મૈત્રી એટલે મોજ અને મસ્તીની પાઠશાળા. નિર્દોષ તોફાન અને ધીંગામસ્તીની અલગ જ દુનિયા. અમારા કાઠિયાવાડમાં મિત્રતાને ભાઈબંધી કહે છે. ભાઈબંધ એટલે જેમની વચ્ચે સગા ભાઈ જેવું બંધન છે કે સગા ભાઈ જેવો સ્નેહ છે તેવા મિત્રો. મિત્રો વચ્ચે પ્રેમ કે લાગણીનો સંબંધ રહે તો જ મિત્રતા ટકે. મિત્રતામાં પ્રેમના વળ ચડેલા હોય છે. જેમ જેમ વળ ચડતા જાય તેમતેમ મૈત્રીનો રંગ ઘોળાતો જાય. પણ દુનિયામાં મોટે ભાગે એવું જોવા મળે છે કે, મૈત્રીનો રંગ ઘોળાય તે પહેલાં તો પ્રેમરૂપી વળ ઉતરવાની શરૂઆત થઈ જાય છે. જે મિત્રો 'તેરે જૈસા યાર કહાં, કહાં ઐસા યારાના, યાદ કરેગી દુનિયા તેરા મેરા અફસાના..'ની ગુલબાંગો પોકારતાં હતા તેઓ 'ઐસા ભી દેખો વક્ત જીવન મેં આતા હૈ, અચ્છા ખાસા દોસ્ત ભી દુશ્મન બન જાતા હૈ...' જેવા મળિસયાં ગાય છે. આ માટે ક્યારેક એક મિત્ર તો ક્યારેક બંને મિત્રો થોડા-ઘણા અંશે જવાબદાર હોય છે. આપણે આપણા તરફથી મિત્રતામાં ક્યારેય ચૂક ન થાય તે માટે શું કરવું?
- મનભેદ અને મતભેદ વચ્ચેનો ભેદ સમજવા જેટલી સામાન્ય બુદ્ધિ કેળવવી. (આઇનસ્ટાઇને કહ્યું છે કે, Commonsense is not common. તેમ છતાં ભગવાને જેટલી સામાન્ય બુદ્ધિ આપી હોય તેનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો.) મનભેદ હોય તો મિત્રતા ન ટકે, પણ મતભેદથી મૈત્રીના બંધનમાં કોઈ ફરક ન પડે. મિત્રો વચ્ચે મતભેદને સંપૂર્ણ અવકાશ છે. જો તમારા અને તમારા મિત્ર વચ્ચે કોઈ મુદ્દે મતભેદ હોય તો તેનું સન્માન કરવું જોઇએ. આપણે આપણા જ મત સાચો છે તેમ માની મિત્ર કે મિત્રોના માથે મારવાનો બાલિશ પ્રયાસ ન કરવો. પોતાના જ મતને સાચો માનવો અને બીજા બધાના વિચાર કે મતને ખોટા માનવા એ એક પ્રકારની માનસિક વિકૃતિ છે. આ પ્રકારના અસહિષ્ણુ અને માનસિક વિકૃત લોકો જો તમારા મિત્ર બનવાનો પ્રયાસ કરે તો તેને દૂર જ રાખવા. જો સામે ચાલીને તે તમારી સાથેનો વ્યવહાર બંધ કરી દે તો તેનાથી રૂડું બીજું કશું નથી. ભલું થયું ને ભાંગી જંજાળ....
- દરેક વ્યક્તિનો પોતાનો આગવો સ્વભાવ હોય છે, આગવી પ્રકૃતિ હોય છે. આપણો સ્વભાવ જેવો છે, આપણે જે રીતે બધા સાથે વર્તન દાખવીએ છીએ તેવું વર્તન આપણો મિત્ર પણ આપણી અને બીજા બધાની સાથે કરે તેવી અપેક્ષા રાખવી તે અસામાન્ય માનસિક અવસ્થા એટલે કે માનસિક ગંદકી છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિનું આચરણ બીજા કોઈને નડતરરૂપ ન હોય ત્યાં સુધી તેને કેવી રીતે વર્તવું તેવી સલાહ દેવાનો કોઇને અધિકાર નથી. મને ગુડ મોર્નિંગ કેમ ન કહ્યું, મને આખા દિવસમાં એક વખત મળવા કેમ ન આવ્યો , મારી પાસે બેઠો કેમ નહીં આ પ્રકારના વાંધા તો સ્ત્રીઓ પણ હવે નથી પાડતી. કદાચ એટલે જ પુરુષોએ હવે શરૂ કર્યાં છે.
- મિત્રોને મદદ કરવી જોઇએ અને મદદ કરીએ તેમાં કોઈ નવાઈ નથી. મિત્રોને મદદ કરી હોય તો તેના ઢોલનગારા ન પીટવાના હોય। પણ તમે તમારા મિત્રને મદદ કરો છો ત્યારે તેની પાસેથી કમ-સે-કમ ખરાબ આચરણની અપેક્ષા તો નથીરાખતા. તેમ છતાં જો કોઈ અહેસાનફરામોશ આ પ્રકારનું વર્તન કરે તો તેને ક્યારેય મદદ ન કરવાની પ્રતિજ્ઞા લઈ લો. સાપને દૂધ પીવડાવવાનો કોઈ અર્થ નથી. તે ઝેર ઓકવા સિવાય બીજું કશું ન કરી શકે. કિંગ કોબ્રા જેવા કાળોતરા સાપ મદારીઓ પાસે જ સીધા ચાલે, માણસ પાસે નહીં. કૂતરાંને પણ રોટલી ખવડાવો તો તે તમારી સામે ક્યારેય ભસતા નથી, પણ ઘણા માણસો શ્વાનકક્ષામાં સ્થાન મેળવવાની લાયકાત ધરાવતા નથી.
- સ્વાર્થપરાયણ મિત્રોથી દૂર રહેજો. કોઈ અજાણી વ્યક્તિ નિખાલસ ભાવે મદદ માગે તો તેને કોઈ પણ અપેક્ષા વિના મદદ કરવી જોઇએ. પણ જાણીતી વ્યક્તિ જરૂર પડે ત્યારે તમને યાદ કરે અને જરૂર પૂરી થાય પછી તરત જ તમારી તમને જાણીજોઇને હેરાન-પરેશાન કરે તો તેને મિત્ર બનાવતાં પહેલાં સો વખત વિચારજો અને ભૂલથી મિત્ર બની ગયો હોય તો તેની સાથે સંબંધ કાપી નાંખતા એક ક્ષણ પણ વિચાર કરતાં નહીં.
- મજાક-મશ્કરીમાં એક પ્રકારનો વિવેક હોય છે. માન-સમ્માન મેળવવું હોય તો પહેલાં બીજાને આપવું પડે. મિત્રતાના નામે અનેક લોકો ક્યારેય અજાણતાં તો ક્યારેક જાણી જોઇને વિવેકબુદ્ધિ નેવે મૂકીને તમારા વિરૂદ્ધ ઝેર ઓકતાં હોય તો તેની સાથે વ્યવહાર ન રાખવામાં જ ડહાપણ છે.
- જે વગર વિચાર્યું બોલે છે તેને ક્યારેય મિત્ર ન બનાવતા અને તેનો વિશ્વાસ ક્યારેય ન કરતાં. જે વ્યક્તિ વિચાર કર્યા વિના બોલે છે તેને બોલ્યાં પછી પોતાનો બચાવ કરવાં વધારે વિચાર કરવો પડે છે. આ પ્રકારની વ્યક્તિમાં સમજણ ઓછી અને વાયુ પ્રકૃત્તિ વધારે હોય છે. ક્યારેક બડાશ હાંકવામાં આ પ્રકારની વ્યક્તિ અર્થનો અનર્થ કરી ગમે તેને ફસાવી દેતી હોય છે.
- હું પણ સાચો, તું પણ સાચો. આ પ્રકારનો અભિગમ કેળવવો. શક્ય હોય ત્યાં સુધી વાદવિવાદ ટાળો. નાની નાની વાતોને વાદવિવાદનું સ્વરૂપ આપતાં લોકોથી દૂર રહો.
- મિત્રતામાં કોઈ ગેરસમજણ પ્રવર્તે ત્યારે સામસામે બેસીને ખુલ્લા દિલે સ્પષ્ટતા કરી લેવી સારી. ત્રીજી વ્યક્તિ તમારા અને તમારા મિત્ર વિશે કોઈ પણ પ્રકારની, ખાસ કરીને તમારી મિત્રતામાં મનભેદ ઊભા થાય તેવી વાત વાત કરે તો તેનો ક્યારેય વિશ્વાસ ન કરવો.
ઓમ નમોઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર
No comments:
Post a Comment