Thursday, April 23, 2009

ચૂંટણી પોલની પોલમપોલ


29 માર્ચ, 1982નો આંધ્ર પ્રદેશના રાજકીય ઇતિહાસમાં સીમાચિહ્રનરૂપ છે. તે દિવસે તેલુગુ ફિલ્મના દંતકથા સમાન સુપરસ્ટાર નન્દમુરિ તારક રામારાવ અર્થાત્ એન ટી રામારાવે 'તેલુગુદેશમ' પક્ષની સ્થાપના કરી. તે સમયે કોંગ્રેસ અને જનતા પક્ષ રામારાવની ઠેકડી ઉડાવતો હતો. રામારાવનું એકચક્રી શાસન ફિલ્મઉદ્યોગ પૂરતું મર્યાદિત છે તેવી હવામાં ફરતાં કોંગ્રેસના નેતાઓ તેલુગુદેશમને 'કામ્માદેશમ' કહીને ઠેકડી ઉડાવતો હતો. એટલું જ નહીં રામારાવને ગંભીરતાથી લેવા જનતા પક્ષ પણ તૈયાર નહોતો.

જનતાની માનસિકતાથી અપરિચિત જનતા પક્ષના મોભીઓ સમક્ષ રામારાવે 200થી વધારે બેઠકોની માગણી કરી ત્યારે મોરારજી દેસાઈ ચકિત થયા ગયા હતા અને હસતા હતા। તે સમયે 'ઇન્ડિયા ટુડે' મેગેઝીને આકાશવાણી કરી હતી કે, કોંગ્રેસને 156 બેઠકો મળશે અને તેલુગુદેશમને 102 બેઠક મળશે. ચૂંટણીનું પરિણામ શું આવ્યું? તેલુગુદેશમને 202 બેઠકો મળી અને કોંગ્રેસને ફક્ત 60. અને જનતા પક્ષને? ટોકનરૂપે માત્ર એક બેઠક. પરિણામ આવ્યું ત્યારે પણ મોરારજી દેસાઈ ચકિત થઈ ગયા હતા, પણ હાસ્ય રામારાવના ચહેરા પર ફરકતું હતું. ચૂંટણી પહેલાં પોતાને દેશના સર્વશ્રેષ્ઠ બૌદ્ધિકો માનતા સેફોલોજિસ્ટો અને તેમની મંડળી વિવિધ મેગેઝીન અને ટીવી ચેનલોમાં જે આકાશવાણીઓ કરે છે તેનું મોટેભાગે ચૂંટણી પછી સૂરસૂરિયું થઈ જાય છે.

લોકસભાની વર્ષ 2004ની ચૂંટણી પહેલાં તો ચૂંટણી વિશ્લેષકોએ દરરોજ એનડીએના 'ઇન્ડિયા શાઇનિંગ'ની જય હો કરી હતી। વાસ્તવિકતાથી બિલકુલ અપરિચિત આ બૌદ્ધિકોની આકાશવાણીઓએ એવો કાળો કેર મચાવ્યો હતો કે, તેમના વાદે ચડેલા પ્રાદેશિક બૌદ્ધિકો પણ એનડીએના નામની જયજયકાર કરતાં હતા. પુરુષ-સ્ત્રીના શારિરીક સંબંધો અને દેશના કયા શહેરની સ્ત્રીઓ વધુ કામુક છે તેના પર સર્વેક્ષણ કરાવવા જાણતી ઓઆરજી-માર્ગ સંસ્થા પાસે આજતક ચેનલે આકાશવાણી કરાવી હતી. તેમાં એનડીએને 248, કોંગ્રેસ અને તેના સહયોગીઓને 190 અને અન્યને 105 બેઠકો મળશે તેવી આગાહી કરવામાં આવી હતી. એનડીટીવીએ એસી નીલસનના સર્વેક્ષણના આધારે એનડીએને 230થી 250, કોંગ્રેસ અને સાથીપક્ષોને 190થી 205 અને અન્યને 100થી 120 બેઠકો મળશે તેવું જણાવ્યું હતું. એનડીએ તરફી સૌથી જોરદાર આગાહી સહાર સમય, સ્ટાર ન્યૂઝ અને ઝી ન્યૂઝે કરી હતી.

સહારા સમયે ડીઆરએસ સર્વેના આધારે એનડીએને 263થી 278, કોંગ્રેસ એન્ડ કંપનીને 171થી 181 અને અન્યને 92થી 102 બેઠક મળવાની ભવિષ્યવાણી કરી હતી તો સ્ટાર ન્યૂઝે સી-વોટર એજન્સીના આધારે એનડીએને 263થી 275, કોંગ્રેસ અને સાથીદારોને 174થી 186 અને અન્યને 86થી 98 બેઠક મળવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો। ઝી ન્યૂઝે તો તાલીમ સંસ્થાના સર્વેક્ષણને આધારે સ્પષ્ટપણે કહ્યું હતું કે, એનડીએને 249, કોંગ્રેસઆણી મંડળીને 176 અને અન્યને 117 બેઠક મળશે. ખરેખર પરિણામ શું આવ્યાં?

એનડીએના 'ઇન્ડિયા શાઇનિંગ'ના પરપોટો ફૂટી ગયો અને માત્ર 187 બેઠક મળી। કોંગ્રેસ એન્ડ કંપનીને 219 બેઠકો મળી. સોનિયા ગાંધીના ચહેરા પર હાસ્ય ફરક્યું અને ચૂંટણી વિશ્લેષકો હાંસીપાત્ર બની ગયા. તેમાંથી આ એજન્સીઓએ બોધપાઠ લીધો છે કે નહીં તે તો ચૂંટણી પરિણામ પરથી ખબર પડશે॥આકાશવાણીઓ તો આ વખતે પણ થઈ છે...

ચલતે-ચલતેઃ ઉત્તર પ્રદેશમાં વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં પોતાને ખાટું માનતા રાજદીપ સરદેસાઈ સંચાલિત સીએનએન-આઇબીએન અને દેશના વિદ્વાન ચૂંટણી વિશ્લેષક ગણાતા યોગેન્દ્ર યાદવની સીએસડીએસ સંસ્થાએ ઓપનિયન પોલમાં બહુજન સમાજ પક્ષને 140 અને સમાજવાદી પક્ષને 135 બેઠક મળવાની આગાહી કરી હતી. પરિણામ? માયાવતીના હાથીએ બધાને કચડી નાંખ્યા અને 206 બેઠક જીતી લીધી.

No comments: