Thursday, April 9, 2009

આ રીતે ભગવાન ભજવાનો શું મતલબ?


કહેવાય છે કે, મન ચંગા તો દિલ ગંગા। મન પવિત્ર હોય, હ્રદય શુદ્ધ હોય તો ઇશ્વરને દિવસમાં એક વખત યાદ કરો તો પણ ચાલે. બાકી આખો દિવસ ગાયત્રી મંત્રના જાપ કરતાં રહો અને જાપ કરતાં કરતાં બીજાની લાઇને કાપી પોતાની લાઇન મોટી કરવાનું દિવાસ્વપ્ન જોતા રહેવું તેનાથી મોટું બીજું કોઈ પાપ નથી.

અમારા એક પરમ પૂજ્ય વડીલ મિત્ર આખો દિવસ ગાયત્રી મંત્રના જાપ કરતાં રહે છે। જ્યારે જુઓ ત્યારે નોટબુકમાં ઓમ ભૂર્ભૂવ સ્વઃ તત્સ...મંત્ર લખતા હોય. પણ જો કોઈ તેમના જેવી જ વ્યક્તિ તેમની પાસે જઇને કુથલી કરવા લાગે એટલે નોટબુક એકબાજુ અને નિંદારસનું સેવન ચાલુ. મને ઘણી વખત થાય કે આ રીતે ભગવાન ભજવાનો શું મતલબ?

મેં તેમને એક વખત પૂછ્યું હતું કે, પરમ પૂજ્ય વડીલ વિદ્વાન, ગાયત્રી મંત્ર લખવાથી તમને અત્યાર સુધી શું ફાયદો થયો? તો ભડનો દીકરો કહે, ગાયત્રી મંત્ર લખવાથી બુદ્ધિમાં વધારો થાય છે અને મારી બુદ્ધિમાં ચાર ગણો વધારો થયો છે। સાચી વાત છે. કોઇની પીઠ પાછળ નિંદા કે કુથલી કરવા પ્રેરતી સમજણને જ આજકાલ બુદ્ધિ ગણવામાં આવે છે. પાછા એ મહાશય વાયડાઈ મારતાં મારતાં કહે છે કે, સમાજને નડવા કરતાં ભગવાનનું નામ લેવું સારું. હવે તું કંઈ ન કર અને ખૂણો ઝાલીને એક બાજુ બેસી રહે તો પણ સમાજ કે ભગવાન, તું કોઈને નહીં નડે.

રામનામ લખો કે ગાયત્રી મંત્ર. તેનો આશય મનની શુદ્ધિ હોવો જોઇએ. કોઈ પણ પ્રક્રિયા યંત્રવત થઈ જાય છે ત્યારે તેમાંથી આત્મા જતો રહે છે. ભક્તિનું પણ એવું છે. સાચા હ્રદયથી ભક્તિ થવી જોઇએ. બે કે પાંચ મિનિટ તમારા ઇશ્વરનું નામ લો પણ અંતરપૂર્વક લો. તમારા અને ઇશ્વરની વચ્ચે કોઈ પડદો ન હોવો જોઇએ. બાકી પોપટની જેમ ભક્તિ કરશો તો મનોવૃત્તિ 'રામનામ જપના, પરાયા માલ અપના' જેવી થઈ જશે અને તમે તમારી સાથે રામના નામને પણ ઠેસ પહોંચાડશો.

No comments: