Wednesday, April 1, 2009

બાપુની આબરુના કાંકરા નહીં પાળિયા થઈ ગયા.....


અમદાવાદમાં બાપૂ એટલે મહાત્મા ગાંધી અને અમારા સુરેન્દ્રનગરમાં બાપુ એટલે બાને જોઇને પાછળથી પુ થઈ જાય તેવો મરદ મૂછાળો। મારાં સુરેન્દ્રનગરના મિત્રોની મંડળી તો બાપુની આ જ વ્યાખ્યા કરતી. અમારા ગામને બાપુઓ તેમના બાપુનો બગીચો જ સમજે છે. ગામના દરેક ચોકમાં દસ-પંદર બાપુ વગર બંદૂકે ભડાકા કરતાં જોવા, જાણવા અને માણવા મળે.

સુરેન્દ્રનગરમાં દરેક બાપુનો રથ બે વેંત ઊંચો હાલે, પણ જગત કરતાં ઊંચા હાલવામાં ક્યારેક આબરૂના કાંકરા નહીં પાળિયા થઈ જાય છે. આવો જ એક કિસ્સો કહું. હું બારમા ધોરણમાં ભણતો ત્યારે અમારી જે એન વી હાઈસ્કૂલ, એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પાછળના ભાગમાં હતી. દિવાળી પહેલાનાં દિવસો હતા. અમે કોલેજના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમીને થાકી ગયા હતા. મેં અને મારા મિત્રો જિજ્ઞેશ સોલંકી, નીલુ જોશી અને વિજ્જુ બાપુએ કોલેજમાં જઇને પાણી પીતા આવીએ એવું નક્કી કર્યું. બાપુ સાથે હોય એટલે આગેવાની તો એમની જ હોય. અમે વીજ્જુભાની આગેવાનીમાં કોલેજના ગ્રાઉન્ડમાંથી આગળના ભાગમાં બિલ્ડિંગ તરફ આગળ વધતાં હતા.

વીજ્જુભાનો સ્વભાવ અસલ બાપુનો। રાજા ગયા, રજવાડા ગયા, પણ વીજ્જુભા તેનો સ્વીકાર કરે તો તો બાપુ નહીં. તેમને આખું જગત તેમના બાપુનો બગીચો જ લાગતું. કોલેજને પણ તેઓ તેમના બાપુની જાગીર જ ગણતા હતા એટલે અમે જ્યારે કોલેજના ગેટ તરફ આગળ વધતાં ત્યારે વીજ્જુ છાતી કાઢીને આગળ વધતો હતો. તેને કલ્પના નહોતી કે છેલ્લાં પાંચ વર્ષથી હાઈસ્કૂલમાં તેણે જે મોટા ભાની છાપ ઊભી કરી છે તેના કરતાં પણ મોટી છાપ તેના ગાલ પર આજે પડી જવાની છે.

તે સમયે કોલેજમાં એટીકેટીની પરીક્ષા ચાલતી હતી। બહાર પોલીસ કર્મચારીઓ બેઠા હતા. તે સમયે પઠાણ કરીને છ ફૂટની ઊંચાઈ ધરાવતો હટ્ટોકટ્ટો પોલીસ ઇન્સ્પેક્ટર પરીક્ષામાં પોલીસ બંદોબસ્ત ચકાસવો આવ્યો હતો. તેણે અમને ચારેયને કોલેજના બિલ્ડિંગ તરફ જતાં જોયો એટલે પૂછપરછ માટે બોલાવ્યાં.

વીજ્જુ બાપુ સ્કૂલમાં મદમસ્ત હાથીની જેમ ફરતાં। તેમને ન કોઈ રોકે, ન કોઈ ટોકે. એટલે પોલીસ ઇન્સ્પેક્ટરની ટકોરથી તેમનો પિત્તો સીધો સાતમા આસમાને પહોંચી ગયો. તેઓ યુદ્ધ કરવા જતાં હોય તેમ ઝડપથી લાલઘૂમ ચહેરા સાથે પીઆઈ પઠાણ તરફ આગળ વધ્યાં. હું, જિગો અને નીલુ ધીમેધીમે વિજ્જુની પાછળપાછળ જતાં હતા. વીજ્જુએ સીધા જઇને પીઆઈ પઠાણને તુમાખીથી પૂછ્યું, 'શું છે? કાં અટકાવ્યાં?' તેની આ મૂર્ખાઈ જોઈ પઠાણ સાહેબ બે ઘડીથી છક્ક થઈ ગયા. તેમને થયું કે આ લઠ્ઠ છે. એટલે તેમણે મારી, જિગા અને નીલુના શરીર સામે દયાભાવથી જોઈ પ્રેમથી કહ્યું કે, કોલેજમાં ન જાવ, એટીકેટીની એક્ઝામ ચાલે છે. પછી પ્રેમથી મારી અને જિગાની માથે હાથ ફેરવી હસતાં હસતાં તે ચાલવા લાગ્યા.

પણ બાપુએ જોરથી પઠાણ સાહેબને કહ્યું, 'એટીકેટીની એક્ઝામ હોય તો હું શું કરું?' પછી તરત જ અમારી સામે જોઇ બાપુ કહે, 'હાલ્યાં આવો મારી વાહેવાહે, જોઉં છું કોણ રોકે છે।' પછી પઠાણ સાહેબને લાગ્યું કે, આની પાછળ પંચર પાડવું પડશે. પહેલાં તો એવી નજર સાથે અમારી સામે જોયું કે પ્રેમથી પાછળ ફરવામાં જ ભલાઈ છે તે અમે જાણી ગયા. પણ બાપુના નસીબ બે ડગલાં આગળ હતા. તેઓ જેવા બે ડગલાં કોલેજના બિલ્ડિંગ તરફ આગળ વધ્યાં કે પઠાણે બાપુને પકડીને એક તમાચો માર્યો ને અમારા ત્રણેયની આંખો બંધ થઈ ગઈ. બાપુના બાર વાગ્યાં. બાપુના ગાલની સાથે કાન પણ લાલ થઈ ગયા. ધ્રુજતાં ધ્રુજતાં વીજ્જુએ પાછી રાડ પાડી, 'હું બાપુ છું.' આ સાંભળતા જ પઠાણ સાહેબે કચીને બીજો તમાચો માર્યો અને પછી તો મેં, જીગા અને નીલુએ એવી દોટ મૂકી જાણે હડકાયું કુતરું અમારી પાછળ ન પડ્યું હોય. કોલેજના મેદાનમાંથી બહાર નીકળી સ્કૂલની બહાર ગુલશન ગોલાવાળાની લારીએ ક્યારે પહોંચી ગયા તેની ખબર જ ન પડી.

ગોલાવાળીની લારીએ પહોંચી અમે ત્રણેય હસીને હસીને ગોટો વળી ગયા. તેવામાં બાપુ લાલ-લાલ ગાલ સાથે આવ્યાં. અમને હસતાં જોઇને મનોમન ગુસ્સે થઈ ગયા. અમને ત્રણેયને એકબાજુ બોલાવ્યાં અને તેમને લાલ ગાલની ગાથા કોઇને ન કહેવાની વિનંતી કરી. બાપુ ઘણા દિવસે ઘામાં આવેલા જોઈ મેં કહ્યું, 'બાપુ, ગુલશનનો ગોળો (બરફનો રસગુલ્લો) ઘણા દિવસથી ખાધો નથી.' બાપુ સમજી ગયા. તેણે તરત જ ગુલશન ગોળાવાળાને ત્રણ રસગુલ્લાનો ઓર્ડર આપ્યો. ગુલશન રસગુલ્લા લઈ આવ્યો ત્યારે તેણે બાપુને પૂછ્યું, 'બાપુ, આ ગાલ કેમ લાલ થઈ ગયા છે?' અને બાપુએ અમારી સામે જોયું. અમે ત્રણેય રસગુલ્લો હાથમાં લઇને સીધા કોલેજના ગ્રાઉન્ડમાં દોડી ગયા. પણ બાપુએ કોલેજના ગ્રાઉન્ડમાં પગ મૂકવાની હિમ્મત ન કરી. અમે પ્રેમથી ગોળો ખાધો. પછી અઠવાડિયા સુધી બાપુ સ્કૂલે ન આવ્યાં.

No comments: