Thursday, April 16, 2009

ગુજરાતી ભાષાની પહેલી મૌલિક નવલકથા કઈ?


ગુજરાતી ભાષાની પહેલી મૌલિક નવલકથા કઈ? ગુજરાત જાહેર સેવા આયોગની પ્રીલિમનરી પરીક્ષામાં સામાન્ય જ્ઞાનના પેપરમાં આ પ્રશ્ન પૂછાયો હતો ત્યારે તેના જવાબમાં અમારા વર્ગખંડમાં હાજર મોટાભાગના પરીક્ષાર્થીઓએ કનૈયાલાલ મુનશીની નવલકથા 'ગુજરાતનો નાથ' પર ચોકડી મારી હતી। આક્રમક માર્કેટિંગના યુગમાં જીવતી અમારી પેઢી પાસેથી આનાથી વધુ અપેક્ષા ન રાખી શકાય. જેનું નામ વધુ સાંભળવા મળે તે તેના ક્ષેત્રમાં ખાટું અને બીજા બધા....તેનો સાચો જવાબ શું છે?

'કરણઘેલો।' મોટાભાગના ગુજરાતીઓની માનસિકતાનું વાસ્તવિક નિરૂપણ કરતી આ નવલકથાનું સર્જન સુધારક યુગના સાહિત્યકાર નંદશંકર તુળજાશંકર મહેતાએ ઇ. સ. 1866માં કર્યું હતું. તેમનો જન્મ આજથી 144 વર્ષ પહેલાં 16 એપ્રિલ, 1835ના રોજ સુરતમાં નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અહીં પ્રશ્ન એ છે કે, ગુજરાતીઓની માનસિકતા એટલે? 'ઘર ફૂટે ઘર જાય' એવી સ્થિતિ॥કલ ભી આજ ભી ઔર કલ ભી..

આ નવલકથાનું કથાવસ્તુ કરણ નામના ગાંડાઘેલા રાજાની આસાપાસ ગૂંથાયું છે. કરણ કોણ હતો? કરણ જૌહર અગાઉના જન્મમાં આ ગાંડોઘેલો કરણ હતો? ના. કેમ? તે આ જન્મ તો શું કોઈ જન્મમાં કોઈ યુવતી પાછળ ગાંડોઘેલો ન થઈ શકે. આ નવલકથાનું કથાવસ્તુ એક સ્વરૂપવાન સ્ત્રી પાછળ ગાંડાઘેલા થયેલા ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રજપૂત રાજા કરણદેવના જીવનની આસાપાસ ગૂંથાયું છે. પહેલાં રૂપસુંદરીઓને કારણે રાજાઓ વચ્ચે યુદ્ધ ખેલાતાં હતા અને અત્યારે? કહેવાતી રૂપસુંદરીઓની અશ્લિલ કળાને રંગ રંગાવા પોતાને રાજા સમજતાં, ઠેરઠેર વાજાં વગાડતાં અને કલમના કૂચડાં ફેરવતા કલમખોરો એકબીજાના પાટલૂન ખેંચી રહ્યાં છે. રાજા કરણે પોતાના બ્રાહ્મણ પ્રધાન માધવની પત્ની રૂપસુદરી પર નજર બગાડી, માધવને છેતરીને તેને બહારગામ મોકલી દઈ સિપાહીઓની મદદથી રૂપસુંદરીનું અપહરણ કરીને પોતાના મહેલમાં બોલાવી લીધી. બહારગામ ગયેલો માધવ પાછો આવ્યો ત્યારે સમગ્ર ઘટનાની જાણકારી મળતા રાજા ઉપર વેર લેવા દિલ્હીના તે સમયના બાદશાહ અલાઉદ્દીન ખીલજીને રૂબરૂ મળીને ગુજરાત પર આક્રમણ માટે તેડું આપે છે. બાદશાહ ગુજરાત જીતી લે છે અને મુસ્લિમ રાજ્યઅમલની શરૂઆત થાય છે.

નંદશંકર મહેતાએ ગુજરાતી સાહિત્યમાં એકમાત્ર કૃતિ 'કરણઘેલો' નવલકથા આપી છે। આ પહેલાં ઇ. સ. 1862માં સોરબશા મુનસફ નામના એક પારસી લેખકે એક ફ્રેન્ચ લેખકની વાર્તાના અંગ્રેજી અનુવાદ 'ઇન્ડિયન કોટેજ' ઉપરથી 'હિંદુસ્તાન મધ્યેનું એક ઝૂંપડું' નામની 69 પાનાંની નાનકડી વાર્તા નવલકથાના રૂપમાં આપી હતી. તે કૃતિ અનુવાદનો પણ અનુવાદ છે. નંદશંકરને 'કરણઘેલો' લખવાની પ્રેરણા તે વખતના માજી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર રસેલે આપી હતી. આ વિશે લેખકે પોતે પ્રસ્તાવનામાં લખ્યું છે કે,

''આ પ્રાંતના ઘણાખરા લોકોને ગુજરાતી કવિતામાં લખેલી વાર્તાઓ વાંચવાનો ઘણો શોખ છે, પણ હજી સુધી એવી વાર્તાઓ ગદ્યમાં લખાયેલી ગુજરાતી ભાષામાં ઘણી જ થોડી છે અને જે છે તે લોકમાં પ્રસિદ્ધ નથી. આ ખોટ પૂરા પાડવાને તથા અંગ્રેજી ગાથા તથા વાર્તાના જેવાં પુસ્તકો ગુજરાતીમાં તૈયાર કરાવવા આ પ્રાંતના માજી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર મહેરબાન રસેલ સાહેબે મારી આગળ પોતાની મરજી જણાવી અને એવી એક વાર્તા બનાવવાને તે સાહેબે મને કહ્યું. તે ઉપરથી આ પુસ્તક મેં આશરે ત્રણ વર્ષ પર રચ્યું.''

ગાંધીજીએ આ પુસ્તક વિશે અભિપ્રાય આપતાં કહ્યું હતું કે, 'તે ગુજરાતી ભાષાની પ્રૌઢતા બતાવનારા પુસ્તક છે।' નંદશંકર નર્મદના સુધારક પક્ષના તરફદાર હતા. સુરતની મ્યુનિસિપાલિટીમાં હોપસાહેબ સાથે રહી શહેર-સુધારણાનાં કાર્યો પણ તેમણે કર્યાં હતા. નોકરી અંગે તેમને ધુંધુકા, દેવગઢબારિયા, લુણાવાડા વગેરે વિવિધ સ્થળે કામ કરવાનું થયું. કચ્છ, ગોંડલ, ભાવનગર, ગોધરા, નાંદોદ અનેક સ્થળે કામ કર્યું. નિવૃત્તિ પછી તેઓ સુરતમાં સ્થિર થયા હતા. તેમની ઉત્તમ કામગીરીની કદરરૂપે અંગ્રેજ સરકારે તેમને રાવબહાદુરનો ખિતાબ આપ્યો હતો. ઇ.સ. 1905માં તેમનું અવસાન થયું હતું.

1 comment:

Jitendra Sodha said...

ABHINANDAN
aa rite gujarati bhashani pratham navalkatha ane ena lekhak vishe tunkma mahiti aapva mate.
gujarati sahityani nondhpatra krutio vishe vivechanatmak lekho taiyar thay to gujarati bhashani uttam seva thai shake.
- Jitendra Sodha