Tuesday, April 21, 2009

પ્રભાકરન: તમિળ પ્રજાની જીવંત દંતકથા


"દુશ્મનોના હાથમાં ઝડપાઈ જવાને બદલે હું મરી જવાનું વધારે પસંદ કરીશ," આ શબ્દો છે શ્રીલંકાની સરકારના સૌથી મોટા દુશ્મન વેલ્લુપિલ્લાઈ પિરાપહરન એટલે કે વેલ્લુપિલ્લાઈ પ્રભાકરનના. તમિળ પ્રજા સહિત સમગ્ર વિશ્વની નજર અત્યારે શ્રીલંકા પર છે. શ્રીલંકાની સરકારે પ્રભાકરનને આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી છે. શું પ્રભાકરન આત્મસમર્પણ કરશે? કે પછી તેના ગળામાં હંમેશા લટકતી રહેતી સાઇનાઇડની ગોળી ગળી જશે?

1984માં 'સન્ડે' નામે એક જાણીતું ન્યૂસ મેગેઝિન પ્રકાશિત થતું હતું. તેના 11-17 માર્ચ, 1984ના અંકમાં પ્રભાકરનનો વિસ્તૃત ઇન્ટરવ્યુ પ્રકાશિત થયો ત્યારે ભારત સહિત શ્રીલંકામાં નકલો ચપોચપ વેચાઈ ગઈ હતી. અનિતા પ્રતાપ નામની સાહસિક યુવા મહિલા પત્રકાર પ્રભાકરનના જીવનનો પહેલો ઇન્ટરવ્યૂ લઈ આવી હતી. આ મુલાકાતમાં પ્રભાકરને દુશ્મનો હાથમાં ઝડપાઈ જવાના બદલે એડોલ્ફ હિટલરની જેમ પોતાના હાથે જ પોતાના જીવનનો અંત લાવવાની જાહેરાત કરી હતી.

અત્યારે શ્રીલંકાના લશ્કર વચ્ચે ઘેરાઈ ગયેલો પ્રભાકરન તમિળ વિદ્રોહનું પ્રતિક છે. એ તમિળ પ્રજા માટે ફિડેલ કાસ્ટ્રો કે યાસર અરાફત છે. તે જીવનને જ દર્શન માને છે. ઇતિહાસમાંથી હંમેશા માર્ગદર્શન મેળવતાં પ્રભાકરનનો ઇતિહાસ જાણવા જેવો છે.

માછીમાર પરિવારમાં જન્મેલો પ્રભાકરન જોરદાર નિશાનેબાજ છે. એકસો કદમ દૂરથી તે સચોટ નિશાન લગાવી શકે છે. આંખો પર પાટા બાંધીને ગણતરીની ક્ષણમાં રિવોલ્વરના પૂર્જા ખોલી શકે છે અને ફરીથી ફિટ કરી શકે છે. ગરીબ પ્રજામાંથી પ્રથમ કક્ષાના સૈનિકો તૈયાર કરવામાં તેની માસ્ટરી છે. તેના પિતા મધ્યમવર્ગીય સરકારી કર્મચારી હતા. નેપોલિયન, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ તેના આદર્શ છે. તે સશસ્ત્ર લડતના માર્ગે જ આઝાદી મેળવવામાં માને છે.

પ્રભાકરનનું નામ પહેલી વખત 1975માં ચમક્યું હતું. તેણે જાફનાના મેયર આલ્ફ્રેડ દુરાઈઆપ્પા પર જાહેરમાં ગોળીબાર કરી ઉડાવી દીધો હતો. આ પહેલાં તેના ગ્રૂપે જાફનામાં જ દુરાઈઆપ્પા સ્ટેડિયમમાં બોમ્બવિસ્ફોટો કર્યા. 1978માં લંકાના જેટ વિમાન એરપોર્ટ પર જ ઉડાવી દીધું. તમિળ પ્રજાને નિશાન બનાવતાં સિંહલ પોલીસ અધિકારી બસ્તી આમપલ્લીને પકડીને જાહેરમાં ફાંસી આપી દીધી અને 1983માં? 1983માં પહેલી વખત શ્રીલંકાની સરકારને તેની સાચી તાકાતનો અહેસાસ થયો. પ્રભાકરન અને તેના ટાઇગરોએ લંકાના સૈન્ય પર હુમલો કરી 13 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા....કોલંબોમાં ફફડાટ અને પછી તમિળો અને સિંહાલીઓ વચ્ચે હુલ્લડો....પછી ક્રાંતિ લોહી માગે છે તેવું માનતા પ્રભાકરનના દિલમાં પ્રેમરૂપી પુષ્પનું બીજ રોપાયું.

1984માં નવ તમિળ વિદ્યાર્થીઓને કેન્ડીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતા. તેમને જાફના યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો હતો. આ માટે તેઓ આમરણાંત ઉપવાર પર ઉતર્યા હતા. તેમાં ચાર વિદ્યાર્થીનીઓ હતી. તેમાંથી એક છોકરીના પ્રેમીએ પ્રભાકરનને તેની પ્રેમિકાને ભૂખે મરતી બચાવી લેવાની વિનંતી કરી. પ્રભાકરને નવેનવ વિદ્યાર્થીઓનું અપહરણ કરીને તેમને મદ્રાસ પહોંચાડી દીધા. તેમાં એક છોકરી મતાવદાની હતી. તે મદ્રાસ પહોંચી ગઈ પણ પ્રભાકરનની હિમ્મત અને મર્દાનગી તેને સ્પર્શી ગઈ. શરીર મદ્રાસમાં હતું, પણ દિલ ટાઇગર પાસે હતું. પ્રભાકરન પણ મતાવદાની પર ફિદા થઈ ગયો હતો. મતાવદાની લંકા પાછી ગઈ અને પ્રભાકરને પરણી ગઈ. તેમને બં સંતાનો છે. પુત્ર એન્ટન સિલન અને પુત્રીનુ નામ? દ્રૌપદી! પ્રભાકરને તેના બહાદુર સાથી ચાર્લ્સ એન્ટન સિલન પરથી તેના દિકરાનું નામ રાખ્યું છે.

તેણે ક્યુબામાં લશ્કરી તાલીમ લીધી છે એવી વાતો પણ થાય છે. તમિળ પ્રજાની આઝાદી માટે તેણે તેના સૈનિકોમાં મરી ફિટવાની ભાવના ઠાંસીઠાંસીને ભરી દીધી છે. તમિળ ગેરીલા યોદ્ધા ભૂખે મરી જવાનું પસંદ કરે છે, પણ સિંહલ લશ્કરને શરણે જતાં નથી. પ્રભાકરન જબરદસ્ત શિસ્તમાં માને છે. તેના સૈનિકો શુરા અને સુંદરીઓથી દૂર રહે છે. તેઓ ગળામાં એક ડબ્બીમાં સાઇનાઇડ રાખે છે. દુશ્મનોના હાથમાં પકડાય તો તેની સામે જ સાઇનાઇડની ગોળી ગળી જઈ હસતાં-હસતાં દુનિયાને અલવિદા કહેતાં અચકાતાં નથી. પ્રભાકરન કદાચ તેના જીવનની નિર્ણાયક લડાઈ લડી રહ્યો છે. રાજીવ ગાંધીની હત્યા કરવાની જે ભૂલ કરી તેની સજા ભોગવી રહ્યો છે. અને અત્યારે કોંગ્રેસ શું કરી રહી છે? રાજીવ ગાંધીએ જે ભૂલ કરી હતી તે જ ભૂલનું કદાચ પુનરાવર્તન...

No comments: