વેદોમાં એક શબ્દ વારંવાર આવે છેઃ 'નિર્ભયતા.' કોઈ પણ જાતનો ડર ન રાખો. ભય એ નબળાઈની નિશાની છે. તે આપણો મોટામાં મોટો શત્રુ છે. દુનિયા મશ્કરી કરે કે તિરસ્કાર, તેની પરવા કર્યા વિના માણસે પોતાનું કર્તવ્ય બજાવવું જોઇએ.
તમે જે કંઈ વિચાર કરો છો તેનું સ્વરૂપ તમે બની જાઓ છો। તમારે જો વિચાર કરવા જ હોય તો સારા વિચાર કરો, મહાન વિચાર કરો. તમે નિર્બળ ક્ષુદ્ર કીડા છો એમ શા માની લો છો? અમે નિર્બળ છીએ, અમે નિર્બળ છીએ, એમ કહ્યાં કરવાથી આપણે નિર્બળ જ બનતા જઇએ છીએ. હું પાપી છું એમ કહ્યે મારું શું ભલું થવાનું છે? હું જો અંધારામાં હોઉં, તો મારે દીવો સળગાવવો જોઇએ; દીવો સળગાવો એટલે બધો અંધકાર દૂર થઈ જવાનો. છતાં માનવનો સ્વભાવ કેવો વિચિત્ર છે ! તમે તેમને સત્ય બતાવો તો પણ તેઓ તે જોતા નથી; લોકોને અંધારું જ વધુ ગમે છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે, ઓછેવત્તે અંશે આખી માનવજાત પાગલ છે, તે સાવ સાચું લાગે છે.
જીવનનું સઘળું રહસ્ય નિર્ભય બનવામાં છે. તમારું શું થશે તેનો ભય રાખો નહિ; કોઈ પર આધાર ન રાખશો. જ્યાં સુધી ઈશ્વર આપણી 'ઉપર' છે ત્યાં સુધી નિર્ભયતા શક્ય નથી. આપણે ઈશ્વર 'થવું' જોઇએ. વીર બનો. હંમેશા બોલોઃ 'મનો કોઈ ડર નથી,' દરેકનો કહોઃ 'નિર્ભય બનો.' ભય તે મૃત્યુ છે, ભય તે પાપ છે, ભય તે નરક છે, ભય તે અધમ છે, ભય તે મિથ્યા જીવન છે. ભય એ જ મૃત્યુ છે. તમારે સર્વ પ્રકારના ભયથી પર જવાનું છે, માટે તમારું જીવન હોમી દેવા તત્પર બનો.
No comments:
Post a Comment