પાકિસ્તાન. વર્ષ 1985. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ઘસડીને ફાંસીને માંચડે લટકાવી દેનાર સરમુખત્યાર જનરલ ઝિયા ઉલ-હકનું શાસન. લશ્કરી શાસકો હંમેશા જનતાના વિદ્રોહથી ડરતા હોય છે અને તેમાં ઝિયા પણ અપવાદરૂપ નહોતા. ચારથી વધારે લોકોને ભેગા ન થવાનું ફરમાન તેમણે બહાર પાડ્યું હતું. તેમના આ ફરમાનની ઐસી-તૈસી કરીને લાહોરના એક મેદાનમાં 50,000 લોકોએ કૂચ કરી. ચાંદની રાતમાં એક વિદ્રોહી અવાજ પાકિસ્તાનની નાપાક સરકારની જોર-જુલમ અને જોહુકમથી દબાયેલી જનતાને સૂકુન આપતો હતો. તે રુહાની અવાજ હતો ઇકબાલ બાનોનો અને શબ્દો હતા 'હમ દેખેંગે જબ તખ્ત ગિરાએ જાયેંગે, જબ તાજ ઉછાલે જાયેંગે.' મેદાનમાં ઇકબાલ બાનોના ચાહકોનું એકચક્રી શાસન હતું અને મેદાનની બહાર? ઝિયા ઉલ-હકનું!
ઇકબાલ બાનો 21 એપ્રિલે જન્નતનશીન થયા. ફૈઝ અહેમદ ફૈઝની દમદાર શાયરીને ભાવભીનો સૂર આપી જાનદાર અને લોકપ્રિય બનાવનાર ઇકબાલ બાનો હતો. આ વાતનો એકરાર ખુદ ફૈઝે કર્યો છે. તેઓ મુશાયરામાં જતાં ત્યારે ઘણી વખત લોકો ઇકબાલ બાનોએ ગાયેલી ગઝલ સંભાળવવાની ફરમાઇશ કરતાં અને તેમના ચહેરા પર હાસ્ય ફરી વળતું હતું. ફૈઝના શબ્દોમાં વ્યક્ત થયેલી વેદનાનો અહેસાસ પાકિસ્તાનની જનતાને ઇકબાલ બાનોના અવાજમાં થતો હતો.
તેમનું માદરેવતન અખંડ હિંદુસ્તાનનું રોહતક. પિતા રુઢિવાદી વિચારસરણીના. તે સમયે જાલીમ ઇજ્જતદારો ફિલ્મ કે સંગીતની દુનિયાને નાપાક ગણતા હતા. પણ આ નાપાક દુનિયામાં જ એક પાક પુષ્પ ખીલી રહ્યું હતું. રોહતકની સરકારી શાળામાં બધા બાળકો અભ્યાસ શરૂ કરતાં પહેલાં પ્રાર્થના કરતાં હતાં-'લબ પે આતી હૈં દુઆ બન કે તમન્ના મેરી..' તેમાં ઇકબાલનો અવાજ સૌથી અલગ તરી આવતો હતો અને તેનો અહેસાસ તેની સહેલીઓને જ નહીં, શિક્ષકોને પણ હતો. 'ઇસકી આવાઝ હી ઇસકી પહેચાન બનેગી' તેવું શિક્ષકોએ કહ્યું ત્યારે પરંપરાપૂજક પિતા ફફડી ઊઠ્યાં હતા. પણ પડોશી કાયસ્થ પરિવારે તેમને હામ આપી અને બેટીને સંગીતના સાત સૂરોના રંગમાં રંગાઈ જવા મનાવી લીધા.
પિતા રોહતકથી દિલ્હી આવ્યાં અને ઇકબાલ બાનો દિલ્હી ઘરાનાના ઉત્સાદ ચાંદ ખાન સાહેબના ચરણોમાં બેસી ગયા। યોગ્ય માર્ગદર્શન મળે તો મુસાફિરને મંઝિલ સુધી પહોંચવા માટે ફાંફા મારવા પડતા નથી. ચાંદ ખાનની સંગતમાં ઇકબાલ બાનોની અંદર રહેલો કલાકાર બહાર આવ્યો. તેમને સૌપ્રથમ તક દિલ્હી રેડિયોમાં મળી. તેમના પર હિન્દી ફિલ્મ ઉદ્યોગની નજર પડે તે પહેલાં જ અંખડ હિંદુસ્તાનના ભાગલા થયા અને ઇકબાલ બાનો પરિવાર સહિત પાકિસ્તાન ચાલ્યાં ગયા.
પાકિસ્તાનમાં તેમણે રિયાઝ ચાલુ રાખ્યો અને ઉસ્તાદ આશિક અલી પાસે સંગીતની તાલીમ લીધી। 1952માં 17 વર્ષની ઇકબાલના નિકાહ એક જાગીરદાર સાથે થયા. નિકાહ પહેલાં તેમણે ઇકબાલ અને સંગીત વચ્ચે દિવાર ન બનવાનું વચન આપ્યું હતું, જે છેલ્લાં શ્વાસ સુધી નિભાવ્યું. બાનો ખયાલ, દાદરા અને ઠુમરીમાં કમાલની ગાયિકા હતા. 1955માં પહેલી વખત ગઝલ ગાવાની તક મળી. શબ્દ કતીલ શફાઈના હતાઃ 'ઉલ્ફત કી નઈ મંઝિલ કો ચલા હૈ ડાલ કે બાંહે બાંહો મેં, દિલ તોડને વાલે દેખ કે ચલ હમ ભી તો પડે હૈ રાહોં મેં.' પછી તેમણે ક્યારેય પાછું ફરીને જોયું નથી.
પચાસના દાયકામાં પાકિસ્તાનમાં પા પા પગલી માંડતા ફિલ્મ ઉદ્યોગમાં એક ગાયિક સ્વરૂપે ઇકબાલ બાનો છવાઈ ગયા। ગુમાન, કાતિલ, ઇન્તકામ, સરફરોશ, ઇશ્ક-એ-લૈલા અને નાગિન જેવી ફિલ્મોને આજે પણ તેમણે ગાયેલા ગીતોના કારણે યાદ કરવામાં આવે છે. પણ જેમ જેમ ફિલ્મોની ગીતોમાંથી શબ્દનું મહત્વ ઘટતું ગયું તેમ તેમ ઇકબાલ બાનો તેનાથી દૂર થતાં ગયા અને 1977 પછી તેમની ઓળખ સમાન અવાજે વિરામ લીધો અને તેના ત્રણ દાયકા પછી તેમના શ્વાસે. પાંચ દાયકા સુધી આવાઝ કી દુનિયામાં પાકિસ્તાનનું નામ રોશન કરનાર ઇબાલ બાનોના જનાજામાં સંગીતની દુનિયામાંથી માત્ર લોકગાયક શૌકત અલી જ જોડાયા હતા.
ચલતે-ચલતેઃ અબ તુમસે રૂખ્સત હોતા હૂં
આઓ સંભાલો સાઝે-ગઝલ
-ફિરાક ગોરખપુરી
No comments:
Post a Comment