું છે। એક જ વિચાર પસંદ કરી લો। તેને આદર્શ બનાવી દો. તેને તમારા જીવનનું લક્ષ્ય બનાવો. તેનો જ વિચાર કરો, તેને સાકાર કરવાનું સ્વપ્ન સેવો, તેના આધારે જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, નાડીઓ તમારા આખા શરીરમાં તે વિચાર, તે લક્ષ્ય ભરી દો. તે સિવાય બીજા બધા વિચાર પડતાં મૂકી દો. જ્યાં સુધી લક્ષ્યને પ્રાપ્ત કરો નહીં ત્યાં સુધી તેનો છોડો નહીં.
એક જ વિચારની પાછળ પાગલ થઈ જનારને પ્રકાશ સાંપડે છે। એક જ વિચારની પાછળ પાગલ થઈ જનારને પ્રકાશ સાંપડે છે. એક બટકું અહીં અને એક બટકું ત્યાં એમ કરનાર કશું જ પામી શકતો નથી. થોડો સમય તેમાં ફાયદો થાય છે, પણ લાંબા ગાળે તેનાથી નુકસાન જ થાય છે. એક વિચાર આવે અને તેના પર અમલ કરતાં પહેલાં બીજો વિચાર આવે છે. એટલે પહેલાં વિચારને પડતો મૂકી બીજાને અપનાવવાથી શક્તિનો વ્યય થાય છે. મનને એક જ લક્ષ્ય પર કેન્દ્રીત કરો અને તેને પ્રાપ્ત કરવાની દિશામાં જ આગળ વધો. તમારા મગજમાં, નસોમાં અને લોહીના એક-એક ટીપામાં તમારા વિચારને વહેતો કરી દો. આ જ સફળતાની ચાવી છે.

સેન્ટર પોઇન્ટઃ આદર્શ વિનાનો માણસ એક હજાર ભૂલો કરે છે, જ્યારે આદર્શ વિનાનો માણસ પચાસ હજાર ભૂલો કરે છે

Wednesday, June 3, 2009

ઓપરેશન બ્લૂ સ્ટાર @ 25 વર્ષ


દરેક દેશના રાજકીય ઇતિહાસમાં કેટલીક તારીખ હંમેશા માટે અંકિત થઈ જાય છે-કોઈ સુવર્ણ અક્ષરે તો કોઈ કાળા અને કલંકિત. 3 જૂન 1984 આવી જ એક કલંકિત તારીખ છે. તે દિવસે આઝાદ ભારત સરકારે પહેલી વખત પોતાના જ એક રાજ્યને દેશના અન્ય તમામ રાજ્યોથી વિખૂટું પાડી દીધું. 36 કલાકનો કર્ફયૂ, નાગરિકોને ઘરમાં પૂરાઈ રહેવાનું ફરમાન, રાજ્યની તમામ સરહદો સીલ, સંચાર વ્યવસ્થા ઠપ્પ, વીજળીનો પ્રવાહ બંધ, સમગ્ર રાજ્યમાં અંધારપટ અને પત્રકારોને નો-એન્ટ્રી! આ રાજ્ય હતું પંજાબ. એક યુદ્ધની જાહેરાત થઈ ગઈ હતી અને દુશ્મન હતો હિંદુસ્તાનમાંથી અલગ રાષ્ટ્રની સ્થાપના કરવા માગતો એક બળવાખોર હિંદુસ્તાની!

તેનું નામ હતું જરનૈલ સિંઘ ભિંડરાનવાલે અને તેને નાથવા ભારતીય સૈન્યએ શરૂ કરેલા તે ગૃહયુદ્ધનું નામ હતું 'ઓપરેશન બ્લુ સ્ટાર।' અમૃતસરના પવિત્ર સુવર્ણ મંદિરમાં શસ્ત્રોના ઢગલાં ખડકી ભિંડરાનવાલેની ટોળકી ખાલિસ્તાનનું નાપાક, અમાનવીય અને લોહિયાળ આંદોલન ચલાવતી હતી. તે હિંદોસ્તાન (ભિંડરાનવાલે હિંદુસ્તાનનું ઉચ્ચારણ હિંદોસ્તાન તરીકે કરતો હતો)માંથી પંજાબીઓ માટે અલગ મુલ્ક ખાલિસ્તાનની સ્થાપના કરવા માગતો હતો. પણ આ ખાલિસ્તાનમાં પાકિસ્તાનના હિસ્સે આવેલા પંજાબને સામેલ કરવામાં આવશે કે નહીં તેની સ્પષ્ટતા આ વિભાજનવાદીઓએ ક્યારેય કરી નહોતી. તમે ભિંડરાનવાલેને શીખ સમુદાયનો પ્રભાકરન અને પ્રભાકરનને તમિળ સમુદાયનો ભિંડરાનવાલે કહી શકો. પ્રભાકરનની જેમ ભિંડરાનવાલેનું પાલનપોષણ ઓછા-વધતે અંશે ઇન્દિરા ગાંધીએ જ કર્યું હતું. પણ કહેવાય છે કે જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.

રાજકારણનો એક ક્રૂર પણ સર્વસામાન્ય નિયમ છેઃ યુઝ એન્ડ થ્રો અર્થાત્ ઉપયોગ કરો અને ફેંકી દો। ભિંડરાનવાલેની જરૂર હતી ત્યાં સુધી તેનો ઉપયોગ થયો, પણ પંજાબના લોકોમાં તેનો વધતો જતો પ્રભાવ અને તેની અલગ ખાલિસ્તાનની મહત્વાકાંક્ષાને નાથવા સૈન્ય કાર્યવાહી કરવાનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો. આ વિકલ્પ યોગ્ય હતો કે નહીં તેના પર પત્રકારો અને ઇતિહાસકારોમાં મતભેદ પ્રવર્તે છે. પણ દેશના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય અને મજબૂત મનોબળ ધરાવતા વડાપ્રધાન ઇન્દિરા પ્રિયદર્શિની ગાંધી તેમના નિર્ણય પર મક્કમ હતા.

આ અભિયાનનું નેતૃત્વ ભારતીય સૈન્યને નાયબ વડા લેફ્ટનન્ટ જનરલ એસ કે સિન્હાને સોંપવામાં આવ્યું હતું અને તેઓ ભારતીય સૈન્યના પ્રમુખ બનવાના હતા। પણ તેઓ તેના દૂરગામી પરિણામ જાણતા હતા એટલે તેમણે અન્ય કોઈ વિકલ્પ વિચારવા કહ્યું. ઇન્દિરા ગાંધી સૂચના આપવામાં માટે જાણીતા હતા, સૂચના કે સલાહ લેવા માટે નહીં. તેમણે એક પણ મિનિટનો વિલંબ કર્યા વિના એક વિવાદાસ્પદ નિર્ણય લીધો અને સિન્હાના સ્થાને જનરલ અરુણ વૈદ્યને આ ઓપરેશનની કમાન સોંપી દીધી. એટલું જ નહીં વૈદ્યને ભારતીય સૈન્યના વડા અને લેફ્ટનન્ટ જનરલ કે સુંદરજીને નાયબ પ્રમુખ બનાવી દીધા. આ બંનેએ ઓપરેશન બ્લુ સ્ટારની યોજના બનાવી ભિંડરાનવાલે અને તેની ટોળકી પર તૂટી પડ્યાં. પાછળથી એસ કે સિન્હા અને પ્રસિદ્ધ પત્રકાર-લેખક માર્ક ટુલીએ એવો દાવો કર્યો હતો કે, સુવર્ણ મંદિર પર હુમલો કરવાની યોજના સેનાએ દોઢ વર્ષ પહેલાં બનાવી હતી. દૂન વેલીમાં ચક્રાત કેન્ટોનમેન્ટ નજીક એક ગુપ્ત જગ્યાએ સુવર્ણ મંદિરની રેપ્લિકા ઊભી કરી સૈનિકોએ હુમલાનું રીહર્સલ પણ કર્યું હતું.

ત્રીજી જૂને પંજાબમાં 70,000 સૈનિકોનો કાફલો ખડકી દેવાયો। સુવર્ણ મંદિરને ઘેરી લેવાયું. સૈનિકો પહેલાં તબક્કામાં મંદિરની આસપાસ 17 ઘર અને ત્રણ ઊંચા ટાવર પર તૂટી પડ્યાં. મંદિરની આસપાસ આ ઘરમાં ભિંડરાનવાલેના સમર્થકો હોવાનો સૈનિકોને વિશ્વાસ હતો. સૈનિકોએ ઘર પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો અને પછી તેના પર ટેન્ક ફરી વળી. તે પછી ત્રણ ટાવરને નિશાન બનાવ્યાં. ભિંડરાનવાલેના સમર્થકોએ આ ત્રણેય ટાવર પર પોઝિશન લઈ લીધી હતી અને તેઓ ઉપરથી ભારતીય સૈનિકોને નિશાન બનાવી શકે તેમ હતા. સૈન્યએ આ ત્રણેય ટાવર જમીનદોસ્ત કરી નાંખ્યા. આ જંગનો અંત છઠ્ઠી જૂન રાતે એક વાગે ભિંડરાનવાલેના અંત સાથે આવ્યો. સૈન્ય કહેવા મુજબ, આ અભિયાનમાં 83 સૈનિકો અને શીખ સમુદાયના 492 લોકો માર્યા ગયા જ્યારે સ્વતંત્ર ઇતિહાસકારનો જણાવ્યા મુજબ, આ ગૃહયુદ્ધમાં 700 સૈનિકો અને શીખ સમુદાયના 5,000 લોકો માર્યા ગયા. સૈનિકો 1984ના અંત સુધી સુવર્ણ મંદિરમાં રહ્યાં.

આ ઓપરેશને હંમેશા માટે સમકાલીન ભારતીય રાજકારણની દિશા બદલી નાંખી। તેનાથી શીખ સમુદાયના માનસને આઘાત લાગ્યો. ખાલિસ્તાનની ચળવળને પ્રોત્સાહન મળ્યું અને એક દાયકા સુધી પંજાબ ભડકે બળ્યું. બ્લુ સ્ટારનું નેતૃત્વ કરનાર જનરલ એ એસ વૈદ્યની 1986માં બે શીખ યુવાનોને પૂણેમાં હત્યા કરી નાંખી. હરજિંદર સિંઘ જિંદા અને સુખદેવ સિંઘ સુખા નામના આ બંને યુવાનોને સાતમી ઓક્ટોબર, 1992ના રોજ ફાંસીના માંચડે લટકાવી દેવાયા. શીખ સમુદાયે આ ઓપરેશનની સૌથી મોટી પ્રતિક્રિયા કેવી રીતે આપી? ઇન્દિરા ગાંધીની હત્યા સ્વરૂપે. સમગ્ર રાષ્ટ્રે એક મક્કમ મનોબળ ધરાવતું લોખંડી નેતૃત્વ ગુમાવી દીધી.

ચલતે-ચલતેઃ ઓપરેશન બ્લૂ સ્ટારનો એજન્ડા સ્પષ્ટ હતો-પહેલાં ત્રાસદાયક પરિસ્થિતિ પેદા કરો, તેની સામે બાથ ભીડો અને પછી ચૂંટણી જીતો- કેપીએસ ગિલ

નેતા બનતા નથી, નેતા જન્મે છે


નેતા બનતા નથી, નેતા જન્મે છે. નેતૃત્વ તેમનામાં સહજ હોય છે. તેમને યોજનાઓ ઘડવામાં કંઈ મુશ્કેલી પડતી નથી, પણ નેતાની કસોટી જુદા જુદા વ્યક્તિત્વ અને સ્વભાવવાળા લોકોને વિવિધ ભાવનાઓમાં એક સર્વસામાન્ય ભાવના કેળવીને એક જ સંગઠનમાં સંગઠિત રાખવા. આ કાર્ય જન્મજાત નેતા સહજ કરી શકે છે.

નેતા બનવા ''દાસસ્ય દાસ'' થવું પડે છે અને અસંખ્ય લોકોના મન સાચવવાં પડે છે। જે બધાનો દાસ છે તે જ ખરો નેતા છે. નેતૃત્વમાં ક્યાંય અદેખાઈ કે સ્વાર્થનો ઓછાયો પણ ન હોઈ શકે. પક્ષપાત કરવો એ અનિષ્ટનું મૂળ છે. જો તમે પક્ષપાતથી અમુક વ્યક્તિ તરફ વધારે પ્રેમ રાખો છો તો ખાતરી રાખજો કે તમે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીના બીજ રોપો છો. ઊંચનીચનો ભેદ રાખનાર કદી નેતા થઈ શકતો નથી. બીજાની ઊણપ નભાવી લો. લાખો ગુનાઓ માફ કરો. તમે બધાયને નિઃસ્વાર્થપણે ચાહશો તો ધીમે ધીમે કરતાં બધાં પણ પરસ્પર પ્રેમ કરતાં થશે. જ્યારે બધાંને સમજાશે કે પ્રત્યેકનો લાભ બીજાના લાભમાં જ સમાયેલો છે. જન્મથી નેતૃત્વ સહજ હોય અને નિઃસ્વાર્થી હોય તે જ ખરો નેતા.

કેટલાક માણસો એવા હોય છે જેઓ દોરવણી તળે જ શ્રેષ્ઠ કામ કરી શકે। જેટલા જન્મે છે તે બધા જ કંઈ નેતા હોતા નથી. છતાં પણ જે નેતા નાના બાળકની જેમ દોરવણી આપે એ જ શ્રેષ્ઠ નેતા કહેવાય. નાનું બાળક બધાંય પર આધાર રાખતું હોય છે છતાં ઘરમાં તેનું સામ્રાજ્ય હોય છે. નેતૃત્વની આ જ ચાવી છે.

સેન્ટર પોઇન્ટઃ નેતાનું ચારિત્ર્ય શુદ્ધ ન હોય તો તેની સાથે કોઈ ભળે નહીં